કંદમૂળ

From Ekatra Wiki
Revision as of 01:06, 5 March 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


Kandmool Manisha Joshi Front Cover.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

કંદમૂળ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

મનીષા જોષી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>



પ્રારંભિક


અનુક્રમ



સહિયારી સ્મૃતિ

હાથીની સ્મરણશક્તિ તેજ હોય છે.
હું જે ભૂલી ગઈ છું એવું ઘણું બધું
એ મને યાદ અપાવે છે.
આ હાથી
તેની ઊંડી, વિશાળ આંખો
મારી આંખોમાં પરોવે છે
અને મને યાદ આવે છે,
મારા એ પ્રિયજનની આંખોમાં પણ
આ હાથીની આંખો જેવી જ,
કંઈક અજબ વેદના હતી.
હાથી એના સ્વપ્નમાં વિહરે છે
કોઈ મુક્ત જંગલમાં,
અને હું પણ, તેની પાછળ પાછળ ફરતી હોઉં છું.
ક્યારેક ખુશીના ઉન્માદમાં એ કંઈક ચિત્કારે
અને એની એ અજાણી ભાષા
મને યાદ અપાવી દે છે,
મારી એવી જ કોઈ ગુપ્ત અને ગહન ખુશીની.
મહાવત નથી જાણતો
અમારા આ સહિયારાં સ્વપ્નને.
એ હાથીના પગ બાંધીને, ફેરવતો રહે છે એને,
એક ગામથી બીજે ગામ.
ગામની ગલીઓમાંથી હાથી પસાર થાય
એટલે જાણે કૌતુક જ જોઈ લ્યો.
પહેલા માળના ઘરની ચાલીમાંથી
એક નાનકડી છોકરી બહાર આવી,
અને હાથીએ ઉપર લંબાવેલી સૂંઢમાં
તેણે કેળું મૂક્યું.
આ હાથી જાણે છે
કે એ છોકરી હું જ હતી.
આજે હવે, હું એક સુંદર યુવાન સ્ત્રી,
આ વૃદ્ધ હાથીની પાછળ પાછળ
ફરતી રહું છું એક ગામથી બીજે ગામ,
હું જે જીવી ગઈ એ ફરીથી જીવવા.
મહાવત ક્યારેક હાથીને ફટકારે ત્યારે
એના સોળ મારી સ્મૃતિ પર પડે છે.
આ હાથી હવે વધુ ચાલતાં થાકી જાય છે.
અને હું પણ હવે સ્મૃતિઓની સેળભેળ કરવા લાગી છું.
હાથી, મારી સામે
વેદનાભરી નજરે જુએ છે,
પણ મારી આંખોમાં હજી પણ છે કૌતુક,
નાનકડા ગામમાં આવી ચડેલા
એક વિશાળ, મહાકાય હાથીને જોયાનું કૌતુક.

ગુરુવારી બજાર

દર ગુરુવારે
વડોદરાના કાલુપુરાના આ ચોકમાં ભરાતી
ગુરુવારી બજારની હું રાહ જોતી રહું છું.
ઘડિયાળમાં નવા સેલ નાખી આપતા ઘડિયાળી,
રૂના તકિયા બનાવી આપતા પીંજારા,
શ્વાસની દુર્ગંઘ દૂર કરતી દવાઓ વેચતા હકીમો...
વેપારીઓની ખોટ નથી આ બજારમાં.
નવજાત શિશુઓને માલિશ કરવાના તેલ વેચતી
એક દુકાનની બહાર હું ઊભી છું.
સુંદર, કદરૂપા કેટલાયે લોકોને
જાતજાતની, સસ્તી ને ટકાઉ વસ્તુઓ ખરીદતા જોઈ રહી છું
ત્રીસ-પાંત્રીસ વર્ષના સહજીવન પછી
લગભગ એકમેકના જેવાં દેખાતાં,
એકસરખી ભાષા બોલતાં
ને એકસરખું વિચારતાં પતિ-પત્ની
સજોડે ઉપવસ્ત્રો ખરીદવાં આવે છે.
શાક વેચતી કાછિયણોના ચહેરા
તેમના શાક વેચવાના તોલ-માપ જેવા જ
નિઃસ્પૃહ બની ગયેલા દેખાય છે.
ક્યાં સુધી આપણે આ ઘાસ જેવા શાક-પાનમાં
તેલ-મસાલા નાંખીને તેમને સ્વાદિષ્ટ બનાવતા રહીશું?
પ્લાસ્ટિકના ડબ્બાની દુકાનમાં અને
સેકન્ડ-હૅન્ડ સાડીઓના સેલમાં હું ફરી વળું છું.
મને નવી કરતાં વપરાયેલી ચીજવસ્તુઓ ખરીદવાનું વધારે ગમે છે
ઘસાયેલી, ચળકાટ વિનાની વસ્તુઓ
કેટલી શાંત અને વધુ સમજદાર લાગે છે.
સેકન્ડ-હૅન્ડ વસ્તુઓનો બીજો ફાયદો એ કે
કોઈકની, ગોઠવણ અને કોઈકની આદતમાં ઢળી જવાનું.
નવીનક્કોર વસ્તુઓ તો જાણે મારી સામે
લાંબા આયુષ્યનો પડકાર ફેંકતી હોય તેમ લાગે.
મને ડર લાગે છે
નવી વસ્તુઓ સાથે નવી શરૂઆત કરવાનો.
જૂની વસ્તુઓ જલદી તૂટે-ફૂટે
અને તેમને ઘરમાંથી બહાર ફેંકી દેતાં
હું વિચિત્ર મુક્તિ અનુભવું છું.
એ વસ્તુઓના અસલ માલિકોને મારી નાંખ્યા હોય તેવી.
શું કામ જીવ્યા કરતા હતા એ લોકો
કારણ વગરના, કંટાળાજનક જીવન?
ગુરુવારની આ બજારમાં લોકો જૂની વસ્તુઓ વેચી જાય
અને હું તેમાંથી પસંદગી કરીને ખરીદી લઉં.
સાંજે બજાર બંધ થયા પછી પણ હું ત્યાં જઉં છું.
પેલી કાછિયણની જગ્યાએ જઈને બેસું છું
અને તેના જેવા જ નિઃસ્પૃહ ચહેરે જોઈ રહું છું
રસ્તામાં પડેલા કોઈ બગડેલા ફળને,
કોઈના ભુલાઈ ગયેલા તોલ-માપને કે ચમકતા પરચૂરણને.
ગુરુવારની બજાર
ખબર નહીં ક્યાંથી ઊતરી આવે છે
ને વેચનારા-ખરીદનારા સો ક્યાં ચાલ્યા જાય છે.
પાછળ રહી જાય છે
માલિશ કરવાના તેલની મહેક
અને તેની અદશ્ય ખુશબૂમાં
આળોટતાં રહે છે
નવજાત શિશુઓ
જે મોટા થઈને બનશે.
ભવિષ્યના ગ્રાહકો
કે પછી ભવ્ય સેકન્ડ-હૅન્ડ સેલ ગોઠવનારા વેપારીઓ.

મીઠા ભાતનો પ્રસાદ

કાળા ડુંગરના ખરબચડા ઢોળાવોમાં
જો મળી આવે મારાં અંગ
તો એ છૂટા-છવાયા હાથ-પગ,
પીઠ ને આંખોને ભેગાં કરજો.
મારી આંખોમાં છે
મીઠા ભાતનો પ્રસાદ ખાવા
ટોળે વળતાં શિયાળ.
એ શિયાળવાંને સાદ દેનાર
કોઈ જો મળે તો કહેજો,
અંગ, આમ તો અધૂરાં
પણ અતૂટ એક નાતો
અંગ અને ઇજન વચ્ચે
છે, હજી.
લો, અંગ, હું આપું,
પણ કાળા ડુંગરના રુક્ષ રસ્તાઓ પર
તમારે ચાલવું પડશે.
મારું શરીર હું ધરું છું
કાળા ડુંગર પરથી પસાર થઈ રહેલી
એક અમાસી રાતને.
અજવાળ મારાં અંગોને.
પ્રગટ કર
ડુંગરાઓમાં છુપાઈ રહેલાં શિયાળવાંને.
આ મિજબાની છે મુક્તિની.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

(લોકવાયકા છે કે કચ્છમાં કાળા ડુંગર પર રહેતા સૈન્યના એક અધિકારી અહીં રોજ શિયાળવાંને મીઠા ભાતનો પ્રસાદ ખવડાવતા. એક વાર પ્રસાદ ન હોવાથી તેમણે લો અંગ, લો અંગ...એમ સાદ પાડીને શિયાળને બોલાવ્યાં હતાં અને ભૂખ્યાં શિયાળને પોતાનાં અંગ ખવડાવ્યાં હતાં. આ પ્રથા હજી જળવાઈ છે. કાળા ડુંગર પરના એ મંદિરમાં આજે પણ પૂજારી શિયાળને મીઠા ભાતનો પ્રસાદ ખાવા લોંગ, લોંગ...એમ બૂમ પાડીને બોલાવે છે. લો અંગનું અપભ્રંશ હવે લોંગ થઈ ગયું છે.)

દેવ બન્યા તે પહેલાં...

આપણા સૌની સામૂહિક ચેતનાના ઢગલા પર બેઠેલા
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયાઓ હું જોઈ શકું છું.
મંદિરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતા
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા
તેના ચાર પગ પર ચઢવા જતા
હું કેટલીયે વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાઓની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે
પણ હું ક્યારેય તેમની વચ્ચેથી પસાર નથી થઈ શકતી.
જોકે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે
રસ્તા પર રઝળતાં નધણિયાતાં પ્રાણીઓ
અને ઉત્સવપ્રિય લોકોનાં ટોળાં.
અને સહેજ ઉપર જોઉ તો દેખાય છે
કેટલાયે જાણીતા ને ઓછા જાણીતા દેવો,
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત,
દેવ બન્યા તે પહેલાંના અવતારમાં.
વરદાન આપતાં શીખ્યા તે પહેલાંના રૂપમાં.
માત્ર બે જ હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી પત્તાં રમી રહેલા દેવો.

