સત્યનો શુદ્રાવતાર

આપણી પેલી આશંકા સાચી હોય કે પછી કવિતા વિશેની પ્લેટોની દૃષ્ટિમાં કંઈ ફેરફાર થયો હોય, ‘રિપબ્લિક’માં તો પ્લેટો ઉઘાડે છોગે કવિતાની સામે પડે છે. પ્રચલિત માન્યતા તો એવી હતી કે કવિનું ગાન ઈશ્વરપ્રેરિત હોઈ એમાં પરમ સત્ય સમાયેલું હોય છે. પ્લેટો તો અહીં એમ સાબિત કરવા મથે છે કે કવિતા અનુકરણાત્મક કલા હોઈ અસત્યમય છે, બુદ્ધિથી નહીં પણ પ્રેરણાથી લખાતી હોઈ વિશેષ અસત્યમય. બીજી વાત પ્લેટો એ કરે છે કે કવિતા આત્માના હીન અંશોને ઉત્તેજે છે, અને પરિણામે માનવસમાજ માટે એ અહિતકર છે. કવિતા વિશેનાં પ્લેટોનાં મુખ્ય પ્રતિપાદનો આ બે. પહેલા પ્રતિપાદન તરફ પ્લેટો કઈ રીતે પહોંચે છે તે આપણે જોઈએ. ફિલસૂફ તરીકે પ્લેટો ભાવનાવાદી – અધ્યાત્મવાદી ફિલસૂફ છે. એમને મન આ જગત અને આ જગતના પદાર્થો નશ્વર છે, છાયારૂપ છે. પરિવર્તનશીલ છે, માટે અસત્યમય, મિથ્યાસ્વરૂપી છે. બધા પદાર્થોનું કોઈ શાશ્વત રૂપ (આઇડિઆ) હોય છે, જે એક અને અફર છે, અને એ જ સત્ય છે. એને પામવું એ માનવજીવનનું પરમ કર્તવ્ય છે; એને મનથી, બુદ્ધિથી, તત્ત્વચિંતનથી પામી શકાય છે. પ્લેટોની આ વાત આપણે ઉદાહરણથી સમજીએ. રાતી વસ્તુઓ અનેક હોય છે, પણ રતાશનું મૂળ રૂપ – ‘આઇડિઆ’ – તો એક જ છે. સુંદર પદાર્થો અનેક હોય છે. પણ સૌંદર્યની મૂળ ભાવના તો એક જ છે. એક રાતી વસ્તુ બીજી રાતી વસ્તુથી જુદી દેખાય છે. એક સુંદર પદાર્થ બીજા સુંદર પદાર્થથી જુદો દેખાય છે, પણ આ તો આભાસ છે. પરમ સત્ય છે એની પાછળ રહેલું શાશ્વત ભાવનારૂપ. પદાર્થોના આ ભાવનારૂપોનો સર્જક માત્ર ઈશ્વર જ છે. માણસ ભાવનારૂપોને સર્જી શકતો નથી. એ કોઈ પણ વસ્તુનું નિર્માણ કરે છે ત્યારે તે ઈશ્વરનિર્મિત ભાવનારૂપની નકલ જ કરતો હોય છે. દાખલા તરીકે, સુતાર જ્યારે પલંગ બનાવે છે ત્યારે તે ઈશ્વરે નિર્મેલી પલંગની ભાવનાનું અનુકરણ જ કરે છે અને પલંગનું ચિત્ર દોરનાર ચિત્રકાર? એ વળી સુતારે બનાવેલા પલંગનું અનુકરણ કરે છે. પલંગ અને પલંગના ચિત્રનું પ્લેટોએ લીધેલું ઉદાહરણ ખૂબ સૂચક છે. કલાસર્જનનો વ્યાપાર તે હીન પ્રકારનો અનુકરણવ્યાપાર, અક્કલ વિનાની નકલ છે એમ સમજવા માટે આથી સારું ઉદાહરણ કયું હોઈ શકે? પણ પ્લેટોની દલીલ કઈ રીતે આગળ વધે છે તે જોઈએ. પ્લેટોનું આ એક ગૃહીત છે કે અનુકરણમાં મૂળનું સત્ય કંઈક ઝાંખું પડે, અને તેથી અનુકૃતિ સત્યથી એક ડગલું દૂર જ હોય. પલંગ બનાવનાર સુતાર સાચેસાચા અસ્તિત્વનું નિર્માણ કરી શકતો નથી, પણ અસ્તિત્વ ધરાવતા ભાવનારૂપને કંઈક મળતી આવતી વસ્તુ બનાવે છે. એની કૃતિમાં સત્યની અભિવ્યક્તિ હોય છે, પણ અસ્પષ્ટ ચિત્રકારનું ચિત્ર તો અનુકૃતિનીયે અનુકૃતિ હોવાથી, એ તો સત્યથી એક