અનુબોધ/અદ્યતન ગુજરાતી કવિતા : વિલક્ષણ ઉન્મેષો

Revision as of 02:31, 16 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અદ્યતન ગુજરાતી કવિતા :
કેટલાક વિલક્ષણ સર્જનાત્મક ઉન્મેષો

સ્વાતંત્ર્યોતર ગુજરાતી સાહિત્યના વિસ્તરતા દૃશ્યપટ પર એની વિવિધરંગી ઝાંયવાળો, કવિતાનો વિશાળ પ્રવાહ સ્વયં એક ભાતીગળ ચિત્ર રચે છે. એમાં ઉમાશંકર–સુંદરમ્‌ અને રાજેન્દ્ર–નિરંજનની કાવ્યપ્રવૃત્તિનું અનુસંધાન જાળને વહેતાં રહેલાં નાનાં-મોટાં કાવ્યવહેણોની વચ્ચેથી અદ્યતનતાના ચિત્રવિચિત્ર સંસ્કારોવાળી નવી શૈલીની કવિતાનું એક બળવાન વહેણ ૧૯૫૫ની આસપાસમાં આરંભાતું દેખાય છે. દાયકા-દોઢ દાયકા સુધી એ વહેણમાં વેગ અને સંક્ષોભ જારી રહ્યાં. એ પછી એ જોમવંતો પ્રવાહ અન્ય પ્રવાહોમાં ભળી જતો દેખાય છે. છેલ્લા ત્રણેક દેખાય છે, ક્યાંક તે પરસ્પરમાં ભળે છે અને અલગ થાય છે. આમ, આપણી કવિતાના વિશાળ પ્રવાહમાં અનેક વાર રંગો પલટાતા રહેલા દેખાય છે. આ કારણે જ તો, એને વિષે સર્વસામાન્ય અને વ્યાપક રૂપની ચર્ચાવિચારણા કરવાનું મુશ્કેલ બની જાય છે. ખાસ તો, અદ્યતન કવિતાના વિવિધ સર્જનાત્મક પ્રયોગો અને જૂનીનવી શૈલીની અન્ય કવિતા વચ્ચે સાતત્ય અને સંબંધો સ્થાપવાનું અત્યંત વિકટ બને છે. હકીકતમાં, આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતા જે રીતે વિકસતી-વિસ્તરતી આવે છે, તેનાં સંવેદન અને તેની શૈલીને સંસ્કાર અને આકાર આપનારાં આંતરબાહ્ય પરિબળો અનેક છે ગાંધીયુગની કવિતાની સામે આ સમયગાળાની કવિતા કેટલુંક મૂળગામી પરિવર્તન બતાવે છે. વળી તરુણ પેઢીના અનેક કવિઓએ આ ક્ષેત્રમાં પ્રયોગો કરવાનું બળવાન વલણ કેળવેલું દેખાય છે. આગલી પેઢીના કવિઓએ ખેડેલાં ઊર્મિ-કાવ્ય, ખંડકાવ્ય, જેવાં રૂઢ પ્રચલિત કાવ્યસ્વરૂપો, તેના દૃઢ સુરેખ કાવ્યબંધ, અને સિદ્ધ રચનાશૈલીનો ત્યાગ કરી નવાં રૂપો, નવા રચનાબંધ અને નવી જ રચનાશૈલી નિર્માણ કરવાની દિશામાં તેમણે પ્રયત્નો કર્યા છે. કાવ્યકળા અને સર્જકતા વિષે કશીક સ્પષ્ટ-અસ્પષ્ટ નવી અભિજ્ઞતાથી તેઓ પ્રેરાયા દેખાય છે. એ રીતે તેમની કાવ્યપ્રવૃત્તિમાં, સંવેદન અને અભિવ્યક્તિ, કવિકર્મ અને સર્જકતા, કાવ્યકળાનું સ્વરૂપ અને તેનાં પ્રયોજનો – એ મૂળભૂત બાબતોમાં પરસ્પર ભિન્ન અનેક નવાં વિચારવલણો અસર પાડતાં રહ્યાં છે. આ પ્રકારની સાહિત્યિક પરિસ્થિતિ પાછળ દૂરનાં-નજીકનાં, પ્રગટ-અપ્રગટ, સ્થૂળ-સૂક્ષ્મ, ભૌતિક-આધ્યાત્મિક, અનેક પ્રકારનાં વૈચારિક પરિબળો રહેલાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી આપણા દેશમાં તેમ જ સમગ્ર વિશ્વમાં જે એક પ્રકારની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કટોકટીનો અનુભવ સર્જકો-ચિંતકોને થવા લાગ્યો, અને માનવસમાજની વિષમતા, વ્યાપક અરાજકતા, માનવની નિયતિ વિષેનો સંશય, વ્યક્તિની મૂળભૂત વિચછિન્નતા અને વિસંવાદિતાએ તેમને જે રીતે સંચિત કર્યા, તેને પરિણામે આપણા સાહિત્યજગતમાં પણ નવાં જ આંદોલનો થયાં. એમાં પાશ્ચાત્ય અદ્યતનવાદી સાહિત્યનો માર્મિક સંબંધ સ્થપાયો. આપણો તરુણ કવિ પણ વ્યાપક વિષમતાનો બોજ અનુભવવા લાગ્યો. અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો વિષે તેનું ધ્યાન ખેંચાયું. મહાનગરના જીવનની પ્રાણઘાતક ભીંસ, સમૂહ વચ્ચે વ્યક્તિજીવનની એકલતા, આ જગતમાં પરાયાપણું, કૃત્રિમ સભ્યતા અને યાંત્રિક સંસ્કૃતિની પાણ્ડુતાનું તીવ્ર કરુણ ભાન, જ્ઞાન વિજ્ઞાનની સિદ્ધિઓ પરત્વે અભાવો અને અશ્રદ્ધા, કૃત્રિમ સંસ્કારી જીવન માટે ની ઉબક, અંદરની અને બહારની વિચ્છિન્નતા, અસ્તિત્વની બોજિલતા, વંધ્યતા, નિસ્સારતા, નિર્ભ્રાંતિ, અને શૂન્યતા – આવાં નિરાશાવાદી વલણો તરુણ કવિમાં પ્રગટ થયાં. ગાંધીયુગની ભાવનાઓ, એ યુગનો માંગલ્યવાદ, એ સમયગાળાનાં પ્રચલિત મૂલ્યો અને સમાજાભિમુખતા, એ સર્વ સામે તીવ્ર પ્રતિક્રિયા આરંભાઈ. આ પ્રકારની આબોહવામાં પશ્ચિમના સર્જકો અને ચિંતકોનાં વિશેષતઃ હતાશાવાદી વિચારવલણો આપણી નવી પેઢીમાં ઊતરી ગયાં. પણ આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતાના અભ્યાસીને એક રસપ્રદ ઘટના નોંધ્યા વિના ચાલે એમ નથી. અને તે એ કે માનવીય અસ્તિત્વવિષયક સંશયવાદી વલણોના પ્રગટીકરણની સાથે સાથે સર્જકતાનો એક નવો ખ્યાલ પણ સમર્થ રીતે સાકાર થતો ગયો. માનવઅસ્તિત્વને પામવાને કવિનો અભિગમ બદલાયો, તે સાથે જ તેની રચનાશૈલી પણ બદલાઈ. તરુણ કવિને હવે સામાજિક-ઐતિહાસિક પ્રશ્નોમાં રસ રહ્યો નહિ. અસ્તિત્વના ખુદના પ્રશ્નોએ તેને રોકી લીધો. અંતર્મુખી બનીને તેણે આત્મખનનની પ્રવૃત્તિ આદરી. અસ્તિત્વની ખોજ તે જ કાવ્યસંવેદનની પ્રક્રિયા બની રહી. પૂર્વજ્ઞાત નવા વિચાર કે સંવેદનને માટે અભિવ્યક્તિની નવી રીતિ પ્રયોજાઈ એમ નહિ, પણ સંવેદનાની અંતર્ગત ભાષાકર્મરૂપે, અને ભાષાકર્મ દ્વારા, અભિવ્યક્તિની પ્રક્રિયા પ્રવર્તતી રહી, એમ કહેવું જોઈએ. બીજી રીતે કહીએ તો, સંવેદન અને અભિવ્યક્તિ વચ્ચે આનુપૂર્વીના ક્રમનો લોપ કરી નાખવાનો તેનો પ્રયત્ન રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમની પ્રતીકવાદી અને અસ્તિત્વવાદી કવિતાએ સર્જનની પ્રક્રિયા વિષે તેનામાં નવી જ સભાનતા જગાડી. હવે કવિકર્મ, માધ્યમની શક્તિ-આશક્તિ, અને રચનાપ્રક્રિયા પરત્વે ઉત્કટ અભિજ્ઞતાથી કાવ્યલેખનની પ્રવૃત્તિ આરંભાઈ. આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં, ખરેખર તો, બે વિભિન્ન દિશામાં ગતિ કરતાં બળોનો સંઘર્ષ જોવા મળે છે. એક બાજુ, અંદર-બહારની કૂટ દુર્ભેદ્ય અસ્તિતાને પામવાનો પ્રયત્ન છે; બીજી બાજુ, સર્જનની રમણા અર્થે માત્ર માધ્યમરૂપ શબ્દો જોડે સ્વૈરવિહાર કરવાની કામના છે. આત્યંતિક કોટિએ બંને બળો જુદાં જ પરિણામો લાવે છે. એમ નોંધવું જોઈએ કે જ્યાં એવાં બળો સાથે કામ કરતાં રહ્યાં છે, ત્યાં પરિણામ વધુ સુંદર આવ્યું છે. પ્રયોગશીલતા એ અદ્યતન કવિતાનુંં બળવાન વલણ રહ્યું છે એ હકીકતને પણ આપણે સતત લક્ષમાં રાખવી જોઈએ. આપણી અદ્યતન કવિતા વિષે આપણને જોઈએ એવી તટસ્થ, સંગીન અને માર્મિક વિવેચના મળી નથી, એ એક કઠોર હકીકત છે. એનું એક કારણ કદાચ એ સંભવે, કે એમાંના કેટલાક સંદર્ભોની દુર્બોધતા આપણા કાવ્યરસિકોના ઘણા મોટા વર્ગના માટે અંતરાય બની છે. અને, એ જ રીતે, એમાંના કેટલાક પ્રાકૃત અને અશ્લીલ લાગતા સંદર્ભોએ પણ ઘણાને ત્યાંથી પાછા વાળ્યા હોય એમ બને. અલબત્ત, દુર્બોધતા અને અશ્લીલતાના ખ્યાલો ઘણા સાપેક્ષ છે. એના કેટલાક ચોક્કસ સાહિત્યશાસ્ત્રીય પ્રશ્નો સંભવે છે, પણ એવા પ્રશ્નોને અહીં બાજુએ રાખીને એમ કહીશું કે અદ્યતન કવિતાનો હેતુ અને સર્જકતા વિષેની નવી સમજ લક્ષમાં લઈને એ કવિતા પાસે જઈએ તો કદાચ એવા દુર્બોધ અને અશ્લીલ લાગતા ઘણા સંદર્ભો વિષે ફરિયાદ રહે નહિ. દુર્બોધતાનો પ્રશ્ન ખરેખર તો કાવ્યકળાના નવા ખ્યાલ જોડે સંકળાયેલો છે. એ વિષે આગળ ચર્ચા કરવાનો ઉપક્રમ પણ છે. અદ્યતન કવિતાની દુર્બોધતા, એ રીતે, કાવ્યનાં રસરુચિની દૃષ્ટિએ કદાચ એટલો પાયાનો પ્રશ્ન પણ નથી. એથી ભિન્ન, અશ્લીલતાનો પ્રશ્ન કવિતાનાં રસરુચિને સર્વથા મૂળભૂત રીતે સ્પર્શતી બાબત છે. આપણી અદ્યતન કવિતાની એ એક કઠોર હકીકત રહી છે કે એમાં સર્જકતાના નિત્યનૂતન રમણીય ઉન્મેષો વચ્ચે જાણ્યે-અજાણ્યે કેટલીક અશ્લીલ વિગતો પ્રવેશી ગઈ છે. ક્યારેક તો તરુણ કવિ સહૃદયની કોમળ રુચિને ચાહીને આઘાત આપવા માગતો હોય એમ દેખાય છે. આજનો તરુણ કવિ, કદાચ વર્તમાન માનવજીવનની નિસ્સારતા અને વંધ્યતાના ભાનથી પોતાના જીવનની નાનીમોટી પ્રવૃત્તિઓને હાસ્યાસ્પદ લેખવવા પ્રેરાય તો તેનો એ વિષાદ સમજાય એવી વસ્તુ છે. પણ એવી અર્થશૂન્યતાના કેળવેલા ભાનથી પોતાની કાવ્યપ્રવૃત્તિને પણ જુગુપ્સાજનક અને અશ્લીલ ઘટના ગણાવે, તો એવો ભાવ રુચિકર ન બને, તેમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું નથી. વળી કોઈ કવિને એમ લાગે કે પોતાની સંવિત્તિ સામે જે કૂટ દુર્ભેદ્ય વાસ્તવિકતા ઉપસ્થિત થઈ છે, જે એક બોજિલ અર્થશૂન્ય વિરાટની તેને ઝાંખી થઈ છે, તેને મૂર્ત રૂપ આપવાને પોતાની ભાષામાં બળ નથી, અને કવિ એવા કરુણ ભાનથી પોતાની ભાષાકીય વિફલતાનું કાવ્ય રચવા પ્રેરાય, તો તે પણ પ્રતીતિમાં આવે એવી વસ્તુ છે. પણ એવે પ્રસંગે કવિ શબ્દને બીજા દુન્વયી પદાર્થોના જેવા હીન અને તુચ્છ ગણી તેમાં અશ્લીલ વ્યાપારોનું આરોપણ કરે, તો ત્યાં સહૃદયની રુચિને આઘાત સિવાય બીજું કશું મળતું નથી. અને આ અંગે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે કવિ અભાન કે સભાનપણે પોતાના જાતીય આવેગો કે જાતીય સંબંધોનો ખુલ્લેખુલ્લો નિર્દેશ કરે છે, ત્યાં પણ રુચિભંગ થાય છે જ. કવિ પોતાના અસ્તિત્વનું નિર્દય પરીક્ષણ કરે એ કારણે કે પોતાના અસ્તિત્વને સમગ્રતયા પામવાનો તેનો પ્રયત્ન હોય એ કારણે, તેના ચિત્તમાં સરી જતી અશ્લીલ વિગતો તે પ્રગલ્ભપણે રજૂ કરે, પણ એથી હંમેશ તે કાવ્ય કાવ્ય બની જતું નથી. અલબત્ત, સાહિત્યકૃતિમાં અશ્લીલ ખરેખર ક્યાં છતું થાય છે અને ક્યાં નહિ, એનો વિવેક કરવાનું અતિ મુશ્કેલ છે. પણ એ અંગે એટલું તો અવશ્ય કહી શકાય કે અશ્લીલ લાગતી વિગતો પાછળ જ કવિની આઘાત આપવાની વૃત્તિ પડઘાતી હોય તો ત્યાં રસભંગ થાય છે જ. અને સુકુમાર રુચિવાળા સહૃદયને એની ચોક્કસ પ્રતીતિ પણ હોય છે. જો કે અસ્તિત્વને સમગ્રતયા પામવાના પ્રયત્નમાં કવિ કોઈ બળકટ, કુત્સિત કે અશ્લીલ પદાર્થોની સામે મુકાય એ સહજ છે, પણ કાવ્યરસની ભૂમિકા તેણે અનિવાર્યતયા જાળવવી જ જોઈએ, અને એ માટે તેની પાસે સાધારણ પ્રતિભાનું તેજ જોઈએ. દુર્બોધતાનો પ્રશ્ન તો, આગળ નોંધ્યું તેમ, કાવ્યસ્વરૂપના નવા ખ્યાલ અને સર્જકતાની નવી સમજ જોડે સંકળાયેલો છે. આજનો કવિ હવે કશું કહેવા માગતો નથી, સર્જવા ચાહે છે. કળાકૃતિ લેખે તેની રચના એક સ્વતંત્ર, સ્વાયત્ત, અને આત્મનિર્ભર રચના હોય એમ તે ઇચ્છે છે. એવી રચના પોતે જ એક મૂર્ત વસ્તુરૂપ વાસ્તવિકતા પ્રાપ્ત કરે, એટલે કે પોતાનામાં અંતર્હિત રહેલા મૂલ્યને કારણે જ તેને મહત્ત્વ પ્રાપ્ત થાય એમ તે સમજે છે. પોતાની સર્મનાત્મક ક્ષણોમાં વિશિષ્ટ રચનાસંવિધાન દ્વારા તે સંવેદનભૂત સામગ્રીનો વ્યંજનાવિસ્તાર કરે છે. આથી રસક્ષમ આંતરસમૃદ્ધિવાળી સંદિગ્ધતા (ambiguities) તેને અભિપ્રેત છે. જોકે કાવ્યની એવી રસક્ષમ સંદિગ્ધતા અને નિષ્ફળ રચનપ્રપંચની દુર્બોધતા વચ્ચેની ભેદરેખા આંકવાનું ઘણી વાર મુશ્કેલ હોય છે. કેટલીકવાર તો એવી ભેદરેખા અત્યંત કોમળ અને ક્ષણભંગુર હોય છે. પણ અહીં ખરો પ્રશ્ન સહૃદય ભાવકની રસરુચિની કેળવણી અને સજ્જતાનો છે. ભાવક જો અદ્યતન કવિતાની રચનાપ્રક્રિયાનું સૂક્ષ્મ જ્ઞાન ધરાવતો હોય, તેની સંવેદનશક્તિ તેના બદલાતા સંદર્ભોનો કંપ સતત ઝીલતી હોય, અને સમગ્ર કૃતિના આંતરસૂત્રની તેને પકડ હોય તો, દુર્બોધ લાગતી કૃતિ ખરેખર તેને માટે રસનો સ્રોત બની રહે એમ બને.