અનુક્રમ/કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય
કથાના અવલંબન વિના ગદ્યને સર્જનાત્મક રીતે ખેડવાના પ્રયાસો આપણે ત્યાં ખૂબ ઓછા થયા છે. એમાં કાકાસાહેબનો પ્રયત્ન (અને હમણાં સુરેશ જોષીનો) સૌથી વિશેષ નોંધપાત્ર છે. કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય મનોહર છે અને પ્રસંગે મર્મસ્પર્શી બને છે. એને ‘કવિતા’ કહેવા સુધી આપણે લલચાયા છીએ. પણ એ ગદ્યની વસ્તુલક્ષી તપાસ ખાસ થઈ નથી. અહીં આપણે ‘જીવનનો આનંદ’ (ત્રીજી આવૃત્તિ, ૧૯૫૨)ના ‘પ્રકૃતિનું હાસ્ય’ એ વિભાગ (પૃ. ૩થી ૭૮)ને આધારે એ ગદ્યની લાક્ષણિકતાઓ તારવવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. વર્ણનાત્મક ગદ્યને તપાસવાની મુખ્ય બેત્રણ રીત હોઈ શકે. એની સામગ્રી એટલે કે એમાં વ્યક્ત થયેલા ઇન્દ્રિયજગત અને મનોજગતનો વિચાર કરી શકાય, એની પાછળના લેખકના ચિત્તવ્યાપારોનો અભ્યાસ કરી શકાય અને ગદ્યશૈલીના ઘટકોનું વિશ્લેષણ કરી શકાય. અંતે આ બધું ગદ્યને સર્જનાત્મક બનાવવામાં કેટલો ફાળો આપે છે એનો વિચાર કરી શકાય.
પહેલાં આપણે કાકાસાહેબના ગદ્યને સામગ્રીની દૃષ્ટિએ – ખાસ કરીને એમણે ઝીલેલા ઇન્દ્રિયજગતના વિવિધ અંશોની દૃષ્ટિએ અવલોકીએ. ઇન્દ્રિયસંવેદન કાકાસાહેબની અનુભૂતિઓનો ઘણો મોટો ભાગ રોકે છે. આપણે ત્યાં કાકાસાહેબ જ વર્ણનાત્મક ગદ્ય સૌથી વિશેષ આપી શક્યા છે તેનું કારણ પણ એ છે કે એમણે પંચેન્દ્રિયોથી જગતને – પ્રાકૃતિક જગતને મન ભરીને માણ્યું છે. ઇન્દ્રિયસંવેદનોમાં આકાર, કદ, વિસ્તાર, રંગ, સ્પર્શ, સ્વાદ, ગતિ, ક્રિયા આદિનાં સંવેદનોનો સમાવેશ થાય. કાકાસાહેબ પાસેથી કથા પ્રકારનાં સંવેદનો આપણને સૌથી વિશેષ મળે છે તેની તારવણી કરીએ તો કાકાસાહેબની કઈ ઇન્દ્રિય સૌથી વધારે જાગ્રત છે એની શોધ થઈ શકે. તો કાકાસાહેબનાં ઇન્દ્રિયસંવેદનોમાં આકાર અને રંગના સંવેદનોની પ્રચુરતા નજરે પડે છે. એ રીતે, બધી ઇન્દ્રિયોમાં કાકાસાહેબની આંખ સૌથી વધારે જાગ્રત અને સક્રિય છે, એમ કહી શકાય. જોકે આ એક વ્યાપક તથ્ય હોવાનો સંભવ છે. માનવજાતની પણ દર્શનની ઇન્દ્રિય જ સૌથી પહેલાં અને સૌથી વિશેષ ક્રિયાશીલ નથી હોતી? કાકાસાહેબની દૃષ્ટિ પ્રકૃતિનાં તત્ત્વોના આકાર અને રંગની સૌ પ્રથમ નોંધ લે છે પણ તેઓ આકારને ગોળ, ચોરસ, લંબગોળ તેમજ રંગને લાલ, પીળો, લીલો એમ સંજ્ઞા આપીને અટકી જતા નથી. પ્રકૃતિના આકાર અને રંગને વર્ણવવા એ અન્ય સાકાર અને સરંગ પદાર્થોને લાવે છે. આ પરથી કાકાસાહેબના મનમાં કેટલા બધા આકારો અને રંગોના ભંડાર ભર્યા છે એનો આપણને ખ્યાલ આવે છે. કાકાસાહેબના મનમાં ઉભરાતી આકૃતિઓ જુઓ (આ ઉદાહરણ બીજા ખંડમાંથી નમૂનારૂપે લીધું છે) : “આ પેલું ઈંડા જેવું વાદળું આવે... પણ ઈંડું એટલામાં ભાંગી ગયું. તેથી પેલી શું બચ્ચાની ચાંચ કહેવાય? ...હવે તો ઢાલ જેવું દેખાય છે. ના, ના, આરસપહાણનો કટકો લાગે છે. ના, ભૂલ્યો, અબ્બાસાહેબની દાઢી છે.” (પૃ. ૧૧૭) આકૃતિઓ શોધતી કાકાસાહેબની નજર કેટલી ઝીણી છે એનો ખ્યાલ એ પરથી આવશે કે કાદવનાં ચોસલાં જોઈને એમને સુકાયેલાં કોપરાંની યાદ આવે છે. (પૃ. ૩૭) અને કાળાં વાદળાંના હાથમાં સફેદ વાદળાંનો પુંજ જોવા મળતાં હરિકેન ફાનસના કાચ પરનું સળગતી મશાલવાળા હાથનું ચિત્ર સ્મરણમાં આવે છે. (પૃ. ૧૬) આકારની જેમ નિરાકારતાનો પણ કાકાસાહેબ અનુભવ કરે છે અને એને એવા બીજા અનુભવથી તાદૃશ કરવાની મથામણ કરે છે : “માથા પર આકાશ સાવ નિરભ્ર હતું. રણમાં ઝાડપાન કશું હોતું નથી એ ખરું, પણ રેતીનાં મોજાં તો હોય છે; સરોવરમાં મોજાં નથી હોતાં તોય લીલ અથવા કમળનાં પાંદડાં તો જરૂર હોય છે. કંઈ નહિ તો કોઈ બગલાના ઉડ્ડાણ વડે પાણીમાં વર્તુળો તો તૈયાર થાય જ છે. આ આકાશમાં એમાંનું કશું જ નથી. બૌદ્ધોનું નિર્વાણ જ જાણે પ્રસરેલું ન હોય!” (પૃ. ૧૬) નિરભ્ર આકાશના અ-રૂપને વર્ણવવા કાકાસાહેબ રણ, સરોવરને અજમાવી–છોડીને બૌદ્ધોના નિર્વાણ સુધી પહોંચી ગયા એ અનુભૂતિને તાદૃશતા અને