પન્ના નાયકનો વાર્તાવૈભવ/બીલીપત્ર
સૂરતની એમ. ટી. બી. કૉલેજના સમાજશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર ભગવાનદાસ કલ્યાણજી દેસાઈ સવારનું નિત્યકર્મ-નહાવાધોવાનું, બે વારની ચા, ઠાકોરજીનો દીવો, ભગવદ̖ગીતાના એક અધ્યાયનું પઠન, ‘ગુજરાતમિત્ર’નું વાચન પતાવીને, જામનગરની ઘૂઘરીવાળી ચાંદીની સૂડીથી સોપારીને ઝીણી ઝીણી કાતરતા, સાડા અગિયાર વાગ્યે પત્ની સાવિત્રીની ‘થાળી પીરસી છે’ની રસોડામાંથી આવતી બૂમની રાહ જોતા, એક પગની ઠેસ મારતા હીંચકે ઝૂલતા બેઠા હતા. એમણે સોપારી કાતરતાં કાતરતાં જાળી વાસેલા બારણાની બહાર અવારનવાર ટપાલ આપી જતા ભીખુ ટપાલીને પગથિયાં ચડતો જોયો. ટપાલના થોકડામાંથી ઍરમેલનું એક પરબીડિયું કાઢી ભગવાનદાસને આપ્યું. ‘ભાઈનો કાગળ છે ને?’ ડાબા હાથમાં ખોલેલું પરબીડિયું ને જમણા હાથમાં કાગળ વાંચતાં વાંચતાં એમણે સાવિત્રીને કહ્યું : ‘લે જો, સારા સમાચાર છે. આનંદની રેસિડન્સી પતી ગઈ છે. સારી હૉસ્પિટલમાં નોકરી મળી ગઈ છે ને આપણને બોલાવે છે. જઈશું ને?’ ‘તમે તો આખો દિવસ ચોપડાં વાંચ વાંચ કરશો ને લખશો. આનંદ હૉસ્પિટલમાં હશે.’ જમવાના ટેબલ પર ગરમ ગરમ રોટલી પીરસતી સાવિત્રીના વાળ હવે ધોળા થવા માંડ્યા હતા. બાંધો બેડોળ થવા માંડ્યો હતો. સ્ફૂર્તિ ઓછી થવા માંડી હતી. ભગવાનદાસે આનંદને હા લખી દીધી. પાસપૉર્ટ અને વિસાની તૈયારી કરવા માંડી. નવાં કપડાં સિવડાવ્યાં. નવાં ટાઈ-મોજાં લીધાં. સવારસાંજ બારણું બંધ કરી અરીસામાં પોતાનું મોઢું જોઈ લેતા. તેલ નાંખેલા વાળ પર હાથ ફેરવી લેતા. ધોળા થયેલા વાળ એમને પણ ગમતા નહીં. એમને થયું પોતાની બાસઠ વર્ષની ઉંમરના આંકડા અવળા ફેરવી શકાય તો કેવું સારું ! મુંબઈથી ન્યૂયૉર્ક જતી ડેલ્ટા ઍરલાઇન્સમાં બેઠા ત્યારે એમને ધરપત થઈ. સાવિત્રી બારી પાસેની સીટ પર અને એ પૅસેજની સીટ પર બેઠાં હતાં. પ્લેન ઊપડવાની તૈયારી હતી. ઍરહોસ્ટેસની અવરજવર થવામાંડી. માઇક ઉપર પટ્ટા બાંધી દેવાની જાહેરાત થઈ. ઍરહોસ્ટેસે જોયું કે સાવિત્રીને થોડી તકલીફ પડતી હતી. લળીને સાવિત્રીને પટ્ટો બક્કલમાં ભરાવવામાં મદદ કરતાં એનો હાથ ભગવાનદાસને સહેજ અડી ગયો. ભગવાનદાસને ગમ્યું. અઢાર કલાકે ન્યૂયૉર્ક આવ્યું. આનંદ લેવા આવેલો. વાતો કરતાં ન્યૂજર્સીના એડિસન નામના ગામમાં આનંદના ‘હિલક્રેસ્ટ’ અપાર્ટમેન્ટ્સ તરફ ગાડી વળી ત્યારે ‘સ્ટારલાઇટ મોટેલ’નું પાટિયું વંચાતું હતું. ‘પપ્પા, આ “સ્ટારલાઇટ મોટેલ” કેશુભાઈની છે. તમારે મળવું હશે તો મળીશું.’ કેશુભાઈ ભગવાનદાસના સૂરતના સંબંધી હતા. “સ્ટારલાઇટ મોટેલ”ની લાઇનમાં જ ‘શારદા સાડી સ્ટોર’, ‘પટેલ ઍન્ડ પટેલ’, ‘ઝવેરી જ્વેલરી’, ‘ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ’, ‘હાઉસ ઑફ સ્પાઇસીસ’ વગેરે ભારતીય નામોની દુકાનો હતી. ‘મમ્મી, તમને અહીં સૂરત જેવું જ લાગશે. આપણી બધી જ ચીજો મળે છે.’ આનંદે ગાડી અપાર્ટમેન્ટના પાર્કિંગ લૉટમાં પાર્ક કરી. બે બેડરૂમનો અપાર્ટમેન્ટ હતો. આનંદે સાવિત્રીને બધી સુવિધાઓ બતાવી. ગૅસસ્ટવ, ફ્રીજ, ડિશ-વૉશર, વૉશર-ડ્રાયર. આનંદની કરેલી રસોઈ બધાં જમ્યાં. સવારે એ વહેલો નીકળી જાય છે એ જણાવી સવારની ચા માટેનો સામાન આનંદે બતાવી દીધો. એણે વાંચવાની સામગ્રી એમના બેડરૂમમાં મૂકી દીધી. એની મેટ્રોપોલિટન હૉસ્પિટલનો નંબર આપી દીધો. બીજે દિવસે ભગવાનદાસ અને સાવિત્રી ઊઠ્યાં ત્યારે આનંદ તો ચાલી ગયો હતો. ભગવાનદાસે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ ખોલ્યું. બરાબર વચમાં બે પાનાંની મોટી જાહરેખબર હતી. બ્રાની. બાલી કંપનીની બનાવેલી હતી અને મળે મેસીસ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં. જે બે બ્રા ખરીદે તેને ત્રીજી મફત. ભગવાનદાસને બ્રા ખરીદવાની, ખરીદીને અડકી જોવાની, હાથમાં આમતેમ ફેરવવાની ઇચ્છા થઈ આવી. પણ એ ખરીદે કોની માટે? પછીના દિવસે ભગવાનદાસ લટાર મારવા નીકળ્યા. ઓક ટ્રી રોડ પર, ‘શારદા સારી સ્ટોર’, ‘પટેલ ઍન્ડ પટેલ’, ‘ઝવેરી જ્વેલરી’, ‘ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ’ વગેરે વગેરે ભારતીયોની દુકાનનાં પાટિયાં એક પછી એક વાંચ્યાં. ભગવાનદાસ ‘સ્ટારલાઇટ મોટેલ’ પાસે આવી પહોંચ્યા. ગલ્લા પર કેશુભાઈનાં પત્ની લક્ષ્મીબહેન બેઠાં હતાં. ભગવાનદાસને જોઈ ખુશ થયાં. ‘કી દાડે આઇવા?’ ‘ત્રણ દિવસ પર.’ ‘તમારા ભાઈને બોલાવું?’ લક્ષ્મીબહેને ઇન્ટરકૉમ પર ફોન કર્યો. કેશુભાઈ અંદરના રૂમમાંથી બહાર આવ્યા. ‘ઓહ! ભગવાન કિયારે આઇવો?’ કેશુભાઈ ભગવાનદાસને અંદર લઈ ગયા. ‘દસ વરસ પર મારા મોટા ભાઈ બાલુભાઈને મદદની જરૂર હતી. બાલુભાઈ ન્યૂયૉર્કની ચોત્રીસમી સ્ટ્રીટના અન્ડરગ્રાઉન્ડ રેલવેસ્ટેશન પર છાપાં ને કૅન્ડીનો સ્ટોર ચલાવતા હતા. મજૂરી ઘણી કરવી પડે પણ વકરો સારો. બાલુભાઈએ કહેલું કે પાંચસાત વરસ કામ કરશો તો મોટેલ જેટલા પૈસા થઈ જશે. અંગ્રેજીનું બહુ કામ નહીં. બસ, પછી તો મેં ને લક્ષ્મીએ ઝંપલાવ્યું. બાલુભાઈની વાત સાચી હતી. જો, સાત વરસમાં તો મોટેલ જેટલા પૈસા ભેગા કરી લીધા ને આ એડિસન વિસ્તારમાં વીસ રૂમની મોટેલ લઈ લીધી. બપોર સુધી લક્ષ્મી બેસે. પછી એક અમેરિકન આવે. રાતના હું બેસું.’ ભગવાનદાસને રસ પડવા માંડ્યો. ‘મને તો આ ધંધો ફાવી ગયો છે. ઘર અહીંયાં ને ધંધોય અહીંયાં. ક્યાંય લાંબા થવાનું નહીં. સાફસૂફી કરવા ને ચાદરો બદલવા બે અમેરિકન છોકરીઓ રાખી છે. કેટલીક વાર તો ભગવાન, એક રૂમ દિવસમાં ચાર વાર વપરાય.’ ‘કેમ ચાર વાર?’ કેશુભાઈ ખડખડાટ હસી પડ્યા. ‘યાર, પૈસા તો એમાં જ છે. કેટલાક માણસો તો બેચાર કલાક માટે આવે. કામ પતાવી ચાલતા થાય.’ ‘આવનાર બધા અમેરિકનો જ હોય?’ ‘હાસ્તો, ધોળા ને કાળા. કોઈ દેશી થોડો અહીં આવવાનો હતો? ગલ્લા ઉપર અંબાજીની છબી ને ડેસ્ક પર અંબા જેવી લક્ષ્મીને જુએ એટલે બે પગમાં પૂંછડી દબાવીને ભાગે જ ને? આપણા દેશી તો હાવ ગટલેસ.’ ભગવાનદાસ ‘સ્ટારલાઇટ મોટેલ’માંથી બહાર નીકળી ઘર તરફ વળ્યા. રસ્તામાં એમણે ભેળપૂરીની દુકાન જોઈ. લોકો ઊભા ઊભા, મોટે મોટેથી બોલતા બોલતા ભેળ ખાતા હતા. બાજુમાં શેરડીના રસની દુકાન હતી. ઇલેક્ટ્રીક મશીનથી રસ નીકળી પ્લાસ્ટિકના પ્યાલામાં ભરાતો હતો. એની પડખે પાનની દુકાન હતી. થોડા દિવસ એમ ને એમ નીકળી ગયા. એક દિવસ સાવિત્રીને શરદી થઈ, તાવ આવ્યો. શરીર તૂટવા માંડ્યું. આનંદ ઘેર નહોતો. ભગવાનદાસે એને હૉસ્પિટલમાં ફોન કર્યો. ઇલાજમાં ટાયલેનોલ લેવાનું કહ્યું. ભગવાનદાસ ટાયલેનોલ લેવા ડ્રગ સ્ટોરમાં ગયા. આવો મોટો ડ્રગ સ્ટોર એમણે પહેલાં કદી જોયો નહોતો. દવાઓની સાથે સાથે ઘરવપરાશની અસંખ્ય ચીજો હતી. ચૉકલેટનું મોટું કાઉન્ટર હતું. હૉલમાર્કનાં ગ્રીટિંગકાર્ડ તરેહતરેહનાં હતાં. છાપાંઓ અને મૅગેઝિનો પણ હતાં. ટાયલેનોલ લઈ ભગવાનદાસ મૅગેઝિન જોવા ઊભા રહ્યા. એક મૅગેઝિન પર એમની નજર સ્થિર થઈ. પ્લેબૉય. ટાયલેનોલની ડબ્બી ખીસામાં મૂકી ત્યાં પડેલા બાજઠ પર એ બેઠા. ગોરી સ્ત્રીઓના જાતજાતના પોઝમાં નગ્ન અને અર્ધનગ્ન ફોટાઓ હતા. ફોટાઓ જોઈ ભગવાનદાસના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હતા. કોઈ ગોરી સ્ત્રી એમના જેવા બાસઠ વર્ષના ભારતીય પુરુષમાં રસ લઈ, મોકળા મને વાત કરે ખરી? એક દિવસે કેશુભાઈ અને લક્ષ્મીબહેનને કોઈનાં લગ્નમાં જવું જ પડે એમ હતું. સાંજે બેસતો અમેરિકન રોકાયેલો હતો. એમણે થોડા કલાક માટે ભગવાનદાસની મદદ માગી. મોટેલની રીતરસમનો ખ્યાલ આપી શું કરવું શું ન કરવું સમજાવી દીધું. નક્કી કરેલા દિવસે ભગવાનદાસ સમયસર આવી ગલ્લા પર બેઠા. સાથે લાવેલાં પુસ્તકો ઉથલાવવા માંડ્યાં પણ જીવ ચોંટ્યો નહીં. થોડી વારે ધોળું યુગલ આવ્યું. એમનું સરનામું શિકાગોનું હતું. એડિસનની હાયત હોટેલમાં માનસચિકિત્સકોનું અધિવેશન હતું. ત્યાં બધા જ રૂમ ભરાઈ ગયા હતા એટલે આ મોટેલમાં આવ્યાં હતાં. ભગવાનદાસે રૂમનંબર આપ્યો. પોતે ચાવી લઈ બતાવવા ગયા. ‘હૅવ અ નાઇસ ઇવનિંગ’ કહી ભગવાનદાસ ગલ્લા પર પાછા આવ્યા. એક ધોળી છોકરી આવી. ડેસ્ક પાસે આવી પોતાની ઓળખાણ આપી. નામ લીસા એવન્સ. કેશુભાઈએ એને કહ્યું હતું કે આજે બપોરે લક્ષ્મીબહેનને બદલે બી. કે. દેસાઈ બેઠા હશે. લીસા મોટેલમાં પાર્ટ-ટાઇમ કામ કરે છે. રટગર્સ યુનિવર્સિટીમાં આપકમાઈથી ભણે છે. ભણવાનો ખર્ચ કાઢવા બે દિવસ લાઇબ્રેરીમાં અને ત્રણ દિવસ ‘સ્ટારલાઇટ મોટેલ’માં કામ કરે છે. ભગવાનદાસે પોતાની ઓળખાણ આપી. આખું નામ ભગવાનદાસ કલ્યાણજી દેસાઈ પણ ટૂંકામાં બી. કે. કહી શકે. એ પણ યુનિવર્સિટીમાં જ પ્રોફેસર હતા. હવે નિવૃત્ત છે. એ અને એની પત્ની દીકરા સાથે સમય ગાળવા એડિસન આવ્યાં છે. સમય મળ્યે વાતો કરશે કહી લીસા મોટેલની સાફસૂફી માટે ચાલી ગઈ. લીસા એવન્સ. એણે એના ભરાવદાર શરીર પર બ્લ્યૂ ડેનિમનું ચુસ્ત જીન્સ અને લાલ ટી-શર્ટ પહેર્યાં હતાં. એના ટી-શર્ટમાંથી રમાડવાં ગમે એવાં ગુલાબી નાકવાળા ગલૂડિયાં જેવાં સ્તનનો ખ્યાલ આવતો હતો. ખભા સુધીના વાળને પોની ટેઇલમાં બાંધ્યા હતા. હોઠ પર ગુલાબી રંગની આછી લિપસ્ટિક લગાડી હતી. લીસા પચ્ચીસ-છવ્વીસની લાગતી હતી. છવ્વીસ—વળી ફેરવાઈ ગયેલા ભગવાનદાસની ઉંમરના આંકડા. લીસાનાં લિસ્સાં સ્તનો જોવા અને એ ખુલ્લાં સ્તનોને બાલી કંપનીની બનાવેલી બ્રાથી ઢાંકવા ભગવાનદાસને મન થયું. લીસા એનું કામ પતાવી પોતે જાય છે એવું કહેવા ગલ્લા પર આવી. ‘ફરી ક્યારેક મળીશું’, કહી લીસા ગઈ. કેશુભાઈ અને લક્ષ્મીબહેન આવી ગયાં. એમને હિસાબ સોંપી ભગવાનદાસ ઘેર ગયા. આનંદ અને સાવિત્રી સાથે જમી, ઔપચારિક વાતો કરી ભગવાનદાસ સૂઈ ગયા. મધરાતે સાવિત્રીએ એમને ઢંઢોળ્યા. ભગવાનદાસ, સાલીસાલીસાલી-સા, જેવું કંઈક બબડતા હતા. સાવિત્રીએ પૂછ્યું ત્યારે ભગવાનદાસ ચોંક્યા અને ભોંઠા પડી કહ્યું કે એ તો સાવિત્રીનું ટૂંકું : સાવિ-સાવિ-સાવિ-સા, જ હશે. ભગવાનદાસે દિવસ દરમિયાન લાઇબ્રેરીમાં જવાનું શરૂ કર્યું. ભગવાનદાસને અહીં ભણવા ન આવવા માટે રંજ થયો. અહીં ભણ્યા હોત તો કોઈ સારી યુનિવર્સિટીમાં પ્રોફેસર થઈ શક્યા હોત. પુસ્તકો લખ્યાં હોત. કોઈ ગોરી સ્ત્રીની મૈત્રી કરી શક્યા હોત. બધી બૌદ્ધિક વાતો સાથે સાથે મનમાંથી લીસા ખસતી