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં પ્રવર્તતી બળવાન પ્રયોગવૃત્તિને કારણે તરુણ કવિનું વલણ નવાં નવાં રૂપો અને નવી નવી શૈલી સિદ્ધ કરવા તરફનું રહ્યું છે. પ્રયોગોને નામે આ સમયગાળામાં અર્થહીન જોડકણાં કે ઉખાણાંઓ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી નથી થઈ. છતાં એવી પ્રયોગવૃત્તિએ જ કેટલાંક તાઝગીભર્યા નવીન રૂપો રચી અપ્યાં છે. એ રીતે અછાંદસ અને ગદ્યકાવ્યના પ્રયોગો આ સમયનું કેન્દ્રીય પ્રેરક બળ બની રહ્યા દેખાય છે. જોેક છંદોબદ્ધ, પરંપરિત માત્રામેળી, અને એવી પદ્યબદ્ધ રચનાઓ ઉપરાંત ગીતો અને ગઝલોનું પણ સારુ ખેડાણ થયું છે. પણ એ બધામાં સમયનો મિજાજ અછાંદસ કૃતિઓમાં સારી રીતે પ્રગટ થયો છે. ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સુરેશ જોશી, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, સિતાંશુ યશશ્ચન્દ્ર, દિલીપ ઝવેરી, શ્રીકાંત શાહ, પ્રાસન્નેય, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાંત શેઠ, સુભાષ શાહ, મનહર મોદી, રાજેન્દ્ર શુકલ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, અનિલ જોષી, યશંવત ત્રિવેદી વગેરે અનેક તરુણ કવિઓ નવા મિજાજથી લખતા થયા. એમાંના કેટલાકે સ્વકીય શૈલી અને સ્વકીય અવાજ રજૂ કરવાનો પ્રયત્ને કર્યો. રસપ્રદ બાબત એ છે કે આગલી પેઢીની કવિતાનું ગાઢ અનુસંધાન જાળવનારા કવિઓએ પણ અદ્યતનતાનાં તત્ત્વોનો ઓછોવત્તો પ્રભાવ ઝીલ્યો. ઉમાશંકર જેવા ‘હું છિન્નભિન્ન છું’ એમ કહીને નવી શૈલીની કવિતાનો પ્રથમ સૂર બાંધી આપે છે. નિરંજન, ઉશનસ્‌, જયંત પાઠક, હરિન્દ્ર દવે, સુરેશ દલાલ, નલિન રાવળ, પ્રિયકાંત મણિયાર, હસમુખ પાઠક જેવા કવિઓ પરંપરાનું પોષણ મેળવીને સિદ્ધ કરેલી આગવી કાવ્યશૈલીમાં અદ્યતન તત્ત્વો આત્મસાત્‌ કરી લેતા દેખાય છે. એ રીતે તેમની કાવ્યપ્રવૃત્તિ પણ નવો રણકો અને નવા રંગરાગ ધારણ કરતી દેખાશે. ‘અછાંદસ’ની સંજ્ઞા હવે કોઈ માત્ર વર્ણનાત્મક સંજ્ઞા નથી રહી. એક મૂલ્યવાચક સંજ્ઞા તરીકે તે પ્રયોજાવા લાગે છે. આરંભમાં ‘અછાંદસ’ એટલે જેમાં છંદનું બંધાયેલું પદ્યતંત્ર ન હોય એવી મુક્ત રચના, એટલો જ ખ્યાલ અભિપ્રેત હતો, તે હવે અદ્યતનતાનો વિલક્ષણ મિજાજ અને તેને અનુરૂપ વિલક્ષણ કાવ્યશૈલીનો ખ્યાલ પણ સૂચવી દે છે. ‘અછાંદસ’ એ હવે પદ્યરચના કે રીતિના બાહ્ય ફેરફારનો જ પ્રશ્ન નથી, કૃતિના અંતરંગને પણ તે સૂચવે છે. જો કે ‘અછાંદસ’ સંજ્ઞા કેટલીક વાર શિથિલપણે પ્રયોજાયેલી જવા મળે છે. કેટલીક કૃતિઓમાં અક્ષરમેળ કે માત્રામેળનું દૃઢ, ચુસ્ત માળખું ન હોય પણ વચ્ચે પરંપરિત માત્રામેળીય લયનું પ્રવર્તન હોય, ત્યાં પણ ‘અછાંદસ’ સંજ્ઞા લાગુ પડાતી જોવા મળશે. હકીકતમાં, અછાંદસનો પ્રશ્ન સમયના નવા મિજાજ સાથે સંકળાયેલો છે, તેમ નવી સૌંદર્યભાવના જોડે સંકળાયેલો છે. આજના તરુણ કવિને પ્રકૃતિના તેમ માનવજીવનના રૂઢ અર્થના સૌંદર્યમાં રસ રહ્યો નથી. કવિ ન્હાનાલાલને રસ, પુણ્ય અને સૌંદર્યની જે ઝંખના હતી તેવી ઝંખના પણ કદાચ તેને રહી નથી. જીવનમાં તેમ સાહિત્યમાં કશું યે સમપ્રમાણ અને સંવાદી હોઈ શકે, એમ તે કદાચ સ્વીકારી શકતો નથી. અને કોઈ ભવ્યોન્નત વિચાર, ઉદાત્ત ભાવના, કે શાશ્વત સત્ય, તેની કવિતાનું જીવિત બની રહે એ પરિસ્થિતિ પણ હવે લગભગ અસ્વીકાર્ય લાગી રહી છે. પોતાના સંવેદનમાં કશુંક સ્પર્શી, કૂટ અને દુર્ભેદ્ય વાસ્તવરૂપે તેના પર તોળાઈ રહે, કે એવું કશુંક આદિમ તમિસ્રઘન તત્ત્વ તેને રોકી લે, તો એવા કશાકને તાગવામાં આજના કવિને રસ છે. આ પ્રકારનો અભિગમ જ તેને આત્મખોજ અને આત્મખનનની પ્રક્રિયામાં પ્રેરે છે. અહીં પૂર્ણપરિચિત વિચાર કે સંવેદનને અભિવ્યક્તિ આપવાનોયે પ્રશ્ન નથી. કવિ એ દ્વારા એક સ્વયંપૂર્ણ કૃતિ રચવા ચાહે છે. સંવેદનની અંતર્ગત જે તેની સર્જનાત્મક ગતિ આરંભાય છે. ભાષાના માધ્યમ દ્વારા તેનું સંવેદન મૂર્ત થતું આવે છે. કલ્પનો અને પ્રતીકોનો વિનિયોગ આવી મૂર્તીકરણની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનો શબ્દ કેવળ અમૂર્ત વિચાર કે અર્થનો વાહક નહિ, સ્વયં એક microcosm છે. સર્જનની પ્રક્રિયામાં એવા કાવ્યાત્મક શબ્દના આવિષ્કારની સાથેસાથ સંવેદનના ઘનીભવનની પ્રક્રિયા ચાલતી રહે છે. અને એવો કાવ્યાત્મક શબ્દ સ્વકીય મૂલ્ય પ્રગટ કરવા સાથે સર્જનની ગતિ અને દિશા પણ ચીંધી આપે છે. સંવિત્તિમાં કોઈ પૂર્વબોધિત ખ્યાલ કે વિભાવનાને પગલે પગલે કલ્પન, પ્રતીક આવે એમ નહિ, પણ એવાં કલ્પન કે પ્રતીકરૂપે જ સંવિત્તિનો અસ્પષ્ટ સંદિગ્ધ ભાવ સાકાર થાય છે. સંવિદની પરસ્પર વિરોધી લાગણીઓ (ambivalence of emotions) પણ, આવાં કલ્પનો કે પ્રતીકોરૂપે જ, સમગ્રતામાં સાકાર કરી શકાય. એમ કહી શકાય કે કાવ્યના અવકાશમાં કલ્પનો અને પ્રતીકો સૂર્યમંડળો છે. એવાં દરેક કલ્પન કે પ્રતીકને આગવું તેજોવલય હોય છે, આગવું વાતાવરણ હોય છે, એવાં દરેક કલ્પન કે પ્રતીકને આગવું તેજોવલય હોય છે, આગવું વાતાવરણ હોય છે, અને દરેકની આગવી સૃષ્ટિ હોય છે. કવિના સંવેદનમાં ઊઘડતા આવતા વિશ્વ સાથે તેની ગતિ પણ બદલાતી રહે છે. અછાંદસ કવિતામાં આથી લયનો પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે. ત્રીશીના ગાળામાં વારંવાર અક્ષરમેળના ચુસ્ત બંધમાં કવિની ગતિ નિયંત્રિત થઈ જતી, અથવા ચુસ્ત બંધને કારણે સંવેદનની સૂક્ષ્મતા અને સંકુલતા જોખમાતી. એવી ક્ષણોમાં છંદોબદ્ધ ચુસ્ત રચનાઓમાં શબ્દની વરણીનો પ્રશ્ન કવિ સામે ખડો થતો એટલું જ નહિ, લઘુગુરુના ચુસ્ત સંયોજનને કારણે કવિનો કાકુ કે તેને અભિપ્રેત emphasis પણ પ્રસંગે જાળવી શકાતો નહિ. અછાંદસ રચનાઓમાં એવી ચુસ્તતા દૂર થતાં કવિને એક અનુનેય અને ગતિશીલ માધ્યમ મળ્યું. સંવેદનનાં સંચલનોની બદલાતી ગતિને અનુરૂપ મુક્ત લય પ્રયોજવાને અવકાશ મળ્યો. વળી ત્રીશીનો કવિ પોતાના ઇષ્ટ ભાવ કે ભાવનાને પ્રગટ કરવાને વારંવાર અલંકારાશ્રિત વર્ણન કે કથનનો વિનિયોગ કરતો. વાગ્મિતાનું તત્ત્વ તેમાં અનાયાસે ભળી જતું. પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે ક્યાંય આગંતુક તત્ત્વ ઘણે અંશે લુપ્ત થયું. છંદનું બંધન દૂર કર્યુ હોવાથી રચનાનિર્મિતિની ક્ષણે શબ્દસંયોજન કે સંઘટનામાં ઘણી મુક્તિ મળી. છંદના રૂઢ લયબંધને સ્થાને હવે વિશિષ્ટ સંવેદનની ગતિને અનુરૂપ નવા નવા આવર્તો અને વિવર્તો પ્રગટ કરવાને તક મળી. આજનો કવિ વિશેષ લયસભાન બન્યો છે, એમ કહીએ તો ઝાઝી અત્યુક્તિ ન થાય. જો કે મુક્ત રચનાનું તંત્ર પણ સુગ્રથિત રહે અને કૃતિના વિવિધ સંદર્ભોનાં સંવેદનો પૂરી સન્નદ્ધ ચેતનાથી ઝીલી શકાય, એ માટે કવિએ આગવા લયનું તંત્ર નિપજાવી લેવાનું રહે જ છે. પણ અછાંદસ રચનાના સ્વરૂપને નવું પરિમાણ આપનારી વિભાવના તેને શુદ્ધ કાવ્યના ખ્યાલમાંથી મળી જણાય છે. આગળ નોંધ્યું છે તેમ, આજના તરુણ કવિને કાવ્યમાં વિચાર કે તર્કનું સૂત્ર લુપ્ત કરવું છે. એમ તો કવિતા માત્ર ભાવની અભિવ્યક્તિ છે, વિચારની નહિ, એમ કહેવાય છે. પણ અછાંદસ રચના પાછળની ભૂમિકા કંઈક જુદી છે. કવિને હવે શબ્દનો લૌકિક સંદર્ભ તોડી નાંખી સર્વતા નવું વિશ્વ નિર્માણ કરવું છે. કવિતાના શબ્દવિન્યાસમાંથી પરિચિત વ્યવહારજગતનું અનુસંધાન સર્વથા લુપ્ત કરી નાંખવાની તેની કલ્પના રહી છે. રચનાનો સમગ્ર સંદર્ભ પોતે એક મૂર્ત અપારદર્શી ઘટના બની રહે એવો તેનો પ્રયત્ન રહ્યો છે. ત્રીશીની કવિતામાં વિચાર કે અર્થબોધના માધ્યમ દ્વારા કૃતિનાં રસતત્ત્વો સુધી પહોંચવાનો ક્રમ હતો. અછાંદસમાં એવા વિચાર કે અર્થબોધની ભૂમિકાનો લોપ કરવાના પ્રયત્નો થયા. સામાન્ય ભાવકને જે ઇન્દ્રિયગોચર વાસ્તવિકતાનો પરિચય છે, અનુભવજગતના પદાર્થો વિષે તેની જે સમજ છે, અને તેની જ જોડે તેને જે કેટલાંક રૂઢ સહાચર્યોનો સંબંધ છે, તે સર્વ ખ્યાલો અને સાહચર્યોની ભૂમિકા પર જ તરુણ કવિનુંક આક્રમણ છે. હવે એક એવું વિશ્વ તે રચવા માગે છે જે ટેવમાં બંધાયેલા ઇંન્દ્રિયના પ્રભાવોથી મુક્ત હોય. તેના સંવેદનની ગતિ કોઈ વિચારના સૂત્રથી નિયંત્રિત થતી નથી. અસંપ્રજ્ઞાત સ્તરે સંચલન કરતી સર્જકચેતના જ વિભિન્ન ભાવસંદર્ભોને સાંકળી આપવાનું કાર્ય કરે છે. આ કારણે juxtapose કરવામાં આવેલાં કલ્પનો અને પ્રતીકોના આંતરસંબંધ, અને બદલાતા સંવેદનના સંદર્ભો જ, હવે કાવ્યરસનો ખરો સ્રોત બની રહે છે. સંવેદનની બદલાતી સ્થિતિગતિ અને તેમાં બદલાતા કાકુ કે કવિસ્વરની ઓળખ દ્વારા જ કૃતિના હાર્દ સુધી પહોંચી શકાય. હકીકતમાં, અછાંદસની રચનારીતિ તેના કવિસંવિદની એક વિશિષ્ટ ગતિશીલ ભૂમિકા રજૂ કરે છે. સર્જનની ક્ષણ માટે નિમિત્ત તો અંદરનો-બહારનો કોઈ પણ પદાર્થ હો, પણ ભાષા જોડે કામ પાડતાં પાડતાં કવિનું સંવિદ ઊઘડે છે, વિકસે છે, વિસ્તરે છે, અસંપ્રજ્ઞતાની ભૂમિકાએથી વિહરતા કવિની ચેતના સ્થળકાળના પરિચિત સંબંધો અને પરિમાણોને લોપી ક્યાંક સમયહીનતાના પ્રસારમાં યથેચ્છ વિસ્તરવા લાગે છે એમ બને. એટલે અછાંદસમાં વિચારની સપાટી પરનું તર્કસૂત્ર તો ઘણી વાર વિચ્છિન્ન થઈ ચૂક્યું હોય છે. કવિની કૃતિમાં આથી જે ‘હું’ ની સંવિત્તિના સંપર્કમાં આપણે મુકાઈએ છીએ તે કોઈ લૌકિક કે ઐતિહાસિક વ્યક્તિ રહી હોતી નથી. માત્ર અવચેતનના સ્તરે સક્રિય રહેલું તે એક ઉપાધિરહિત સત્ત્વ છે. એવો ‘હું’ વિશ્વનાં અનંતવિધ સત્ત્વો જોડે સંબંધાય છે, અને અસંબંધાય પણ છે. તેની અંતઃસર્જકતા એવા સત્ત્વો જોડે સતત એકરૂપતા સાધવા પ્રેરે છે. એટલે જ અછાંદસ કૃતિઓમાં ‘હું’ એક સતત રૂપાંતરશીલ અસંપ્રજ્ઞ સત્ત્વરૂપે પ્રગટતો જોવા મળે છે. સર્જનની દરેક ક્ષણ કવિને માટે આથી અજ્ઞાતમાં સાહસયાત્રા સંભવે છે. એટલું જ નહિ પણ એવી સર્જનાત્મક ક્ષણોને અંતે કવિના ‘હું’ને નવજન્મ મળ્યો હોય છે. કવિસંવિદની આવી રૂપાંતરની પ્રક્રિયામાં અસંપ્રજ્ઞપણે અનેકવિધ કલ્પનો અને પ્રતીકોનું સંયોજન શક્ય બને છે. બૌદ્ધિક સ્તરે જે દૂરના પદાર્થો વચ્ચે ક્યાંક પણ સંબંધ ન વરતાતો હોય તે આવી સર્જકચેતનાને સદ્યોબોધિત થાય છે. આ પ્રકારની સર્જકગતિને ભાવકે પણ ઓળખવાની રહે છે. એટલું જ નહિ પણ કવિની કૃતિને તે જે આધારબિંદુએથી રચના કરે છે તે બિંદુએથી પામવાની રહે છે. જ્યાં તે કવિની ગતિશીલ ચેતના જોડે સંવાદી બનીને તાલ મિલાવી શકે છે, ત્યાં તે કૃતિનો મર્મધબકાર પામી શકે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