ચોકસાઈથી વ્યક્ત કરવાની એમની મથામણ દર્શાવે છે. અને ખરેખર છેવટે કાકાસાહેબ કેવું અનુરૂપ અને અર્થસભર ઉપમાન લાવ્યા! ઉપમાન અમૂર્તની સૃષ્ટિમાંથી જ લાવવું પડ્યું! આકારનાં કાકાસાહેબનાં વર્ણનો કંઈક સ્થૂળ લાગે અને એમાં બાલસહજ કૌતુકવૃત્તિ વધારે લાગે. આકારની વિશેષતા પારખવી સહેલ પણ ગણાય. આની તુલનામાં કાકાસાહેબની રંગસૂઝ ખૂબ સૂક્ષ્મ અને પ્રૌઢ લાગે છે, અને એમની રંગસૃષ્ટિ વધારે આસ્વાદ્ય લાગે છે. કાકાસાહેબે કેવા વિશિષ્ટ રંગો નોંધ્યા છે! – કાળી સ્લેટમાં કોકકોક વખત દેખાતો લીલો રંગ (પૃ. ૨૮), ગોરા બાળકના શરીર પરનાં લાખાનો લીલોભૂરો રંગ (પૃ. ૨૮), કસદાર જુવારની કડબનો સોનેરી રંગ (પૃ. ૭૪), કાદવનો ઠીકરો રંગ (પૃ. ૩૭), ફોટોગ્રાફીનો warm tone (પૃ. ૩૭), ભીની ભસ્મનો શામળો રંગ (પૃ. ૧૪), ચાંદનીમાં ઊડતી ધૂળનો રંગ પણ કાકાસાહેબની નજરમાં પકડાય છે (પૃ. ૨૧), અને વાદળની અને આકાશની પલટાતી રંગછાયાઓને પણ એ આબેહૂબ વ્યાવર્તકતાથી આલેખી બતાવે છે : • પર્વ તરફનાં વાદળાંઓ નવો જ તપખીરિયો રંગ આજે ક્યાંકથી લઈ આવ્યાં હતાં અંગ્રેજીમાં જેને chestnut brown કહે છે તેના જેવો આ રંગ હતો. તેમાં થોડોક ફેર પડ્યો એટલે પાકેલાં બનારસી બોરનો રંગ દેખાવા લાગ્યો. તેમાં સૂર્યનો પ્રકાશ થોડોક ભળી જતાં જ તે રંગે બકુલના ફળનું સ્મરણ કરાવ્યું અને ફરી ગુલાબનાં ફૂલ સુકાઈ જતાં જે રંગ દેખાય છે તેની છટા નજરે પડી. (પૃ. ૨૭–૨૮) • એટલામાં સામેની બરાક ઉપરના આકાશમાં આ વાદળાં પથરાઈ ગયાં અને તેમણે પોતાના રંગમાં પીળી છટાનું મિશ્રણ કર્યું. કે તરત જ પ્રથમ દૂધના જેવો રંગ દેખાયો, થોડા જ વખતમાં તેનું રૂપાંતર થઈ તેમાં હાથીદાંતની છટા આવી. એની શોભા નિહાળીએ છીએ એટલામાં હસ્તીદંત જતો રહ્યો અને તેનું હેદ્દીનું લાકડું બન્યું. તેણે વળી થોડા વખતમાં ફણસના લાકડાની પીળાશ ધારણ કરી. અને ફણસને અંતે સુવર્ણ થતાં વળી વાર કેટલી! સંધ્યાકાળના શીતળ સમયે પણ સુવર્ણે તપ્ત વર્ણ ધારણ કર્યો. એ જ વખતે દક્ષિણ તરફના વાદળાએ બરાબર ત્રાંબાનો તાંબડો રંગ ધારણ કર્યો. આગળ સોનું અને દક્ષિણમાં ત્રાંબું એ. સુંદર દૃશ્ય જોતો હતો એટલામાં તો પેલું ત્રાંબું આ સોનામાં ભળી ગયું. એટલે સિંદૂરિયો રંગ થવા જતો હતો પણ તેના બદલામાં અભ્રક-ભસ્મની શોભા દેખાવા લાગી. તેમાં કાળાશ ક્યાંથી આવી હશે કોણ જાણે? અને તેની સામેની બાજુએ જાણે આખી દુનિયામાંના વૈદ્યોને રાજી અને તૃપ્ત કરવા સારુ જ સુવર્ણ માલિનીનો એક આખો પહાડ જ તૈયાર થયો. આટલું કર્યા પછી સંધ્યાને યાદ આવ્યું કે આજે તો શનિવાર છે તેથી હનુમાનજી માટે સિંદૂર તૈયાર કર્યે જ છૂટકો. જોતજોતામાં બધે સિંદૂર જ દેખાવા લાગ્યું. (પૃ. ૪૪–૪૫) કાકાસાહેબના રંગસંવેદનની આ અપાર સમૃદ્ધિ જોઈને બાણ ભટ્ટની સહેજે યાદ આવે છે. સ્પર્શનાં સંવેદનો કાકાસાહેબના ગદ્યમાં ઓછાં આવે છે. ક્યારેક એ સંવેદન નિરૂપવાની તક પણ ચુકાઈ ગઈ હોય એમ લાગે છે. નીચે પથરાયેલા ઝાડનાં પાંદડાંના ગાલીચા અને લોટ જેવા સફેદ ચાંદરણાની વાત કરી, જેમના પગમાં ગતિનો સંચાર થતો નથી એમની દયા લેખક ખાય છે (પૃ. ૨૨) પણ એ ગાલીચા તથા એ ચાંદરણા પર ચાલતાં થતાં વિશિષ્ટ સ્પર્શસંવેદનને એકાદ શબ્દથી પણ મૂર્ત કરવાનું રહી ગયું છે. આમ છતાં કાકાસાહેબની સ્પર્શેન્દ્રિય તીવ્ર છે એમાં શંકા નથી. ઘેટાંને ચોમાસાની ઋતુમાં શરીર પરના ઊનથી થતા કે કાદવવાળા પાણીથી વાળ તરબોળ થાય ત્યારે થતા સ્પર્શસંવેદનનું એમને કૌતુક થાય છે, (પૃ. ૩૬) પોતે પણ સ્પર્શને નિર્વ્યાજભાવે માણે છે અને આલેખે છેઃ સફેદ રંગમાં મખમલ અને રેશમનો (પૃ. ૪૪), મેઘધનુષ્યના રંગમાં તેલની ચીકાશનો (પૃ. ૪૧), છાણના પોદળાની ઠંડકનો (પૃ. ૬૩) એ અનુભવ કરે છે; તદ્દન પાકવાની અણી પર આવેલા બોરનું નવયૌવનમય માર્દવ સહેજ તપાસી જોવાની એમના દાંતને ઉત્કટ ઇચ્છા થાય છે (પૃ. ૫૦); રસ્તા પર ચાંદનીમાં સુંવાળી ધૂળને પગ વતી ખૂંદવાની એમને મજા પડે છે; ધુમ્મસ એમને ચૂંટી ખણે છે. સ્પર્શના અનુભવની વિશિષ્ટતા ક્યારેક કાકાસાહેબ એવા બીજા અનુભવ સાથે કે અમૂર્ત મનોભાવ સાથે સરખાવીને પ્રગટ કરે છે : • એક વાર પરસેવો છૂટ્યો પછી એવો આનંદ આવે છે કે જાણે તળાવમાં નહાતા હોઈએ. (પૃ. ૬૪) • ખાસ ચીડવવાના ઉદ્દેશથી, લાગણી દુભાય એવી મશ્કરી કોઈ કરે અને આપણને લાગી આવે એવી વળગણી એ ટાઢ હતી. (પૃ.