ગુલાબ ગંડેરી

સફેદ ઝભ્ભા અને માથે ભરતવાળી ટોપી પહેરેલા
સોહામણા પારસી ફેરિયાઓ
વર્ષોથી આવે છે
ક્યારેક મારા મોંમાં પતાસાં મૂકે
તો ક્યારેક મને ધાન-શાક ખવડાવે.
આ ફેરિયાઓ મને કંઈક વેચવા ધારે છે
અને હું,
કોઈ અબુધ ગ્રાહકની જેમ
નક્કી નથી કરી શકતી
શું જોઈએ છે મને.
મારા માથા પર ચકરાવો લઈ રહેલાં
આ ગીધડાં પણ હવે ઉતાવળાં થયાં છે.
આ ફેરિયાઓ હવે ફરી પાછા ચાલ્યા જાય તે પહેલાં
મારે ખરીદવી છે
ગુલાબ ગંડેરી.
દૂર-સુદૂરનાં સમણાં જેવા
કંઈ કેટલાયે સ્વાદ ચાખ્યા છે મેં
પણ ગુલાબજળથી તરબતર
શેરડીનો મધમીઠો સ્વાદ
જાણે એ સોહામણા પારસી યુવકોના
કુમળા ચહેરા પરના શાંત સ્મિતની જેમ
મને ફરી ફરીને યાદ આવે છે.
મારી સુકાઈ રહેલી જીભ પર મૂકો
ગુલાબ ગંડેરી
અને હું તૈયાર છું
એ ફેરિયાઓ સાથે ચાલી નીકળવા.

બે ભવ્ય મૃત્યુ

ગઈ કાલે મેં બે ભવ્ય મૃત્યુ જોયાં.
એક હાથીનું અને એક વૃક્ષનું.
હાથીનું મહાકાય શરીર
જમીન પર એમ ઢળી પડેલું હતું
જાણે એ ક્યારેય ઊભું જ નહોતું થયું.
એક વિશાળ વૃક્ષ
જમીન પર એમ સૂતેલું હતું
જાણે એને જમીન સાથે
ક્યારેય કોઈ સંબંધ જ નહોતો.
હજી થોડા દિવસ પહેલાં જ
મેં જોયો હતો આ હાથીને.
એના લાંબા દાંત
સૂરજની કટારી જેવા ચમકતા હતા.
અને આ વૃક્ષ,
એવું તો ઘટાદાર હતું
કે સૂરજનાં કિરણો પણ એમાં પ્રવેશી ન શકે.
કહે છે કે, એ વૃક્ષ ઝેરી હતું.
એનાં પાન ચાવીને ગાંડો થઈ ગયો એ હાથી
અને કચડી નાંખ્યું એણે એ વૃક્ષ મૂળસોતું.
અને એમ, બે ભવ્ય મોત.
મારી નજર સામેથી એ દશ્ય ખસતું નથી.
હું ફરી ત્યાં જઉં છું.
જમીન પર પડેલા એ વૃક્ષનું
એક ફળ તોડીને ખાઉ છું,
અને મારી બંધ થઈ રહેલી આંખોમાં પ્રવેશે છે,
સૂર્યનાં તીવ્ર કિરણો.
મને દફનાવતી વેળા
આ લોકોએ ભૂલથી હાથીદાંત પણ
મૂકી દીધા મારી પડખે.
મૃત્યુની અવસ્થાથી પર
હું મને જોઈ શકું છું.
હાથીદાંતના અમૂલ્ય અલંકારો પહેરીને સૂતેલી એક સુંદર સ્ત્રી,
જેના ગોરા શરીર પર ઉપસેલી છે,
વૃક્ષની ડાળીઓ જેવી
લીલીછમ ઝેરી નસો.

શિકારી કૂતરા

જંગલમાં દોડી રહ્યા છે
શિકારી કૂતરા,
કોઈ અપરાધીની શોધમાં.
આ સ્વપ્ન
હું ઘણી વાર જોઉ છું.
સવારે ઊઠું ત્યારે
મારા પોતાના શરીરની ગંધ
મને કંઈક ગુનાહિત લાગે છે.
કોઈ એક રાત્રે,
કોઈ એક સ્વપ્નમાં,
ફાડી ખાશે એ કૂતરા મને.
અને હું,
સફાળી જાગી જઈને
હતું ન હતું કરી નાખીશ એ સ્વપ્નને.
શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ
બહુ લાંબો નથી ટકતો સ્વપ્નમાં.
એ વિકરાળ કૂતરા
બહુ જલદી જ
પૂંછ પટપટાવતા
બેઠા હશે મારી સામે.
અને હું
દોડાવીશ તેમને,
કોઈ અજાણ્યા શરીરની
નવી ગંધ પાછળ.

સપનાંઓના જંકયાર્ડમાં

હું એક મોટા ઓરડામાં પુરાયેલી છું.
ઓરડાના એક ખૂણે
એક બારી ચીતરેલી છે
હું એ બારીમાંથી નીચે કૂદી પડું છું.
નીચે એક વિશાળ ચોગાન છે
જેની ચારે તરફ ઊંચી દીવાલો છે
પણ ચોગાનની વચાળે
એક ઊંચી નિસરણી મૂકેલી છે.
હું એ નિસરણી પર ચડું છું,
ચડ્યા કરું છું, ચડતી રહું છું.
હવે નીચે જોઉં છું તો
નથી કોઈ ચોગાન, નથી કોઈ ઓરડો,
કે નથી ખૂણામાં દોરેલી કોઈ બારી.
હવે મારી ચારે તરફ છે
હવામાં અધ્ધર લટકતી નિસરણીઓ.
                  * * *

આ અને આવાં કંઈ કેટલાંયે સપનાં
વહેલી સવારે અધૂરાં રહી જાય છે.
શું થતું હશે આવાં અડધાં-પડધાં સપનાંઓનું?
માનસિક ચેતનાઓના કોઈ વિશાળ સામૂહિક વમળમાં
ઘૂમરાતાં રહેતાં હશે અધૂરાં સપનાં
અને કદાચ એટલે જ હોતાં હશે, સપનાં આવાં અસંગત.
                  * * *
જહાજ પર ચડાવાયેલા
એક મસમોટા કન્ટેઇનરમાં
મારાં અને બીજાં કેટલાયે લોકોનાં સપનાં
ઠાંસી ઠાંસીને ભરેલાં છે.
એ કન્ટેઈનર ઊતરશે
ત્રીજા વિશ્ચના કોઈ દેશમાં,
વિશાળ રિસાઇકલિંગ યાર્ડમાં.
કોઈ નાનકડો, ગરીબ છોકરો
કમ્પ્યૂટરના ટુકડાઓ સાથે
ભેગાં કરશે તૂટેલાં સપનાં.
એ સળગાવશે કમ્પ્યૂટરના ટોક્સિક ટુકડા
અને તેની સાથે પીગળશે
સપનાંઓનાં જાનલેવા રસાયણો.
એ છોકરાની કુમળી આંગળીઓ પર ડાઘ પડશે
અને તેના શ્વાસમાં ભળશે
મારી લાગણીઓના રજકણો.
                  * * *
પહેલા વિશ્વના કોઈ નસીબદાર ઉપભોક્તાની જેમ
હું જોતી રહીશ સપનાં
અને મારાં વપરાયેલાં સપનાંઓની એક બજાર
સમાંતરે ભરાતી રહેશે
ત્રીજા વિશ્વના અજાણ્યા દેશોમાં.
એ સપનાં ફરી વેચાવા આવશે મારી પાસે
નવી સજાવટ અને વધુ સસ્તી કિંમત સાથે.
                  * * *
હવે હું સ્પષ્ટ જોઈ શકું છું મારા સપનામાં
એ નાનકડા બાળમજૂરનો ચહેરો.
તેની દાઝેલી આંખો અને હાથપગની કરમાયેલી ચામડી.
તે આવી રહ્યો છે મારી નજીક, વધુ નજીક.
એ રમી રહ્યો છે, મારી લાગણીઓ સાથે.
હું ચીસ પાડીને સફાળી જાગી ઊઠું છું
અને એમ, વધુ એક સપનું
રહી જાય છે અસંગત.

રસ્તા પરનું ઘર

હું મોટે ભાગે રસ્તા પરનાં મકાનોમાં રહી છું.
મોડી રાત્રે રસ્તા પરથી પસાર થતાં વાહનોના અવાજ
મેં સાંભળ્યા છે.
શહેરો બદલાયાં
તેમ એ ટ્રાફિકનો લય પણ બદલાયો.
ઘણી વાર અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે
હું બારીમાંથી જોયા કરું
રસ્તા પર દોડ્યે જતી
એ રંગબેરંગી ગાડીઓને.
તેમાં બેઠેલા લોકોમાં
કે તેમની મુસાફરીના કારણમાં
મને કોઈ રસ નથી.
મને ગમે માત્ર જોવાનું.
મારી બારીમાંથી દેખાતા
રસ્તાના એ ચોક્કસ ભાગમાં
સડસડાટ પ્રવેશતી ને ઓઝલ થઈ જતી ગાડીઓને જોવાનું.
પણ ગઈ કાલે રાત્રે થયું એવું કે,
હું તો ભરઊંઘમાં સૂતી હતી
ત્યાં રસ્તા પર પૂરપાટ દોડતી એક મોટરગાડી
ફરી વળી મારા શરીર પર.
કોઈ કારણ નહીં, કશું જ નહીં.
મારા રૂમ અને રસ્તા વચ્ચેની એક દીવાલ જાણે કે તૂટી પડી.
રાતભર હું પડી રહી રસ્તા વચ્ચે
અને એક પછી એક
રંગબેરંગી મોટરો માર્ગ કરતી રહી મારા શરીર પરથી.
મને હજીયે ખબર નથી
કોણ હતા એ લોકો
અને ક્યાં જઈ રહ્યા હતા.

