મારી હકીકત/૧૩ નર્મદાશંકર દયાશંકરને

From Ekatra Wiki
Revision as of 17:04, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૩ નર્મદાશંકર દયાશંકરને | }} {{Poem2Open}} સુરત, આમલીરાન તા. ૧૭ અક્ટોબર ૧૮૬૮. ભાઈ નર્મદાશંકર દયાશંકર-મુ. અમદાવાદ. તમારો તા. ૧૧ મીનો લખેલો આવ્યો તે વાંચી ઘણો પ્રસન્ન થયો છઉં કે જેવો મન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૩ નર્મદાશંકર દયાશંકરને

સુરત, આમલીરાન તા. ૧૭ અક્ટોબર ૧૮૬૮.

ભાઈ નર્મદાશંકર દયાશંકર-મુ. અમદાવાદ.

તમારો તા. ૧૧ મીનો લખેલો આવ્યો તે વાંચી ઘણો પ્રસન્ન થયો છઉં કે જેવો મને મહારાજને મળવાનો મોહ હતો ને છે તેવો તેઓનો પણ મારે વિષે છે ને એને માટે હું મહારાજનો મોટો ઉપકાર માનું છઉં.

સને ૧૮૫૯ માં મને મહારાજને મળવાની ઉત્કંઠા હતી ને તે પુરી પાડવાને મેં મુંબઈથી રાણપોર જવાનું ધાર્યું ને જારે કેટલાક જણે મને કહ્યું કે રાણપુર ભાવનગરથી વીશેક કોશ છે તારે હું તરત નિકળ્યો ને ભાવનગર ગયો-પણ ત્યાં જાણવામાં આવ્યું કે ચુડા રાણપોર તો ૫0-૬0 કોશ થાય છે તારે હુનાળાની રાતને લીધે ને કેટલાકના કહેવાપરથી કે મહારાજનો પ્રતાપ ઘટી ગયો છે તારે હું પાછો મુંબઈ ગયો હતો. મેં મહારાજનાં કોઈ દિવસ દર્શન કર્યા નથી તો પણ મહારાજની પૂર્વ સ્થિતિ વિષે કંઈક માલમ પડેલું તેથી માત્ર દેશહિતને અર્થે ને મારા મનની તે સમયની ધર્મ સંબંધી ઉગ્ર વૃત્તિને લીધે મારી ઈચ્છા મહારાજને મળી બે વાતની સૂચના કરવાની થઈ હતી.

સને ૧૮૬૪ માં મહારાજ મુંબઈમાં મને મળવા આવેલા પણ મારાથી મળાયું નહીં – મહારાજની કૃપા મારી ઉપર એક્કો વાર મળવું થયા વના કેમ થઈ તે તેઓ જ જાણે.

તમારા પત્રથી પણ જણાય છે કે મહારાજની મારા ઉપર કૃપા છે ને આશ્ચર્ય જેવું લાગે તેવું છે કે કોઈ દિવસ મળવું ન થયા છતાં મહારાજ મને મળવાને ને હું મહારાજને મળવાને એમ હમે બંને ઇચ્છિયે છિયે તારે હમારામાં કંઈ સાહજિક મૈત્રિ બીજરૂપ હશે ખરી.

હવે તમારા પત્રના ઉત્તરમાં લખવાનું આ કે હાલમાં મારે અહીં કેટલુંક કામ કરી મુંબઈ જવાની એટલી તાકીદ છે કે મારાથી હાલમાં આવી શકાય તેમ નથી. વળી હું કંઈ વેદાન્તમતનો આગ્રહી નથી ને વાદ કરવાની ઇચ્છા પણ રાખતો નથી. મારી ઇચ્છા મહારાજને ખાનગી મળી કલ્લાકેક વાત કરવાની છે ને તે પણ દેશીયોના સદ્ધર્મ બોધ વિષે, જેથી તેઓનું કલ્યાણ થાય ને મહારાજને યશ મળે.

કાઠિયાવાડ સિવાએ અમદાવાદમાં અથવા ચરોતરમાં એકાદા ગામમાં જારે મહારાજ બે ત્રણ માસ મુકામ રાખવાના હોય તારે મને તમારે લખી જણાવવું કે તે મુદતમાં હું મારી અનુકૂળતાએ મહારાજનાં દર્શન કરી જાઉં. તમે ઉપર પ્રમાણે મહારાજને વિદિત કરશો.

લી. નર્મદાશંકર લાલશંકર