હયાતી/૯૯. –ને તમે યાદ આવ્યાં

From Ekatra Wiki
Revision as of 13:29, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૯. – ને તમે યાદ આવ્યાં


પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

૧૯–૩–૧૯૭૬