બંધાઈ રહેલું મકાન

એ ઘરમાં ક્યારેય કોઈ રહ્યું જ નથી.
મકાન બંધાતું હતું ત્યારે
રોજ ઈંટ-રેતી લાવનારી મજૂરણ અને તેનો પતિ
ક્યારેક ત્યાં બે-ત્રણ ઈંટો ગોઠવીને ખાવાનું બનાવતા હતા.
ક્યારેક ત્યાં બીજા બે-ચાર મજૂરોનાં કપડાં સુકાતાં દેખાતાં.
એ પછી, એક વાર ખબર પડી હતી કે ત્યાં રાતના સમયે
કોઈ એક પાગલ સ્ત્રી પર બળાત્કાર થયો હતો.
ફળિયાના લોકો વળી દયા ખાઈને
એ સ્ત્રીને ગર્ભપાત કરાવવા લઈ ગયા હતા.
મકાન હવે સુંદર બંધાઈ ગયું છે.
સાંભળ્યું છે કે તેના એનઆરઆઈ માલિક ત્યાં રહેવા નથી આવવાના.
પેલી પાગલ સ્ત્રી હજી પણ ક્યારેક
આ ગલીમાંથી પસાર થાય છે.
કંઈક યાદ આવતું હશે એને
એટલે બે ઘડી એ સુંદર મકાન સામે ઊભી રહે છે.
તેની આંખોમાં મને દેખાય છે
એક બંધાઈ રહેલું મકાન.
જેની છત હજી ભરાઈ નથી,
દીવાલો હજી અડધી ચણાઈ છે,
બારી-બારણાં હજી નંખાયાં નથી,
હા, સ્ટ્રીટ લાઇટનું અજવાળું
ત્યાં થોડું થોડું પહોંચે છે...

અનુસંધાન

એક દિવસ
હું તાબે થઈ જઈશ
મારા શરીરની વેદનાને.
હું જોઈ રહીશ શરીરને મનથી અલગ થતું
અને પછી કદાચ મને ગમવા માંડશે
થાક, પીડા, કળતર
અને મસ્તિષ્કની એ મૂંઝવણ.
હું નહીં હોઉં ક્યાંય
અને હું ભોગવી રહી હોઈશ યાતના.
સૌને લાગશે કે હું બેહોશ છું
પણ, હું જોઈ રહી હોઈશ મારા શરીરના ટુકડા થતા.
શરીરના એ ભાગ,
ફરી સંધાય કે ન સંધાય,
શું ફરક પડે છે?
શરીરથી વિખૂટા પડેલા મનને
નથી કોઈ અનુસંધાન હવે.
રંગબેરંગી દોરા લઈને
સાંધો મારા શરીરને.
આ પારાવાર પીડાને
રંગો કોઈ તાજગીભર્યા રંગે.
શૂન્યમનસ્ક થયેલા અવયવોમાં
ચેતનાના ફુગ્ગા ઉડાડો.
ઉછીનો અવાજ લાવો,
ને માત્ર ચાંદની રાતના અજવાળામાં
સોયમાં દોરો પરોવતી હતી હું,
એ મારી નજર પણ પાછી લાવો.
હું તૈયાર છું,
ફરી જીવવા માટે.

માફ કરી દીધેલો સમય

માફ કરી દીધેલા
પણ ન વીસરાયેલા
કોઈ સમયની જેમ
એ વૃક્ષ
વિકસ્યાં કરે છે મારા ઘર નજીક.
હું તેને અવગણું છું
બને ત્યાં સુધી
પણ છેવટે તે લંબાઈને
વીંટળાઈ વળે છે મારા ઘરને.
વૃક્ષના અંધકારમાં ઘેરાયેલું મારું ઘર
બંધ છે એમ માનીને
પાછા વળી જાય છે આગંતુકો
અને એમ
સમય વેર વાળે છે,
વૃક્ષ બનીને.

સ્પર્શ

આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ
આજે જાણે નવેસરથી અનુભવાય છે.
લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને
નજર સ્થિર થાય છે,
મારા હાથ પરની કરચલીઓ પર.
કથ્થાઈ રંગના મારા હાથ
ફરી વળે છે,
લાકડાની તિરાડોમાં.
ન સામ્ય, ન વિરોધ.
ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુવાંટી પર હાથ ફેરવું
કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથ અડાડું,
સંવેદનમાં કોઈ ઝાઝો ફરક હોય એવું નથી લાગતું.
અને છતાં મગજમાં હજી પણ પડી રહ્યા છે,
વિવિધ સંવેદનનાં ચોકઠાં કે વિવિધ સ્પર્શની સ્મૃતિઓ.
ક્યારેક વરસાદમાં ભીંજાઈ રહેલી આ બૅન્ચને,
હું દૂરથી જોઉ તો પણ,
મારા હાથ જાણે અનુભવે છે,
ભીના લાકડાના સ્પર્શને.
પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો,
અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો.
લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત
પણ મારા હાથમાં વાગે છે
એ ઝીણી ઝીણી ફાંસો.
ક્યારેક વંટોળભરી સાંજે,
ધૂળની એક ડમરી
ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર.
મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ
હું મારા હાથે સાફ કરું છું
અને પછી ત્યાં બેસી રહું છું,
કલાકો સુધી,
હાથ પરની ધૂળ ખંખેર્યા વિના.
દૂર દૂરની શેરીઓમાંથી ઊડીને આવેલી ધૂળ,
મારા હાથ પર જામી છે.
આજે ઘણા વખતે,
મારા હાથ મને ઓળખીતા લાગે છે.

અંતિમ ક્ષણો

મારા ઘરની સામે એક નવો રોડ બંધાઈ રહ્યો છે.
ત્યાંથી પસાર થતાં ડામર પગમાં ચોંટે છે.
જોકે છેલ્લા થોડા સમયથી હવે એ
ગરમ ડામરની વિચિત્ર ગંધની
કંઈક આદત પડી ગઈ હોય એવું લાગે છે.
રોડ બંધાઈ જશે એટલે તેના પર
બસ, રિક્સા, મોટરકારોનાં પૈડાં સડસડાટ ફરી વળશે.
એમ્બ્યુલન્સ ને પોલીસની જીપ
સાઇરનો વગાડતી આખા રસ્તાને માથે લેશે.
આ રોડ પરથી વરઘોડો નીકળશે,
ભિખારીઓ ભીખ માંગશે,
ફૂલવાળા ફૂલો વેચશે,
નવાં દિશાસૂચક પાટિયાં લગાડાશે,
ટ્રાફિક સિગ્નલોની લાઇટો ઝબૂક ઝબૂક થાશે...
મને આ બધાની સામે કંઈ જ વાંધો નથી.
અત્યારે આ જે છે એ નાનકડો,
ધૂળની ડમરીઓ ઉડાડતો રસ્તો
થોડે દૂર સુધી ચાલો ત્યાં જ પૂરો થઈ જાય છે.
છતાં રોજ સવારે હું લાકડી લઈને ચાલવા નીકળું ત્યારે
એમ લાગે કે ઘણે દૂર સુધી ચાલી આવી.
હવે આ નવો ડામરનો રોડ
મને ક્યાં લઈ જશે?
ગઈ કાલે બપોરે સહેજ આંખ મળી ત્યારે
કંઈક એવો ભાસ થયો હતો કે
ડામરનો એક નવો જ, ચકચકિત રોડ
હવામાં અધ્ધર ઊડી રહ્યો હતો.
અને રોજ મારી બારીએ આવતાં પંખીઓ
ઘરમાં અંદર આવીને ફર્શ પર ચાલતાં હતાં.
                           * * *
તે દિવસે આખી રાત
ખુલ્લી રહી ગયેલી બારીનો
પવનમાં પછડાવાનો અવાજ સંભળાતો રહ્યો.
બે-ત્રણ વાર વિચાર આવ્યો કે
ઊઠીને બારી બંધ કરું
પણ પછી એ અવાજ ગમવા માંડયો હતો.
નીરવ શાંતિ, પવનની ધીમી લહેરખી,
બારીની કડી થોડીક હલવાનો અવાજ,
પછી બારીનું બારણું સહેજ ખસવાનો અવાજ,
પછી અડધે પહોંચીને અટકવાનો અવાજ,
પછી જોરથી પવનના આવવાનો અવાજ,
અને પછી પૂરા વેગથી બારીનાં બારણાંનો પછડાવાનો અવાજ -
ધડામ...
એક ધ્રાસકો પડે મનમાં
પણ પછી, ઘડી-બે ઘડીમાં શ્વાસ હેઠો બેસે
અને રાહ જુએ એ જ અવાજની.
ફરી પવનની એક ધીમી લહેરખી.
કડી હલે.
બારી સહેજ ખૂલે, અટકે, આખી પછડાય,
અને પછી સમૂળી બંધ થઈ જાય.
એમ લાગે કે હવે તો ગમે તેટલો વેગીલો પવન ફૂંકાશે
તોયે એ નહીં ખૂલે.
પણ ત્યાં જ, ફરી પછડાય બારી બમણા જોરથી.
બારીને હંફાવીને ઘરમાં ઘૂસી આવેલો એ અવાજ
હવે તો ઘરનો જ એક ભાગ બની ગયો છે.
સવારે ઘરનો નોકર આવે છે.
ચૂપચાપ કામ કરીને ચાલ્યો જાય છે.
એ માને છે કે વર્ષોથી આ ઘરમાં કોઈ કંઈ બોલ્યું જ નથી.
પરસાળમાં પડેલા આ તડકા પર
ક્યારેય કોઈ ચાલ્યું જ નથી.
એ જાય, અને પછી
આખા ઘરમાં ફરી વળે
બારીઓ પછડાવાનો અવાજ.
બેફામ, બેહાલ, મધરાતે ઘેર પાછા ફરતા
દારૂડિયા પતિની જેમ.
હું હવે મારા પલંગ પરથી ક્યાંય ખસતી જ નથી.
હું નહીં હોઉં ત્યારે
શું થશે આ બધા અવાજોનું?
કોણ આવવા દેશે
એમને આ ઘરમાં?

બગાઈ

પીઠ પર બેઠેલી બગાઈને
પૂંછડીથી ઉડાડવા મથી રહી છે
એક ગાય.
મારી પીઠ પર ઊપસી આવેલા
સ્મૃતિઓના સોળ પણ
હઠીલા છે આ બગાઈ જેવા.
ઊભી ઊભી સૂઈ જાય છે આ ગાય
અને હું પણ
રેશમી વસ્ત્રોમાં લપેટાઈને
ભૂલી જઉં છું
પીઠ પરના ડાઘ.
આજે એ ગાય,
વરસતા વરસાદમાં
શાંત ઊભી છે
અને હું
ખુલ્લા વાંસે
ચાલી નીકળી છું,
ધોધમાર વરસાદમાં.