૧૭) અવાજની નોંધ કાકાસાહેબ લે છે પણ એનાં મૂર્ત ચિત્રો ઓછાં છે, સફળ ચિત્રો ખૂબ ઓછાં. પાકોળીઓના ચિત્કારની (પૃ. ૪૩) કે કોયલના અવાજની કાકાસાહેબ માત્ર નોંધ લે છે, સૂકાં પાંદડાંના સળસળ અવાજને એ રવાનુકારી શબ્દથી પ્રત્યક્ષ કરાવવાનું કરે છે પણ આવુંયે બહુ ઝાઝું મળતું નથી. એક ઠેકાણે કાકાસાહેબે અવાજની આખીયે સૃષ્ટિ ખડી કરી છે તે ધ્યાન ખેંચે છે : • સૃષ્ટિ ઉપર પ્રભાતની આશા પથરાવા લાગી અને દ્વિજગણોને એકદમ ગાવાનું સૂઝ્યું. પ્રથમ શરૂઆત કરી કોયલે – કૂ–કૂ, એ સાંભળી મોર ટહૂક્યો – માઆઆઉ, માઆઆઉ, કાબર કહે, “મારી પાસે તો ગાયનનું સંગ્રહાલય છે. હું તો જાતજાતના અવાજ કાઢું.” પણ એ ચાંચલ્ય પેલા હોલા ભગતને ન રુચ્યું. એણે તો ઊઠતાંવેંત પ્રભુ તું, પ્રભુ તું, શરૂ કર્યું... મોર, ચકલી, હોલા, કબૂતર, કોયલ અને કાબર બધાં જ બોલે એટલે કાગડાને થાય કે મારા ધૈવત વગર એ સપ્તસ્વરનું સંગીત પૂરું નહિ થાય, એટલે એણે પણ પોતાનું અસ્તિત્વ ગાવા માંડ્યું. એંજિનનો સાદ હંમેશાં કાવ્યવિહીન હોય છે... પણ આ વૃંદમાં એ ભળે છે ત્યારે એ સાદમાં એક લહેક ઉમેરાય છે અને પરિણામે વૃંદગાયન વધારે સમૃદ્ધ થાય છે. (પૃ. ૫૯) એક ઠેકાણે અવાજને ઉપમાથી મૂર્ત કરવાનો પ્રયાસ છે : “આંબાને કુમળાં લાલ પાંદડાં ફૂટવા લાગતાં ત્યારે અમે એ મોઢામાં ધરીને તેમાંથી પીઽઽ-પી અવાજ કાઢતા. તે પાંદડાનો કષાય મધુર ગંધ, સુંવાળો કોમળ સ્પર્શ અને તેમાંથી નીકળતો બકરીના બચ્ચાના જેવો અવાજ એ બધાંનું અચાનક સ્મરણ થયું.” (પૃ. ૭૭) ગંધનું સંવેદન તો કાકાસાહેબમાં વિરલ છે – કદાચ ઉપરના ઉદાહરણમાં આવે છે તે જ. સ્વાદ સૌન્દર્યાનુભૂતિ માટેની યોગ્ય ઇન્દ્રિય ઘણી વાર નથી ગણાતી. પણ સ્વાદનું સંવેદન કલાનો વિષય બની શકે ખરો. કાકાસાહેબ ક્યારેક પોતાના વર્ણનમાં સ્વાદના સંવેદનને લાવે છે : પરોઢિયાને ‘મોળું’ કહે છે (પૃ. ૩૨), જેલજીવનને લિંબભક્ષણ સાથે સરખાવે છે (પૃ. ૯), અને એક વખત કાજુના ફળના સ્વાદને યાદ કરે છે (પૃ. ૫૧). જોઈ શકાશે કે સ્વાદના સંવેદનને મૂર્ત કરવાનું ખાસ બની શકતું નથી. કદ, વિસ્તાર, ક્રિયા અને ગતિનાં સંવેદનોમાં ઊંડાણ અને સંકુલતા આવે. કાકાસાહેબનો માનસવ્યાપાર સરલતાલક્ષી છે એટલે આ પ્રકારનાં સંવેદનો એમનું ચિત્ત ઓછાં ઝીલે છે. કદ અને વિસ્તારનાં સંવેદનો એકાદ ઠેકાણે જ આવે છે અને એ એટલાં માર્મિક નથી. આનું કારણ કદાચ એ હોય કે વિસ્તારનું માપ આપતું વર્ણન ઘણી વાર ઊણું પડે છે; “મહીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવાને મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં, ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ.” જોઈ શકાશે કે ‘નજર પહોંચે ત્યાં સુધી’માં વિસ્તારનું સૂચન છે પણ પછી વિસ્તારને સ્થાને જથ્થાનું માપ જ વર્ણવાયું છે. બીજું એક વર્ણન જોઈએ : “વાદળાંઓએ પોતાનું લંબાણ એક છેડાથી બીજા છેડા સુધી તાણ્યું હતું... ઉપર વાદળાંમાં પહાડનાં શિખરોની હારો એક પછી એક વધતી જાય એવાં સાત પડો દેખાતાં હતાં. લંબાણો અને ઊંચાણો ભેગાં થયાં એટલે ભવ્યતા તો પ્રતીત થવાની જ પણ જ્યારે એમાં ઊંડાણ ઉમેરાય છે ત્યારે એ ભવ્યતા વિરાટનું રૂપ પકડે છે.” “ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે સૂર્યની કિનારી ઉપર જે હજારો અને લાખો માઈલની જ્વાળા ઊછળતી દેખાય છે તેની હાલના જ્યોતિષીઓ છબીઓ પાડે છે. કુદરતને થયું હશે કે જન્માષ્ટમીના આનંદમાં આપણે પણ એવી છબી પાડીએ. કેવડાંય મોટાંમોટાં શિખરો અને એ આખાં શિખરોને જ ચાટી ખાવા મથતી એ વાદળાંની જ્વાળા જેવી જીભો!” (પૃ. ૫૫-૫૬) કંઈક વ્યાકરણથી, કંઈક