કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/માનવ્ય લાજે
Jump to navigation
Jump to search
૩૨. માનવ્ય લાજે
લઈ જ શકશે નહીં વસન, ફૂલ કે પુસ્તકો?
નિમંત્રણ તણો સ્વીકાર નહિ શું ફરીથી કરે?
થઈશ નહિ આપ્ત-મિત્ર? અધિકાર તારો છતાં?
અરે મધુર આત્મ! શેં ઉભયની થતી વંચના?
અશ્રદ્ધ હજી હું નથી, હૃદય શેં કબૂલી શકે?
મને સ્મિતથી, મસ્તીથી, નયનભાવથી, લાડથી
ગ્રહી પ્રણયભ્રાંતિ તેદી ઉપજાવી શાને કહે?
હતી પ્રણયભ્રાંતિ કે પ્રણય-ચંચલાની દ્યુતિ
ગઈ જ ચમકાવી બે અતિઉદાર ગભરુ ઉરો?
ક્યાં વચન ઉચ્ચરું? ઉભયને ફરી મેળવે
ફરી ઉભય ઓળખે, નયન બાપડાં રાંકડાં
ઘણું જ કહીને હવે, ઉભયનાં ન ઊંચું જુએ.
પધાર, નયને તું જો, અતીવ નિર્મળાં કાચશાં
અરાગ ઝિલતાં સ્મિતો, તરલ નેત્રનાં નર્તનો.
ભલે કંઈ જ ના ગ્રહે; નહિ જ કોઈ ઠેલી શકે
ઉરોર્મિ, ઉર-આશિષો, સ્મરણમાધુરી, તે છતાં
તારો વિશ્વાસ પામું નહિ ફરી જીવને, મારું માનવ્ય લાજે.
૧-૫-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૩૩)