રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૬. વાઘની પાલખી

Revision as of 17:36, 11 March 2025 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. વાઘની પાલખી



ગલબા શિયાળને શેરડી બહુ ભાવે. બુધાકાકાના ખેતરમાં એ રોજ શેરડી ખાવા જાય. કાકાએ એને પકડવા એક મસમોટું લાકડાનું પાંજરું બનાવ્યું. પાંજરામાં શેરડી મૂકી. બારણું ઉઘાડું મેલ્યું, પણ બારણું એવું બનાવેલું કે જાનવર શેરડી ખાવા અંદર પેસે કે તરત એની મેળે બંધ થઈ જાય.

કાકા કહે: ‘આજે ચોર આમાં પકડાવાનો.’

પણ કાકા ચતુર હતા, તો ગલબો મહાચતુર હતો. એ સમજી ગયો કે મને પકડવાની આ કરામરત છે; પણ મારે બદલે જો આમાં વલવો વાઘ પુરાય તો જોવાની મજા પડે.

એ તરત વલવા વાઘને ઘેર દોડી ગયો. કહે: ‘મામા, રાજાની કુંવરીનાં લગન છે, ને રાજાને મને તેડવા પાલખી મોકલી છે. તમે આવશો મારી જોડે?’

વાઘ કહે: ‘દેખાડ, કયાં છે પાલખી?’

ગલબો એને બુધાકાકાના ખેતરમાં લઈ ગયો. કહે: ‘જુઓ આ પાલખી! વાટમાં ભૂખ લાગે તો ખાવા માટે એમાં શેરડી પણ મૂકી છે!’

પાલખી જોઈ વાઘ ખુશ થયો.

ગલબો કહે: ‘મામા, આપણે એમાં બેસીશું, એટલે આપણા નોકરો પાલખી ઉપાડીને આપણને રાજાના દરબારમાં લઈ જશે|’

વાઘે કહ્યું: ‘કોણ આપણાં નોકરો?’

ગલબાએ કહ્યું: ‘કોણ તે પેલાં બે પગવાળાં જાનવરો! આપણે માણસ કહીએ છીએને, એ! આપણે સાહેબ અને એ લોકો આપણા નોકર! આપણે પાલખીમાં બિરાજવાનું, ને શેરડી ખાવાની!’

‘તો હું આ બિરાજ્યો!’ કહી વાઘ કૂદકો મારી પાંજરામાં દાખલ થઈ ગયો. એની પાછળ ફટાક કરતું બારણું બંધ થઈ ગયું.

ગલબો કહે: ‘મામા, બારણું ઉઘાડો! મારે અંદર આવવું છે.’

વાઘ કહે: ‘નથી ઉઘાડતો, જા! રાજાના દરબારમાં તારું કામે શું છે? જા, વગડામાં રખડી ખા!’

ગલબો શિયાળ હસતો હસતો ઘરભેગો થઈ ગયો.

બીજે દિવસે બુધાકાકા આવીને જુએ તો પાંજરામાં વાઘ! તેમણે વાઘ રાજાને ભેટ ધરી દીધો. રાજાના માણસો આવી પાંજરું ખેંચીને લઈ ગયા. ગમે તેમ વાઘ પાલખીમાં બેસીને રાજાના દરબારમાં ગયો એની ના નહિ!

[‘શિશુમંગલ વાર્તાવલિ’]