ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ

From Ekatra Wiki
Revision as of 03:00, 1 March 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ

તો કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી કઈ રીતે વિલક્ષણ છે? કવિની સૃષ્ટિને નિયતિના નિયમોને વશ વર્તવું પડતું નથી, જ્યારે બ્રહ્માની સૃષ્ટિનું સ્વરૂપ તો નિયતિની શક્તિથી નિયત થાય છે; એટલે કે બ્રહ્માને તો પોતાના સર્જનમાં વ્યક્તિનાં કર્માદિને લક્ષમાં રાખીને એનાં જીવનોની વ્યવસ્થા કરવાની હોય છે. પ્રકૃતિના નિયમો પણ એણે પાળવાના હોય છે. કમળને એ પાણીમાં ઉગાડી શકે, પર્વત પર નહિ. વળી બ્રહ્માને તો કોઈ પણ વસ્તુના સર્જન માટે ઉપાદાનકારણ અને સહકારિકારણનો આશ્રય લેવો પડે છે. ઘડો બનાવવો હોય તો માટી તો જોઈએ ને? કવિને આવાં કોઈ બાહ્ય કારણો પર આધાર રાખવો પડતો નથી. બ્રહ્માની સૃષ્ટિ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોવાળી પ્રકૃતિની બનેલ છે, એટલે એ ક્યારેક સુખ ઉપજાવે છે, ક્યારેક દુઃખ ઉપજાવે છે, તો ક્યારેક મોહ – ભ્રાન્તિ પણ ઉપજાવે છે. પણ કવિની સૃષ્ટિ તો હંમેશા આનંદદાયી જ હોય છે. બ્રહ્માની સૃષ્ટિમાં છ જ રસો છે મધુર, અમ્લ, લવણ, કટુ, કષાય અને તિક્ત; અને એ બધા રુચિકર છે એમ પણ નથી; જ્યારે કવિની સૃષ્ટિ નવ રસો (શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, અદ્ભુત, ભયાનક, બીભત્સ અને શાન્ત)થી છલકે છે અને એ બધા રુચિકર છે. એકંદરે મમ્મટે અહીં કવિની સૃષ્ટિનું ઉચિત ગૌરવ કર્યું છે. બ્રહ્માની સૃષ્ટિમાં આપણને નથી મળતું એવું કંઈક કવિની સૃષ્ટિમાંથી મળે છે એ વાત સાચી છે. કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે, એવું આમાંથી નીકળતું ફલિત કોઈને બહુ ઉચિત ન પણ લાગે. બ્રહ્માની સૃષ્ટિનું રહસ્ય આપણે પૂરેપૂરું પામી શકતા નથી, એનો રસ આપણે સંપૂર્ણપણે લઈ શકતા નથી, એમાં કદાચ આપણી માનવસહજ અપૂર્ણતા કે રાગાવેગ પણ કારણભૂત હોય; કારણ કે અંતે તો કવિની પ્રતિભા, એક રીતે કહીએ તો, ઈશ્વરી પ્રતિભાની ‘પ્રતિકૃતિ’ માત્ર છે, અને માણસ કદાચ એવી કક્ષાએ પહોંચી શકે પણ ખરો કે જ્યારે એ કવિ કલાપીની જેમ કહી શકે :

હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્ હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?