ભારતીય કાવ્યસિદ્ધાંત/વક્રોક્તિ

Revision as of 02:33, 12 March 2025 by Meghdhanu (talk | contribs) (corrections)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વક્રોક્તિ

‘વક્રોક્તિ’ કાવ્યશાસ્ત્રમાં એક અલંકારવિશેષનું નામ છે, તેમ એ એક વ્યાપક અર્થ ધરાવતો શબ્દ પણ છે. વ્યાપક અર્થમાં, કાવ્યના એક લાક્ષણિક તત્ત્વ તરીકે, વક્રોક્તિનો ખ્યાલ સૌ પહેલાં ભામહે રજૂ કર્યો છે. ભામહ શબ્દાર્થના સાહિત્યને કાવ્ય કહે છે (शब्दार्थौ सहितौ काव्यम् ।) અને એ શબ્દાર્થો સુંદર - અલંકૃત હોવા જોઈએ એવી પણ અપેક્ષા રાખે છે. કવિની વાણીમાં આ સૌંદર્ય-અલંકરણ આવે છે કેવી રીતે? તો એ કહે છે કે વક્રોક્તિને લીધે. (वाचां वक्रार्थशब्दोक्तिरलङ्काराय प्रकल्पते।) કવિની વાણીને, તેથી, તે વક્ર વાણી તરીકે ઓળખાવે છે. આ રીતે ભામહની દૃષ્ટિએ વક્રોક્તિ સર્વ અલંકારોનું પ્રાણતત્ત્વ અને કાવ્યનું મૂલ છે. વક્રોક્તિને ભામહ લોકવ્યવહારને અતિક્રમી જતી કથનરીતિ તરીકે ઓળખાવે છે. (लोकातिक्रान्तगोचरम् वचः) એટલે કે રોજિંદા વ્યવહારમાં વાત કરવા માટે આપણે શબ્દોને જે રીતે પ્રયોજીએ છીએ તેના કરતાં કવિ જુદી રીતે પ્રયોજે છે અને તેનું જ નામ વક્રોક્તિ. પરંતુ વક્રોક્તિના આ ખ્યાલને એક કાવ્યસિદ્ધાંતનું ગૌરવ આપનાર અને એનું વ્યવસ્થિત શાસ્ત્ર રચનાર તો છે કુન્તક. ‘વક્રોક્તિજીવિત’ નામે ઓળખાયેલા પોતાના ગ્રંથમાં એમણે વક્રોક્તિની કાવ્યના લક્ષણ તરીકે સ્થાપના કરેલી છે અને વક્રોક્તિના સ્વરૂપ તથા પ્રકારની સૂક્ષ્મ ચર્ચા કરેલી છે.

વક્રોક્તિ - વક્રતાનું સ્વરૂપ :