ચિત્રથી વિરાટને પ્રત્યક્ષ કરાવવાનો આ પ્રયત્ન છે એમાં સઘળું ઘૂંટાઈને આવ્યું નથી, છતાં વાદળોના કેવળ વિસ્તારથી ચકિત થવા નહિ તૈયાર (કેમ કે એનાથી ભવ્યતર વસ્તુઓ પ્રકૃતિમાં છે – સાગર, હિમાલય, ગાઢ જંગલો, તારકપ્રકાશ વગેરે) વ્યક્તિએ ચકિત થઈને કરેલું આ દર્શન છે એમ તો લાગે. કાકાસાહેબનાં ગતિનાં ચિત્રો એટલાં સ્પષ્ટ, મૂર્ત અને ચોકસાઈવાળાં કેટલીક વાર નથી બનતાં. ચિત્રા અને સ્વાતિની ભિન્ન પ્રકારની ગતિ વિષે કાકાસાહેબ માત્ર કથન કરે છે : “ચિત્રાનાં પગલાં હળવાં અને દૂરદૂર પડવાને કારણે તે ઝડપથી ઉપર ચડે છે, જ્યારે સ્વાતિ પોતાના તેજના ભારથી અલસગમના હોય એ સ્વાભાવિક જ છે.” (પૃ. ૧૮) આંબાડાળે લટકતી કેરીને માના પેટે નિર્ભયતાથી વળગેલા વાંદરીના બચ્ચા સાથે લેખક સરખાવે છે પણ એના ડોલનને મૂર્ત કરતું કોઈ ઉપમાન એમને જડતું નથી (પૃ. ૨૦) સમડીઓની લાક્ષણિક ગતિની ગોળગોળ ફરતી ઉપર ચડવા અને ઊતરવાની ક્રિયાની વાત કાકાસાહેબ કરે છે ત્યારે યે એમને ઉપમાન તો સૂઝે છે એમની ધીરજને જ મૂર્ત કરતું : ‘જાણે પ્રાંત સાગરનાં યાત્રી વહાણો.’ (પૃ. ૬૪) ચામાચીડિયાંની ચક્કર ચક્કર ગતિને પાણીના વમળ સાથે (પૃ. ૨૬) કે કાગડાઓની વાંકીચૂંકી ઊડને કરચલા સાથે (પૃ. ૨૮) સરખાવવામાં કેટલી અનુરૂપતા છે એવો પ્રશ્ન પણ થાય. પણ ગતિનું એક સરસ ચિત્ર કાકાસાહેબ પાસેથી મળે છે : • પાકોળીઓની ગતિ એ ફ્રી વ્હીલ સાયકલ જેવી હોય છે. આ લોકો જરાક પાંખ મારે છે અને પછી પાંખોને આરામ આપી આકાશમાં શરીર વહેતું મૂકે છે. લાંબા વખત સુધી એમનું આ ઊડણ જોઈને મને માલિની છંદ યાદ આવ્યો – “નનમ–યય–યુતેયં ‘માલિની’ ભોગિલૌકૈઃ” આમાં પહેલાં ભાગમાં જોરથી પાંખ મારવાની ઉતાવળ છે અને અંતે યંના યતિ પર થોડો વખત સ્તબ્ધ રહી પછી માલિનીને છૂટી વહેતી મૂકી દેવામાં આવે છે. (પૃ. ૭) માલિની છંદની અભિનવ સરખામણી અને ‘પાંખ મારવી’ ‘શરીર વહેતું મૂકવું’ જેવા રૂઢિપ્રયોગોથી તાદૃશતા અને મૂર્તતા આવી છે એ જોઈ શકાશે. ક્રિયાનાં ચિત્રો પણ ઓછાં જ મળે છે. ઉપરનાં કેટલાંક દૃષ્ટાંતોમાં ક્રિયાનું વર્ણન પણ જોઈ શકાશે. એ ઉપરાંત, ક્રિયાનાં એકબે ખૂબ આસ્વાદ્ય ચિત્રો મળે છે : • ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. (પૃ. ૬૩). • અંધારું થયું અને રાત્રીનું વિશાળ કદંબ ફૂલવા લાગ્યું. પારિજાતના ઝાડ ઉપર જેમ ફૂલોની બહાર આવે તેમ નક્ષત્રો ફૂલવા લાગ્યાં. (પૃ. ૬૯) કાકાસાહેબનાં વર્ણનોમાં ક્વચિત્ ભિન્નભિન્ન પ્રકારનાં સંવેદનો મિશ્ર પણ થતાં જણાય છે. વાદળાંની અંદરથી ચારપાંચ બાજુ દોડતો સૂર્યપ્રકાશ જોઈ ‘Far flashed the red artillery’ એ પંક્તિ યાદ આવે છે (પૃ. ૨૭) તેમાં રંગ અને ગતિનાં સંવેદનોનું સંમિશ્રણ છે. સજલ મેઘોના તેજસ્વી શ્યામ વર્ણમાં કોક વાર દેખાતી લીલા રંગની સૂક્ષ્મ છટામાં નરમાશ, કોમળતા અને મોહકતાનો અનુભવ કરવામાં રંગ અને સ્પર્શનાં સંવેદનો ગૂંથાયાં છે. (પૃ. ૨૮) “ગુલાબના ફૂલનો લાલ રંગ જેમ મીઠો ફીકો હોય છે તેવી મીઠી ફીકી ટાઢને ગુલાબી કહેવું એ જ યોગ્ય છે.” – અહીં રંગ, સ્પર્શ અને સ્વાદનાં સંવેદનો એક રૂપે ઘૂંટાયાં છે. પદાર્થો કાકાસાહેબને માત્ર ઇન્દ્રિયસંવેદનો જ આપે છે એવું નથી, કેટલીક વાર એ ચૈતસિક અનુભૂતિના અધિષ્ઠાન પણ બને છે. જેલની દીવાલોમાં જેલરના ચહેરા જેવી નીરસતાનો (પૃ. ૬), જેલની ઊંચી બારીઓની ઉદાસી અને ભયાનકતાને. (પૃ. ૬), ચોખ્ખા આકાશમાં રામના સૌમ્ય સ્મિતનો (પૃ. ૮) કે સીતાની કીર્તિ જેવી પવિત્રતાનો (પૃ. ૧૭), સંધ્યા અને ચંદ્રિકાના મિલન વખતે પ્રકૃતિદેવીના અંગપ્રત્યંગોમાં પ્રથમ માતૃપદ પામેલી રૂપયૌવના યુવતીના મુખ પર હોય છે તેવી વૈભવયુક્ત સ્થિર શાંતિનો (પૃ. ૧૮) અનુભવ કાકાસાહેબ કરે છે. આ જાતના અનુભવો પ્રાકૃતિક પદાર્થોનું એક જુદું જ પરિમાણ પ્રગટ કરે છે. આ રીતે ઇન્દ્રિયજગતના અનુભવોમાં અહીં વૈવિધ્ય છે; તાજગી છે, તાદૃશતા છે, ચોકસાઈ છે. ઊંડાણ કે સંકુલતા ઓછાં છે પણ નથી એમ તો નથી જ.