સ્ત્રી

મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાંના
તીણા અવાજથી ચહેકતી,
તસુએ તસુ, તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે,
અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાંની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે,
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાંઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.

સુખ, અસહ્ય સુખ

મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું
સુખ. અસહ્ય સુખ. સહન નથી થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર,
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ,
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે, છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરી જાય છે
અને એમ, સ્વપ્ન પૂરું થાય છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હવે હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક, ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું
મધમાખીઓ વિનાનો આ મધપૂડો
આજે પહેલી વાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યા ભર્યા પોલાણ હું
સરળતાથી જોઈ શકું છું.
કોઈ ખાલી ઘરમાં બારી- બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઈ જાય છે મધપૂડા વચ્ચેથી.
સુખ ઊડતું રહે છે,
મધમાખીની જેમ,
એકથી બીજા મધપૂડા પર.

જંગલી કમળ

ઘરડો થઈ રહેલો એ કાચબો મને ગમે છે.
હું ઘણી વાર એ સરોવરના કાંઠે જઈને બેસું છું
મોટાં જંગલી કમળ તેમાં ખીલેલાં હોય છે.
અને એ કમળોનાં મસમોટાં પાન નીચે
અજાણ્યા, અશક્ત પાણી
સ્થિર સૂતાં હોય છે.
સરોવરના કિનારે ઊગેલું ઘાસ કાપીને
મેં એક નાનો રસ્તો બનાવ્યો છે.
એ વૃદ્ધ કાચબો
એ રસ્તે થઈને આવે છે મારી પાસે.
પતિની જેમ
પાસે બેસીને સાંભળે છે મને.
હું એની સામે
મારાં કેટલાંયે રહસ્યો ખોલું છું.
કોઈ લાંબી રાત જેવી અભેદ્ય ઢાલ નીચે
એનું સુંવાળું શરીર સળવળે છે.
સવારે એ પાછો સરકી જાય છે સરોવરમાં.
એ પાણીમાં રહે છે,
હું પાણીની બહાર.
અમારી વચ્ચે છવાયેલાં રહે છે
વિશાળ, રંગબેરંગી, જંગલી કમળ.
એ કમળોનાં મસમોટાં પાન,
પાણી પર છવાયેલાં
અને પાણીથી નિઃસ્પૃહ,
મને કહેતાં હોય છે,
મારી તમામ વાતો સલામત છે,
આ અજાણ્યા, અશક્ત પાણીમાં.

પાણી અપરાજિત

આ તરવરાટભરી
યુવાન માછલીઓની દુનિયા કંઈક જુદી જ છે.
પાણીનાં બનેલાં તેમના શરીર
પાણી વચ્ચેથી
એવાં સરી જાય છે
જાણે કંઈ પસાર જ ન થયું હોય.
હું જ્યારે માછલી રાંધું ત્યારે
એ પાણીને પકડી લેવાની કોશિશ કરતી હોઉં છું.
મારા હાથમાં છરી હોય છે.
માછલીની આંખ, તેની પાંખ,
બધું જ કાપી નાંખું છું
પણ પાણી ક્યાંય નથી દેખાતું મને.
લોહી બની ગયેલું પાણી
અલગ નથી કરી શકાતું
અને એમ આ માછલી
મારી થાળીમાં પીરસાઈને પણ
અજય, અમૂર્ત બની રહે છે.
માછલીનો એક કાંટો
મોંમાં સહેજ વાગે છે
અને મારા હોઠની ધારે
લોહીની લાલ ટશર ફૂટી આવે છે
પણ નથી પકડાતાં એ પાણી.
સૌના ચહેરા પર ભોજનનો આનંદ છે
પણ મારી સામે છે,
પાણી,
અપરાજિત.

વિજેતા ગૃહિણી

વહેલી સવારે
પતિ માટે તાજી માછલી ખરીદવા બજારમાં આવેલી
એ ગૃહિણીનો ઊંઘરેટો ચહેરો જોઈને
મને સહેજે વિચાર આવ્યોઃ
રાત્રે એ આ મૃત માછલીની જેમ જ
પડી રહેતી હશે ઠંડીગાર.
તેનો પતિ તેના શરીરના કાંટા વીણતો હશે
તેના શરીરમાંથી નીકળતાં ઘરેણાંથી અંજાઈ જતો હશે
અને એ રાતના સમુદ્રમાં વિલીન થઈ જતી હશે.
બપોરે પોતાના ઘરની અગાશી પર
માછલી સૂકવતી એ સ્ત્રી
તડકામાં નાચતી સોનપરી જેવી લાગે છે.
ઘણી વાર હું એને જોઉં છું
એના ઘરની પાછળ બનાવેલી એક નાનકડી તળાવડીમાં
માછલીઓને ખાવાના ટુકડા ફેંકતી.
મોં ખોલીને ટોળે વળતી માછલીઓને એ કંઈક કહેતી હોય છે.
મેં સાંભળ્યું છે કે માછલી રાંધતી વખતે એ કાયમ
રસોડાનું બારણું બંધ કરી દે છે.
એની રસોઈનો સ્વાદ સૌ વખાણે છે
પણ કોઈને કળાતી નથી એ ગુપ્તતા.
હું જોઈ શકું છું
રસોડાના એ બંધ દરવાજાની આરપાર.
માછલીને કાપીને એમાં મસાલા ભરતી વખતે
એના ચહેરા પર એક અજબ કૂરતા છવાયેલી હોય છે.
જાણે પોતે જ પોતાને મારતી હોય
ને ફરી સ્વાદિષ્ટ બનાવતી હોય એવી.
હું ઓળખું છું
એ વિજેતા ગૃહિણીના
ઊંઘરેટા ચહેરાને.

મૃત પતિને

શિયાળાના એક ઠંડાગાર દિવસે
આકાશમાં અમસ્તા જ ઊગી નીકળેલા
સૂરજનો શક્તિહીન પ્રકાશ
એવી રીતે પથરાયો છે
જાણે મૃત પતિની યાદ.
હૂંફ વિનાના આ તડકા જેવી
એની ઝાંખી થતી જતી યાદ
બિલકુલ આ સૂરજની જેમ
દેખાય છે, પણ જાણે એનું કોઈ અસ્તિત્વ જ નથી.
ગ્રીષ્મનો સૂરજ જ્યારે મધ્યાહ્ને તપ્યો હોય ત્યારે તો
એની સામે નજર ઊંચી કરીને જોઈ પણ ન શકાય.
અને આ સૂરજ?
સાવ માંદલો, નિષ્પ્રાણ.
રસ્તે ચાલતાંયે તેની સાથે સંવનન કરી શકાય!
કોઈ પડછંદ શરીર ધરાવતા
રુઆબદાર પતિના મૃત્યુ બાદ
મુક્ત થયેલી
તેની વિધવા સ્ત્રીની જેમ
હું એ ક્ષીણ થઈ ગયેલા સૂરજની સામે
એક હાંસીભરી નજર નાખીને
આગળ વધી જઉં છું.

તેજાનાની સુગંધ

પહાડોના ઢોળાવો પર ઊગેલા
તેજાનાની સુગંધ વચ્ચે
મોટી થઈ છે એ સ્ત્રી.
પહાડો પર જિવાતા જીવનની જેમ
એને પણ નથી કોઈ ઉંમર.
સમયાતીત એ સ્ત્રી,
જાણે છે,
પર્વતોની તળેટી વચ્ચે આવેલા તળાવમાં
હાથીઓનો પાણી પીવા આવવાનો સમય.
તેમ, અહીં આવતાં પ્રવાસીઓનાં જીવન પણ
અજાણ્યાં નથી તેનાથી.
પહાડના ઢાળ પરથી વહી જતા પાણી જેવી
સ્વચ્છ એ સ્ત્રી,
વરસાદમાં ભીજાતી ને તડકામાં કોરી થતી
પહાડની નિઃસ્પૃહ માટીના પોચા, ઢેફા જેવી,
ગભરુ એ સ્ત્રી
સાંજના દીવાબત્તી ટાણે
અચૂક ઘરમાં આવી જાય.
એ દિવસે થયું એવું કે,
પર્વતની પાછળથી વહેતી નદીએ
પોતાનું વહેણ બદલ્યું
અને વહેવા માંડી
એ સ્ત્રીની નસોમાં થઈને.
એક તો ગાંડોતૂર વરસાદ
અને પાણી પીવા ઊભેલા હાથીઓનું ઝુંડ.
ઉન્માદી બની એ નદી
અને વેરવિખેર થઈ ગઈ એ સ્ત્રી.
એ નદીનું શું થયું તે વિશે તો
સૌએ જાણે મોં સીવી લીધાં છે.
પણ એ સ્ત્રી છે હજી અહીં.
ક્યારેક ગામના જ્યોતિષીને પોતાનો હાથ બતાવતી દેખાય છે.
પહાડોની સુરેખ કેડીઓ વચ્ચેથી પસાર થતી વેળા
ઊભી રહી જાય છે એ
કોઈ પરિચિત ઢાળ પર.
પાછળ રહી જાય છે
તેજાનાની સુગંધનું એક વિશ્વ
અંતકાળે સાવ અજાણ્યું.

