સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/નાટ્યકાર ચંદ્રવદન

Revision as of 16:22, 19 March 2025 by Meghdhanu (talk | contribs) (inverted comas corrected)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૫) નાટયકાર ચન્દ્રવદન

કવિતા, નાટક, વિવેચન, સ્મરણવૃત્તાંત, પ્રવાસવર્ણન: આમ સાહિત્યના જુદાજુદા પ્રદેશોમાં, ચં.ચી. મહેતાનું શબ્દવિચરણ જીવનભર ચાલતું રહ્યું છે. સ્વરાજ પહેલાંની પચ્ચીસી અને સ્વરાજપ્રાપ્તિ પછીના ચારેક દાયકા એમ બધું મળીને લગભગ સાઠેક વરસના સમયપટમાં એમનું સાહિત્યલેખન પથરાયેલું છે. જોકે, સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને એમની લેખિનીનો સ્પર્શ સાંપડતો રહ્યો, પરન્તુ એમની શબ્દચર્યાનો મુખ્ય અને માનીતો પ્રદેશ તો રહ્યો છે નાટક. એમનાં નાટચેતર લખાણોમાં પણ અત્રતત્ર નાટ્યરંગ છંટાતો રહ્યો છે, ખાસ તો સ્મરણવૃત્તાંત અને કવિતામાં. યુવાનીના આરમ્ભે કૉલેજમાંના અભ્યાસકાળથી જ નાટકનાં સર્જન, નિર્માણ અને અભિનયનો છંદ એમની રગરગમાં ઘૂંટાતો રહ્યો. એ કારણે જ મૌલિક વા રૂપાન્તરિત નાટ્યકૃતિઓનો બહોળો ફાલ એમની કલમે ઊતર્યો. દેશવિદેશની નોખનોખી રંગભૂમિની નાટયછટાઓને નિહાળવાની પારાવાર શક્યતાઓ, સામે ચાલીને સર્જાતી રહી; રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય નાટ્યપરિષદો કે મેળાવડાઓમાં નાટયવિદ્ તરીકે એ નોતરાતા રહ્યા. પરિણામે ગુજરાતી રંગભૂમિ અને નાટયનિર્માણની સીમાઓ પણ, ચં.ચી. મહેતાની અનુભવલબ્ધ સજ્જતાને કારણે, વિસ્તરતી રહી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

વિષય, બાંધણી, સ્વરૂપઘાટ, રજૂઆતનો તરીકો, અન્તર્ગત ભાવકેન્દ્રની તાસીર - કોઈ પણ દૃષ્ટિએ જોઈએ તો પણ એમનાં નાટટ્યસર્જનોમાં જેટલી વિપુલતા છે, એટલી જ વિવિધતા છે. તેર ત્રિઅંકી, આઠ દ્વિ-અંકી અને એકતાળીસ એકાંકી : એમ બધું મળીને સાઠ ઉપરાંતની લાંબા-ટૂંકા ઘાટની નાટ્યકૃતિઓ એમના જમા ખાતે છે. પૌરાણિક, ઐતિહાસિક ને મધ્યકાળના પ્રદેશોને નાટ્યરચનાઓમાં એમણે ઉપસાવ્યા; તો વળી સમકાલીન સામાજિક વાસ્તવ ને નરી તરંગલીલા પણ એમની કૃતિઓમાં ઊતર્યાં; એક તરફથી એમાં નોખનોખી પરમ્પરાઓ પ્રત્યક્ષ થાય છે; તો બીજી તરફથી અવનવા પ્રયોગોની પુષ્કળતા ને પુરસ્કૃતિ પણ ઠેરઠેર તાજગી વેરતી નજરે ચડે. હાસ્યના તો એ ‘રાજ્જા' ! વ્યંગ-કટાક્ષની અણિયાળી ધારથી વીંધી નાખતી નર્મમર્મયુક્ત રચનાઓ એમણે આપી; તો વળી, દાંત કાઢીકાઢીને ઢગલો થઈ જવાય એવા નિબંધ ખડખડાટની છોળો ઉડાડતી હળવી ‘ફાર્સ' પ્રકારની પુષ્કળ રચનાઓ પણ એમની કલમેથી ટપકી. ટીખળ અને તુક્કા તો ખરાં; ઘેરા કરુણથી દ્રવતી રચનાઓ પણ એમની લેખણમાંથી નીતરી, શૃંગારના ધૂપછાંવનો મલકાટ દાખવતી રચનાઓ સાથે અદ્ભુત, શાન્તને ઉપસેવતી કૃતિઓ પણ ઊપજી આવી. રસના નોખનોખા બુટ્ટાઓની ગૂંથણી, ચં.ચી. ની સિદ્ધહસ્ત નાટ્યકળાના નિદર્શન સમી છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

