માટી
ખૂલે જમીન : હળ, ખેતરમાં હરે-ફરે
ચારો ચરે... સૂરજનો સહી અગ્નિ-તાપ,
માટી, હવાનું કિનખાબ વણે વરાપથી–
ને છોડ છોડ તરણાં તરુ ઘાસવેલા.
શોભાવતી ગગન વાદળ, ચૌદલોક
ડૂંડાનું કાવ્ય રચતી મઢતી પરોઢ!
આભે ચઢી ઝૂલતી, ત્યાં થઈ જાય શાખ,
પાછી વળી બદરીબોર સદા ચખાડે.
બીડે ભરાય પશુ, પંખ રૂપે વિહાર,
પીંછાં! પ્રલંબ પથની સજીને નિહારિકા
ઊડે બધે ગ્રહ પછી ગ્રહ અંતરિક્ષમાં-
એવી વહાલતી બની, ખુદ શ્વાસની પ્રભા.
કેવી ભમે સહજ ખેતર ખેડ માટી,
અંધારાનાં પડળ વીંધતી જાય સ્વાતિ.