મંગલમ્/કોઈ લાવે રે સંદેશ

Revision as of 03:20, 28 January 2025 by Meghdhanu (talk | contribs)
કોઈ લાવે રે સંદેશ

કોઈ લાવે રે સંદેશ મારે જાવું દૂર દેશ (૨)
રંગબેરંગી આશા કે૨ો પહેર્યો સુંદ૨ વેશ,
માનવતાનાં મહામંદિરો થઈ ગયાં અવશેષ. — મારે…

જૂના જગનાં ગીત તજીને નવું નવું કંઈ ગાવું,
આશાનું અજવાળું લઈને અણજાણ્યા પથ જાવું; (૨)
રોમરોમમાં રામ વસે જ્યાં નહીં રાગ નહીં દ્વેષ. — મારે…

મુજ અંતરની વીણા કેરા તારે તાર મિલાવું,
દુઃખ ભરેલી આ દુનિયાને નવ સંદેશ સુણાવું; (૨)
વહાલભર્યાં બે વચનોથી હું માગું શું વિશેષ. — મારે…

ખબર નથી લવલેશ મને કે કઈ દિશાએ જાવું,
પ્રેમ બંસરી તુજ સ્વર કેરે પગલે પગલે આવું; (૨)
પ્રેમ પથિકને ભેદ નહીં શું દેશ અગર વિદેશ. — મારે…

કોઈ લાવે રે સંદેશ
મારે જાવું દૂર દેશ.

— શાંતિલાલ