નહોતી. થોડા દિવસ પછી લીસાના ઘેર જવાના સમયે ભગવાનદાસ ‘સ્ટારલાઇટ મોટેલ’ની બહાર ઓચિંતા જ આવ્યા હોય એમ ઊભા રહ્યા. મોટેલમાંથી નીકળતાં લીસાએ એમને જોયા. હસી. કેમ છો પૂછ્યું. ભગવાનદાસે હિંમત ભેગી કરી લીસાને કૉફી પીવાનું નિમંત્રણ આપ્યું. કૉફી પીતાં પીતાં લીસાએ પોતાની વાત કરી. એ એકલી રહે છે. એનું કુટુંબ ફ્લોરિડા સ્ટેટમાં રહે છે. માતાપિતાએ છૂટાછેડા લીધા છે. એક ભાઈ શિકાગો રહે છે અને બહેન લૉસ ઍન્જલસ. પોતે પગભર થવાનો પ્રયત્ન કરે છે. એક વાર પૈસા ખૂટી ગયા. ભાડું ભરાય એમ નહોતું એટલે અઠવાડિયું ગાડીમાં સૂવું પડ્યું. હવે એ જૉબ કરે છે. એને આગળ ભણવું છે. પીએચ.ડી. થવું છે. એનો વિષય સત્તરમી સદીના ડચ ઇતિહાસનો છે. ભગવાનદાસના કાન ચમક્યા. સત્તરમી સદીમાં તો ડચ લોકો સૂરત આવેલા. ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપેલી. ભગવાનદાસ પોતે સૂરતના છે એમ કહ્યું. આ વિષયની ચર્ચા કરવા અઠવાડિયે એક વાર મળવાનું નક્કી કરી બંને છૂટાં પડ્યાં. લીસાને ભણવાની સાથે સાથે બબ્બે નોકરી કરવી પડે છે એ વાતથી ભગવાનદાસને દુઃખ થયું. ઘડીભર તો થયું કે આનંદ કે કેશુભાઈ પાસેથી પૈસા લઈ લીસાની ફી ભરી દે. પાછું એમ પણ થયું કે જો કામ ન કરે તો લીસા મોટેલમાં આવતી બંધ થઈ જાય. તો કદાચ મળવાનું પણ બંધ થઈ જાય. ભગવાનદાસ એમની બુદ્ધિ અને લાગણીનો તંતુ લીસાની બુદ્ધિ અને લાગણી સાથે જોડવા માંગતા હતા. છએક વાર મળ્યાં પછી ભગવાનદાસે લીસાને પૂછ્યું એ ભગવાનદાસ માટે શું માને છે? ‘તમે તો મારા પ્રોફેસર જેવા ઇન્ટેલેક્ચ્યુઅલ છો. મારા વડીલ છો, ગુરુ છો, હું તમને માનથી સત્કારું છું.’ ભગવાનદાસને હતું કે કહેશે, તમે મને ગમો છો. એણે એવું કશું કહ્યું નહીં એટલે ભગવાનદાસની હિલક્રેસ્ટ કૉમ્પ્લેક્સના ગાર્ડનમાં લીસા સાથે ઘાસ પર પડ્યા પડ્યા આકાશ સાથે વાતો કરવાની તીવ્ર ઇચ્છા મનમાં જ રહી ગઈ. ભગવાનદાસ અને લીસા નામના પહેલા અક્ષરો લઈએ તો, ભલી, થાય. લીસા ભલી છે, પોતે નથી. અંગ્રેજી અક્ષરો લઈએ તો? બીએલ થાય. ના, એમાં મઝા નહીં. બી.કે.નો બી અને લીસાનો લી ભેગા કરીએ તો? બીલી. બીલી કેવું લાગે? બીલીપત્રનું બીલી. પાછા ફરતાં ભગવાનદાસ આવી કોઈ રમત શોધી કાઢતા. લીસાએ એનું લખેલું પેપર ભગવાનદાસને આપ્યું. સત્તરમી સદીમાં પશ્ચિમ ભારતમાં સૂરતનું વાતાવરણ કેવું હતું જેને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે ડચ ઇન્ડિયા કંપની સ્થપાઈ અને એમાં સૂરતી વેપારીઓ કેવી રીતે સંકળાયેલા તે અને એ સમયના સૂરતના ગવર્નર મૂઈઝ-ઉલ-મુલ્કનો શો ફાળો હતો એ વિશે લીસાએ છણાવટ કરી હતી. થોડાં સૂચનો સાથે પેપર પાછું આપતાં ભગવાનદાસની આંખો કશુંક માંગી બેઠી. લીસા હસીને ભગવાનદાસને વળગી પડી. ‘થૅંક યુ સો મચ, થૅંક યુ સો મચ’, કહી ભગવાનદાસના ગાલ પર ચુંબન કર્યું. ‘તારે તો સૂરત જઈ સંશોધન કરવું જોઈએ.’ ‘સાચે જ?’ લીસાએ વિસ્મયમાં ગરકાવ થઈ પૂછ્યું. ‘સૂરતમાં તો મારું ઘર છે. ઓળખાણો છે. બધી સુવિધાઓ છે.’ ભગવાનદાસે કહ્યું. ‘આપણે વિચારવું જોઈએ’, લીસા બોલી. ‘પણ એ માટે બીજે ક્યાંક મળીએ જ્યાં મેકડોનલ્ડ જેવી ધમાલ ધમાલ ન હોય. શાંતિ હોય. નિરાંતે વાત કરી શકીએ.’ ભગવાનદાસે કહ્યું. ‘તમે રટગર્સ યુનિવર્સિટી પર આવશો?’ લીસાએ પૂછ્યું. ‘એના કરતાં તારે ત્યાં મળીએ તો? નજીકમાં છે તો હું જ આવી શકું.’ ભગવાનદાસ બોલ્યા. ‘ભલે, પરમ દિવસે સાંજે. મારી સાથે જ જમજો.’ કહી લીસા એની ગાડીમાં ગઈ. લીસાના ઘરની આજુબાજુ કોણ રહેતું હશે? અંદરથી એનું ઘર કેવું હશે? લાઇબ્રેરી કેવી હશે? એને કોઈ પુરુષમિત્ર હશે? એ મિત્રને જમવા બોલાવતી હશે? આંખમાં આંખ મેળવી વાતો કરતી હશે? હાથ પકડતી હશે? વહાલ કરતી હશે? એનો બેડરૂમ કેવો હશે? ચાદર સળ વિનાની હશે? ટેલિફોન-આન્સરિંગ મશીન હાથ લંબાવો ને અડકી શકાય એટલાં જ દૂર હશે? રૂમમાં પંખો હશે કે ઍર-કન્ડિશનર? કેવી ફિલ્મો જોતી હશે? કોઈને વળગીને? ભગવાનદાસ બે દિવસ અન્યમનસ્ક રહ્યા. ત્રીજા દિવસની સાંજે ભેટ આપવા ટાગોરનું, ‘કલેક્ટેડ પોએમ્સ ઍન્ડ પ્લેય્ઝ’ પુસ્તક લઈ એ લીસાને ઘેર જવા નીકળ્યા. કેશુભાઈ કહેતા હતા એવા એ ‘ગટલેસ’ ગુજરાતી નથી. એમની પાસે છાતી છે. ઓક ટ્રી રોડના ‘શારદા સારી સ્ટોર’, ‘ઝવેરી જ્વેલરી’, ‘હાઉસ ઑફ સ્પાઇસીસ’ એમને દેખાયાં જ નહીં. કોઈ ઓળખીતું મળતે તો જવાબ તૈયાર રાખ્યા હતા. ‘ક્યાં જાવ છો ભગવાનદાસ?’ ‘ટ્યૂશન આપવા જાઉં છું’. એ વૂડ રોડ તરફ વળ્યા. ત્યાંથી ચેસ્ટનટ સ્ટ્રીટ પર. ચેસ્ટનટ પર નાનાં નાનાં ઘર હતાં. નંબર જોતા જોતા ભગવાનદાસ નંબર સિક્સટી નાઇન પાસે અટક્યા. એ લીસાનું ઘર હતું. બે માળના ઘરમાં એ નીચલે માળે રહેતી હતી. બહાર લીસા એવન્સના નામનું બૉર્ડ હતું. ભગવાનદાસે ઘંટડી દબાવી. બારણું ખૂલ્યું. લીસાએ બાંધણી પહેરી હતી. ચાંલ્લો કર્યો હતો. ‘લેટ્સ ગો ટુ સૂરત’. કહેતી લીસા ભગવાનદાસને વળગી પડી. ભગવાનદાસ આંખોમાં આંખો મેળવી શક્યા નહીં. પ્રવેશદ્વારની સામેના નાના ટેબલ પર બે રકાબી ગોઠવી હતી, મીણબત્તી બળતી હતી. ભગવાનદાસ ઉંબર પર ઊભા હતા.