મેહુલિયો
તારે મેહુલિયા કરવાં તોફાન
અમારા લોકોના જાય છે જાન
મંડ્યો ને મંડ્યો મુશળધાર
કેમ કરી જાવું મારે નિશાળ …તારે૦
ચંપલ મારી છબ છબ થાય
ધોયેલી લેંઘી મારી બગડી જાય
કેળાંનાં છોતરાંથી લપસી જવાય
ત્યારે તો ભાઈ મને કાંઈ કાંઈ થાય …તારે૦
અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રીનો કાગડો થાય
દોડે મોટરની હારોહાર
ખસવું પડે મારે વારંવાર …તારે૦
તારું મેહુલિયા કયું છે ગામ?
તારા બાપુજીનું શું છે નામ?
ઘણા દિવસથી આવ્યો છે અહીં
કેમ તારી બા તને લઈ જાય નહીં
તારે મેહુલિયા કરવાં તોફાન
અમારા લોકોના જાય છે જાન