અવાવરુ અંગતતા

એ સ્ત્રી સુંદર છે
પણ એના શરીર પરના સફેદ કોઢનાં નિશાન
મને એના કરતાં પણ વધુ રસપ્રદ લાગે છે.
એ ડાઘ જેટલા ખાનગી તેટલા જ જાહેર.
ગરદન પર, હથેળી પર, હોઠ પર,
નાભિ પાસે, કપાળ પર...
એ ડાઘ એમ ઉપસેલા છે
જાણે કંઈક કહેવા માંગતા હોય.
એ સ્ત્રીએ એની અંદર છુપાવી રાખેલાં રહસ્યો
શરીર જાણે જીરવી શકતું ન હોય તેમ
એ ડાઘ બોલકા બન્યા છે.
કોઈ નિર્જન વાવની પગથીએ જામેલી
લીલી શેવાળની જેમ
એ ડાઘ
એના શરીરની અંગતતામાં પ્રસરી ગયા છે.
વાવમાં કોઈ ઇચ્છાનો સિક્કો ફેંકવા જતાં પગ લપસી પડે એમ
તેના શરીરની ગુપ્તતામાં તણાઈ જાય છે
કોડભર્યા કિશોરો.
એ સ્ત્રીની અવાવરુ અંગતતા
જાણે ચાંદની રાતે દરિયામાં આવેલી ભરતી.
કંઈ કેટલાયે કિશોરોના જીવ લઈ લે
અને એ પોતે ઊભી રહે કિનારે
નિર્વસ્ત્ર, કોરીધાકોર.
એના શરીર પરના ડાઘની
બોલકી, સાંકેતિક ભાષા
— ન સજાતીય, ન વિજાતીય
બસ, આત્મીય —
આકર્ષે છે મને.
મારા પગની પાનીએ છે
લીલી શેવાળનો સુંવાળો સ્પર્શ.
અને મારી આંખોમાં છે
પ્રતિદિન વિસ્તરતા સફેદ ડાઘ.

કસબામાં

વન નજીકના એક નાનકડા કસબામાં હું રહું છું
થોડાંક ઘરોની વસ્તીવાળા આ કસબામાં
આજકાલ ભયનું વાતાવરણ છે.
પાસેના જંગલમાંથી વાઘ આવીને ઉપાડી જાય છે
બહાર સૂતેલા જણને.
કસબાના પુરુષો રાતપાળી કરીને
વારાફરતે પહેરો ભરે છે.
મારી ઝૂંપડીના ઓટલા પર સૂતેલી હું,
કલ્પના કરી રહી છું એ વાઘની.
કેવો કદાવર હશે એ?
એના શક્તિશાળી પંજાથી
એ મને પકડમાં લેશે,
મારા પગ ખેંચીને ઢસડી જશે જંગલમાં...
કે પછી કમરથી ઊંચકીને
દોડી જશે પલકવારમાં?
એ ઉગામશે એના તીક્ષ્ણ નખ
અને ઉઝરડા પાડશે મારી ત્વચા પર
એ વખતે રોમાંચની એક કંપારી
જરૂર ફરી વળશે મારા શરીરમાં.
મને ખાઈ જતાં પહેલાં
એ એક નજર પરોવશે મારી આંખોમાં?
મને જોવી છે,
એની બે સળગતી આંખો.
પછી ભલે, એ કરી નાખે મને, હતી ન હતી.
મારે પાર કરી જવી છે,
વન અને કસબા વચ્ચેની
એ સીમા.

હાથણીના દાંત

જંગલના કોઈ ખૂણે
પડી રહ્યું છે એક હાથણીનું હાડપિંજર.
ક્યારેક આવી ચડશે એક હાથી અહીં,
પોતાની સૂંઢ ફેરવશે એ હાડકાં પર
અને ઓળખી જશે.
ટોળાથી વિખૂટી પડી ગયેલી એ હાથણીને.
એ હાથી તેને શોધ્યા વિના
આગળ નીકળી ગયો હતો.
આજે છૂટાંછવાયાં પડેલાં અસ્થિ પાસે ઊભો રહીને
એ વિચારી રહ્યો છે,
પાણીની શોધમાં
એ કેટલે આગળ નીકળી ગયો હતો.
ખુલ્લા પડેલા એ હાથણીના સુંદર દાંત પર
તેણે પગથી થોડી માટી નાખી
અને ચાલ્યો ગયો ત્યાંથી,
ફરી એક વાર.

પ્રથમ રુદન

કોઈ એક દેશના, કોઈ એક ગામના,
કોઈ એક ઘરમાં, કોઈ એક મધરાતે,
મેં કર્યું હશે,
એક હળવું,
પ્રથમ રુદન.
એ વખતે આંગણામાં ઊભેલું એક વૃક્ષ
સહેજ સળવળ્યું હશે, કદાચ.
આજે હવે,
હું એ વૃક્ષ પાસે જઈને
આક્રંદ પણ કરું
તો એ ઓળખશે મને?
એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું એ મારું શરીર
હવે તો જાણે
કેટલાયે ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.
મમ્મી-પપ્પાએ તેમની સગાઈ વખતે પડાવેલો
એક સુંદર ફોટો દીવાલ પર ગોઠવાયેલો છે.
હું તાકી રહું છું એ ફોટા સામે.
ધારી ધારીને જોઈ રહી છું,
એ એક અજાણ્યા દંપતીને.
તેઓ મને ઓળખતાં થયાં
અને હું તેમને ઓળખતી થઈ
એ પહેલાંની
કોઈ એક ક્ષણ
હાથમાં આવે તે પહેલાં જ સરકી જાય છે.
ઘણી વખત મન થાય છે કે
મારા જન્મના સાક્ષી
એ ઘરની દીવાલોના નવા રંગ ઉખેડી નાખું
એ વૃક્ષની છાલ ઉતરડી નાખું,
જુઓ, મને ઓળખો.
એ હું જ છું.
મારું રુદન ધ્યાનથી સાંભળો.
શોધી આપો મને
એ એક ક્ષણ.
વિલાપની ભાષા જાણનાર
તમારા સિવાય
બીજું કોઈ નથી મારું.

એક નિર્દોષ યાત્રા

પલક વારમાં વનનાં વન પાર કરી જતાં
હરણાંઓનાં ઝુંડ વચ્ચે
ઘણી વાર મેં જોઈ હતી
તીરની ગતિથી દોડી રહેલી એ હરણી.
પણ આજે મેં એને જોઈ
વનના એક ખૂણે ફસડાઈ પડેલી.
મરડાઈ ગયેલા પગ
અને ચકળવકળ થતી આંખો.
મૃત શરીરમાંથી છૂટવા મથતી ગતિ
ફરી ફરીને જન્મે છે
અને પાછળ રહી જવા માટે સર્જાય છે
નિત નવાં અરણ્ય.
ગતિ,
કોઈની આંખોમાં, કોઈના પગમાં
લળી લળીને ડોકિયાં કરે
અને શરૂ થાય એક નિર્દોષ યાત્રા.
તે દરમ્યાન
સેળભેળ થઈ જાય અંત અને આરંભ
અને દોડતું રહે એક શરીર,
એક જંગલથી બીજે જંગલ
અને તેની પાછળ શિકારીઓનું એક ટોળું.
અંતે સૌ થાકે
અને ગતિ
એ સૌની નજરથી સોંસરવી
નીકળી જાય
ક્યાંય આગળ ને આગળ.
હરણીનું સોનેરી શરીર
ન રોકી શકે એને.

વન ગાયબ

વન વચાળે આંખ ખૂલી
ને જોયું તો વન ગાયબ.
આંખો બંધ કરું તો
નજર દોડે
ચિત્તાથીયે તેજ.
ભરખી જાય હરણાંનાં બચ્ચાં
ને ચડી જાય આકાશથીયે ઊંચાં વૃક્ષો.
પણ આંખ ખૂલે ને વન ગાયબ.
ગાયબ એ ઘેઘૂર વૃક્ષો
ને દોડી રહી હોઉં
હું પોતે,
હરણાંઓનાં ઝુંડ ભેગી,
જીવ મુઠ્ઠીમાં લઈને.

મોક્ષ

ટ્રેનના પાટા પીઠ પર ઊંચકીને ચાલી નીકળી છું.
અંધકારમાં ઓગળી જતા પર્વતોના
ગેબી ચડાવનો થાક હવે વર્તાય છે મને.
આમ તો જાણીતાં છે આ બધાં જ વૃક્ષો.
મેં નહીં તો મારાં પહેલાં કોઈએ
અહીં ખાધો હશે વિસામો.
સ્થળ અને આશ્રય,
આશ્રય અને મુક્તિ વચ્ચેનો સંબંધ -
જેટલો સરળ તેટલો જ જટિલ.
કોઈક અજાણ્યા સિગ્નલ પર
કોઈક અજાણ્યા મોટરમૅનની એક ભૂલ
મને આપી શકે મુક્તિ.
દરેક વખતે ટ્રેનની મુસાફરી વેળા
હું જોઈ લઉં છું,
મોટરમેનનો ચહેરો.
કોણ હશે
મને મોક્ષ આપનાર એ?
ધસમસતી જતી એ ટ્રેનની સાક્ષી હું હોઈશ.
હોનારત સ્થળે
કાટમાળમાંથી
ટ્રેનના પાટા શોધતી
એ હું જ છું.

આશ્રય

અંધકારમાં ઓગળી રહેલી ગુફાઓના રેલા
આવી પહોંચ્યા છે મારા ઘર સુધી.
મારા ઘરની પછીતે ભરાયેલાં
એક ખાબોચિયામાં તરી રહેલા સાપ પણ
હવે એ રેલા ભેગા,
આવી પહોંચશે મારા ઘરમાં.
એક વાર આમ જ આવી પહોંચ્યા હતા
ધસમસતા યાક મારા ઘરમાં,
જ્યારે ઓગળ્યા હતા હિમના પર્વતો.
એમ તો જ્યારે પેલી નદી છલકાઈ ગયેલી ત્યારે
કેટલાક મગર પણ
તણાઈ આવ્યા હતા મારા ઘરમાં.
મારું ઘર,
કંઈ કેટલાયે જીવોનું આશ્રયસ્થાન,
અને હું પણ,
રહું છું મારા ઘરમાં, આશ્રિત.
મને પોતાને મારાથી બચાવતી હું,
ઘણી વાર નીકળી પડું છું
ઘરની બહાર,
અને ઘરની બહારનાં જીવન
પ્રવેશી જાય છે મારા ઘરમાં.