ચં.ચી.ની નાટ્યકૃતિઓની આગવી ઓળખ એની નખશિખ મંચનક્ષમતામાં છે. ત્રિઅંકી, દ્વિ-અંકી વા એકાંકી - કોઈ પણ ઘાટની એમની નાટ્યરચના અભિનયક્ષમતાનો તો ઊંચો આંક ધરાવતી હોવાની જ. નાટ્યવસ્તુના હાર્દને અદલપણે સાકાર કરી આપે તેવી બાંધણી અને રજૂઆતનો નકશો એમની પ્રત્યેક નાટ્યરચનાનો આગવો ગુણ. ‘આગગાડી' જેવી એમની કીર્તિદા નાટ્યકૃતિમાં રેલવેસૃષ્ટિની નઠોર વાસ્તવિકતા નોખનોખાં દૃશ્યોમાં જે રીતે ચિત્રિત કરી છે એમાં બાધર-રૂખીનાં શોષિત સંસારજીવનની આજુબાજુનો આખોયે પરિસર વ્યંજિત થતો રહે છે; તો ‘શકુન્તલા'માં કાલિદાસસર્જિત પ્રણયમાધુરીનો કાવ્યરંગ જાણે કે ઊર્મિકવિતા બનીને રેલાતો હોય એવું શબ્દાવરણ રચાતું રહે છે. ‘અખો', ‘નર્મદ' ઉપરાંત સરદાર અને ગાંધીજીનાં ચરિત્રોને ધ્વનિકા (રેડિયો નાટક)ના ઘાટમાં ઢાળતી કૃતિઓમાં ચરિત્રનાયકનાં વ્યક્તિત્વની સંકેતક રેખાઓને તાદ્દશ કરી આપે છે. ખાસ તો, ‘પ્રેમનો તન્ત'ની રૂપકશ્રેણીમાં રેડિયોના શ્રાવ્યધ્વનિ દ્વારા ગાંધીજીનાં પ્રભાવક ચરિત્રને ટૂંકા પટમાં જે રીતે ધ્વનિત કરી આપે છે એ કલમકસબ પ્રશંસનીય છે. આપણા લોકનાટ્ય ‘ભવાઈ'ની ભજવણીનો તળપદ મિજાજ ‘હોહોલિકા'માં એમણે પ્રસ્તુત કર્યો છે. સામાજિક રાજકીય વિડમ્બના અને ન્યાયની કૃતકતાને આટલી વેધકતાથી બીજા કયા ઘાટમાં વ્યક્ત કરી શકાય? ‘ધારાસભા' લખાયું તો વર્ષો પહેલાં, યાને સ્વરાજ્યના લોકશાસનનું સ્વપ્ન સાકાર થતાં પહેલાં; પરન્તુ લોકતન્ત્રની રાજરસમનું દાધારંગાપણું, પ્રશ્નોનો ઉલાળિયો કરનારી ફીતાશાઈ ને વેંતિયા રાજકારણીઓનાં છલ્લકછલાણાંની ક્ષુદ્રતા-ક્ષુલ્લકતાનો જનોઈવઢ ઠઠ્ઠો એમાં જે રીતે ચિતરાયો છે એમાં સામ્પ્રત કાળની પૂર્વછબી પ્રતિબિમ્બિત થતી હોય એમ નથી લાગતું ? ‘દેડકાંની પાંચશેરી’માં તત્કાલીન સાહિત્યકારોના પારસ્પરિક મનમુટાવ અને સ્વભાવગત વિલક્ષણતાઓ, ટીખળના કેવા તોરથી ચીતરાણી છે ? ‘અત્ર લુપ્તા સરસ્વતી' જેવી એકાંકી રચના, હિમાલયથી ઊતરીને ગુજરાતમાં લુપ્ત થતી સરસ્વતી વિષયક પુરાકથાને, પૃથ્વી છન્દના પદ્યબંધને સંવાદમાં જોતરતી પદ્યરૂપક રચના છે; તો ‘અન્તરજ્યોતિ'નો કિસ્સો તો સાવ નોખો તરી આવે એવો છે. એકોક્તિના સળંગ વાપ્રવાહમાં વહેતી આ વિલક્ષણ રચના, જરાયે ખચકાયા કે લથડાયા વિના અન્ધપુરુષ બ્રેઇલને કેવો સજીવ કરી આપે છે. પ્રેક્ષકો/ શ્રોતા સાથેનું અનુસન્ધાન ક્ષણવાર પણ ગુમાવ્યા વગર, માત્ર એકપાત્રીય ઉક્તિના દોરમાં સળંગ પકડી રાખતી આ રચના ચં.ચી.ની પ્રયોગશીલતાની શ્લાઘ્ય પરિણતિ છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

