હજીય
ખીલ્યું હતું સુરખીઆંજ્યું પરોઢ પૂર્વમાં,
શીળો સમીર સરતો... સીમસૃષ્ટિ જાગે...
આછુંક પોત વધતું તડકાનું ગોંદરે.
સંચાર શાંત દીપઆરતીનો હું સાંભળું.
વ્યાપેલ મ્હેંક તુલસી-ડમરાની, નાચે
પીળી કરેણ... હળવું રણકે નગારું...
ભઠ્ઠી જલે, રહીરહી રગ બાફ ફૂંકે...
ટોચે ધજા દમકતી જ્યમ ગંગધારા.
હું ધ્યાન-દર્શન ધરી શિવદ્વાર છોડું...
આવી ચઢી તું ઠરી સન્મુખ, એકધારું
ટીક્યા, પછી... દઈ ગુલાબ, થઈ અદૃશ્ય...
પામ્યા કરું ફરી ફરી હું તમે ગુલાબમાં.
ગુંજી રહ્યો હજીય મંદિર શંખઘોષ,
ભૂલ્યો નથી પ્રિય હું એ શીતસ્પર્શ, પોષ.