કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/મેઘને
Jump to navigation
Jump to search
૩૭. મેઘને
આકાશે આ નભ મહીં તને વર્ષતાં જોઈ જોઈ
પૃથ્વીજૂનાં જનઉર ઊઠે આશ વિશ્લેષભાન
આ હૈયેયે સ્મરણ ઊઠતાં જન્મજન્માંતરોની
આશાનાં કે વિરહ દુઃખનાં તે પ્રમાણી શકું ના.
ફિક્કો ડૂબે દૂર નભ મહીં ચંદ્ર કો પૂર્ણિમાએ
તેવો અંતર્પટ ધરી ડૂબે તાહરું સૂર્ય તેને
જોતાં, સ્વપ્નો સમ બધું સરે દૂર ને દૂર તેવી
સ્વપ્નસૃષ્ટિ સમ પ્રણય છે જીવિતે માનવીના.
કાસારોના જલપ્રવહ વેગે કિનારા ન તૂટે
તેને માટે કુશલ રચનાથી જલૌધો વહાવે
જુદા માર્ગે; પ્રણયઘન આ જીવિતે તેમ મેઘ!
બંધો તોડે તદપિ જલ વ્હેતાં સદાયે દુરન્ત.
યક્ષે પૂર્વે સુહૃદ ગણીને જેમ સંદેશ ક્ હાવ્યા
તેવા સૌને પ્રણયી જનના ક્ષેમના વર્તમાન
ક્ હેવા લેવા નહિ તદપિ ઓ, દર્શને મેઘ તારાં
જાગો સૌને વિરહદુઃખ આશાતણાં ભાન ક્યારે.
૨૧/૩૦-૭-૧૯૪૨ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૬૪)