કુન્તકની વક્રોક્તિની વ્યાખ્યા આમ તો સાવ સાદી છે. वक्रोक्तिरेव वैदग्ध्यभङ्गीभणितिरुच्यते । વક્રોક્તિ એટલે વિદગ્ધતાપૂર્ણ ભંગિમાથી કથન કરવું તે. સામાન્ય વ્યવહારમાં અને શાસ્ત્રાદિમાં શબ્દાર્થોને આપણે અમુક નિશ્ચિત - જાણીતા સર્વસંમત રૂપમાં પ્રયોજીએ છીએ. કાવ્યમાં શબ્દાર્થોને એથી ભિન્ન રીતે પ્રયોજવામાં આવે છે. એનાથી જે વૈચિત્ર્ય આવે છે તે વક્રતા અને એવા વૈચિત્ર્યપૂર્વક કથન કરવું તે વક્રોક્તિ. દેખીતી રીતે જ વક્રોક્તિની આ વ્યાખ્યા ભામહની સમજથી કંઈ આગળ આપણને લઈ જતી નથી. પણ પછી કુન્તક જ્યારે એવું પ્રતિપાદન કરે છે કે વક્રતા શબ્દ અને અર્થ, વાચક અને વાચ્ય બન્નેમાં જોઈએ એટલું જ નહિ પણ બન્નેમાં એક પ્રકારના સ્પર્ધાયુક્ત સામંજસ્યથી જોઈએ, ત્યારે એની વક્રોક્તિની વિભાવના જુદું પરિમાણ ધારણ કરે છે અને એ એક સૂક્ષ્મ અર્થપૂર્ણ કાવ્યસિદ્ધાંત તરીકે ભાસે છે. જેમાં કવિવ્યાપાર કંઈક વિલક્ષણતાથી - વક્રતાથી પ્રવર્તે છે એવા શબ્દ અને અર્થ બંને મળીને એક જ વિચિત્ર ઉક્તિ - વક્રોક્તિ - બને છે. કુન્તક ઉદાહરણો આપીને બતાવે છે કે ગમે તેવી વાતને સુંદર શબ્દોમાં રજૂ કરવા માત્રથી કાવ્ય બનતું નથી, વક્રતા એ કહેવાની રીત-માત્ર નથી, નવો જ અર્થપ્રકાશ પણ છે. એ જ રીતે નવીન પ્રકારના વસ્તુકલ્પનને પણ ગમે તેવા શબ્દોમાં ગમે તેમ મૂકી દેવાથીયે કાવ્ય બનતું નથી. અર્થના ચમત્કારનો આપણને અનુભવ કરાવે એવી અભિવ્યક્તિ પણ જોઈએ. આમ, વક્રતા સમગ્ર કાવ્યસૌંદર્યનો વાચક શબ્દ બની જાય છે. શબ્દ અને અર્થ સાથે મળીને કાવ્ય બને છે એવું તો ઘણાએ કહ્યું હતું, પરંતુ શબ્દાર્થના સહિતત્વનું તાત્પર્ય પોતે જેવું પ્રગટ કર્યું છે તેવું કોઈએ પ્રગટ કર્યું નથી તેવો કુન્તકે દાવો કર્યો છે તે સાચો છે. એ કહે છે કે કાવ્યમાં અર્થ સહૃદયોને આહલાદ આપે એવું પોતાનું કોઈક આગવું સ્ફુરણ લઈને આવતો હોય અને એનાથી સુંદર બનેલો હોય; તેની સાથે શબ્દ પણ એવો હોય કે જે, અન્ય શબ્દો હોવા છતાં, પોતે એકલો જ વિવક્ષિત અર્થને પ્રગટ કરવાને સમર્થ હોય. બન્ને મળીને કાવ્યમાં કોઈક અસાધારણ શોભા સિદ્ધ કરે, બેમાંથી કોઈ ઓછું કે વધારે મનોહર છે એવું લાગે નહિ. છતાં વક્રતા સિદ્ધ કરવામાં બન્ને એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય. સ્પર્ધાયુક્ત સામંજસ્યનો આ વિચાર એક નવીન વિચાર છે અને તેનાથી કાવ્યસૌંદર્ય એક સચેતન, ગતિશીલ તત્ત્વ છે તે વાતને યોગ્ય મહત્ત્વ મળે છે. ઘડીમાં શબ્દ, ઘડીમાં અર્થ, ઘડીમાં એક શબ્દ, ઘડીમાં બીજો શબ્દ કોઈ ચડિયાતી શોભા ધારણ કરતો આપણને લાગે અને એ દ્વારા સમગ્રપણે કાવ્યનું સૌંદર્ય વૃદ્ધિગત થયા કરે. શબ્દાર્થના સાહિત્યની કુન્તકની આ કલ્પના, ખરે જ, વિશિષ્ટ છે અને તેથી શબ્દાર્થની વક્રતાનો એમનો ખ્યાલ પણ વિશિષ્ટ બની જાય છે. કુન્તકની વક્રોક્તિની વિભાવના કોઈ છીછરી વિભાવના નથી, કાવ્યના માત્ર બાહ્યાંગને સ્પર્શતી વિભાવના નથી, એનો ખ્યાલ, એ કવિવ્યાપારને વક્રોક્તિના નિર્માણમાં જે મહત્ત્વનું સ્થાન આપે છે અને એનું જે ઊંડી સમજથી વર્ણન કરી બતાવે છે તે પરથી આવે છે, વક્રોક્તિની એમણે વ્યાખ્યા કરી છે ‘વૈદગ્ધ્યભંગીભણિતિ’ તરીકે. વૈદગ્ધ્ય એટલે કવિકર્મનું કૌશલ અને ભંગી એટલે એની સૌંદર્યછટા. કુશળ કવિવ્યાપારની કોઈક અસાધારણ છટાથી જે ઉક્તિ સર્જાય તે વક્રોક્તિ. એટલે ખરેખર વક્રતા છે તે કવિવ્યાપારમાં જ છે. અને એનું જ મહત્ત્વ છે. જગતના દરેક પદાર્થને, દરેક વસ્તુને નાનાવિધ ધર્મો હોય છે, એની આજુબાજુ ઘણુંબધું વળગેલું હોય છે, કવિની પ્રતિભાના પરિસ્પંદમાં જ્યારે કોઈ પદાર્થ આવે છે ત્યારે એ એનું કોઈક અસાધારણ રૂપ પ્રગટ કરે છે. એનો સામાન્ય સ્વભાવ ઢંકાઈ જાય છે અને કવિપ્રતિભાના પરિસ્પસંદને અનુરૂપ એવો કોઈક ઉત્કર્ષ એ ધારણ કરી રહે છે. પછી પદાર્થના એવા વિશેષ તત્ત્વનું પ્રતિપાદન કરવા સમર્થ વક્ર વાક્યમાં એનું કથન થતાં કાવ્ય સર્જાય છે. કવિ જગતને જુદી રીતે જુએ છે અને જુદી રીતે કથે છે. કાવ્યની વક્રોક્તિનું આ જ રહસ્ય છે. અને કવિપ્રતિભા તો અનંત પ્રકારની હોઈ શકે. તેથી વક્રતાના છ મુખ્ય પ્રકારો બતાવ્યા પછી એના પેટાપ્રકારોની વાત કરતાં કુન્તકને કહેવું પડે છે કે પેટાપ્રકારો તો અનેક હોઈ શકે. વક્રતાના નવા નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા કરે, કેમ કે કવિપ્રતિભાને કોઈ સીમા નથી. વક્રોક્તિના મૂળ આ રીતે કવિપ્રતિભામાં બતાવવાથી કુન્તકની વક્રોક્તિની વિભાવના વળી એક વિશેષ પરિમાણ ધારણ કરે છે. એમ લાગે છે કે જાણે કુન્તક કાવ્યના અંશેઅંશમાં વ્યાપ્ત કાવ્યની aesthetic quality (સૌંદર્યગુણ)ને વક્રતા ન કહેતા હોય ![1] વક્રતાના છ પ્રકારો અ પેટાપ્રકારોમાં તેઓ કાવ્યના અંશેઅંશને વ્યાપી વળે છે એ પણ આવાતનું સમર્થન કરે છે.

