મોરલાનાં નોતરાં
મોરલાનાં નોતરાં આવ્યાં હો મેઘરાજ (૨)
વર્ષાને મોકલો (૨)
આઠ આઠ માસ રહી આભના પિયરમાં
સાસરિયા સામું નથી જોયું
હો મેઘરાજ…વર્ષાને૦
હોંસભરી વાદળીઓ હીંચતી હુલાસમાં
ઘૂમે હો વીજ વ્હાલસોયું
હો મેઘરાજ…વર્ષાને૦
વનની વનરાઈ ઓલા વાદળિયા દેશમાં,
નજરું નાખીને કાંઈ જોતી
હો મેઘરાજ…વર્ષાને૦
ઝરણાંએ ગીત ખોયાં ડુંગરની કંદરે
થાકી એને ગોતી ગોતી
હો મેઘરાજ…વર્ષાને૦
— વેણીભાઈ પુરોહિત