આમંત્રિત/૬. સચિન

From Ekatra Wiki
Revision as of 01:06, 29 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૬. સચિન

શનિવારે સાંજે આમ પાપા અને દિવાન અંકલ સાથે બહાર જવાનું પહેલાં ક્યારેય બન્યું નહતું. સચિનને જો બહાર જવાનું હોય તો અંકલ પાપા પાસે આવી જતા. સુજીત કહેતા, કે “એવી જરૂર નથી. મને ય ક્યારેક એકલાં શાંત બેસવું ગમે છે.” સામે અંકલ કહેતા, “સારું તો આપણે બે સાથે શાંત બેસીશું, બસ?” પછી પાપા ભીમસેન જોષીના મરાઠી અભંગની સિ.ડિ. મૂકતા, અથવા ગિરિજાદેવીની ઠુમરીની સિ.ડિ., અને ખરેખર, ચૂપચાપ જ બંને જણ સાંભળતા રહેતા. વાતાવરણ પર અદ્ભુત સૂર અને શ્રદ્ધાનો લેપ લાગી જતો. આ શનિવારે બધાંની સાથે કોઈ અજાણ્યાંને ત્યાં જવાનું સચિનને ક્યાં મન હતું જરા પણ? જૅકિની સાથે મળવાનું નક્કી થયેલું હતું. પણ બધાંનો આગ્રહ હતો, અને પાપાને ય સહેજ ઈચ્છા હોય તેવું લાગ્યું. સચિનને ખૂબ સંકોચ થતો હતો, પણ જૅકિને ફોન તો કરવો જ પડે તેમ હતો. જૅકિએ એની વાત સાંભળીને તરત કહ્યું હતું, “સારું, કાંઈ વાંધો નહીં. ચાલ તો, આવજે.” એનો અવાજ સ્વાભાવિક જ લાગ્યો હતો, એમાં રીસ સંભળાઈ તો નહતી, પણ એને સાચે જ બહુ ખરાબ ના લાગ્યું હોય તો સારું, એ મુંઝવણમાં સચિને ફોન મૂક્યો હતો. મુકુલની ગાડીમાં બધાંએ સાથે જ જવાનું હતું. ‘વડીલોને તકલીફ ના પડવી જોઈએ’, મુકુલ બોલેલો. લાંબે પને રહેલા મૅનહૅતનની વૅસ્ટ સાઇડ પરથી શહેરની પેલી બાજુ, ઈસ્ટ સાઈડ પર જઈને, એક ગગનચુંબી ઈમારતની નજીકમાં મુકુલે ગાડી પાર્ક કરી. છેક એકવીસમે માળે જવાનું હતું. લિફ્ટમાંથી બહાર નીકળતાં જ, અપાર્ટમેન્ટની અંદરથી ઘણાં જણની વાતોનો અવાજ સંભળાવા લાગ્યો હતો. ત્યાં શર્માજી નામના વડીલ હતા. સુજીત અને દિવાન એમની સાથે બેઠા. રીટા અને મુકુલ એમનાં મિત્રો - લોકેશ અને શીલા - સાથે ભળી ગયાં. એકાદ જણ પોતાના જેવું નવું ને એકલું છે કે?, તે જોવા સચિને નજર ફેરવી. એને થયું, સાથે ખલિલ હોત તો સારું થાત. મોટા ઓરડામાં સામી બાજુએ ત્રણેક યુવતીઓ હાથમાં વાઈનના ગ્લાસ લઈને ઊભેલી. સચિનને લાગ્યું કે બધી એની સામે જ જોતી હતી. ને ખરેખર, એમાંની એક હસતી હસતી એની એકદમ પાસે આવીને ઊભી રહી. “હલો હૅન્ડસમ, શું પીવું ગમશે?” કહીને, જવાબની રાહ જોયા વગર એનો હાથ પકડીને પેલી બાજુ ખેંચી ગઈ. “અને હું માનિની છું. આ મારું ઘર છે. એટલેકે મારા પપ્પાનું. શર્માજી મારા દાદા થાય.” પેલી બે છોકરીઓ ઓળખાણની રાહ જોતી ઊભેલી. “આ મારી ફ્રેન્ડ્સ છે, ને આ—અરે, તારું નામ તો કહ્યું નહીં.”, માનિની બોલી. સચિનને આવા હુમલાની ટેવ નહતી. ધીરેથી એણે કહ્યું, “હું વ્હાઈટ વાઈન લઈશ. ને મારું નામ સચિન છે. કેમ છો તમે બધાં?” ત્રણે છોકરીઓ સામસામે જોઈને