અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૬. અફર એક ઉષા

Revision as of 06:52, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૬. અફર એક ઉષા

ઉમાશંકર જોશી

ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
ને પાથર્યા કબર પે કદી હોય એવા
ફિક્કા હતા મરણમ્લાન ઉડુગણો સૌ.
વેરાયું ચિત્તક્ષિતિજે થકી ધુમ્મસે ને
રંગે ભરી જવનિકા સરી પાંપણેથી.
ત્યાં ટેકરી ફરતું દૃશ્ય શું ઠેર ઠેર?
રે ક્યાં ગઈ પ્રથમની જનતા વિરાટ?

આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં
ખંડેરની જગપટે પથરાઈ લીલા.
ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા
પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું
ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા,
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.

મુંબઈ, ૯-૯-૧૯૩૫