મારી હકીકત/૯ લક્ષ્મીરામને

Revision as of 13:47, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૯ લક્ષ્મીરામને | }} {{Poem2Open}} '''(૧)''' સુરત, આમલીરાન તા. ૭ ફેબ્રુઆરી ૧૮૬૯ '''ભાઈ લક્ષ્મીરામ,''' મહા વદ૧ નો આવ્યો તે વાંચી સંતોષ થયો છે કે મળ્યાને ઘણા માસ થયા છે તો પણ તમારી ભક્તિ મારા ઉપર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯ લક્ષ્મીરામને

(૧)

સુરત, આમલીરાન તા. ૭ ફેબ્રુઆરી ૧૮૬૯

ભાઈ લક્ષ્મીરામ,

મહા વદ૧ નો આવ્યો તે વાંચી સંતોષ થયો છે કે મળ્યાને ઘણા માસ થયા છે તો પણ તમારી ભક્તિ મારા ઉપર તેવી જ છે. તમે મને ડિસેથી લાંબો કાગળ લખ્યો હતો પણ મારાથી ઉત્તર ન લખાયો, તેનું કારણ આ કે, તમે જાણતા જ હશો કે હું ઉધરસની હેરાન હતો ને એ પાછી એટલી વધી ગઈ હતી કે મેં દેહકષ્ટથી તે કહાડવાનું ઠેરવ્યું હતું ને ઉદેપુર લગી જઈ આવ્યો છઉં. સુરતથી જ જો તહાં જવાનો વિચાર હત તો હું ડિસે જ આવત, પણ અમદાવાદ બહાર પડયા પછી મેં તેણી તરફનો રસ્તો લીધો હતો. મેં ઘણાક વિકટ પહાડ ઝાડીને રસ્તે ભીલના ગામ ને સલુંબર ને ઉદેપુર જોયાં છે. ભલુ સૃષ્ટિસૌંદર્ય! એણે જ મારું વૈદું કર્યું ને હું સારો થયો. હજી એક વાર પાછું તહાં જવું ધારું છઉં પણ હાલ તો નહીં.

જેમ તમે મને કાઠિયાવાડ તરફ આવવાને લખો છો, તેમ ઘણા મિત્રોએ પણ કહ્યું છે કે ઘણાક કહે છે ને મારી પણ ઈચ્છા છે પણ કામના રોકાણથી યોગ આવતો નથી.

તમે લખો છો કે ‘પ્રથમ હું ડિસા તરફ ગયો, તારે તાહાંના લોકોને એવા તો કમનસીબ જોયા કે તમારા નામથી કેવળ અજાણ, પણ ઈશ્વરેચ્છાથી તમારાં ત્રણે પુસ્તકનો પ્રસાર થયો છે.’ એ વાક્યથી મને સંતોષ છે કે તમે નવા વિચાર સંબંધી તહાંના લોકને જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે. ખરેખર એમ જ દરેક જુવાને કરવું જોઈયે. દેશભૂમિ એ આપણી મા છે ને આપણે તેનાં છોકરાં છૈયે. તે ને આપણે અનેક રીતે પીડાઈયે છૈયે માટે સમજતા છોકરાઓનો ધર્મ છે કે પીડા દૂર કરવાને તેઓએ તન, મન, ધન ને ઐક્યથી શ્રમ લેવો જ.

મારાં પુસ્તકના એજંટ થવા વિષે લખ્યું તો બહું સારૂં. પણ વાંચતાં ન આવડે તેઓને મોંઘી કિંમતના પુસ્તક શા કામના? તો પણ હું હાલ અક્કેક નકલ મોકલીશ.

‘પ્રતિદિન તમારો ટેકી સ્વભાવ તથા દેશાભિમાન વધતાં જાય અને નારાયણ રૂડો બદલો આપે’ એ શુભેચ્છા પાર પડો-બદલો આ જ કે દેશીયો સર્વે રીતે ખરા સુખી થાય.

ઉતાવળ નથી પણ અનુકૂળતાએ નીચે લખેલાં ત્રણ કામ કરવાનો શ્રમ લેશો.

આપણા જિલ્લામાં ન વપરાતા એવા કાઠિયાવાડી શબ્દો જે તમારા સાંભળવામાં આવે તેનું અર્થ સાથે લખાણ રાખવું.