બોલી, “હાશ, દેસી છે, પણ પીએ તો છે !” એટલામાં બીજા બે યુવાનો આવ્યા, તરત હાથમાં વ્હિસ્કી લઈને, એ બે છોકરીઓની નજીક જઈને ઊભા રહ્યા. એ તક લઈને સચિન જરાક ખસી ગયો. હજી તો સવા છ જ થયા હતા, હજી જૅકિને મળી શકાય. એણે ફોન જોડ્યો, પણ જૅકિએ ઉપાડ્યો નહીં. સચિને સોફા તરફ જોયું તો પાપા ધ્યાનથી શર્માજીની વાત સાંભળતા હતા. એ કંટાળ્યા નહતા લાગતા, એ જોઈને સચિનને નિરાંત થઈ. ત્યાં જ માનિની ધસી આવી, સચિનની કમ્મર પર હાથ મૂકીને બોલી, “આમ દૂર જતો રહે તે ના ચાલે, હોં. હવે તું મારી સાથે છે.” સચિનને બધું ધસમસ જેવું, અને ‘અનરિયલ’ જેવું લાગતું હતું. ઇન્ડિયન છોકરીઓમાં આવા વર્તાવની એને ટેવ નહતી. ને હજી તો હમણાં જ મળ્યાં હતાં. નામ સિવાય કશી જ ઓળખાણ નહતી એ બધાંની સાથે. બીજાં બધાં ખુરશીઓ પર જમવા બેઠાં, પણ પોતે બધાંએ તો ઊભાં ઊભાં જ ખાઈ લેવાનું હોય એમ લાગ્યું. માનિનીએ કહ્યું, “આપણે પછી જલદી નીકળી જઈએ અહીંથી.” ક્યાં, ને શા માટે જવાનું, તે સચિન સમજ્યો નહીં. એ ફરી ખસીને અંદરના રૂમ તરફ ગયો. ફરી જૅકિને ફોન કર્યો. એ ઉપાડે તો સારું, એ અધીર હતો. પણ કોઈ ફોન ઉપાડવા હાજર નહતું, કે પછી ઈચ્છતું નહતું? એની નજર ટેબલ તરફ ગઈ, તો જોયું કે પાપા એની સામે જોઈ રહ્યા હતા. એ પ્રયત્ન કરીને સહજ જેવું હસ્યો. એમની પાસે જવા ગયો, ત્યાં માનિની આવી અને ચેતવણી આપતી હોય તેમ બોલી, “બસ, હવે ફોન બંધ કર. જો, આપણે બધાં હમણાં જ છટકીએ છીએ અહીંથી.” ચર્ચા કે દલીલ કરવાની તક દેખાઈ નહીં. પણ સચિને મુકુલ પાસે જઈને પૂછી તો લીધું જ, કે પાપાને એ લોકો ઘેર મૂકી જશે ને? પછી પાપાને કહી આવ્યો, કે પેલાં બધાં સાથે એ બહાર જાય છે, ને બહુ મોડું નહીં કરે. સુજીતે કહ્યું, “હા, હા, તું જરૂર જા”, પણ એમના મોઢા પર સહેજ આશ્ચર્ય હોય તેવું સચિનને લાગ્યું. આવી રીતે વર્તતાં ઇન્ડિયન છોકરા-છોકરીઓ પાપાએ પણ નહીં જ જોયાં હોયને. ને જોવાનું સચિનને માટે તો હજી બાકી હતું! લિફ્ટ લઈને જેવાં નીચે પહોંચ્યાં, અને હજી રસ્તા પર આવે તે પહેલાં, પેલા બે યુવાનોએ સિગારેટ કાઢી, સળગાવી, એ બે છોકરીઓને આપી. “અને મારી?”, માનિની એક પણ ક્ષણ જાણે રાહ જોઈ ના શકે. “કેમ, આ તારો બૉયફ્રેન્ડ આપશે ને”, એક બોલ્યો. માનિની અને સચિન એકસાથે બોલી પડ્યાં, “હું એનો| એ મારો બૉયફ્રેન્ડ નથી.” “એની પાસે સિગારેટ લાગતી નથી.” “હત્તેરી”, બીજો બોલ્યો. પાંચેક મિનિટ ચાલીને બધાં મૅડિસન ઍવન્યૂ પરની એક રૅસ્ટૉરાઁમાં ઘુસ્યાં. બહુ જ ભીડ હતી, હાથમાં ડ્રિન્ક રાખીને માંડ ઊભાં રહી શકાયું. એક તો બધાંની સિગારેટનો ધુમાડો નડતો હતો, અને ઘોંઘાટ એવો હતો કે સંવાદ શું, કોઈ વાત પણ થાય એમ નહતી. પણ એ પાંચે ય જણાં તો શનિવારની સાંજો આ રીતે જ વિતાવતાં હશે, એમ લાગ્યું. એ લોકોને સચિન કદાચ સાવ ‘દેશી’ લાગતો હશે. પેલી બંને છોકરીઓએ સહાનુભૂતિથી માનિનીને પૂછ્યું, “આર યુ ઑલ રાઇટ?” માનિનીએ સચિનને વળગી પડીને કહ્યું, “ઑફ કોર્સ વળી.” વિવેકની શી જરૂર હતી, તે સચિનને જ સમજાતું નહતું, પણ સ્વભાવ પ્રમાણે, ધીરજ અને વિવેકથી એણે થોડી વધારે વાર આ જગ્યા, આ ધુમાડો, ઘોંઘાટ, કંપની સહન કર્યાં. હજી તો નવ જ વાગવામાં હતા. ન્યૂયોર્કની રાત તો હજી માંડ શરૂ થઈ ગણાય. જેમ મોડું થાય, ને રાત જામે ત્યારે જ બધાંનો મૂડ પણ બરાબર જામતો ગયો હોય. સાથે સાથે, સિગારેટનો ધુમાડો, ને ઘોંઘાટ પહેલાંથી પણ વધ્યા હોય. વાતો સાવ ઓછી થઈ ગઈ હોય, ને કદાચ આંખોથી જ સ્ત્રી-પુરુષો વચ્ચે ઈજન આપવામાં ને સ્વીકારવામાં આવવા લાગ્યાં હોય. સચિનને આવી કોઈ ટેવ નહતી, કે નહતું આવું કશું એને પસંદ. આ પાંચની સરખામણીમાં તો એ સાવ સીધો, ને ખરેખરનો ‘દેશી’ જ હતો. એણે મક્કમ થઈને માનિનીને કહ્યું, કે એને હવે જવું પડશે. અછડતું ‘ચાલો, આવજો’, કહીને એ જવા માંડ્યો, ત્યારે માનિનીએ એનો હાથ ખેંચીને એને રોક્યો, પોતાનો ફોન કાઢ્યો, ને સચિનનો નંબર માગ્યો. નહીં આપીને અપમાન કરવાનું શોભાસ્પદ નહતું. પણ સચિને સામો નંબર માગ્યો નહીં. ફરી માનિની સાથે સંપર્ક થવાનો નથી, એની સચિનને કોઈ શંકા નહતી. ભીડ અને અંધારાવાળી જગ્યામાંથી માંડ માંડ બહાર નીકળી જઈને સચિને ઊંડો શ્વાસ લીધો. પોતે મા-બાપને લીધે ઇન્ડિયન હતો, દેસી હતો, પણ હતો તો એમેરિકન જ. અમેરિકામાં જ જન્મેલો અને ઉછરેલો હતો. કૉલૅજમાં યે ગયો, અને છોકરીઓ સાથે હળવા-મળવાનું નહતું બન્યું એવું પણ નહતું. એમ તો, સાથે ભણતાં મિત્રો સાથે બહાર જમવા જવાનું, એકાદ ગ્લાસ વાઇન લેવાનું પણ ઘણી વાર થયેલું જ વળી; પણ સાવ આછકલા વર્તાવનો એને અનુભવ નહતો. રાતની ઠંડક અને શાંતતા બહુ સરસ હતી. ઘર સુધી ચાલતાં જવાનું બહુ ગમ્યું હોત, પણ ઇસ્ટ સાઇડથી વેસ્ટ સાઇડ જવાનું ઘણું દૂર પડે. વચમાં સેન્ટ્રલ પાર્ક આવે, એને આખો વળોટવો પડે, ને રાતે તો એ સાવ ખાલી હોય. કોઈ વાર એમ એકલા જનારાને પોલિસ ઊભા રાખીને પૂછપરછ પણ કરે. એટલે થોડું ચાલીને સચિને ક્રૉસ-ટાઉન જવાની બસ લઈ લીધી. સ્ટૉપ પર ઊતર્યા પછી પણ પાછું થોડું ચાલવાનું હતું. વાર તો લાગી જ ગઈ. કલાકેક પછી એ ઘેર પહોંચ્યો ત્યારે અપાર્ટમેન્ટમાં આગલી એક જ બત્તી ચાલુ હતી. પાપા સૂઈ ગયા લાગતા હતા. થાકી ગયા હશે, નક્કી. કાલે રવિવાર હતો એટલે કેવી નિરાંત. આરામથી એમની સાથે વાત થશે. એમને પણ એ પાર્ટીમાંનાં અમુક જણ વિચિત્ર લાગ્યાં હશે? માનિની અને એનાં મિત્રો તરફ પણ એમનું ધ્યાન ગયું તો હશે જ. “હાશ, કેવાં છૂટ્યાં”, કરીને અમે બંને સાથે જરૂર હસી શકીશું. સચિનને ક્યાંય સુધી ઊંઘ ના