કાકાસાહેબની સૌન્દર્યાનુભૂતિમાં જગતનું માત્ર ઐન્દ્રિય આકલન જ હોતું નથી પણ બીજાં ઘણાં તત્ત્વોનો પણ સમાવેશ થાય છે. અથવા એમ કહો કે કાકાસાહેબના વર્ણનાત્મક નિબંધોમાં શુદ્ધ અને કેવલ ઇન્દ્રિયાનુભવો જ નિરૂપાયેલા નથી; એમની બહુશ્રુતતા, એમની બુદ્ધિ, એમની જીવનનિષ્ઠા, એમની નીતિભાવના, એમની સામાજિકતા પણ એમાં ઘણી સામગ્રી આપે છે. હવે આપણે કાકાસાહેબના અનુભવોમાં ઐન્દ્રિય આકલન સિવાયનાં બીજાં ક્યાં તત્ત્વો ભાગ ભજવે છે એની તપાસ કરીએ. કાકાસાહેબના ચિત્તનો એક પ્રધાન વ્યાપાર સ્મૃતિનો છે. (એ રીતે કાકાસાહેબનો સર્જક વ્યાપાર ‘ઇમેજિનેશન’ કરતાં વિશેષે ‘ફેન્સી’ની કોટિનો છે એમ ન કહેવાય?) આકાર, રંગ આદિની એમની અનુભૂતિઓમાં પણ સ્મૃતિ ખૂબ ભાગ ભજવતી હતી એ આપણે જોઈ ગયા છીએ. કાકાસાહેબને માનવવ્યવહારમાં ઊંડો અને સજીવ રસ છે. આથી પ્રાકૃતિક ઘટનાઓના અનુભવ વખતે એમને માનવવ્યવહારનું સ્મરણ થાય છે અને એ ઘટનાઓને માનવવ્યવહારની મદદથી સ્પષ્ટ કરવાની કે સમજાવવાની કોશિશ એ કરે છે : “મ્યુનિસિપાલિટીના ફાનસના થાંભલાઓ અને ઘરની દીવાલો કંજૂસની પેઠે પોતાની છાયા પોતાના પગ તળે દબાવીને જ ઊભાં હતાં.” (પૃ. ૬૩) ક્યારેક કાકાસાહેબ માનવઇતિહાસનો દાખલો પણ લે છે : “ચામાચીડિયાની જાતમાંની તે કોલંબસ હોવી જોઈએ.” (પૃ. ૨૮) કાકા પ્રકૃતિની ઘટનાઓને માનવવ્યવહારની મદદથી સમજાવે છે એના કરતાં વધારે તો એમાં એ માનવવ્યવહાર જુએ છે : સૂર્યમાં એક રાજપુત્રનો વ્યવહાર જુએ છે (પૃ. ૧૪-૧૫), તો ચાંદામામામાં એમને સંકટમાં સપડાયેલા વીર દેખાય છે (પૃ. ૨૭). વિશાખા અનુરાધાની વાટ જોતી લાગે છે (પૃ. ૪૯), સંધ્યાને શનિવાર યાદ આવે છે (પૃ. ૪૫), વાદળાં આકાશનાં મહેમાન થાય છે. (પૃ. ૬૯), વરસાદ લુચ્ચાઈ કરતો લાગે છે (પૃ. ૭૦) અને પાંદડાં વેદાંતી દેખાય છે (પૃ. ૭૫). માનવજગતને ભૂલીને આકાર અને રંગના અબ્ધિમાં ડૂબી જવા કાકાસાહેબ તૈયાર નથી, ઊલટું પ્રાકૃતિક સૃષ્ટિને એ માનવકથાનો ઘાટ આપે છે. કાકાસાહેબ પ્રકૃતિનું ઇન્દ્રિયગોચર રૂપ પ્રગટ કરીને કે માનવવ્યવહારથી એનું વર્ણન કરીને અટકતા નથી, કેટલીક વાર પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, વહેવા દે છે. આ રીતે વર્ણનમાં આત્મલક્ષિતા આવે છે. વાદળાંઓની શોભા આંખે જોઈને એમને તૃપ્તિ થતી નથી, “આમને ખાઈ જાઉં કે ગળી જાઉં, એમને ભેટું કે એમને માથે ચડી બેસું, એમાં તરું? શું ને શું કરું એમ થઈ જાય છે.” (પૃ. ૪૦) રંગોની લીલા જોઈને “એવી મજા પડે છે કે આનંદથી હૈયું કચરાઈ જાય છે. આ શોભાનું હવે શું કરું, એને ક્યાં સંઘરી મૂકું, એમ થઈ જાય છે. બીજું કશું ન સૂઝે તો ભગવાને વાણી બક્ષી છે એ સંભારીને આપણે તેનું કીર્તન શરૂ કરી દઈએ છીએ.” (પૃ. ૭૮) લુચ્ચા વરસાદની સાથે તો એ બાલસહજ નિર્દોષતાથી રિસાય છે! (પૃ. ૭૦–૭૧) આમ છતાં આ રીતે પોતાના ભાવોની સીધી વાત કાકાસાહેબ ઓછી જ કરે છે. પ્રાકૃતિક જગતને એ જે રીતે વર્ણવે છે એમાંથી જ એમના ભાવો વિશેષે તો આપણે પામવાના રહે છે. પોતાના ભાવની નહિ તો પોતાના વિચારોની વાત તો કાકાસાહેબ વધારે કરે જ છે. જગતનું દર્શન એમને જગત વિષે વિચાર કરતા કરે છે. અંધકારના અનુભવથી એ અંધકારના સ્વરૂપ વિષે ચિંતનમાં સરી જાય. છે (પૃ. ૩, ૨૬). અહીં પરિણામે અંધકાર વિષેની આપણી સમજ વધે છે પણ કાકાસાહેબનો ચિત્તવ્યાપાર પ્રત્યક્ષીકરણનો નહિ પણ ચિંતનનો છે. સૌંદર્યની તો સીધી મીમાંસા જ આપે છે (પૃ. ૧૮, ૩૯). આથી આગળ વધી પ્રાકૃતિક ઘટનાઓ પરથી વ્યાપક પ્રકારના વિચારો તારવવાનું કે સિદ્ધાંતો બાંધવાનું પણ કાકાસાહેબને ગમે છે. ચાંદની એમને કલાનો સિદ્ધાંત આપે છે : “પુરસ્કાર અને તિરસ્કાર એ કલાનો આત્મા છે.” (પૃ. ૨૧), પ્રતિભા માટેનો શારદા શબ્દ એમને બાહ્ય પ્રકૃતિ અને હૃદયસ્થ પ્રકૃતિની અભિન્નતાની પ્રતીતિ કરાવે છે (પૃ. ૪૬), ઉનાળાની બપોરે છાણના પોદળામાં પગ મૂકીને એની ઠંડક માણવી ગમે છે એ અનુભવ પરથી સૂત્ર બાંધે છે કે “સૂગ કે સૌન્દર્ય આખરે વસ્તુગત નથી પણ ભાવનાગત છે.” (પૃ. ૬૩). અનુભવોમાંથી કાકાસાહેબ જાણે રહસ્યો શોધે છે. કાકાસાહેબ માત્ર વિચારક નથી, સમાજહિતચિંતક-શિક્ષક પણ છે. તેથી કુદરતના અનુભવોમાંથી સિદ્ધાંતો બાંધીને એ અટકતા નથી, ઇષ્ટાનિષ્ટતાની દૃષ્ટિએ વિચાર કરે છે, એમાંથી બોધ પણ ઝીલે છે. શિયાળો એમને માનવસમાજના વિકાસ અંગે સંદેશો આપે છે (પૃ. ૭૨); નાટકના પડદાની ઉપમા એમને ગરીબોને થતી ઉપેક્ષા વિષે વિચાર કરતા કરી મૂકે છે (પૃ. ૫૬); કાદવમાંથી અન્ન પેદા થાય છે એ કાકાસાહેબ ભૂલતા નથી અને આપણને ભૂલવા દેતા નથી (પૃ. ૩૮); ધુમ્મસવાળી હવા અને ટાઢનો એ તબિયતની દૃષ્ટિએ વિચાર કરે છે (પૃ. ૩૩); ઇન્દ્રધનુષ્ય એમને સમાજધુરીણો બીક અને લાલચનો ઉપયોગ કરે છે એ સમસ્યા સુધી લઈ જાય છે (પૃ. ૧૦); ‘ચોમાસું માણીએ’ એ નામનો તો આખો લેખ કાકાને સમાજવિદ્યાના શિક્ષક તરીકે આપણી સમક્ષ ખુલ્લા કરે છે. (પૃ. ૬૭–૬૮). કાકાસાહેબ જેમ અનુભવી છે તેમ બહુશ્રુત (બહુપઢ?) પણ છે. એમની બહુશ્રુતતા એમનાં વર્ણનોને સમૃદ્ધિ અર્પે છે – એ રીતે કે એમના અનુભવને મૂર્ત કે સ્ફુટ કરવામાં એ કામ આપે છે. જેમ કે, વાદળાંમાંથી બહાર દોડતા સૂર્યપ્રકાશનાં રંગ અને ગતિને Far flashed the red artillery’ એ પંક્તિ આબાદ મૂર્ત કરી શકે છે (પૃ. ૨૭). પણ કેટલીક વાર માત્ર માહિતી અપાતી હોય એવું પણ લાગે છે. મધ્યાહ્નના વર્ણન વખતે હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયના કાવ્યને અને એમાં બપોરને અપાયેલી કૂતરાની ઉપમાને કાકાસાહેબ યાદ કરે છે પણ એમના વર્ણનમાં એનો કશો ઉપયોગ નથી (પૃ. ૬૨). શુદ્ધ ઇન્દ્રિયાનુભૂતિથી ‘ઇતર’ આ તત્ત્વો, એક રીતે જોઈએ તો, કાકાસાહેબના ગદ્યમાં સભરતાનો અનુભવ આપણને કરાવે છે, પણ બીજી બાજુથી એમનો બૌદ્ધિક-નૈતિક અભિગમ સૌન્દર્યાનુભૂતિની ભૂમિકાએથી આપણને કંઈક નીચા ઉતારે છે અને નિબંધોની આકૃતિને પણ શિથિલ બનાવે છે. ઓછામાં ઓછું, નિબંધનું એક વિશિષ્ટ પ્રકારનું સ્વરૂપ અહીં ઘડાય છે.
