૩૪
હે નાથ,
અમે દુનિયાના કીચડમાં ફસાયેલા છીએ, એમાંથી તમે જ
અમને બહાર કાઢી શકો તેમ છો. હે પ્રભુ, કૃપા કરો.
અમે દુનિયા ભણી કેટલું બધું તાકી રહેતાં હોઈએ છીએ! આ
તાકવાનું ક્યારે બંધ થશે ? ક્યારે અમે તમારા ભણી તાકતાં
શીખીશું?
અમે તમારા ભણી એક ડગલું ભરીશું, તો તમે દોડીને દસ
ડગલાં આગળ આવશો. કદાચ અમે આ નાનું ડગલું ભરતાં
પડી જઈએ,
એટલે તમે અમને તમારા ખોળામાં ઊંચકી લો, અને અમે
તમને વળગી પડીએ, એવું થાઓ.
અમે તમારા બની જઈશું અને તમે અમારા.
તમારી કૃપા હશે તો એક દિવસ અમે પણ તમારી તરફ
આવીશું.
તમારી કૃપા અમારા પર સદૈવ છે, એમાં કોઈ સંદેહ નથી,
પણ અમને એનો અનુભવ નથી થતો. તમે જ અમારા
સાથી છો, સહાયક છો, એવું અમે જાણીએ,
એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો.
ગુરુદયાળ મલ્લિક