આપણી અછાંદસ રચનાઓમાં પ્રગટ થયેલા સર્જનાત્મક ઉન્મેષોમાં શબ્દ, લય, પ્રતીક, રચનાતંત્ર અને કવિસ્વરની દૃષ્ટિએ કેટલુંક નોંધપાત્ર અને તાઝગીભર્યું વૈવિધ્ય આવ્યું છે. એમાંના કેટલાક વિલક્ષણ ઉન્મેષોનાં સર્જક તત્ત્વો અવલોકવાનો અહીં અછડતો પ્રયાસ છે. અહીં કવિની વૈયક્તિક સિદ્ધિ-મર્યાદાઓ કરતાં વિશેષ તો, અછાંદસ રચનાઓના વિભિન્ન ઉન્મેષો જ લક્ષ્યમાં રાખ્યા છે. અછાંદસનું અવલોકન કરતાં રાવજીની આ રીતિની ‘સંબંધ’, ‘ચણોઠી-રક્ત અને ગોકળગાય’, ‘બાર કવિતાઓ’, ‘ઢોલિયે’, ‘અસંખ્ય રાત્રિઓને અંતે’, અને એવી બીજી અનેક પ્રભાવશાળી રચનાઓ તરત સ્મરણમાં તરી આવે છે. જીવનમૃત્યુના ગૂઢ સંઘર્ષમાંથી સંભવેલી વેદનાનો મધુસ્પર્શ તેની રચનાઓમાં જોવા મળ્યો છે. નગરસંસ્કૃતિ માટેની ઉબક અને પ્રકૃતિમય જીવન માટેની તીવ્ર ઝંખના તેમાં સતત ઘૂંટાતી રહી છે. રાવજીમાં શબ્દની સૂઝ અનેરી છે. તળપદા પ્રયોગોની છાંટવાળી તેની કાવ્યબાનીમાં અસાધારણ કૌવત અને પ્રાણશક્તિ પ્રગટ્યાં છે. તેના ‘સંબંધ’ કાવ્યના ત્રણ વિલક્ષણ એવા સંદર્ભો જોઈએ :

પેલી ટેકરીઓનાં પગલાં
મારા કાન કને અફળાતાં
હું
ઊંઘું ને લફ્‌ફ કરતી કૂદી આવે;
પાંપણમાં પણ ડબાક દેતી ડૂબે!
પરોઢનાં ઝુમ્મર-પરવાળાં
નજીકની નિદ્રાનાં કેશલ ટોળાં
જમીન ઉપર ઊપસેલાં ઝુમ્મર
જુવારના દૂધમલ દાણામાં
સૂરજ જેવું હસતાં ઝુમ્મર
લોચનમાં લલકાતાં ચમ્મર

‘ટેકરીઓનો પગરવ’ સંભળાતાં જ જાણે કે કવિની મૂર્ચ્છિત ચેતના સક્રિય થઈ ગઈ, અને તેમની દૃષ્ટિમાં કશીક સ્વપ્નિલ સૃષ્ટિ તગતગી રહી. જમીન પર કવિ ‘ઝુમ્મર’ ઊપસતાં જુએ છે, અને ત્યાં ‘જુવારના દૂધમી દાણા’માં તે ચમકી રહે છે. જમીનમાંનો રસ ‘દૂધમી દાણા’ સુધી ‘ઝુમ્મર’ બનીને પહોંચી જાય છે. પણ આવી સોનલવર્ણી સૃષ્ટિનો કેફ કવિને જુદા જ હર્ષાવેગમાં ખેંચી જાય છે.

ઘડીક જાણે રાયણ મહુડો મ્હોર્યો
હું ડમરાની ગંધ સરીખો ફોર્યો
સોનાની હવા બધે ડમરાતી પગલાં પાડે
પગલું પાંપણની પરસાળે અંકાતું :
પગલું અરબ દેશમાં અત્તર થઈ છંટાતું
પગલાં ભાતીલાં વેરાયાં
ઢગલાં દેવ પાળિયે આયાં
દરિયો પાંપણમાં ચીતરાયો
પગરવ પાંપણમાં પથરાયો
મખમલ દૃષ્ટિમાં વીંટાયો
દરિયો જીવ થઈ ગૂંચવાયો

આમ, કોઈ બાળગીતના ચંચળ લયમાં કવિકલ્પનાનું વિશ્વ રૂપાંતર પામતું જાય છે. ત્યાં એક વિષાદની ક્ષણ સંભવે છે. એમાં કલ્પનોનો પ્રદેશ બદલાય છે.

વ્હીસલ સ્ટીલ સલાખા
ચંચલ માછલીઓ થઈ પથરા
વ્હેળા મૂંગાની દૃષ્ટિમાં પટકે માથાં
હું કેટકેટલું તર્યો!
હું મડદાંની આંખોમાં તરવા લાગ્યો
એમાં આખડ પાખડ રવડું
એમાં સેલણ ભેલણ રઝળું
એમાં સિમેન્ટનું હું પગલું
એ પર ગીધ નકરણાં અખબારો થઈ રહેતાં;
એમાં ખરા પાળિયા વ્હેતા
ખરા પાળિયા પથ્થર
માટી
પથ્થર જથ્થર
હજ્જડ બજ્જડ ખેતર વચ્ચે ઊભા
ઊભા ઊભા ગળાબૂડમાં ડૂબે.

અહીં ‘આખડ’–‘પાખડ,’ ‘સેલણ’–‘ભેલણ,’ ‘પથ્થર’–‘જથ્થર’, ‘હજ્જડ’–‘બજ્જડ’ જેવા બળકટ રવાનુકારી શબ્દપ્રયોગો રાવજીની સંવેદનાને આગવું બળ અને કર્કશકઠોર સ્પર્શ આપે છે. કવિને જે દુર્ભેદ્ય સત્તાની નિષ્ઠુરતાનો અનુભવ હશે તેને વ્યક્ત કરવાને આવા પ્રયોગો સફળ નીવડ્યા જણાય છે. તળપદા લોકજીવન અને ધરતીના અનુભવમાંથી સમૃદ્ધ કલ્પનોનું અસાધારણ સામર્થ્ય તે નિપજાવી શકે છે. તેની લયસૂઝ પણ એટલી જ પ્રશસ્ય છે. આપણા અછાંદસ કાવ્યોનો આથી ભિન્ન એવો એક વિલક્ષણ આવિષ્કાર શેખની રચનાઓમાં જોવા મળે છે. તેઓ આધુનિક શૈલીના ચિત્રસર્જક છે, અને તેમની કૃતિઓમાં ચિત્રકારનું vision ગતિ કરતું જણાય છે. અસ્તિત્વનાં આદિમ સંચલનો અને તેનાં પ્રાકૃત રૂપોને તેઓ અસાધારણ સામર્થ્યથી મૂર્ત કરી શકે છે. ઘણુંખરું અનુભૂત પદાર્થોનાં ઐન્દ્રિયિક પરિમાણો છિન્નભિન્ન કરી દઈને અમૂર્ત સ્તરની ચૈતસિક વાસ્તવિકતા રજૂ કરવાનો તેમનો પ્રયત્ન હોય છે. કેટલેક પ્રસંગે અતિવાસ્તવવાદી શૈલીનાં રચનાગત તત્ત્વોનો વિનોયોગ પણ દેખાય છે. અનુભૂતિમાં આવતાં રમ્ય તત્ત્વોની સાથે ભળી ગયેલાં કઠોર જુગુપ્સાપ્રેરક તત્ત્વોનું પણ તીક્ષ્ણ રેખાઓમાં તેઓ આલેખન કરે છે. વિવિધ પદાર્થોના રંગોની ઝાંય, તેનું વિશિષ્ટ પોત અને તેની સમગ્રની દૃશ્યરૂપ image તેઓ સુંદર રીતે પ્રગટ કરે છે. તેમનો આખો પ્રયત્ન વાસ્તિવકતાને બને તેટલી desensualised formમાં રજૂ કરવાનો હોય છે. ‘અથવા’માં ગ્રંથસ્થ થયેલી રચનાઓમાં તેમની આ વિશિષ્ટ શૈલી, લગભગ બધે જ, તેની ઘણીખરી લાક્ષણિકતાઓ સાથે, જોવા મળે છે. પણ ‘જેસલમેર,’ ‘મૃત્યુ,’ ‘પિત્તળની ચામડીનો...’ ‘અન્ધકાર અને હું’ જેવી રચનાઓમાં તે વિશેષ સ્પષ્ટ રૂપે પ્રત્યક્ષ થાય છે. ‘મૃત્યુ’નો આ લાક્ષાણિક સંદર્ભ જોઈએ :

આટલે દૂરથી
મને મૃત્યુનાં પાંસળાં બરાબર જણાય છે,
કદાચ પાસે જઈશ, તો એનું રૂપ બદલાઈ જશે.
મૃત્યુ છે એક મોટું મોઝેઈક.
એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે
પરંતુ દૂરથી એ આખા માણસ જેવું લાગે છે.
એની આંખોમાં બે ચાર કવિઓની છાતીના ભૂરા સૂરજ છે.
અને આંગળામાં ચિત્રકારોની કડવી નજરોના ડાઘ છે.
એનું શરીર માણસનું છે
છતાં એને વૃક્ષ પણ કહી શકાય
આદિ મનુષ્ય એને વાદળું પણ કહે
એની ધોરી નસ કાપીએ તો ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે.
એ જીવડાં અત્યારે શાપ પૂરો થવાને લીધે
ઈશ્વર બનવાની તૈયારીમાં છે.

શેખ આ રચનામાં મૃત્યુ જેવા એક અમૂર્ત ખ્યાલને અનોખી મૂર્ત imageરૂપે રજૂ કર્યો છે. જે અનુભવથી અતીત છે, જેનો માનવબુદ્ધિ તાગ લઈ શકતી નથી, તે મૃત્યુની સત્તાનું પાંચેય ઇંદ્રિયોથી આકલિત થતું રૂપ તેઓ કલ્પે છે. તેમાં અસ્તિત્વની સીમિતતા અને અર્થશૂન્યતાનો ભાવ ધ્વનિત થઈ ઊઠે છે. લાભશંકરની કવિ તરીકેની ગતિ પણ એટલી જ આકર્ષક છે. ‘રમ્ય ઘોષા’ના ઉત્તરભાગમાં જ તેમની સંવેદનાનું રૂપ બદલાતું દેખાય છે અસ્તિત્વનો હ્રાસ અને તેની ક્ષણભંગુરતાને ધ્વનિ પાછળની રચનાઓમાં તીવ્ર બને છે. તેમની કવિની વિડંબનાની કૃતિ અછાંદસનો એક નવો જ આવિષ્કાર બની રહે છે : ‘કવિવર નથી થયો તું રે’ રચનાનો ઉપહાસ આસ્વાદ્ય છે :

શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘરઆંગણીએ શાકભાજીને વાવો
કવિવર! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ, મરચાં, ગલકાં, તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?

સિતાંશુએ અછાંદસ રીતિમાં કેટલાક તાઝગીભર્યા નવા પ્રયોગો કર્યાં છે. ‘યમદૂત,’ ‘પોમ્પાઈ...,’ ‘મનુ, યમ અને જળ : એક સર્‌રિયલ કૃતિ’ અને ‘દાં.ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સર્‌રિયલ અહેવાલ’ જેવી રચનાઓની કાવ્યભાષા, પ્રતીકો, પુરાણકલ્પો અને લયનો વિન્યાસ ધ્યાન ખેંચે છે. ‘મગન’ જૂથની કૃતિઓ વળી સર્વથા વિલક્ષણ વ્યંગકટાક્ષની કૃતિઓ છે. પણ પરંપરાગત હાસ્યવ્યંગની રચના કરતાં એ કૃતિઓની શૈલી જુદી છે. ‘યમદૂત’માં પ્રચલિત બાળવાર્તાના એક motifનો તેમણે નાવા સંદર્ભમાં અને સૂક્ષ્મ કળાદૃષ્ટિથી વિનિયોગ કર્યો છે. એમાં લયનું પ્રવર્તન તેમ જ શબ્દસંયોજનોની યુક્તિ(device) ધ્યાનપાત્ર છે :

એ તો મારી મા નહીં જો! ભોટિલાં
ભોટ મોરે ભોલે!
પોપચિયાળાં રેશમપડદા ઝૂલે
પડદા પાછળથી સપનાનાં બંધ બારણાં
ફડાક દઈ કેમ ખોેલે?
ભોલે મેરે ભોટ!
ટોપરિયાળો શેલડિયાળો ગોવિયાળો
તૂટી જશે રે કોટ.
રેશમના પડદાની પાછળ તમે વાઘની આંખો
રેશમનો પડદો હાલે ડગમગે વાઘની આંખો
એ તગતગ અજવાળાં
કે ડગમગ અજવાળાં
કે લગભગ અજવાળાં
કે તૂટે લગભગતાનાં તાળાં જો, ભોટિલાં
વાઘની આંખોનાં અજવાળાં જો ભોટિલાં.