ગદ્યશૈલીની તપાસમાં શબ્દભંડોળ, શબ્દપસંદગી, શબ્દાર્થછાયા, વાક્યભંગીઓ વગેરેની તપાસનો સમાવેશ થાય. કાકાસાહેબની શબ્દસમૃદ્ધિ ખૂબ ધ્યાન ખેંચે એવી છે. વૈદિકથી માંડીને તળપદી ગુજરાતી ભાષાના શબ્દો એમના ગદ્યમાં આપણને જોવા મળે છે. એક બાજુથી ઉષરબુધ, ઋત, દ્વિજગણો, લાલાયિત, ઉદીયમાન, મત્સર, મુદિતા, દ્રોણ, કટાહ, વિરસ, પ્રશસ્ત, નિરાગસ, શબલ, પ્રસન્નવદના, કર્પૂરગૌર, યુક્તિશૂન્ય, મયૂખપ્રવાહ, સ્તન્યધારા જેવા સંસ્કૃત શબ્દો અને સામાસિક રૂપો આપણને મળે છે તો બીજી બાજુથી આવરદા, પરોઢિયું, મળસકું, બરાબરી, રાવ (= ફરિયાદ), હોઈયાં કરવું જેવા તળપદા શબ્દો પણ મળે છે. જોકે એકંદરે કાકાસાહેબમાં સંસ્કૃતની સુગંધ વધારે જણાય. બહુધા શિષ્ટતા અને ગૌરવ અર્થે સંસ્કૃત શબ્દો આવે છે, ક્વચિત્ કટાક્ષમાં, ગૌરવાભાસ રૂપે પણ એ આવે છે, જેમ કે, ગધેડાને બદલે ‘ગર્દભરાજ’ કે ‘ચતુષ્પાદ’ (પૃ. ૪૫). કેટલીક વાર સંસ્કૃત શબ્દો એમના ખાસ સંસ્કારો લઈને પણ આવે છે. જેમ કે, ‘અવગુંઠનવતી’ શબ્દથી આપણને ‘અવગુંઠનવતી શકુન્તલા’નું સ્મરણ થાય છે. કાકાસાહેબે ઘણા નવા શબ્દો પણ પ્રચારમાં મૂક્યા છે પણ આજે એ શબ્દો એટલા રૂઢ થઈ ગયા છે કે એમને જુદા તારવવા પણ આપણે માટે મુશ્કેલ છે. આ શબ્દસમૃદ્ધિને કારણે કાકાસાહેબને એક જ કે મળતા અર્થો વ્યક્ત કરવા માટે અનેક શબ્દો મળી રહે છે અને એમના ગદ્યમાં આપણને વૈવિધ્યનો અનુભવ થાય છે. કલહ, ઝઘડો, તકરાર – બધા શબ્દો કાકાસાહેબ વાપરવાના. રંગ પાકવો, રંગ ખૂલવો, રંગ ખીલવો, રંગે જીવ પકડવો –વિભિન્ન ક્રિયાપદોના કેવા લાક્ષણિક પ્રયોગો છે! સૂક્ષ્મ અર્થભેદો દર્શાવવા માટે, આથી જ, કાકાસાહેબને વિશિષ્ટ પ્રયોગો મળી રહે છે – પાંખો મારે છે, શરીરને વહેતું મૂકે છે, ઊડે છે. (પૃ. ૭). કેટલીક વાર શબ્દોના અર્થ અનેક હોય છે. શબ્દનો મૂળ અર્થ કંઈક હોય અને શબ્દ કંઈક જુદા જ રૂઢાર્થોમાં વપરાતો હોય. આવાં સ્થાનોએ કાકાસાહેબ કેટલીક વાર શબ્દવિવેક કરી શબ્દના મૂળ અર્થને ચાતુર્યપૂર્વક સૂચવે છે અને એ રીતે અર્થની નાની શી ચમત્કૃતિ જન્માવે છે : પક્ષીઓને ‘નમન’ નહિ પણ ‘વંદન’, કેમ કે એ આકાશગામી તરફ માથું નમાવવાનું હોતું નથી (પૃ. ૪); “એકલો મૈનાક પર્વત જ વજ્રની બીકથી દરિયામાં ભૂસકો મારી સંતાઈ ગયો. એનો અર્થ શું એવો સમજવો કે સરજવો કે એક પ્રચંડ મેઘ સમુદ્રમાં તૂટી પડ્યો?” (પૃ. ૪૬); “આકાશમાં પણ સર્વત્ર યુદ્ધો જ નજરે પડે છે – ના, નજરે ચડે છે.” (પૃ. ૪૮), “જૂનાં પાંદડાં ફેંકી દઈને ઝાડ પણ વસંતઋતુનું સ્વાગત કરવાને માટે ફરી યુવાન થવાની તૈયારી કરતું હશે. તેથી જ આ પાંદડાં છૂટે છે. તૂટે છે કે ખરે છે એમ મારાથી કહેવાતું નથી.” (પૃ. ૭૪). [કાળાં બીબાં અહીં કરવામાં આવ્યાં છે.] અવારનવાર કાકાસાહેબ શબ્દોના અનેક અર્થોનો લાભ લઈ શ્લેષ પણ કરે છેઃ પક્ષીઓની ‘ઉચ્ચ’ રહેણીકરણી (પૃ. ૪); કઠણ વખત આવ્યે કોણ કામ આવે? ખૂણો (કોણ) કામ આવે ખરો!” (પૃ. ૨૯); રવીન્દ્રનાથને–“રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય?” (પૃ. ૬૫); પાંદડાંઓનો અકાળે થયેલો ‘અધઃપાત’ (પૃ. ૭૫). ક્વચિત્ અર્થનું ગોપન કરવા દીર્ઘસૂત્રી શબ્દપ્રયોગ પણ કરે છે : છીપને માટે ‘મોતીની માતુશ્રી’ (પૃ. ૩૮); ગધેડાને માટે ‘ચતુષ્પાદ’ (પૃ. ૪૬). કાકા શબ્દાનુપ્રાસના પણ શોખીન છે : ચંદ્રનો મુખચંદ્રમા (પૃ. ૧૭), સૂર્યનારાયણે વાદળાંને રક્તવર્ણે અનુરક્ત કર્યાં (પૃ. ૨૪), શબ્દગુણ આકાશના ગુણોનો શબ્દો દ્વારા પાર પમાય નહિ (પૃ. ૪૬), શુક્ર... શુક્રિયા અદા કરે છે (પૃ. ૬૯). આમ, શબ્દની અને અર્થની ચમત્કૃતિનું કાકાસાહેબને જબરું આકર્ષણ છે એ દેખાઈ આવે છે. બાહુલ્ય કે વૈપુલ્ય દર્શાવવા કાકાસાહેબ અવારનવાર શબ્દોને