ચં.ચી.નાં નાટકોની અભિનયધર્મિતાનું મુખ્ય બળ છે નાટ્યોપકારક પ્રસંગ/પરિસ્થિતિની એમની મૌલિક સૂઝ; અને નાટકને સતત અદ્ધર તરતું રાખે એવા સંવાદોનું ભાષાપોત. એમનો જીવ મૂળથી જ નાટકનો; એટલે નાટ્યાત્મક પ્રસંગોની વણણી અને એની પારસ્પરિક સંકલનાની હથોટી તો એમની પોતાની જ. રસક્ષમ પ્રસંગને જ એમની કલમ પકડે. સામસામે તોળાતાં-ટકરાતાં પાત્રોને એ ગોઠવી આપે અને પ્રસંગ કે પરિસ્થિતિની ખિલવણી જ એવી કરે કે એમાંથી જ નાટ્યવસ્તુ સહજપણે ઊકલતું જાય. ઘણી વાર, ખાસ તો એમનાં ત્રિઅંકી/ દ્વિઅંકી નાટકોમાં, પ્રસંગને ધારતું દૃશ્ય પોતે એટલું બળકટ હોય કે આગળપાછળના બીજા દૃશ્યો એનાથી ઝાંખાં પડી જાય; ક્યારેક અળગાં પણ પડી જાય! ‘આગગાડી'માંનું રેલવેપ્લેટફૉર્મનું આખું દૃશ્ય ભજવણીમાં તો પ્રેક્ષકોની સામટી દાદ મેળવી લે; પણ નાટકના સમગ્ર આશયમાં એની અન્વર્થકતા કે ઉપકારકતા કેટલી એ પ્રશ્ન રહે. ‘અખો', ‘નર્મદ' જેવાં ચરિત્રનાટકોમાંનાં કેટલાંક દૃશ્યોની બાબતમાં આ મુદ્દો ઊભો થવાનો. અખાના જીવનપ્રસંગોની નાટ્યગત સંકલના ઢીલી રહે છે; તો ‘નર્મદ'માં તાપીદાસની રોકકળ ભજવણીમાં રંગ જમાવે જરૂર, પણ રચનાના એકંદર ઉપચયમાં એની સાભિપ્રાયતા કે સમર્પકતા વરતાશે નહિ. એટલે જ ચં.ચી.ની નાટ્યરચનાઓમાં પ્રસંગનિરૂપક દૃશ્યોની સ્વાયત્તતા કે સુવાંગપણાનો પ્રશ્ન વિવેચનમાં વારેવારે ઊઠતો રહ્યો છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