આવી. એ જૅકિને જ યાદ કરતો હતો. અત્યારે નહીં તોયે કાલે સવારે તો એ ફોનમાં જોશે જ, કે મેં બે વાર ફોન કર્યા હતા. કેમ ઉપાડ્યા નહીં હોય એણે? એ ઠીક તો હશે ને? કે બહાર ગઈ હશે? ક્યાં ગઈ હશે? કોની સાથે - એ વિચાર આવતાં જ સચિન થોડો હતાશ થઈ ગયો. જૅકિ બીજા કોઈને પસંદ કરતી હશે? એ પોતે તો એને બહુ મળી શકતો જ નહતો. બાકીના સમયમાં જૅકિ ચોક્કસ બીજા કેટલાયને મળી શકે. એ તો હતી જ એવી સરસ, કોને ના ગમે એની સાથે? એકદમ સચિનને લાગવા માંડ્યું, કે વખત બગાડ્યા વગર, હવે જો એ કશોક ચોક્કસ નિર્ણય નહીં લે, તો જૅકિને ગુમાવી પણ બેસી શકે. એને માટેની પોતાની જ લાગણીથી શું એ અજાણ હતો? ના, એવું તો નહતું જ. એને જૅકિ બહુ ગમતી હતી. એને જ પ્રેમ કહેવાય? એ જરા ગભરાતો પણ હતો, કારણકે બધું એકપક્ષી હોય તો? જૅકિના મનમાં શું હશે તે એ કઈ રીતે જાતે માની લઈ શકે? ધીરે ધીરે, ઉતાવળ કર્યા વગર, પણ એક સ્પષ્ટતા તો કરી લેવી પડશે, એને લાગતું હતું. એ માટે એક પહેલો ઉપાય એને સૂઝી આવ્યો, ને એ પછી, મોઢા પર એક સ્મિત સાથે એ ઊંઘી ગયો. સવારે ઊઠતાં સચિનને મોડું થયું. આગલી રાતે જીવને ખાસ્સી તકલીફ પડી હતી. પાપા ચ્હા બનાવવા માંડી ગયા હતા. માલતીબહેને નાસ્તા માટે બનાવેલી ખારી પૂરી ટેબલ પર મૂકાઈ ગઈ હતી. “રવિવારની સવાર, એટલે બે કપ ચ્હા જોઈએ, હોં”, સુજીત કહેતા. અત્યાર સુધી સચિન ચ્હા પીતો પણ નહતો, પણ હવે? પાપાની સાથે બેસીને આમ ચ્હા પીવામાં એને એવો સંતોષ મળતો, કે એનાં ફેફસાં ઑક્સિજનથી નહીં, પણ સુખના ભાવથી ભરાઈ જતાં. આગલી સાંજની પાર્ટીનો ઉલ્લેખ થયો તો ખરો, પણ સુજીતે માનિની અને એનાં મિત્રો વિષે કશું ના કહ્યું. એટલું જ પૂછ્યું, “મઝા આવી’તી બહાર?”, ને જવાબની રાહ પણ ના જોઈ. જોકે શર્માજી સાથે એમને ગમ્યું હતું. એક જમાનામાં એ નાગપુરમાં દવાખાનું ચલાવતા હતા. પત્નીનું મૃત્યુ થયા પછી એમનાં દીકરા-વહુ લોકેશ અને શીલાએ એમને અહીં બોલાવી લીધેલા. “એમણે મને અને દિવાનને ખાસ કહ્યું છે, કે હું પણ સાવ એકલો છું અહીં. મને મળવા આવતા રહેજો”, સુજીતે જણાવ્યું. “જોઈશું, ફરી કઈ રીતે ગોઠવાય છે તે. એમ તો પાછા એ જરા દૂર રહે છેને” બપોરે પાંચ વાગતાંમાં બેલ વાગી ત્યારે સુજીતે નવાઈથી પૂછ્યું, “કોણ આવ્યું અત્યારે?” સમયસર જ બેલ વાગી હતી. સુજીત આરામ કરીને ઊઠી ગયા હતા, અને ફરી ચ્હા પીવી છે કે કૉફી, તે સચિનને પૂછી રહ્યા હતા. સચિને અધીરાઈ અનુભવતાં બારણું ખોલ્યું. આછા લીલા રંગમાં ઝીણી પ્રિન્ટવાળા લાંબા સ્કર્ટ અને ક્રીમ રંગના બ્લાઉઝમાં જૅકિ સસ્મિત ઊભી હતી. કાનમાં એક લટકતા મોતીની બુટ્ટી હતી, તે જ. એના હાથમાં એક પૅકૅટ હતું. હાથ પકડીને એને અંદર લઈ જઈને સચિને કહ્યું, “પાપા, આ મારી ફ્રેન્ડ જૅકિ છે.