બેવડાવે-ત્રેવડાવે પણ છે : દીવાલો જ દીવાલો (પૃ. ૪), જ્યાં ત્યાં સંતોષ સંતોષ અને સંતોષ (પૃ. ૬૬), વાદળાં જ વાદળાં (પૃ. ૨૩). વિપુલતા તરફનો બાલસહજ વિસ્મયનો ભાવ આમાંથી પ્રગટ થાય છે. કાકાસાહેબનું ચિત્ત સમીકરણમાં, તુલનામાં, માપ કે વિશેષતા દર્શાવવામાં કે આ જાતની સંભાવના કરવામાં એટલું બધું રાચે છે કે જેવું, જેવું–તેવું, એવું, જેટલું, જેટલું–તેટલું, એટલું, એટલું–કે, એટલે, જે–તે, જેમ–તેમ, કરતાં, જાણે આદિ વિશેષણો-ક્રિયાવિશેષણો-સંયોજકોનો કાકાસાહેબના ગદ્યમાં ખૂબ જ ઉપયોગ થયેલો દેખાય છેઃ • પરોઢિયાનો રંગ એટલે નવા અતિથિની મહેમાનગીરી... (પૃ. ૫) • જાણે અંધારું એટલે ગ્લાનિ, અંધારું એટલે પોલાણ, અંધારું એટલે આનંદનું દેવાળું. (પૃ. ૩) • આજકાલનાં વાદળાં જાણે વરસાદનો ગર્ભ. (પૃ. ૫) • ઝાડની ખરી શોભા પ્રકાશ અને અંધકાર એ બેની સંધ્યા સમયે જેવી ખીલી નીકળે છે તેવી બીજે એકે સમયે નથી ખીલતી. (પૃ. ૬) • સાંજને સમયે સૂર્યની આસપાસ જે પીરોજી રંગ ખીલ્યો હતો તેની સુરખી કોઈમાં પણ આવવાની જ નથી. (પૃ. ૧૧) • આજે પરોઢિયે શ્રવણ એટલો ઉપર ચાલ્યો ગયો હતો કે બંધ બારણાના સળિયામાંથી એને બહુ કષ્ટથી હું જોઈ શકતો હતો. (પૃ. ૭) • સંધ્યાવંદન કરતાંથે સંધ્યાદર્શન મને હંમેશ વધારે પુણ્યકર લાગ્યું છે. (પૃ. ૫૩) • ન્યાયશક્તિ કરતાં પ્રેમશક્તિ શ્રેષ્ઠ છે. (પૃ. ૬૦) ઉપરનાં બધાં ઉદાહરણો સાદા વર્ણનનાં જ છે, પણ એ પ્રકારનાં વાક્યોનું જે વિશેષ પ્રમાણ અહીં દેખાય છે તે કાકાના ચિત્તવ્યાપારનું સૂચન કરે છે. આ જ રીતે, વિસ્મય, કૌતુક, ઉત્કંઠા, જિજ્ઞાસા, આકાંક્ષા એ પણ કાકાસાહેબના ચિત્તનો એક પ્રધાન ભાવ છે. આ ભાવની છાપ કાકાસાહેબનાં વાક્યોના કાકુઓમાં દેખાય છે. આશ્ચર્યચિહ્નનો ઉપયોગ કાકાસાહેબ કેટલા પ્રચુર પ્રમાણમાં કરે છે! – ગાલમૂછ પર ચાંદનીનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરીફરી ચાટવાનો સપાટો ચલાવ્યો! ...ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ! ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ!! ‘પાગલામી’નો મૂશળધાર વરસાદ!!! (પૃ. ૨૨) ‘તો’થી પણ આશ્ચર્યનો કાકુ વ્યક્ત થાય છે : આંખ ઊઘડ્યા બાદ જોઉં છું તો ચાંદામામા છાપરા પર ચડી બેઠેલા હતા. (પૃ. ૨૭) અહીં ‘જો–તો’ આકાંક્ષા વ્યક્ત કરે છે : એવે વખતે જો એકાદ તારો દેખાય તો ચિત્તને ધન્યધન્ય થઈ જાય છે. (પૃ. ૪) અહીં પ્રશ્ન નિર્દોષ કુતૂહલ વ્યક્ત કરે છે : • આ પાંદડાંનું પડવાનું નક્કી જ છે તો તે બધાં એકદમ કેમ ખરી પડતાં નથી? (પૃ. ૭૬) • ચંદ્ર આકાશમાંથી આ બધું જોઈ શકતો હશે ખરો? (પૃ. ૧૮) તો પ્રશ્ન દ્વારા તર્ક અને તર્કપરંપરા પણ રજૂ થાય છેઃ જો ઇંદ્રધનુષ્ય દેખાય તો તે બીજાને દેખાડવું નહિ એવી એક જૂની શિખામણ છે. આનું શું કારણ હશે? સામે માણસ આવીને જુએ ત્યાં સુધીમાં જો એ અદૃશ્ય થઈ જાય તો મશ્કરી માનીને એ ચિડાય એ કારણ હશે? કે પછી બીજો આપણા જેવો રસિક ન હોય અને આપણું બોલાવવું એને ન ગમે અને એની અરસિકતા આપણને નડે એ કારણ હશે? કે પછી ઇંદ્રધનુષ્યમાં ઇંદ્રજાળ જેવો કંઈ જાદુ છે કે જેથી કામણટૂમણની શંકા રહે એવી માન્યતાને લીધે હશે? (પૃ. ૧૦) આ તર્કપરંપરા, અલબત્ત, સમાજશાસ્ત્રી કાકાની છે. નકારયુક્ત પ્રશ્નાર્થવાક્યથી વક્તવ્યને ભારપૂર્વક રજૂ કરી શકાય છે. આવાં વાક્યોનો પણ કાકાસાહેબ વારંવાર ઉપયોગ કરતા દેખાય છે : • ... પુરુરવાની યાદ કેમ ન આવે? (પૃ. ૧૧) • વર્ષાની શરૂઆતની આ પહેલી સલામીની કદર કરવાનું મન કોને ન થાય? (પૃ. ૨૯) • નહિ જ સૂઝયો જ હોય એમ કોણ કહી શકે ? (પૃ. ૩૫) • ... એવી વૃત્તિ શું કામ ન રાખવી ? (પૃ. ૫) આમાં કાકાસાહેબે કરેલો ‘જ’ નો ઉપયોગ ઉમેરીએ એટલે કાકા