આ સંર્ભમાં વિસ્તરતા સંવેદનના રવાનુકારી શબ્દપ્રયોગો ધ્યાન ખેંચે છે. ‘તગે વાઘની આંખો’ એ પ્રયોગ પછી ‘ડગમગે વાઘની આંખો’ અને પછીની પંક્તિઓમાં ‘તગતગ અજવાળાં’ અને ‘ડગમગ અજવાળાં’ની કલ્પના અનેરી ચમત્કૃતિ આણે છે, ‘પોપચિયાળા રેશમપડદા’ અને તેની પાછળ વાઘની ‘તગતગતી આંખો’નું કલ્પન પણ એટલું જ ગૂઢ સામર્થ્યવાળું છે. તેમની ‘દા.ત. મુંબઈ...’માં પણ લયના બદલાતા વિવર્તો અને કલ્પનોનું પ્રાચુર્ય પ્રભાવક છે. એમાંનો એક વિલક્ષણ સંદર્ભ અહીં નોંધીશું :

કુમળું પંખી નરમ મજાની દ્રાક્ષ ચાખવા ઊડે !
ખરા–જેવા ચીતરેલ ચિત્રની ખરી–જેવી દ્રાક્ષોના રસ –
બસતા નથી – રસને જોઈ
વાડ પર બેઠેલું પંખી ફેલાવતુંકને પાંખ ઊડે એ તરફ,
ભોંઠું પડે
–ના, આ એ વાત નથી.
આંગણામાં ચડાવેલા દ્રાક્ષના વેલાઓનો મંડપ
આ સૂરજના પ્રકાશમાં ઝગે છે લીલો, તરબોળ, મીઠો, સાચો,
તે એટેટલો લીલો, તરબોળ, મીઠો એટેટેલો સાચો કે
ઘરમાં ભીંતે લટકાવેલા ચિત્રનું ચિતરાયેલું પંખી
એને જુએ, ચિત્રમાં રુએ, તીણું ગાય.
ચિત્ર છોડીને ધસવા જાય.
રંગરેખનું જકડે જગત એને રૂંવે રૂંવે, રૂંવું રૂંવું, રંગરેખનું બન્યું
રુવે પંખી તરસ્યું. જુએ પાછી દ્રાક્ષ, ફંગ ફંગ ફંગોળાય
છેવટ તીણે છેડે પાંખ તણાતી, પીઠ હવામાં હલબલતી,
આંખો ઇચ્છા, ચિત્ર છોડીને ફંગોળાતું હવે હવામાં તત્પર,
તત્પર, ચિત્ર છોડીને દ્રાક્ષ વીંટતા
નભમાં લગભગ –
પગ!
એના પગ
ચિત્ર પાસેની અળગી દુનિયામાં ઘસેલી એની
કાયાને છેક છેડે હજીયે સપાટી ન છોડી ચૂકેલા
પણ ચિતરાયેલા ન મટી શક્યા તે ન જ.
સજીવ થઈ હલબલતા પંખીના ચિતરાયેલા નમ
મટી શકતા પગ.

આ સંદર્ભમાં સિતાંશુ એક ચેતોહર કપોલકલ્પિત રચે છે, અને એ દ્વારા કૃતિની વ્યંજના વિસ્તારે છે. ચિત્રમાં ચિતરાયેલાં પંખીની એક myth પોતે જ રહસ્યનો પરિવેશ રચી દે છે. અછાંદસ રચનાઓમાં કલ્પનો અને પ્રતીકોનાં અસાધારણ વૈચિત્ર્ય અને પ્રાચર્યને કારણે તેમાં અનેકવાર રંગદર્શી વાતાવરણ છવાતું જોવા મળે છે. સુરેશ જોષીની આ રીતિની રચનાઓમાં પ્રકૃતિનાં વિભિન્ન સત્ત્વોનો વિલક્ષણ ઉદ્રેક, પ્રસંગે રમ્યમધુર કલ્પનો અને ખાસ તો તેમાંના વિશિષ્ટ ઊર્મિમય(lyrical) ઉન્મેષને કારણે રંગદર્શિતા ઘેરી બનતી દેખાય છે :

ના, હજી હું બહુ દૂર ગયો નથી
હજી તારી ઢીંગલીઓને અંગેથી તેં નથી ઉતારી લીધા
મારાં સ્વપ્નોનાં ચીથરાંનાં રંગીન વાઘા,
હજી મારા નામના અક્ષરો વેરાયેલા પડ્યા છે,
તેં જતનથી રચેલા ફૂલના ગુચ્છોમાં;
હજી તારા બે બાહુના ખણ્ડિત વર્તુળને
સાંધે છે મારી દૃષ્ટિરેખા;
હજી તારા સુવર્ણવલયમાં અને સૂર્યશિશુઓ સાથે
હું ય ખેલું છું સૂર્યશિશુ થઈને;
તારા અન્ધકારની અબનૂસ કાયા પર
સોનેરી છુંદણાં ત્રોફું છું આગિયો થઈને
તારી આંખનાં કાળાં ભમ્મર જળમાં
તરું છું ફોસ્ફરસની શિખા થઈને;
તારા ઉચ્છ્‌વાસે ઉચ્છ્‌વાસે ઓગળતો જાઉં છું
કપૂર થઈને
તો ય હજી હું બહુ દૂર નથી ગયો.

કવિની અનુભૂતિ નવાં નવાં રૂપો ધરીને અહીં વિસ્તરતી જાય છે. સંવેદનનો નવો ઉન્મેષ કલ્પનોનું નવું જ વલય નિર્માણ કરે છે. એવાં જુદાં જુદાં વલયો પરસ્પરને છેદીભેદી એક રંગરાગી વિશ્વનું નિર્માણ થાય છે. અભિવ્યક્તિનાં ભિન્ન ભિન્ન કરણો અને વિભિન્ન રણકા(tone)ને કારણે રાજેન્દ્ર શુકલની દીર્ઘ રચના ‘સ્વવાચકની શોધ’ આપણા અછાંદસના ક્ષેત્રમાં એવો જ એક તાઝગીભર્યો અને ચેતોહર આવિષ્કાર બની રહે છે. નગરજીવનની ઘટમાળના કેટલાક પ્રસંગો કવિના સંવેદનમાં ઘૂંટાતા રહ્યા છે. એટલે અહીં સહજ જ, કૃતિના સંદર્ભમાં નગરજીવનની વિગતો ગૂંથાઈ ગઈ છે. પણ યંત્રસંસ્કૃતિની વિષમતા કે નગરજીવનની ભીંસનું સીધેસીધું નિરૂપણ કવિને ઇષ્ટ જણાતું નથી. તેમને અસ્તિત્વવિષયક કશીક સંવેદના એમાંથી આકારવી છે. એમાં કેટલેક પ્રસંગે પૌરાણિક અને અર્વાચીન ભાવસંદર્ભોનો મર્મવ્યંગભર્યો વિન્યાસ વિશેષ ધ્યાન ખેંચે છે. એમાંની પહેલી કૃતિ એ રીતે અવલોકવા જેવી છે :

પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,
સ્કૂટરોનાં કર્કશ અવાજ મધ્યે
સાંજે વાયુભરેલા ફુગ્ગા અપાવેલા
શિશુઓને આંગળીએ વળગાડી
આવતાં જતાં રવિવારીય લોકો વચ્ચે,
ઓછું વપરાતા બસસ્ટેન્ડના
ઘોર નિર્જન બાંકડા પર
મ્યુનિસિપાલિટીના ગુલમ્હોરવૃક્ષની
એક ડાળ નીચે
પદ્માસને ધ્યાનસ્થ એવા મને
બોધિજ્ઞાન થવાની ક્ષણે જ
અચાનક
એક સૌમ્ય છીંક
આકાશમાંથી નીચે ઊતરી આવી;
અને હે શ્રમણભિક્ષુઓ
વાત એટલેથી જ અટકી ગઈ છે...
વાત એટલેથી જ અટકી ગઈ છે...
વાત એટલેથી જ અટકી ગઈ છે...

