રામચન્દ્ર પટેલની કવિતા/ક્યારો

Revision as of 02:53, 10 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ક્યારો

હું રોજ મંદિર જઈ, થતી આરતી લઉં–
ત્યાં હોય તું ધરતી દર્શન, ધ્યાન-પૂજા.
ચોમેર તો અગરચંદન મ્હેંક ઊડે...
ને આમ ખીલતું જતું વ્રજમાં પરોઢ.

–બોલ્યા વિના પગથિયાં પર બેસતાં, પછી
જાતાં બહાર... ચૂપચાપ વિરુદ્ધ માર્ગે...
બીજે દિને પ્રથમ હું, કરું ચાઁપ દાબી
ચાલુ નગારું... ગગડી સૂરતાલ છેડે....
ને આરતી ફળવતી શગ પંચદીવડી
પૂરી થતાં જ બસ તું કરતી નગારું
મૂંગું, વળી અડતી અંગુલિ ભાલ મધ્યે
તારા ; તું શીદ કરતી રહી આમ નિત્ય?

છૂપો અદીઠ લઈ ચૉપથી સ્પર્શ મારો,
રોપી જરા ખીલવતી હતી ભાલ ક્યારો !