કાઠિયાવાડમાં થયલા બહારવટીયા સંબંધી વાતો (તેના વરસ સાથે) એકઠી કરવી.

આપણાં દેશી રાજ્યોમાં વપરાતાં હથિયારોનાં નામ-જુદી જુદી જાતની બંદુક, જુદી જુદી જાતની તરવાર વગેરે-

શબ્દ, વાતો ને નામ જેમ જેમ મળતાં જાય તેમ તેમ મોકલ્યાં કરવાં.

મારાથી કાગળ મોડો લખાય તો પણ તમારે તમારી ફુરસદે લખ્યાં કરવો. ટીકીટો નોતી મોકલવી.

તમને યશ મળતો જાય એવું ઇચ્છનાર નર્મદાશંકર.




(૨)

તા. ૧૯ માર્ચ ૧૮૬૯

પ્રેમાળ ભાઈ લક્ષ્મીરામ,

તા. ૧૮ મીનો પોંહોંચો છે-વૈશાખ માસમાં તમારો આણી તરફ આવવાનો વિચાર છે તેથી હું ઘણો ખુશ થયો છઉં કે પ્રત્યક્ષ મળવું થશે-લાંબી વાત ઘણી ફુરસદ વના પત્રમાં લખાઈ શકતી નથી માટે તમારા સવાલનો જવાબ મળ્યા પછી જ દઈશ. જ્યાં સુધી લોક મારા સ્વભાવ ને મારી વૃત્તિથી અજાણ છે ને માત્ર બહારના પ્રસંગો ઉપરથી (અને તે વળી હૈયામેલ દ્વેષીઓએ પોતાના સ્વાર્થથી) જુદે જુદે રૂપકે દર્શાવ્યા હોય છે તારે મારે વિષે વિચાર બાંધશે તહાં સૂધી મારે કંઈ જ બોલવું નહીં એ મને વધારે સારૂં લાગે છે –

‘અંતે છે સતનો જસ, રણે રમ મ્હસ.’

મેં જે તમને કામ સોંપ્યું છે તે ફુરસદે જ કરવું-ઉતાવળ નથી. મારા નિબંધમાં જે બ્હારવટીયા લખ્યા છે તેની હકીકત પણ જોઈયે. હું થોડીક જાણું છું-પૂરેપૂરૂં જાણતો નથી-હથિયારોનાં નામ સાથે ચિત્ર મોકલશો તો તે બહુ જ સારૂં થશે.

કોઈ વંદો કોઈ નિંદો. હું મારૂં કામ મારી બુદ્ધિ પ્રમાણે ને શુદ્ધ અંત: કરણથી કર્યો જ જાઉં છું-મને મારી સરસ્વતીની રક્ષા છે ને તેથી હું દુર્જનની થોડી જ દરકાર કરૂં છઉં.

લી. નર્મદાશંકરના આશીર્વાદ.




(૩)

સુરત, આમલીરાન, તા. ૩ જી અક્ટોબર ૧૮૬૯.

ફક્કડ લક્ષ્મીરામ,

તમારો તા. ૨૪ મી આગષ્ટનો ને ભાદરવા વદ ૩ જનો એમ બે આવ્યો છે. હું-મોટમ આપું છઉં તેને તમે યોગ્ય નથી એમ તમે લખો છો તારે આજથી ઉપર પ્રમાણે નામ બદલું છું-ચ્હીડાશો નહીં-પણ હું પુછું, લોક મૈત્રિ મૈત્રિ કરે છે તે શું હશે વારૂં? એ વિષે તમે અનુભવમાં શું જોયું છે ને વિચારમાં શું નક્કી કર્યું છે તે અવકાશ મળેથી લખી મોકલાય તેવું કરી શકશો? તમારી કલમ લખાણમાં કેવી ફક્કડ ચાલે છે તે જોવાને ઈચ્છું છું.

