કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પાલખ કરી છે
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે,
હું તો ઘેલો ઘૂમું છું ઘમંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
મારા કરની મેં આચમની કીધી રે,
મારી અખિયાંની આરતી લીધી રે;
મારે પડવું નહિ પૂજા-પાખંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
હું તો હળવે સૂર ગાઉં હરિ ગીતડાં રે,
મારે મન એ સાગર સાદથી વડાં રે;
મારાં વેણાં વંચાય છે વ્રેમંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
મારા પંડે પૂરણ મેં પિછાણિયા રે,
જોઈ લીધા બ્રહ્માંડના બજાણિયા રે;
હું તો નિરખું છું નાથને ચોખંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (રામરસ, પૃ. ૧૦૭)