વક્રોક્તિનું કાવ્યમાં સ્થાન :

વક્રોક્તિ એ શબ્દાર્થની શોભા છે – અલંકૃતિ છે અને અલંકારમય હોવામાં જ કવિતાપણું છે. (सालङ्कारस्य काव्यता।) અલબત્ત, કુન્તકની દૃષ્ટિએ અલંકાર્ય – અલંકરણનો ભેદ કેવળ ઔપચારિક છે. શબ્દાર્થનું વક્ર્તાવૈચિત્ર્યપૂર્વક કથન એ જ અલંકાર એટલે કે કાવ્યમાં અલંકાર હોય એમ નહિ, કાવ્ય પોતે જ અલંકારરૂપ હોય. આ કારણે વક્રોક્તિ કાવ્યનું અનિવાર્ય લક્ષણ – એનો પ્રાણપ્રદ ધર્મ બની જાય છે. આ વક્રતાને લીધે જ, અર્થ ન સમજાય ત્યારે પણ સંગીતમાંથી થાય તેમ કાવ્યમાંથી પણ એના બંધસૌંદર્યને કારણે આપણા હૃદયને આહ્લાદ થાય છે, વાક્યાર્થ સમજાયા પછી પદવાક્યાર્થથી પર એવા પાનકરસનો આસ્વાદ થાય છે અને સહૃદયોને સૌભાગ્યનો અનુભવ થાય છે. વક્રતા વિના જીવિત વિનાના શરીર, અને સ્ફુરિત વિનાના જીવનની જેમ વાક્ય નિર્જીવ ભાસે છે. કુન્તકની દૃષ્ટિએ, આમ, વક્રતા કાવ્યનો આંતરસ્પંદ છે. – પ્રાણોનો પ્રાણ છે.


  1. સુરેન્દ્રનાથ દાસગુપ્ત, ‘કાવ્યવિચાર’, પૃ.૭૪-૭૫

Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files