ચં.ચી. એકલા નાટ્યલેખક નથી, નાટકની ભજવણીના ઉસ્તાદ પણ છે; ઉત્તમ અભિનેતા અને ઝીણી નાટ્યસૂઝ ધરાવતા દિગ્દર્શક પણ ખરા. આ કારણે જ એમની નાટ્યરચનાઓમાં અભિનયગુણના અદકાપણાએ, સમગ્ર સંકલનની કડીઓને ઢીલી રહેવા દીધી હશે? નાટ્યરચનાઓની અભિનયક્ષમતાના ઊંચા ગુણને સાધી આપવામાં કૃતિના સંવાદોનું ભાષાપોત પણ નિર્ણાયક નીવડે છે. પૌરાણિક વાતાવરણને પોષતી નાટ્યકૃતિઓમાંના સંવાદો તત્સમપ્રિય સંસ્કૃતરંગમાં ચાલે છે; તો ‘આણલદે' જેવી લોકકથામૂલક કૃતિના સંવાદોમાં લોકબોલીનો પુટ ઘૂંટાય છે. ‘મુઝફરશાહ'માં ફારસી શબ્દોની છાંટ ભભરાવેલી મળશે. તો ટીખળ - ‘ફાર્સ'માં ક્યાંક સ્લેન્ગ (Slang) તો ક્યાંક પારસી વા વોરાઓની બોલીના પ્રયોગો પણ પાત્રની પ્રામાણિક ભાષાના પરિચાયક બની રહે છે. ‘પાંજરાપોળ’, ‘મેના પોપટ' જેવી કૃતિઓમાં સંવાદોની ભાષા, પાત્રના સામાજિક સ્તરની નજીક રહીને ચાલે છે. ‘હોહોલિકા'માં જનપદ, તો ‘ધારાસભા'માં વહીવટી ઔપચારિકતાનો સ્પર્શ, રચનાની અભિનેયતાને સહાયક નીવડે છે. ‘કન્યાવિદાયમાંના સંવાદો સંસ્કૃત ગરવાઈનો અભિષેક પામતા રહે છે. આમ, તત્સમ, તદ્ભવ, દેશ્ય, તળપદ, કોલોકિવયલ, સ્લૅન્ગ કે બોલી-ભાષાનાં આ સૌ વિવિધતા દાખવતાં સપ્તકો યથાપાત્ર/ યથાપ્રસંગ, ચં.ચી.ની નાટ્યકૃતિઓની મંચનસાર્થકતાને સિદ્ધ કરી આપે છે. આપણી વ્યવસાયી રંગભૂમિની ખૂબીઓ અને ખામીઓથી ચં.ચી. પૂરા માહિતગાર હતા. એ નાટકોની મુખ્ય મૂડી રંજનાતિશય, ચબરાકીવાળી બેતબાજી અને ગીતોની રેલમછેલ હતી. રંગભૂમિને ઝાંખપ લગાડતી આ નબળાઈઓની સામે ચં.ચી.ની કૃતિઓ આવે છે. ‘પ્રેમનું મોતી' (૧૯૨૫) જેવી આરમ્ભકાલીન કૃતિ, ભલે રૂપાન્તરિત હોય તો પણ, નાટકનો કાયાકલ્પ કરવાના સંકલ્પને તો સાકાર કરે જ છે. વ્યવસાયી રંગભૂમિ જેની કલ્પના પણ ન કરી શકે એવા દલિતજીવનની વેદનાને વાચા આપતું અને ભજવણીનો નોખો જ ઘાટ દાખવતું ‘આગગાડી' સંવિધાન, ભજવણી, શીર્ષક - બધી દૃષ્ટિએ એ જમાનામાં અદ્વિતીય અને પરાક્રમી નાટક હતું. સામાજિક વિષમતા વા સમ/વિષમ સંસારના મધ્યમવર્ગીય જીવનના કોઈ ને કોઈ પ્રશ્નને કે પાસાને કૃત્રિમ રીતે ઢાળતાં ધંધાદારી નાટકોની સામે, ચં.ચી.નાં આ નાટકો ભજવણીની ભૂમિકાએ તો જવાબરૂપ હતાં; એમાંની શિષ્ટતા ને સાહિત્યગુણની દૃષ્ટિએ પણ નમૂનારૂપ હતાં. રંગભૂમિ અને શિષ્ટ સાહિત્યિકતા વચ્ચેની ભીંત, ચં.ચી.ની વિપુલ ને વિવિધતાસભર નાટ્યકૃતિ/પ્રવૃત્તિએ તોડી નાખી એ એમની મહત્ત્વની નાટ્યસેવા ગણવી ઘટે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