વટેમાર્ગુ

સમુદ્રમાં સરકતી માછલીઓ
તેની પાછળ તણાતાં પાણી
પાણી પાછળ ખેંચાતા મગરમચ્છ
ને મગરમચ્છના મોંમાં
લોહીનીતરતા પગ.
કોના?
કોઈ તરસ્યા વટેમાર્ગુના?
તરસ પાણીની,
તરસ લોહીની,
તરસ યાત્રાની...
તરસ જેટલી સાચી તેટલી જ માયાવી.
ને માયા,
લઈ જાય દૂર, જોજનો દૂર.
પણ ન લઈ જાય નજીક, સાવ નજીક.
માછલીઓ પીએ પાણીને
અને પાણી પેદા કરે માછલીઓને.
પણ એમની વચ્ચેનું અંતર,
તરસ બનીને તરવરે,
સરોવરના પાણીમાં.
ને વટેમાર્ગુ આવે
એ સરોવરની પાસે,
અતિ પાસે.

માછલીઓની આંખો

વિસ્ફારિત ખડકો પરથી વહેતાં જળ
ક્ષુબ્ધ
પછડાઈ રહ્યાં છે
માછલીઓની આંખોમાં.
માછીમારોની જાળ વીંધી નાંખતી એ આંખો
લોહીલુહાણ
સૂતી છે.
હું પી લઉં છું રાતના અંધકારમાં
ખડકોમાં ભરાઈ રહેતાં જળ.
મારી આંખો તેજવંતી,
તાકે છે દરિયા સામે.
માછલીઓની આંખો તણાતી
આવી પહોંચે છે કિનારે.
કોઈક કિનારે
પ્રસરે છે આંખોનાં કાજળ.
કોઈક કિનારે
મૃત ઓક્ટોપસના પંજામાંથી છૂટી જવા
તરફડે છે પાણી.
કિનારે જિવાતાં જીવન
ક્યારેક સમુદ્રની સોંસરવા ઊતરી જઈને
પછી પાતાળે પહોંચીને
સૂઈ ગયેલી માછલીઓને જગાડીને
કહેશે કંઈક?
અફાટ વહેતાં જળ,
જરા ધીરે વહો.
સૂતી છે આ માછલીઓ.

પ્રવાસી પાણી

જળચરોની આંખોમાં સૂતેલાં પાણી
મધરાતે જાગી ઊઠે સફાળાં,
જાણે કોઈ દુઃસ્વપ્ન જોયું હોય તેમ.
પરસેવે રેબઝેબ પાણી,
ન જાગી શકે ન સૂઈ શકે.
બસ રાહ જુએ પરોઢ થવાની.
વહેલી પરોઢે
વહાણો છૂટે બંદરેથી
અને હાલી નીકળે પાણી
એ વહાણો ભેગાં.

ખારવાની વહુ

એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તો
એના માંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાંવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ પેલા કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પર જઈ રહેલા ખારવાઓ
આવી રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ.

નદી, ઉન્માદી

મારા ઘરની પછીતે
વહે છે એક નદી,
સતત, ખળખળ.
એ ક્યાંથી ઉદભવે છે, ક્યાં વિરમે છે,
ક્યાં લુપ્ત થાય છે, ક્યાં પુનઃજીવિત થાય છે...
હું નથી જાણતી.
પણ હું જાણું છું કે મારા ઘરની પાછળ,
છે એક નદી.
એનાં પાણીમાં તરતાં હશે નાનકડાં સાપોલિયાં,
એના કિનારે કૂદાકૂદ કરતાં હશે દેડકાં,
એના અંધકારમાં રતિક્રીડા કરતાં હશે વૃક્ષો...
હું ક્યારેય જતી નથી
એ નદી તરફ,
ને તેમ છતાં,
એના તટ પરની દરેક ગતિવિધિ જાણીતી છે મને.
મારા અસ્ખલિત વિચારો
ભળી ગયા છે એ નદીના વહેણમાં
અને એ નદી પૂર્ણપણે પ્રવેશી ચૂકી છે મારામાં.
હું ગાંડીતૂર, ઉન્માદી,
તમામ પાશથી મુક્ત,
તાણી જઈ રહી છું મને.

પૂર ઓસર્યા પછીનાં પાણી

હજી થોડી વાર પહેલાં જ
આ પાણી
ઘૂસી ગયાં હતાં લોકોનાં ઘરોમાં.
ફરી વળ્યાં હતાં ખાનગી પત્રોમાં,
ને તાળું મારેલી તિજોરીઓમાં.
કોઈ ભેદી તાકાતથી
આ પાણીએ
રફેદફે કરી દીધેલું
લોકોનું કીમતી રાચરચીલું
અને વેરવિખેર કરી દીધેલી
શિસ્તબદ્ધ જિંદગીઓ
ને ભાંગીને ભુક્કો કરી દીધેલા સુગઠિત સંબંધો.
પણ હવે, કોઈ ગુનેગારની માફક
ઊભાં છે આ પાણી,
પગના અંગૂઠાથી જમીન ખોતરતાં.
પસ્તાવાથી ઝૂકેલી આંખો
અને મણભરનું મૌન.
ડહોળાયેલાં પણ શાંત આ પાણી હવે
અચરજભરી નજરે તાકી રહ્યાં છે,
પોતે ઢસડી લાવ્યાં એ પારકી ચીજવસ્તુઓને.
આ ઘરેણાં, આ વસ્ત્રો, આ બાળકો...
શું કરવું હવે એમનું?
કીમતી વસ્ત્રો અને અલંકાર ધારણ કરીને
સજીધજીને બહાર નીકળતી નદીને જુઓ
ત્યારે યાદ રાખજો,
કે એના તળિયે,
કોહવાઈ ગયેલાં પાંદડાં નીચે.
સૂતેલાં છે કંઈ કેટલાયે,
જન્મેલાં,
અને
ન જન્મેલાં બાળકો.

દરિયાદેવ

સમુદ્રના પેટાળમાં
જેટલાં રત્નો છે
તેટલાં જ પ્રાણીઓ છે.
નાનાં-મોટાં, જાતજાતનાં જળચરો
આ દરિયા જેટલાં જ જૂનાં છે.
તેમાંના કેટલાક
દરિયામાં પેદા થતા પાણીનાં વમળમાંથી જન્મ્યાં છે
તો કેટલાંક
પાતાળે પડી રહેલાં
જળચરોના હાડપિંજરમાંથી જ સજીવન થયેલાં છે.
સૂર્યપ્રકાશ તો તેમણે જોયો જ નથી
પણ તેમની આંખોની રોશની
પાણીને વીંધી નાખે તેવી તેજ છે.
દરિયામાં ગરક થયેલાં વહાણોમાંની
કેટલીયે કીમતી ખજાનાની પેટીઓ
એમ જ બંધ પડી રહે છે અહીં.
પ્રવાહી બોલી બોલતાં જળચરો
કદી ખોલતાં નથી આ પેટીઓને.
તેમનાં તરલ સ્વપ્નો તરતાં રહે છે
આ પેટીઓની આસપાસ.
દરિયો ભર્યો ભર્યો લાગે છે
તે આ પ્રાણીઓના પુષ્ટ શરીરોને કારણે જ.
એક વાર સમુદ્રી તોફાનમાં
ખૂલી ગઈ ખજાનાની પેટીઓ
અને જળચરો ગળી ગયાં રત્નો.
ગળામાં અટવાયેલાં રત્નોએ
ગૂંગળાવી નાખ્યાં જળચરોને
અને ત્યારથી દરિયો હવે ખાલીખમ.
દરિયાદેવ સવાર છે,
એક મોટા મૃત માછલા પર.
દૂરથી જોતાં લાગે કે દરિયાદેવ
જઈ રહ્યા છે કશેક,
પણ ધારીને જુઓ તો જણાય કે
દરિયો છે સદંતર સ્થિર.
દરિયાદેવના એક ખોબામાં સમાઈ જાય છે દરિયો
અને એમ લોકો પૂજતા રહે છે દરિયાદેવને.

અનુત્તર

કોઈ સવાલો અનુત્તર નથી રહ્યા,
કોઈ જવાબ પ્રશ્ન વિનાના નથી રહ્યા.
પ્રશ્ન પૂછનાર જાણે છે જવાબ
અને ઉત્તર આપનાર જાણતો હોય છે સવાલ.
બધું જ જાણતા હોવાની
કે કંઈ જ ન જાણતા હોવાની આ નિરંતર પ્રક્રિયા,
ફરી ફરીને લાવી મૂકે છે
એક એવા સ્તર પર, જયાં
પ્રશ્ન પૂછનાર અને ઉત્તર આપનાર,
બંને સમાન,
બંને વિવશ.
પ્રશ્ન કોને ઉદ્દેશીને પુછાય છે
કે ઉત્તર કોને સંબોધીને અપાય છે તે માત્ર એક વ્યવસ્થા.
પ્રતિકૂળ વિષય પર અનુકૂળ થવાની એ કોશિશ
આમ જ ચાલતી રહે છે.
મૂળભૂત અધૂરા પ્રશ્નો, પૂરા સાંભળવા
હું બેસી રહું છું અંત સુધી.
એક નિર્વિવાદ, સંપૂર્ણ, સત્ય ઉત્તર આપવો છે મારે,
પરંતુ સવાલ પૂછનારા
આ મૂગામંતર વૃક્ષો,
મારી સામે એમ તાકી રહે છે
જાણે સાવ જ અબોધ હોય.
તો શાને આમ તાડ જેવા ઊંચાં થતાં હશે?
હું જન્મી છું ત્યારથી જોઉં છું, આ ઝાડવાને.
તે હશે ભલે પ્રાચીન એમનું હોવું,
પણ હાલ હું છું અહીં, આદિ-અનાદિ અવતરણમાં.
દાવાનળમાં વૃક્ષોના સળગી ગયા પછી પણ,
ખાલી વન વચાળે
હું છું હજી.
વૃક્ષોની રાખનાં પોટલાં
ખભે ઊંચકીને ફરી રહી છું.
ન પુછાયેલા સવાલોના ઉત્તરોનો ભાર
ખભે વેંઢારીને જીવી રહી છું.
રાખમાંથી સજીવન નથી થતાં આ વૃક્ષો,
અને હું બેવડ વળી જઈશ આ બોજથી,
આમ જ અનુત્તર.

