ડૉ. હરિવલ્લભ ભાયાણી એમ પ્રતિપાદિત કર છે[1] કે “‘ઔચિત્ય’ શબ્દ કોઈ સ્વરૂપવર્ણક સંજ્ઞા નથી, પણ વસ્તુ પરત્વેનો નિર્ણય છે— decision કે judgment છે. એ કોઈ સિદ્ધાંત નથી, પણ કોઈ સિદ્ધાંત ધોરણ કે પ્રયોજનને આધારે લીધેલો નિર્ણય છે...” આગળ ચાલતાં તેઓ એમ પણ કહે છે કે ‘તે કૃતિનિષ્ઠ નથી, પણ ભાવકનિષ્ઠ કે સર્જકનિષ્ઠ છે.’ પરિણામે તેમને ઔચિત્યનું, એને કાવ્યનું જીવિત ગણાવવા જેટલું, મહત્ત્વ કરવાનું ઠીક લાગતું નથી. એમનું આ મંતવ્ય જરા વિચારવા જેવું લાગે છે. ઔચિત્ય એટલે કૃતિના ઘટક અંશોનું સામંજસ્ય. એ કૃતિનિષ્ઠ ન કહેવાય? સામંજસ્ય પ્રતીત આપણે કરીએ છીએ માટે? તો પછી રસ પણ આપણે પ્રતીત કરીએ છીએ, એટલે એ પણ કૃતિનિષ્ઠ ન કહેવાય ને? આ રીતે આપણે કલાની આત્મગતતા સુધી પહોંચી જઈશું. ઔચિત્ય એ સંબંધપરક — relational — વિભાવ છે તેથી એ અલંકાર, વક્રોક્તિ, ધ્વનિના જેવું વસ્તુલક્ષી તત્ત્વ ન લાગે એ સમજાય એવું છે. એમ તો રસને પણ વસ્તુલક્ષી તત્ત્વ ન ગણી શકાય. વળી ઔચિત્યને પાછળથી બુદ્ધિથી કરેલા નિર્ણયરૂપે ઘટાવવું અનિવાર્ય છે? એને કાવ્યમાં પ્રતીત થતું, કાવ્યની અખંડતામાંથી સ્ફુરતું, સંવેદનાનો વિષય બનતું એક તત્ત્વ ન ગણી શકાય? રાઘવન ઔચિત્યને ‘harmony or beauty’ તરીકે ઓળખાવે જ છે. ઔચિત્યના પ્રાચીન વિભાવનો આ કદાચ અર્થવિકાસ ગણાય, તો રામનારાયણ પાઠક કહે છે તેમ ‘આપણે આધુનિક દૃષ્ટિથી એ સિદ્ધાંતને વધારે વ્યાપક વિકસિત કરી શકીએ.’[2]
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted