હયાતી/૪૮. ચાલ્યા કરીએ

Revision as of 05:57, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૮. ચાલ્યા કરીએ

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

૧૮–૬–૧૯૭૨