તડકાના દાણા

સૂરજનો હૂંફાળો તડકો
આસપાસ એમ વેરાયેલો છે,
જાણે ચોખાના દાણા.
નાનકડી ચકલીઓ જમીન પર કૂદાકૂદ કરી રહી છે.
ચોખાના દાણા કેટલાક ચાંચમાં આવે, કેટલાક સરી જાય.
તડકો હવે આકરો બની રહ્યો છે.
અને ચકલીઓ
ચાંચમાંથી સરી જતા
આ ચોખાના દાણાને
સાચા માનીને પકડવા
મથામણ કરી રહી છે
એટલી ઉગ્ર
કે બાઝી પડે છે
બીજી ચકલીઓ સાથે.
એકબીજાના નાનકડા શરીરમાં
ચાંચ ખૂંપાવીને લડી રહેલી
આક્રમક ચકલીઓને
પાગલ કરી દેશે આ તડકો.
હું મુઠ્ઠી ભરીને ફેંકું છું
થોડા સાચા ચોખાના દાણા.
અને ચોંકી જઈને ઊડી જાય છે,
સૌ ચકલીઓ.

બંદીવાન તડકો

વર્ષો જૂની એ ઇમારત પર
ઐતિહાસિક તડકો પથરાયેલો છે.
એ ઇમારત કોણે બંધાવી, શા માટે બંધાવી,
તેના સ્થાપત્યની શૈલી કઈ,
તે કંઈ જ જાણવામાં મને રસ નથી.
પણ આ તડકો આજે હજી સુધી કેમ અહીં છે
તે વિચાર મને સતાવે છે.
રોજ તો આ સમયે
તડકો
આ ઇમારતના પેલા ખૂણા પાસેથી ઓસરી ગયો હોય છે.
આ સમયે એટલે કયા સમયે?
મેં છેલ્લે ક્યારે જોયો હતો આ તડકો?
હું ક્યારેય પણ ક્યાંયથી પણ
પાછી વળતી હોઉં ત્યારે
આ ઇમારત પાસેથી પસાર થતી વેળા
જરૂર જોતી
કે તેના કયા ખૂણે, કઈ બારીએ,
ભીતના કયા વળાંકે,
ક્યારે, કેટલો તડકો પથરાયેલો હોય છે
અને ક્યાં તેનો પડછાયો હોય છે.
સમય તો ત્યારે હોતો જ નહીં.
સમય તો જાણે
મનના કોઈ ખૂણે કેદ.
હું ઓળખું માત્ર તડકાને.
તડકામાં ઝાંખા થઈ ગયેલા
આ ઇમારતના પથ્થરો,
એ પથ્થરોની તિરાડોમાં તડકાનું ભરાવું,
પથ્થરનું ખરવું, તડકાનું વેરાવું,
એ ઇમારતનું અહીં હોવું,
મારું અહીંથી પસાર થવું
આ તમામને એક અલિપ્ત અર્થ છે.
એટલે જ સ્તો,
આજે કેમ હજી સુધી અહીં છે આ તડકો?
પડછાયાની આ કેવી નવી પ્રથા?
શું મારા હાથમાંથી સરી રહી છે
સમય પરની સત્તા?
પડછાયાના પ્રદેશમાં
એકલા અસહાય તડકાને
હું જોઈ રહી છું, બંદીવાન.

પડછાયા

વૃક્ષની બખોલમાંથી
બે આંખો મને પૂછે છે,
બહાર હવા તેજ છે?
વરસાદ છે?
ના. હું ખાતરી આપું છું,
કુમળા, સોનેરી તડકાની.
પણ મને શું ખબર હતી
કે આ જ હૂંફાળો તડકો પળવારમાં,
લાય લાય કરતો બાળી મૂકશે
પગનાં તળિયાંને, પંખીઓના પંજાને,
અને જોતજોતામાં
નજર સામે દેખાતા થઈ જશે, પડછાયા.
પંખીઓના પડછાયા
મારી આંખો સામે
આવે છે, જાય છે
પણ ઊંચે નજર કરું છું તો
સાવ ખાલી હોય છે આકાશ.
વૃક્ષની બખોલમાંથી મને પૂછતી એ આંખો
જાણે થડની જેમ ચિરાઈ ગઈ.
બહાર ઋતુઓ બદલાતી રહે છે.
આકરી હિમવર્ષામાં
હું ગુનેગારની જેમ ઊભી રહું છું બહાર.
મારા શરીર પર જામેલા બરફના ઢગને
ચાંચથી ખોતરતાં પેંગ્વિન,
ઉઝરડી નાંખે છે મારી ચામડી પણ.
પંખીઓની જેમ પાંખો પસારતા, ઋતુઓ સંકેલતા
મારા ત્વચા વગરના પડછાયા
પ્રખ્યાત છે, આ શહેરમાં.

અંધારું

ભોંયતળિયે સાચવીને છુપાવેલું અંધારું,
પણ કોણ જાણે ક્યાંથી
રાતને પડી ગઈ ભાળ
અને હવે ભંડકિયામાં ખીલી નીકળ્યાં છે
રાતરાણીનાં ફૂલો.
એ મઘમઘતું અંધારું
કોઈ કવિની કવિતા જેવું બિચારું,
અકળાવી દે છે મને,
અને હું હવે ધોળા દિવસે
બહાર શોધી રહી છું,
સુગંધરહિત, શુદ્ધ અંધારું.
રસ્તે મળતા લોકો મને કહે છે,
સૌથી ગાઢ અંધકાર તો અહીં જ મળે કે ત્યાં જ મળે.
લોકો શું જાણે?
એ સૌ જાણે માત્ર અંધકારની ઉપમાઓ,
પણ મને જોઈએ અંધકાર
એવો નિર્મેળ, જેને હું અડી શકું આ બે હાથે.
જેને હું ગુલામ બનાવીને પૂરી શકું મારા ઘરમાં.
હું અંધારાની આદિ,
શોધી રહી છું એ સોહામણા ગ્રીક ગુલામને.
સુદઢ, સ્નાયુબદ્ધ શરીર અને ઝૂકેલી આંખો.
મને જોઈએ પ્રાચીન ગ્રીસના
એ ગુલામની આંખોનું અંધારું.
પ્રગાઢ અને
ઊઘડતી સવાર જેવું સ્વસ્થ.

અંધારાનાં બચ્ચાં

અંધારાનાં બચ્ચાં મોં ખોલે
અંધારાનાં બચ્ચાં પાણી પીએ
અંધારાનાં બચ્ચાં બોલતાં શીખે
અંધારાનાં બચ્ચાં ઊડતાં શીખે
પણ અંધારાનાં બચ્ચાં જન્મે જ આંધળાં.
ઊડાઊડ કરે અહીંથી તહીં
ને પડે આખડે આમથી તેમ.
અંધારાનાં બચ્ચાં અવાવરુ કૂવામાં જઈને
ઘટક ઘટક પાણી પીએ
ને કૂવાની બખોલમાં રાતવાસો કરે.
દિવસ ઊઘડતાં જ ગભરાટમાં ઊડે,
અથડાય કૂવાની દીવાલોમાં,
ને ખાબકે ઊંડાં કાળાં પાણીમાં.
ગામના મોટા મેળામાં
મોતના કૂવા ફરતે લટાર લગાવતાં
મોટરસાઇકલ સવારની આંખે બાંધેલી
કાળી પટ્ટીમાંથી
ફરી જન્મે આ અંધારાનાં બચ્ચાં.
મોતના કૂવામાં ફટફટિયાનો કાન ફાડી નાખે તેવો અવાજ
અને કૂવા ફરતે જુઓ તો.
ઉપર ઝળૂંબતા કંઈ કેટલાયે લોકો.
મેળામાં મહાલતા ને
જીવસટોસટનો ખેલ જોવા આવેલા લોકો.
અને પછી, એક દિવસ,
મોટરસાઇકલ સવારે પણ ગુમાવ્યું સંતુલન
અને જઈને પડ્યો મોતના કૂવામાં.
એક જીવલેણ ખેલનો આખરે આવ્યો અંત
અને ઊડી ગયાં કૂવામાંથી
અંધારાનાં બચ્ચાં,
હંમેશ માટે.

કાંચળી

સાંભળ્યું છે કે જમીન પરના સાપ
પોતાના રાફડા ત્યજીને હવે
પાણીમાં રહેવા જતા રહ્યા છે.
સીમમાં ચાલતી વખતે
મારા પગે અથડાય છે
રંગબેરંગી કાંચળીઓ.
અને ત્યાં પાણીની અંદર
સાપનાં ઠાલાં શરીર
ફંગોળાતાં હશે,
ખડકો પર પછડાતા દોરડાની જેમ.
એમનાં શરીર પર ફૂટતા હશે લોહીના ટશિયા,
પણ મારા હાથમાંની આ કાંચળી તો
એવી સૂકીભટ છે,
જાણે આકરા વૈશાખમાં તરછોડાયેલું કોઈ પાંદડું.
આ કાંચળીની અંદર ક્યારેક કોઈ ઝેરીલું શરીર રહેતું હતું.
હવે, મનના એક ખૂણે કોઈ એક પ્રેમપ્રકરણની વચ્ચે મૂકેલા
વિષભર્યા કાગળની જેમ
રંગ બદલતી રહેશે આ કાંચળી.

સંવનન

સંવનન માટે કિનારે આવી છે સીલ.
એકબીજા પર આળોટી રહેલાં
એ અસંખ્ય શરીર
મનમાં કંઈક વિચિત્ર લાગણી જન્માવે છે.
એક આકાર વિનાના શરીરમાંથી
બીજું એવું જ આકાર વિનાનું શરીર પેદા થાય છે.
શું છે આ?
પ્રેમ કે પછી નરી પ્રજોત્પતિ?
પેલા કિનારે જોઉં છું તો
ફ્લેમિંગોની એક આખી વસાહત.
તેમનાં સોહામણાં ગુલાબી રંગનાં ઈંડાં સેવાઈ રહ્યાં છે
કેટકેટલાં પંખીઓ ને પ્રાણીઓ
સૌ વ્યસ્ત છે
પોતપોતાની પ્રતિકૃતિના સર્જનમાં
કે પછી
કોઈ રહસ્યમય પ્રકૃતિને બચાવી રાખવામાં.
કાળક્રમે લુપ્ત થતી કે પેદા થતી
જાતિઓના જાળામાં ગૂંચવાયેલી
એક માદા હું પણ છું.
પણ મને મન થાય છે કે
આ બધાં ફલેમિંગોનાં ઈંડાં ને સીલનાં બચ્ચાને
હું દાટી દઉં અહીં જ આ રેતીમાં.
પ્રકૃતિ અને પ્રતિકૃતિ વચ્ચેની આ હોડ
અહીં જ પૂરી કરી દઉં.
બસ, એક સમુદ્રતટ રહે,
કોઈ પક્ષીઓ કે પ્રાણીઓ વિનાનો.
અને તેને જોવા માટે
હું પણ ન રહું.