નહીં પણ બે ડગલાં દૂર ગણાય. આટલુંયે પૂરતું નથી. પ્લેટો એક બીજો ભેદ પણ કરે છે. સુતાર જ્યારે પલંગ બનાવે છે ત્યારે તે પલંગ શી ચીજ છે, એનો શો ઉપયોગ છે અને એ કેમ બને છે – એ બધું બરાબર જાણીસમજીને પલંગ બનાવે છે, પણ પેલો ચિત્રકાર? એને તો પલંગમાં કયું લાકડું જોઈએ, પલંગ બનાવવા માટે કયાં સાધનો જોઈએ અને પલંગ કેમ બને એનું કશુંયે જ્ઞાન છે? જ્ઞાન વિના જે કંઈ બને એ કેટલું ભ્રામક હોય? ચિત્રકારનું ચિત્ર આ રીતે વસ્તુસ્વરૂપના જ્ઞાન વિનાનું અને ભ્રામક હોય છે. બીજી પણ એક વાત છે. ચિત્રકાર પલંગનું ચિત્ર દોરે છે તે કંઈ પલંગ જેવો છે તેવાનું નહીં પણ એના ‘દેખાવ’ (અપિઅરન્સ)નું પલંગ પ્રત્યે સીધી નજરે જોઈ શકાય અને ત્રાંસી નજરે પણ જોઈ શકાય; આગળથી જોઈ શકાય તેમ પાછળથી પણ જોઈ શકાય; ઉપરથી જોઈ શકાય, નીચેથી પણ જોઈ શકાય અને દરેક વખતે પલંગ જુદો ‘દેખાય’ છે – પલંગના વાસ્તવિક સ્વરૂપમાં કશો ફેર નથી પડ્યો હોતો છતાં. પલંગના માત્ર દેખાવનું – એના કોઈ પાસાનું, અને તેયે કશી જાણકારી વિના અનુકરણ કરનાર ચિત્રકારની કૃતિમાં તો સત્ય કેટલો સ્થાનભ્રંશ પામ્યું કહેવાય? સત્યનો આ સ્થાનભ્રંશ શાને આભારી છે? સાધનનેસ્તો; સાધન ભ્રષ્ટ તો સાધ્ય પણ ભ્રષ્ટ, કલાનું સાધન છે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો એવી ફોસલામણી છે કે એ દ્વારા સત્યની પ્રાપ્તિ થવી અશક્યવત્‌ છે. આપણી દૃષ્ટિની જ વાત કરોને! કોઈ પણ પદાર્થ આપણને નજીકથી જોતાં મોટો દેખાય છે અને દૂરથી જોતાં નાનો દેખાય છે; લાકડી પાણીની બહાર સીધી દેખાય છે પણ એનો એક છેડો પાણીમાં નાખીએ તો એ વાંકી હોય એવો આભાસ થાય છે. આપણી દૃષ્ટિનો આ દોષ છે, એ પ્રકાશછાયાની અને એવી બીજી કરામતોથી છેતરાય છે. સદ્‌ભાગ્યે આપણી પાસે વજનનાં, માપનાં, ગણતરીનાં સાધનો છે (બુદ્ધિએ ઉપજાવેલાં જ તો!) અને એની મદદથી આપણે, પદાર્થોના દેખીતા સ્વરૂપથી ન છેતરાતાં, એના વાસ્તવિક રૂપનું સાચું જ્ઞાન મેળવી શકીએ છીએ. પણ ચિત્રકળા કંઈ ત્રાજવાંકાટલાં, ફૂટપટ્ટી ને ગણિતનો ઉપયોગ નથી કરતી. એ તો ‘દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ ઊભી કરે છે. એમાં સત્ય ક્યાંથી આવે? પલંગ સત્યથી એક ડગલું દૂર, પલંગનું ચિત્ર કેટલાં ડગલાં દૂર? અનુકરણનુંયે અનુકરણ માટે બે ડગલાં દૂર, ‘દેખાવ’નું અનુકરણ માટે ત્રણ ડગલાં દૂર, જ્ઞાનથી નહીં પણ ઇન્દ્રિયોની સહાયથી કરેલું અનુકરણ માટે ચાર ડગલાં દૂર. પલંગના ઈશ્વરનિર્મિત ‘પરમ સત્ય’ની શી વિડંબના! આવી પરમ અસત્યમય કલાને આપણા જીવનમાં સ્થાન કઈ રીતે આપી શકાય? પ્લેટોએ કવિતાકળાની નહીં પણ ચિત્રકળાની વાત પહેલી કરી કેમ કે, અનુકરણનો સિદ્ધાંત ત્યાં સરળતાથી