કેટલા પ્રતીતિથી લખે છે એનો ખ્યાલ આવે. બોલચાલનાં વાક્યો કાકાસાહેબના ગદ્યમાં ખૂબ જોવા મળે છે. આનું કારણ એ હોવાનો પણ સંભવ છે કે કાકાસાહેબ બોલીને લખાવે છે. વ્યુત્ક્રમવાળાં, ક્રિયાપદ વગરનાં અને બોલચાલની ખાસ લઢણોવાળાં થોડાં વાક્યો જુઓ : • કાબરો તો જાણે બહુભાષી છે જ. (પૃ. ૨૦) • તડકાની લહેરો પારખે છે. એકલો પવન. (પૃ. ૬૪) • અહીંની ઠંડી ગઈ હતી તો ક્યારની. (પૃ. ૬૯) ‘લુચ્ચો વરસાદ’ (પૃ. ૪૪-૪૫) એ આખો નિબંધ બોલચાલની છટાઓનું એક સુંદર ઉદાહરણ છે. વ્યુત્ક્રમ કેટલીક વાર અમુક શબ્દ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવા પણ યોજાતો જણાય છે. જે શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે તે છેલ્લે આવે છેઃ • બીજું ધુમ્મસ યાદ છે સિંહગઢ ઉપરનું. (પૃ. ૩૩) • હું કહેવા માગતો હતો રંગનું કીર્તન. (પૃ. ૭૮) • ચિત્રા છે જ એવી નિખાલસ વૃત્તિની. (પૃ. ૧૮) કાકાસાહેબનાં વાક્યો બહુધા ટૂંકાં અને સરલ છે. આનાં બે કારણો જણાય છે. એક તો, એમનું દર્શન સ્પષ્ટ-સ્વચ્છ, અલગ પડતી રેખાઓવાળું હોય છે અને એ ચિંતન પણ વિશ્લેષણપૂર્વક કરે છે. બીજું, એ લખતા નથી પણ બોલે છે. વર્ણનમાં ઘણાં તત્ત્વો સાથે દર્શાવવાનાં હોય કે સંકલિત વિચાર રજૂ કરવાનો હોય અને એને કારણે વાક્ય લાંબું કે અટપટું થતું હોય એવું ભાગ્યે જ બને છે. કાકાસાહેબના ગદ્યની એક છેલ્લી નોંધવાલાયક લાક્ષણિકતા તે એમાં થતો સંવાદનો ઉપયોગ છે. પ્રકૃતિમાં માનવભાવના આરોપણને લીધે સંવાદને તક મળી છે. પ્રકૃતિનાં તત્ત્વો વિચાર કરે છે અને બોલે છે પણ ખરાંઃ • તડકાની લહેજત પારખે છે એકલો પવન... એ જઈજઈને વૃક્ષોને પૂછે : ‘કેમ મજામાં છોને?’ ઊંઘણશી ઝાડો માથું ધુણાવીને જવાબ વાળે છે : ‘કેમ નહિ? કેમ નહિ?’ (પૃ. ૬૪) • ‘ક્યાં ફૂટું’ ‘ક્યાં ફૂટું’ કરીને અંકુર ડોકિયું કરશે... (પૃ. ૭૬) પ્રકૃતિતત્ત્વ સાથે લેખકનો પણ વાર્તાલાપ ચાલે છે (પૃ. ૫૮-૫૯). આમ, એક વિશિષ્ટ પ્રકારની ભાવસૃષ્ટિને અનુરૂપ કાકાસાહેબનું ગદ્ય છે. એ જેટલો સ્ફૂર્તિ, તાજગી અને વૈચિત્ર્યનો અનુભવ આપણને કરાવે છે એટલો સઘનતા, લયબદ્ધતા અને કાવ્યમયતાનો અનુભવ કરાવતું નથી. વાણીને ગૂઢતાના પ્રદેશમાં ખેંચી જાય એવી અવ્યક્ત અસ્પષ્ટ રમણીયતાની અનુભૂતિ કાકાસાહેબનાં લખાણોમાં આપણે શોધવી પડે.
સંવેદનશીલતા, તરંગવૃત્તિ અને વાણીવૈદગ્ધ્ય એ કાકાસાહેબના કવિગુણો, છતાં કાકાસાહેબનાં કેટલાં લખાણ કવિતાની કોટિએ પહોંચે છે, આ કવિગુણો કેટલે ઠેકાણે એક સ્વતંત્ર, સ્વયંપર્યાપ્ત સઘન રસસૃષ્ટિનું નિર્માણ કરે છે એ કહેવું અત્યંત મુશ્કેલ છે. કાકાસાહેબ પાસેથી આપણને ‘ગદ્યકવિતા’ કરતાં વિશેષે તો મળે છે લલિત નિબંધો જ અને લલિત નિબંધમાં પણ જો અનિબદ્ધતા છતાં એકસૂત્રતાનો આગ્રહ હોય તો એ અપેક્ષાને ન સંતોષે એવાં પણ લખાણો ઠીકઠીક મળવાનાં. કાકાસાહેબનાં આ લખાણોમાં ઘણી વાર ત્રૂટકછૂટક ચાલતું લાગે છે. એમાં વાસરિકાની વિશૃંખલતા છે. (હકીકતમાં આમાંનાં ઘણાં લખાણો વાસરિકારૂપે જ થયેલાં જણાય છે.) આ છે ‘છૂટેલાં રમતિયાળ પાંદડાં’. એ રીતે જોવાથી એમને કદાચ વધારે ન્યાય થઈ શકે. આમેય તે કાકાસાહેબમાં લલિત નિબંધના સ્વરૂપને હાનિકર વલણો છે જ. લલિતતાના આભાસપૂર્વક લખાયેલો ગંભીર નિબંધ પણ એમની પાસેથી આપણને મળી શકે છે. કાકાસાહેબમાં સર્જકવૃત્તિ ખરી, પણ સર્જનનો કોઈ સભાન આયાસ નથી. આ સહજતાને કારણે કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય પૂર્ણ કલારૂપ કે એકાગ્ર ઘાટ ન પામતું હોવા છતાં આસ્વાદ્ય લાગે છે, આપણને તૃપ્તિ પણ અર્પે છે.
[ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન ૨૪મું અધિવેશન,
અહેવાલ, ૧૯૬૭માં પ્રગટ સંક્ષેપનું વિસ્તરણ]