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

અછાંદસના ક્ષેત્રમાં આ રીતે અનેકવિધ ઉન્મેષો પ્રગટ થતા રહ્યા છે. શબ્દ, લય, કલ્પન, પ્રતીક, પુરાણકલ્પ, આદિના અવનવા વિન્યાસી અનેક પ્રાણવાન અને તાઝગીભરી રચનાઓ આપણને આજે પ્રાપ્ત થઈ છે. ‘તડકો’ (લાભશંકર ઠાકર), ‘શાહમૃગો’ (મનોજ ખંડેરિયા), ‘હિતોપદેશ’ (રમેશ પારેખ), ‘અંધારું’ (મણિલાલ દેસાઈ), ‘કોણ દેખશે કરોળિયાની આંખે’ (દિલીપ ઝવેરી), ‘બુગેનવેલિયા લવંડેરિયા’ (યશવંત ત્રિવેદી) જેવી બીજી અનેક રચનાઓમાં કોઈ ને કોઈ વિલક્ષણ ઉન્મેષો ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત શ્રીકાંત શાહ, પ્રાસન્નેય, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, નલિન રાવળ, હસમુખ પાઠક, ઉશનસ્‌, જયંત પાઠક, ચિનુ મોદી, રાધેશ્યામ શર્મા, પ્રિયકાંત, નિરંજન, સુરેશ દલાલ, હરીન્દ્ર જેવા આપણા અગ્રણી કવિઓએ પણ અછાંદસ રીતિમાં ઠીક ઠીક નોંધપાત્ર અર્પણ કર્યું છે. અલબત્ત, આ અછાંદસ રચનાઓની કેટલીક ગંભીર મર્યાદાઓ પણ છે – એ વિષે આગળ થોડી ચર્ચા કરીશું – પણ સર્જકતાની નવી વિકસતી સૂઝ આપણી કવિતા માટે જાણે કે અનોખું માધ્યમ પૂરું પાડે છે, એ હકીકત અહીં નોંધપાત્ર બની રહે છે. હકીકતમાં, અછાંદસ રીતિના પ્રયોગો પાછળ સૌંદર્યનિર્માણની સ્પષ્ટ-અસ્પષ્ટ પણ આગવિ દૃષ્ટિ કામ કરતી રહેલી છે. આજનો કવિ એક બાજુ પોતાની સંવિત્તિમાં સ્પર્શાતા, આકારાતા, વાસ્તવને સમગ્રતયા આશ્લેષમાં લેવા ચાહે છે, અને એમ કરતાં સંવેદનના રુક્ષકઠોર ખરબચડા અને પ્રાકૃત અંશોને ય તે પ્રગટ કરવા ચાહે છે. બીજી બાજુ, સંવેદનના અંતર્ગત ચાલતા ભાષાકર્મ વિષે તે વધુ સભાન બન્યો છે. શબ્દશબ્દની ઐન્દ્રિયિક ગુણવત્તાનો તે કસ કાઢવા માગે છે. તેને હવે વિચારના સ્તરેથી કશું જ કહેવાનું નથી; માત્ર કશુંક નિર્માણ કરવાનું તેણે સ્વીકાર્યું છે. અનુભવગોચર વાસ્તવિકતા રજૂ કરવામાં તેને રસ રહ્યો નથી : સર્જકકલ્પનાનું આગવું વિશ્વ રચવાના તેના અભિલાષ છે. ઇંદ્રિયબોધ અને વિભાવનાઓ જેને તાગી ન શકે એવી કોઈ મૂર્ત રચના તેનો આદર્શ રહી છે. એટલે અનુભવ કે વિચારના શાસન હેઠળ તે સંવેદનને નિયંત્રિત કે શાસિત કરવાનો પ્રયત્ન કરતો નથી. બલકે, પૂર્વપરિચિત અને ટેવને કારણે જડ રેખાઓમાં બંધાઈ ગયેલા ઐન્દ્રિયિક પ્રતિભાવોને તોડીફોડી નાખી તે કશાક ઇંન્દ્રિયાતીતની આગવી નિર્મિત કરવા ચાહે છે. તેનું આ કાર્ય, અલબત્ત, અતિ કપરું છે : અછાંદસમાં એ રીતે અનેક નિષ્ફળતાઓ પણ જોવા મળશે : પણ આ દિશાના પ્રયત્નો અનંતવિધ શક્યતાઓવાળા જણાય છે. રસપ્રદ મુદ્દો એ છે કે આ કાવ્ય-પ્રક્રિયામાં એક રમણીય વિરોધાભાસ રહ્યો છે. કવિ જે એક ઇંદ્રિયાતીત વિશ્વ રચવા ચાહે છે, જે એક myth નિર્માણ કરવા ચાહે છે, તે માટે તે સૌથી બળવાન ઐન્દ્રિયિક ગુણવત્તા ધરાવતા શબ્દો યોજે છે. આ રીતે અછાંદસ કૃતિઓમાં એક બાજુ સંવેદિત શબ્દો જે પદાર્થોના જેવા મૂર્ત એકમરૂપે પ્રવેશે છે, તે રંગરૂપધ્વનિ અને પોતાનો ઉત્કટ સભાનતાથી વિનિયોગ થાય છે, બીજી બાજુ આ પ્રકારના સ્પર્શક્ષમ ઐન્દ્રિયિક સ્તરનો વિનિયોગ હોવા છતાં સંવેદનની ગતિ અત્યંત અમૂર્ત સ્તરે ચાલે છે. અછાંદસ રચનામાં શબ્દોની સંઘના, સમાસો, નવનિર્મિતિ અને તેનાં પુનરાવર્તનો સ્વયં અભ્યાસનો વિષય બની શકે એમ છે. એ જ રીતે સંવેદનાના વ્યાપમાં આવતાં કલ્પનો અને પ્રતીકોનો સંબંધ અને સર્જકસંવિત્તિની રૂપાંતરપ્રક્રિયા પણ એવો જ રસપ્રદ વિષય છે. આપણા અછાંદસના પ્રયોગોમાં સંવેદન અને શૈલી પરત્વે આમૂલ પરિવર્તન આરંભાયું છે – બલકે સંવેદનની અંતર્ગત ભાષાની સર્જકતાનો તાગ લેવાના પ્રયત્નો આરંભાયા છે – એટલે, સંવેદનની સૂક્ષ્માતિસૂક્ષ્મતા અને સંકુલતા જે રીતે સિદ્ધ થતી આવે છે, અને અનુભૂતિનાં પરિમાણો જે રીતે વિસ્તરતાં આવે છે, તેનો સાચો ખ્યાલ એ રીતિના ભાષાપ્રયોગોમાંથી જ મળી શકે. અહીં માત્ર નમૂનાલેખે થોડાક જ ભાષાકીય સંદર્ભો નોંધીશું : છીપકલાંની ઠરેલ, સૂકી, સુરમ્ય ક્રૂરતા / તમારા મોં પર વિરાજે છે./ લીલ ભરેલા પાણીના છોડની જાળીમાં / ઝીણા ઝીણા જીવ હવા લેવા ઊંચા થાય તેમ / તમારી ચામડીમાં મોહ સળવળાટ થાય છે. (‘અથવા’ : પૃ.૭) એમનાં હાડકાં બાફેલ કરચલાના પંજાઓ જેવાં કૂણાં લાગે છે.../ અને ક્યાંક વધેરાયેલાં અંગોના ઉકરડામાં / કબર પરના થોરની જેમ થીજી ગયા છે. (‘અથવા’, પૃ.૨૩) યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને / આગિયાના ધોળા પડછાયા છંછેડે છે (‘અથવા’, પૃ.૩૮) મૃત્યુ છે એક મોટું મોઝેઈક / એના છીંડેછીંડામાં હજારહજાર માણસો જડેલા છે. (‘અથવા’ : પૃ. ૩૯) ક્યારેક તો મેં એને / કીડીઓના રાજમાર્ગ જેવા સૂકા સડેલા વૃક્ષની આંખોમાં / ગંદા કપડાની જેમ ભરાઈ બેઠેલો જોયો છે. (‘અથવા’ : પૃ. ૪૦) આ વેરાન ઘાસનાં હળો પર / મારા દેહનાં ખેતર ફેરવું / તો કદાચ ચામડીમાં ચાસ ફૂટે (‘અથવા’ : પૃ. ૪૭) ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો / તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે. (‘અથવા’ : પૃ. ૫૦) નિઃશ્વાસથી ધસી પડેલી શબ્દોની ભેખડોના ભંગારમાં / ખરી જતાં ગુલાબોની પાંખડીઓમાંથી રઝળી પડેલા અનાથ અવકાશમાં (‘ઈતરા’ : પૃ. ૮) નદીના ઘાટ પરના પથ્થર /શાપથી સગળતા મુખવાળા ઋષિઓની જેમ ઊભા હશે. (‘ઈતરા’ : પૃ.૧૯) તારા અન્ધકારની અબનૂસ કાયા પર/ સોનેરી છૂંદણા ત્રોફું છું આગિયો થઈને (‘ઈતરા’ : પૃ.૨૧) ખંડિયેરમાં અથડાતાં જરઠ બોખા કાળ જેવો ઠાલો / દરમાં સરી જતા સાપ જેવો નિઃશબ્દ / મૃણાલ, સાંભળે છે તું મારો અવાજ (‘ઈતરા’ : પૃ. ૩૭) શિયાળની લાળીમાં સરકે સીમ / રાત્રિઓ પીપળની ડાળી પર થથરે / લબડે શુષ્ક ચંદ્રનું પાંદ / અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું / ફરફરતું...? / વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયાં / હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે (‘અંગત’ : પૃ. ૧૬) નળિયાની નીચે મારી ઊંઘ પણ પીછાં જેવી / આઘીપાછી થયા કરે/ મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે (‘અંગત’ : પૃ. ૫૨) સૂર્ય હવે છાણનું અડાયું મારે મન / મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર (‘અંગત’ઃ ૬૦) હું વગડાનોપ ફળફળતો ચિત્કાર / હું સાવરણીનાં રુછાં જેવી ભવિષ્યરેખા (‘અંગત’ : પૃ. ૧૩૮) દાદાના – ઘઉંના ખેતર જેવા – ચહેરાને (‘અંગત’ : ૧૫૨) તમરાંનો / સૂકા પાંદડા જેવો / તૂટી ગયેલો અવાજ / વાતાવરણમાં સતત અથડાયા કરે છે. (‘મારા નામને દરવાજે’ : પૃ. ૧૪) ઘોડાની પીઠ પરથી / ઉતારી મૂકેલી / જીર્ણ ગાડી જેવું ઝાખું નગર (‘મારા નામને દરવાજે’ : પૃ. ૧૬) ઓકળિયાળા લીંપણજુગની /પોપડીઓ /ખરતી ખરતી / આંખોની ઝાંખમાં ખોવાતી (‘કોમલ રિષભ’ : ૨૯) આરતીનાં દીવાની વાટમાં ટૂંટિયું વાળી પડેલા / મારા અંધાર બંધીયાર ખૂણામાં / ફફડતી ધજા જેવો ‘હું’ મને ફંફોસે છે. (સુભાષ શાહ) નાટકના પડદાની બારી સમો નપુંસક સમય (દિલીપ ઝવેરી) આ થોડાંક દૃષ્ટાંતો પરથી પણ એટલું તો સ્પષ્ટ થશે કે અદ્યતન કવિતામાં સંવેદનની સૂક્ષ્મતા અને સંકુલતા અનેકગણી વધી છે. આજનો કવિ અનેક દિશાઓમાં ગતિ કરતો થયો છે. નિકટના અને દૂરના અનુભવો અને સ્મરણોમાંથી તે ભાતભાતનાં કલ્પનો અને પ્રતીકો આણે છે. આવાં કલ્પનો અને પ્રતીકોનુંક પ્રાચુર્ય ઘણી વાર ભાવકને મૂંઝવી મારે છે. હારબંધ ચાલી આવતાં કલ્પનો-પ્રતીકોની સૃષ્ટિ જાણે કે પરસ્પરની રંગીન ઝાંયથી રોમાંચકતા ધારણ કરે છે. નવાં સંવેદનોને મૂર્ત કરવામાં અરીસો, ભીંત, સર્પ, ઘુવડ, અસ્થિ, બારી, કીડી, પથ્થર, સૂર્ય, ચંદ્ર, જળ, કરોળિયો, શાહમૃગ, વાવ, દ્વારા, ગુફા, તિરાડ વગેરે પદાર્થો પ્રતીક તરીકે ઉપયોગમાં આવ્યાં છે. જોકે એમાં કેટલીક વાર રૂઢ થવા આવેલા પ્રયોગો જોવા મળે છે. વળી અંધકાર, આકાશ, પવન, શબ્દ, પ્રકાશ, પડછાયો જેવાં અમૂર્ત તત્ત્વોને પણ નક્કર અને સ્પર્શક્ષમ રૂપ આપવાના પ્રયત્નો થયા છે. જે પદાર્થ સ્થિર અને જડવત્‌ લાગે છે તેમાં ગતિનું આરોપણ કરવાનો અને જે ગતિમાન છે તેને સ્થિર નિશ્ચલતા અર્પવાનો તેમનો પ્રયત્ન પણ ધ્યાનપાત્ર છે. ખાસ તો અંધકાર કે પડછાયા જેવા અરૂપ તત્ત્વને પણ ઘનતા, પોત, રંગરૂપ આદિ ગુણો આપીને તેની રમણા તેમણે પ્રગટ કરી છે. રૂઢ અર્થમાં અલંકારોને હવે વિશેષ સ્થાન કે કાર્ય રહ્યું નથી. સાથે એમ નોંધવું જોઈએ કે રચનાપ્રક્રિયાની અંતર્ગત જ જ્યાં ઉપમાવિરોધના ભાવો પ્રકટ કરવાનો વ્યાપાર ચાલે છે, તેમાં અનુભવગોચર અને પરિચિત ઉપમાવિરોધના સંબંધો વારંવાર અવળસવળ કરી નાંખવામાં આવ્યા હોય છે. ઇન્દ્રિયવ્યત્યયની પ્રક્રિયા પણ વાસ્તવિકતાના પરિચિત આવરણને ભેદવામાં મહત્ત્વનો ભાગ ભજવતી રહી છે. આ ઉપરાંત અનુભૂતિના વિસ્તરણની પ્રક્રિયામાં પુરાણકલ્પ(myth), કપોલકલ્પિત, બાળકથા, આદિનાં તત્ત્વો પણ ખપમાં લેવાતાં રહ્યાં છે; જો કે આપણો કવિ આપણા સમગ્ર ભૂતકાળને, તેની પરંપરાઓને, અને તેનાં પુરાણોને, અવગત કરવા તત્પર થયો નથી. એ કારણે જ, કદાચ, પ્રાચીન પુરાણકથાની અનંત સમૃદ્ધિનો તાગ લઈ શક્યો નથી, એ પણ નોંધવું ઘટે. અછાંદસના ક્ષેત્રમાં મર્મવ્યંગ અને વક્રતાનું આલેખન કરતી રચનાઓ પણ પ્રમાણમાં ઘણી ઓછી છે. નિરંજન, હસમુખ પાઠકની અનુવાસ્તવાદી રચનાઓનો રણકો પછીની કવિતામાં ખાસ જોવા મળતો નથી; જોકે જુદી જ રગમાં લખાયેલી રાવજીની ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ લાભશંકરની ‘લઘરો કવિ’, રમેશ પારેખની ‘હિતોપદેશ’, ચંદ્રકાન્ત શેઠની ‘બેસ, બેસ, દેડકી’ અને સિતાંશુની ‘મગન’ જૂથની કૃતિઓ ધ્યાનપાત્ર છે. અહીં એમ પણ નોંધવું જોઈએ કે રાવજીએ પ્રસ્તુત કૃતિ ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ માં મરશિયાના પ્રકારનો જ વ્યંગપૂર્ન વિનિયોગ કર્યો છે. અદ્યતન કવિતામાં લોકગીતનો પ્રસંગોપાત્ત વિન્યાસ થતો જોવા મળશે. રમેશ પારેખની કૃતિ ‘પગલાં પડી રહ્યાં’માં આવો લોકગીતના લયનો વિન્યાસ ધ્યાનપાત્ર છે :

કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ.

મનોજ ખંડેરિયાની ‘હું ટેકરીઓ ભીંત અને લીમડો’ – કૃતિમાં પણ લોકગીતના લયહિલ્લોળનું વચ્ચેવચ્ચે અનુસંધાન થયેલું છે :

બાઈ મીરાં રે
હું તો કડવો લીમડો ઘોળીશ
મારે સાકરથી શું કામ કશુંયે?
મારી ભીંતો લીમડા સંગે લીલી લીલી
લીમડાની લીંબોળી પાકી જી રે. (અચાનક : પૃ. ૧૦૦)

અછાંદસમાં લયવિવર્તોનું પ્રગટીકરણ એ પણ જુદો જ અભ્યાસનો વિષય થઈ શકે એમ છે. રાવજી, મણિલાલ, સિતાંશુ, લાભશંકર, રાજેન્દ્ર, મનોજ, અનિલ વગેરે અનેક કવિઓની કૃતિઓ આ બાબતે બારીક વિવેચન માગે છે. ક્યારેક વાતચીતના સ્તરે ચાલતો ગદ્યાળુ લય, ક્યારેક સ્વગતોક્તિ કે અંદરોઅંદર ચાલવા સંવાદનો લય, ક્યારેક ધીરગંભીર ગતિએ ઉપચય પામતા સંવેદનસંદર્ભોનો મંદ લય, ક્યારેક ઊછળતા-ઊભરાતા પ્રવાહનો હિલ્લોળ લેતો લય, એમ અનેક તરેહની ગતિ કવિના સંવેદનને ઉપસાવવામાં, તેમાં પ્રાણોક્તિ પૂરવામાં અને તેને ગતિશીલ સંદર્ભ અર્પવામાં સહાયક બને છે. આ સંદર્ભે એમ પણ નોંધવું જોઈએ કે, વિવિધ વાણીભંગીનો વિનિયોગ પણ આજનો કવિ કરે છે. ‘એક સર્‌રિયલ સફર’માં બાળકથાની ભંગી યોજી છે. અને ‘દા.ત. મુંબઈ...’માં જુદી જુદી તરેહની ભંગીઓ યોજાતાં જાદુગર ખેલાડીની બોલચાલની છટા પણ વચ્ચે આણી છે. સુરેશ જોષીની કૃતિ ‘મૃણાલ, મૃણાલ’...સાદ્યત એક સ્વગતોક્તિ રૂપે વિસ્તરે છે, અને વિલક્ષણ નાટ્યાત્મક લય પ્રગટ કરે છે. અછાંદસ રીતિની કવિતાના આ જાતના વિલક્ષણ ઉન્મેષો જોયા પછી, એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે આ રીતિ સામે કેટલાંક ઘણાં મોટાં ભયસ્થાનો પણ છે. પહેલી વાત તો એ કે કવિએ પ્રયોજેલાં કલ્પનો અને પ્રતીકો જો સહજ પ્રતિભાનો જીવંત સંસ્પર્શ પામ્યાં ન હોય, અને માત્ર બૌદ્ધિક ગણતરીએ જ તેનો ઉપયોગ થયેલો લાગે, તો એવાં કલ્પનો કે પ્રતીકો જડ લાગે છે. એવે પ્રસંગે એવું કલ્પન કે પ્રતીક કોઈ વિચાર કરે કે વિભાવનાના substitute તરીકે આવ્યું હોય એમ લાગ્યા કરે, અને ભાવકના ચિત્તને તે સ્પર્શી શકતું નથી. કેટલીક વાર એવું બને કે રૂપકસંબંધે કે ઉપમાભાવે સંકળાતા જુદા જુદા પદાર્થો વચ્ચે જાણ્યે–અજાણ્યેય સમીકરણ રચાયું હોય તો એવું સમીકરણ પણ ભાવકને સ્પર્શતું નથી. આજનો કવિ કેટલીક વાર ઉપમાન-ઉપમેય વચ્ચે અસંગતિ આણવાનો સભાન પ્રયત્ન કરે છે. એવા પ્રયત્નમાં દૂરના (કે નિકટના) પણ સર્વથા અપરિચિત પદાર્થો વચ્ચે જો અસંપ્રજ્ઞાત સ્તરનો કોઈ ગૂઢ માર્મિક તંતુ પ્રતીત ન થાય, તો એવો સંદર્ભ પણ નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે. અને અછાંદસ માટે કદાચ સૌથી મોટું ભયસ્થાન તો એ છે કે કવિની સર્જકચેતના જાણ્યે અજાણ્યે કોઈ બૌદ્ધિક વિભાવના ઢાંચામાં ઢળી જવા પામે. કવિ ભલે અંદર-બહારની વાસ્તવિકતાને મુક્તપણે તાગવાનો દાવો કરતો હોય કરતો હોય, પણ તેની સંવેદનાનો વિસ્તાર જો તેણે કેળવેલા કોઈક ખ્યાલોને અનુરૂપ થવા પામે, તો એ કૃતિ કશાક અમૂર્ત ખ્યાલનું માત્ર trans-lation જ બની રહે. આપણી અછાંદસ કૃતિઓમાં એવી અનેક કૃતિઓ મળી આવશે જેમાં આવી બૌદ્ધિક વિભાવનાઓનો ઢાંચો સંવેદનને ઓછોવત્તો રૂંધાતો રહ્યો છે. આપણા પ્રતિષ્ઠિત તરુણ કવિઓમાં કદાચ બહુ ઓછા આ દોષમાંથી મુક્ત રહી શક્યા છે. આમ છતાં, આપણી અદ્યતન કવિતાએ જે રીતે સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવ્યા છે તેનું મૂલ્ય કોઈ રીતે ઓછું થતું નથી. આપણી કવિતા હવે સર્જકતાના નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે.

* ‘ફાર્બસસભા ત્રૈમાસિક’, એપ્રિલ-જૂન ૧૯૭૫

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> * * *