લાગુ પાડી શકાય તેમ હતો. છતાં એ કવિતાને પણ આખી વાત લાગુ પાડી આપે છે ખરા. કવિતાનો વિષય શો છે? આ બાહ્ય પરિવર્તનશીલ (માટે તો વિનશ્વર, માયારૂપ) સંસાર, એમાં જોવા મળતાં ભિન્નભિન્ન પ્રકારનાં માનવચરિત્ર એના ગુણો, દુર્ગુણો ઇત્યાદિ. પણ આ માનવચરિત્રનું રહસ્ય – એને સારું કે નરસું કઈ રીતે બનાવી શકાય – એ વિશે કવિઓ જાણે છે ખરા? જાણતા હોય તો આપણે એમને પૂછીએ – પ્લેટો તો હોમરના જ કાન પકડે છે – “ભાઈ. કહો તો ખરા, કદી કોઈ રાજ્ય સારી રીતે ચલાવવામાં તમારી મદદ કામ આવી હતી ખરી?” આનો અર્થ તો એ થાય કે કવિતા સારી કે ખરાબ રીતે વર્તતા માણસોનું અનુકરણ માત્ર કરી શકે છે, એને સારા કે ખરાબપણાની ભાવનાનું, એના પ્રેરક હેતુઓનું, એના ઉપાયોનું જ્ઞાન નથી. આમ કવિ પણ બાહ્ય દેખાવનું જ, અને તે પણ પૂરી જાણકારી વગર, અનુકરણ કરે છે. તેથી એની કવિતા પણ સત્યથી ભ્રષ્ટ છે. અહીં પ્લેટોને પેલી પ્રેરણાવાળી વાત કામ આવે છે. કવિઓ લખે છે તે પ્રેરણાવશ થઈને – આવેશમાં આવીને – લાગણીથી. હવે લાગણી એ કંઈ કોઈ પણ પદાર્થના સત્યસ્વરૂપને પામવાનું સાધન નથી. લાગણીને એક વખતે જે સારું લાગ્યું તે બીજી વખતે ખરાબ લાગશે. માનવપ્રકૃતિનું રહસ્ય શોધવાને માટે ખરું સાધન તો બુદ્ધિ કે તત્ત્વજ્ઞાન છે, લાગણી કે કવિતા નહીં. કવિતા પણ આમ સત્યથી અનેક ડગલાં દૂર છે, એક મિથ્યા પ્રવૃત્તિ છે. ઠીક છે, કવિતામાં રાંગીત હોય છે અને આપણે એનાથી લોભાઈએ છીએ, પરંતુ સંગીતનો ચળકાટ ઉતારી લઈએ અને એને સાદા ગદ્યમાં રજૂ કરીએ તો કવિતા કેવી વિધવાવેશ લાગે – તપસ્વી મૂર્તિ લાગે! પ્લેટો આ રીતે કવિતાને પણ ચિત્રકળાની જેમ સત્યથી અનેકધા ભ્રષ્ટ સાબિત કરે છે. અંતે એ કહે છે કે અનુકરણાત્મક કલા એ જાતે શુદ્ર છે, શુદ્ર સાથે પરણે છે, પછી એનાં સંતાનો પણ શુદ્ર જ જન્મેને?૪ વસ્તુસ્વરૂપના સત્યની પરીક્ષા કરવાની પ્લેટોની આ રીતિમાં એના અભ્યાસવિષય ગણિતશાસ્ત્રની અસર પણ જોઈ શકાય.૫ ગણિતશાસ્ત્રીની દૃષ્ટિએ પદાર્થોનું સત્ય એના મૂળ ભાવનારૂપોના સત્યમાંથી જ આવે છે. પદાર્થોના સત્ય ઉપર એ ભાવનારૂપોનું સત્ય અવલંબતું નથી. કદાચ એવું પણ બને કે એ ભાવનારૂપ કે મૂળભૂત ખ્યાલને પૂરેપૂરો યથાતથ વ્યવહારમાં ઉતારી ન શકાય, છતાં એથી એ કંઈ ખોટો ઠરતો નથી. ઉદાહરણ તરીકે, રેખાનો સિદ્ધાંત લો. રેખાની વ્યાખ્યા શી છે? ‘જેને લંબાઈ છે પણ પહોળાઈ નથી.’ વાસ્તવમાં આવી રેખા કંઈ જોવામાં નથી આવતી, છતાં રેખાની વ્યાખ્યા તો સાચી જ રહે છે અને કોઈ પણ ભૌતિક રેખા જેટલે અંશે રેખાના આ ધર્મોને રજૂ કરતી હોય તેટલે અંશે જ એ ‘સાચી’ ગણાય. પ્લેટો વાસ્તવિક જગતના પદાર્થોના અને કલાના સત્યની પરીક્ષા આ રીતે કરે છે તે દેખીતું છે.