હયાતી/૧૦૨. જીવતરમાં કાંઈ નથી

Revision as of 13:38, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦૨. જીવતરમાં કાંઈ નથી

લીંબુ–ઉછાળ જરા વેદના મળી ને
કર્યો દેકારો જીવતરમાં કાંઈ નથી;
સહેવાની સાહ્યબી નસીબે ન આવી
અંગ સુખના આ કળતરમાં કાંઈ નથી!

રસ્તો થઈને ક્યાંક અટક્યા ને
ક્યાંક થઈ અંતરાય આગળ ને આગળ,
શબ્દો થઈને અમે ઊગવા ગયા ને
કર્યું ડોકિયું તો સાવ કોરો કાગળ,
તોડવાની ત્રેવડ તો આપી નહીં ને
કર્યું ચણતર, તો ચણતરમાં કાંઈ નથી!

ભોળાં પારેવાંને નેણે અંજાય
એ હથેળીનો રંગ થોડો રાતો,
ભીતરમાં એક જે બુઝાયો તિખારો
થઈ સૂરજ આકાશમાં છવાતો
ક્ષણ ક્ષણને એકઠી કરીને રચ્યો અવસર
તો જોયું કે અવસરમાં કાંઈ નથી!

૧૯–૧૧–૧૯૭૬