હથીયારોની ઉતાવળ નથી-જૂની ગુજરાતી ભાષાના નાના મોટા ગ્રન્થ-પાનાનો સંગ્રહ તમારા જુનાગઢમાંથી મળી આવશે? મારો વિચાર આ છે કે આજથી સો ને પછી બસેં ને એમ ૧,000 વર્ષ ઉપર આપણી ભાષા કેમ કેમ બદલાતી ગઈ છે તે વિષે યથાસ્થિત જાણવું-તેમ નરસહીં મેહેતાની પહેલાં કોણ કોણ કવિયો છે તે સંબંધી પણ જાણવાનું છે-એ વિષય અવકાશે તમારા મિત્રમંડળમાં ચરચજો.-મારે ઉતાવળ નથી.

નાગરી ન્યાતના ભવાડા થાય છે તે જોઈને દલગીર છઉં. મારે વિષે મારી નાતમાં ઘરડાઓ-જુવાનોનો શો વિચાર છે તે લખશો.

જૈન નિબંધ લખવાનો મને અવકાશ નથી. ઝાંસીની રાણી અને લખનોરના (લખનૌના? સં.) નવાબ વિષે થોડીક પણ હકીકત આપો તો વળી લખવાનો વિચાર કરૂં-બને તો મોકલજો.




(૪)

તા. ૧૮ અક્ટોબર ૧૮૬૯.

ભાઈ લક્ષ્મીરામ,

આસો સુદ ૨ નો લાંબો ચિત્રો સાથે આવ્યો છે. સ્નેહ મૈત્રિ-પ્રેમ એનું પરિણામ બેના એક થવું એવું છે. એક થવું કઠિણ છે ને એક થઈ તેમ નિત્ય રેહેવું એ પણ કઠિણ છે. મૈત્રિ કરવામાં ને નિભાવવામાં બહુ વિઘ્ન આવી પડે છે. ‘કોઈને (પોતાનો ? સં.) કરી રાખવો અથવા કોઈના થઈ રહેવું’ એ કહેવત ખોટી નથી કે જેથી મૈત્રિ નિભે પણ અંત: કરણથી ઉમળકો રેહેવો દુર્લભ છે. એ જો બન્નેમાં હોય તો પછી નાના પ્રકારનાં વિઘ્નો પોતાની મેળે જ દૂર થઈ જાય છે. સાચો સ્નેહ શૌર્ય વિના બંધાતો નથી ને નિભતો નથી. તેમ સાચા સ્નેહથી શૌર્ય વધે છે ને શૌર્યથી જસ ને પછી સુખ મળે છે એ પણ ખોટું નથી; હા તે જસ લૌકિક વિચારમાં કદાપિ તત્કાળે નિંદાય પણ પછવાડેથી વખણાય જ. જારે ગરમ લોહીનાં સ્ત્રીપુરૂષોના પ્રેમ જેવો પુરૂષમાં સ્નેહ જોવામાં આવશે ત્યારે જ ઐક્ય, ધૈર્ય, જુક્તિ, સાહસ એ સદ્ગુણો આપણામાં દેશિયોમાં આવશે ત્યારે જે તેઓ ઉત્તમ યશ ને ઉત્તમ સુખના ભોક્તા થશે.

નર્મદાશંકરના આશીર્વાદ.




(૫)

તા. ૩0.૧.૭0

પ્રિય ભાઈ લક્ષ્મીરામ,

તમારો પોષ વદ ૧ નો પોંચ્યો છે. મારી તબીએત આજકાલ સારી છે. નાગરોની ફજેતીથી દલગીર છઉં. મણીશંકરે મારી ખાનગી ચાલ વિષે પોકાર કર્યો. મારી કવિતા તે કવિતા જ નથી એમ કહ્યું ને મારા ગદ્યના વખાણ કર્યા કે ગુજરાતિ ભાષાને રસદાર બનાવી છે એ મારી શકિત તથા નીતિ વિષે તેઓના અભિપ્રાય તમે મને જણાવશો તેને માટે હું તમારો ઉપકાર માનું છઉં. એ પ્રમાણે બીજા કાબેલમાં ખપતા પુરૂષોનો વિચાર મને જણાવશો. એમ તમારી તરફથી પાંચક જણના વિચાર જાણી લીધા પછી હું મારી તરફથી લખવાનું છે તે લખીશ. વ્યાકરણની પ્રત એક્કે મળે નહીં.

લી. નર્મદાશંકરના આશીર્વાદ.