લેખન, દિગ્દર્શન અને અભિનય - નાટક સાથેનો ચં.ચી. મહેતાનો ત્રેવડો નાતો વધુ ઘનિષ્ઠ અને ફલદાયી બને છે એમનાં નાટયવિષયક વિવેચન, સંભાષણો, લેખો થકી. નાટકમાં સર્જન અને શાસ્ત્ર, એની ભૂમિકા અને ભજવણી, દેશવિદેશની નાટ્યકૃતિઓ/નાટ્યરીતિઓનો પ્રત્યક્ષ પરિચય, પ્રાચીન/મધ્યકાલીન નાટ્યપરંપરાઓનો અભ્યાસ : નાટ્યપદાર્થની આ વિધવિધ દિશાઓમાં ચં.ચી.મહેતાની જેટલી ગતિ હતી એટલી ગતિ, તત્કાળે, ભારતીય ભાષાઓમાં અન્યત્ર ભાગ્યે જ બીજાની હશે. એમના સંશોધનાત્મક પુરુષાર્થને પ્રતાપે ‘અભિનેય ભારતીય નાટકો'ની સૂચિના બે ભાગ (અંગ્રેજી) એમની પાસેથી સાંપડ્યા; તો વળી, જાપાન, યુરોપ અને અમેરિકાની રંગભૂમિ-નાટકોની વિવેચના કરતા ગ્રંથો પણ એમની પાસેથી મળ્યા. નાટકની ભજવણીને લગતી નાનીમોટી વિગતોનો ખ્યાલ આપતું વિવેચનાત્મક પુસ્તક તો એમણે આપ્યું; પણ નાટકની કલાવિદ્યા જે માધ્યમ થકી પ્રગટ થાય છે એ વાચિક/ઉચ્ચરિત શબ્દની શ્રુતિસમ્પદાની સમ્ભાવનાઓનું વ્યાકરણ માંડી આપતાં ‘વાક્' અને ‘વાક્ વ્યાપાર' એમણે આપ્યાં. એકાંકીના સ્વરૂપના મૂળ સગડની શોધ એમણે આપી તો ‘શાહાનશાહ અકબરશાહ' જેવાં પડકારરૂપ નાટકની રજૂઆતનું અભિનયવૃત્તાંત પણ એમણે આલેખ્યું. એમની ‘ગઠરિયાં' સ્મરણ/ચરણશ્રેણીમાં, ખાસ તો ‘નાટ્યગઠરિયાં', ‘રંગગઠરિયાં' વગેરેમાં પશ્ચિમનાં ધૂરંધર અભિનેતા/ અભિનેત્રીઓ, નાટ્યપ્રયોગો, રંગકર્મીઓ, ભજવણીની ખાસિયતોનો પ્રત્યક્ષદર્શી રંગીન હેવાલ પણ એમની અનુભવપૂત લેખિની દ્વારા મળ્યો છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

જોઈ શકાશે કે ચં.ચી.નો પ્રત્યેક શ્વાસ અને પ્રત્યેક બોલ, રંગદેવતાની સમર્પિત ઉપાસનાના અર્ધ્યરૂપ છે. નાટકની ભજવણી માટેનો એમનો તરવરાટ અને તરંગચ્યુત સ્વભાવ, એમની મોટા ભાગની નાટ્યરચનાઓને ક્વચિત્ સંવિધાનની એકતા વા અખિલાઈથી અળગી રાખી દે છે. એટલે, આટલી વિપુલ, આટલી વિવિધતાસભર નાટ્યરચનાઓનું પ્રદાન હોવા છતાં શિષ્ટ સાહિત્યિકતા એમની નાટ્યકલાની શબ્દમુદ્રાને જરાક ખંચકાતા મનથી પોંખવાનું વલણ દાખવતી માલૂમ પડશે. જોકે, ચં.ચી.તો એ પ્રત્યે બેતમાપણું દાખવીને, પોતાની રંગકટોરી છલકાવતા જ રહ્યા !

બુદ્ધિપ્રકાશ : મે, ૨૦૦૧
‘શબ્દપ્રત્યય’ પૃ. ૮૧ થી ૮૫