ચોરી લીધેલાં જીવન

મૃત માદાઓનાં સ્તનો ચૂસી રહ્યાં છે
નવજાત શિશુઓ.
શિશુઓનાં મોંમાંથી ટપકતાં
દૂધનાં ટીપાં
જમીન પર જામે છે બરફ થઈને.
જમીન પીગળે છે ઊંડે ઊંડે,
અને નવજાત શિશુઓના ચહેરા પર
ફરકે છે એક સ્મિત.
ચોરી લીધેલાં જીવન વેંઢારતાં આ શિશુઓ
મોટાં થાય છે,
રોજ, દરરોજ.
તેમનાં વિકસી રહેલાં શરીર
વિહ્વળ બનાવે છે
જમીનને ઊંડે ઊંડે.
સાદ કરે છે જમીન,
ભોંય તળેથી
અને અંતે,
એ વિકસિત શરીરો પણ ઓગળે છે જમીનમાં
તાજા, કણીદાર, શુદ્ધ ઘીની સુગંધ
ફરી વળે છે સર્વત્ર, સ્મશાનગૃહમાં.
મૃત માદાઓના ચહેરા પર
ફરકે છે એક સ્મિત.
જમીન ભરખી લે છે અંતે,
તમામ ચોરી લીધેલાં જીવન.

પપ્પાને, સાત સ્મૃતિકાવ્યો

પપ્પા સામ્યવાદી હતા. લક્ષ્મીકાંત છોટાલાલ જોષી. કચ્છના રૂઢિચુસ્ત, ધાર્મિક, બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ સાહિત્યિક અભિરુચિને કારણે તેમની વિચારસરણી તદ્દન અલગ હતી. રશિયન સાહિત્ય વાંચતા. અસ્તિત્વવાદની વાતો કરતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવતાં. થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી. ભગવાનમાં જરાય આસ્થા નહીં, પણ પરિવારજનોને અને પોતાની આસપાસના ગરીબ લોકોને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. કચ્છ માટે તેમને ઘણો લગાવ હતો. મિત્રોના માણસ હતા. ભાઈબંધ-દોસ્તારો ઘણા. પોતાની બંને દીકરીઓ તો જીવથી પણ વહાલી. મારા માટે તેમને અઢળક લાગણી હોવા છતાં સંરક્ષણાત્મક બની રહેવાને બદલે ખૂબ નાની ઉમરથી મને તેમણે જે વિચારશીલ સ્વતંત્રતા આપી તેની મને આજ સુધી નવાઈ લાગે છે. પપ્પાનો સ્વભાવ રમૂજી હતો. સતત હસતા અને સૌને હસાવતા રહેતા પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થઈ રહેલું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તો બૌદ્ધિક સંવેદનશીલતાના એક એવા સ્તર પર તેઓ હતા કે જીવન માટે જરાય લાલચ નહોતી રહી. પરિચિત હોય એ બધું જ છોડીને અપરિચિત તરફ પ્રયાણ કરી જવા તેઓ એકદમ તૈયાર હતા. ન હોવું એ જ હોવાની સૌથી ઉત્તમ અનુભૂતિ હશે કદાચ. પપ્પા, તમને લાલ સલામ.

આપણે પિતા-પુત્રી

મેં વારસામાં મેળવી છે,
આ ઉદાસી,
તમારી પાસેથી.
ભરપૂર જિવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે
પિતા-પુત્રી,
પોતપોતાના એકાંતમાં
અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ એમ,
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ
લૂછી નાખતા હોઈએ.
ઘણી વખત
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતાં આપણે.
જાણીએ છીએ,
આ અજંપો ઘર કરી ગયો છે શરીરમાં.
તમે ઘણી વાર જોઈ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
હું ઘણી વાર જોઈ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ.
પછી એક વાર તમે કહ્યું હતું, ઈશ્વર નથી.
ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલાં,
આપણે પિતા-પુત્રી,
લોહી કરતાં પણ સાચો
આપણો સંબંધ છે,
ઉદાસીનો.

ગુજરાતી મૂળાક્ષર

દરિયાથીયે અફાટ
જળચરોની આંખો
નજર પરોવી રહી છે
મારી આંખોમાં.
વર્ષો પહેલાં,
તમે મને લખેલા એક વહાલસોયા પત્રના
ગુજરાતી મૂળાક્ષરો
મારી સમક્ષ
સ્પષ્ટ-અસ્પષ્ટ
જળપરીની જેમ નૃત્ય કરી રહ્યા છે.
એ કાગળના સળમાં તમારા ચહેરા પરની રેખાઓ
એમ સેળભેળ થઈ રહી છે
જાણે દરિયા પરની ઠંડી હવામાં ઊડી જાય પાણી.
આ હસ્તાક્ષરો પાણીમાં પલળીને
સાવ પાંગળા થઈ જાય એ પહેલાં
અહીં સૂકવો એમને.
આ ટાપુ પર ખૂબ તડકો છે.
પપ્પા, અહીં બેસો.
જુઓ, આ તમારો પત્ર.
જાણે નવોનક્કોર કાગળ.
તડકામાં ચમકતા પાણી પર
ઝળાઝળા થતા
ગુજરાતી મૂળાક્ષરોને
માછલી માનીને
ચાંચમાં લઈને ઊડી રહ્યાં છે જળપંખી
ને રાત્રે, દરિયાની ચોકી કરતા
દીવાદાંડીના પ્રકાશના શેરડાની જેમ
તમારો પત્ર
પાણી પર પથરાય છે,
ઝાંખો થાય છે,
ફરી વંચાય છે.

દેવદૂત

તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં,
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા.
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાશ નહીં આપું,
પણ તમે આવજો,
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને,
મારા ઘરનો.

પિત્તળની ઍશ-ટ્રે

ગઈ કાલે હું કુહાડી લઈને
બરફના પહાડોમાં ખોદી રહી હતી.
મૃત યાકનાં શરીર.
ત્યારે મળી આવી અચાનક,
તમને મેં ભેટ આપી હતી એ
સુંદર, જાળીવાળી, પિત્તળની ઍશ-ટ્રે
હવે હું શોધી રહી છું
સિગારેટની રાખ ખંખેરતી
તમારી લાંબી આંગળીઓ.
અને મળી આવી મને
હજી પણ હૂંફાળી સિગારેટની રાખ.
કેલ્શિયમની ખામી તો છે જ મારા શરીરમાં નાનપણથી.
હું હંમેશ ઍશ-ટ્રે હાથમાં લઈને રાખમાં આંગળીઓ ફેરવતી
એ તમે જોતા.
હવે, આ પહાડોમાં દટાયેલા યાકની આંખો
નજર રાખી રહી છે મારા પર.
હું આ સિગારેટની રાખ
મારા મોંમાં ન મૂકું તે માટે.

છાપું

તમારા ગયા પછી
હું રોજ બહારથી છાપું ઘરમાં લઈ આવું છું.
છતાં કોઈ વાર એવું લાગે છે
જાણે ઘરની બહાર
મેં ન ઉપાડેલાં અને
તમે ન વાંચેલાં છાપાંનો ઢગલો પડી રહ્યો છે.
તમારાં ચશ્માં છે હજી, કબાટના કોઈ ખૂણે સચવાયેલાં.
ચશ્માં અને સમાચાર વચ્ચેનું એક શરીર નથી હવે.
મારી નજર સામે અવારનવાર દેખાય છે
બરફના પર્વતોમાં તમને શોધવા
મોંમાં છાપું લઈને દોડી રહેલો એક કૂતરો.
એ છાપામાં, બસ એક સમાચાર મારે તમને ખાસ પહોંચાડવા છે.
તમારી નાની દીકરી હિનાને ત્યાં દીકરી આવી છે અને એનું નામ અમે
                                             અનુષ્કા રાખ્યું છે.

સજીવ શર્ટ

કપડાંમાં સરી જતાં જીવન
અને જીવનમાં સરી જતાં કપડાં
અને એ બે વચ્ચેથી પસાર થઈ જતા
કંઈ કેટલાયે પ્રસંગો,
સારા ને માઠા.
કેટલાંક કપડાં એ પ્રસંગોમાં એવા ભળી જાય
કે જાણે એ કપડાં એ પ્રસંગો માટે જ
કે એ પ્રસંગો એ કપડાં માટે જ
સર્જાયાં હોય.
તમને અગ્નિદાહ આપતી વખતે
ભૂજના સ્મશાનગૃહમાં મેં પહેરેલું
કાળા અને સફેદ રંગના પોલકા ડૉટવાળું એ શર્ટ -
મારી સ્મૃતિમાં એવું સ્થિર થઈ ગયું છે
જાણે તમારું એ નિશ્ચેતન શરીર.
તમારા નિર્જીવ શરીર પર મેં આગ ચાંપી ત્યારે
એ શર્ટ જાણે સજીવન થઈ ગયું હતું
અને તમામ વિષાદથી પર થઈ ગયું હતું.
હું જાણું છું કે એ શર્ટને
હું ક્યારેય ફેંકી નહીં શકું.

ગાંધીધામની ટ્રેન

તમારી આંગળી પકડીને જોઈ હતી ટ્રેન પહેલી વાર,
કચ્છમાં ગાંધીધામના સ્ટેશન પર.
મેં પૂછ્યું હતું, આ ટ્રેન આટલી લાંબી?
અને તમે કહ્યું હતું, તું નાની છે.
આજે હવે દેશ-વિદેશની યાત્રા વેળા
હું ઘણી વાર મુઠ્ઠી પછાડીને
તોડી નાખું છું પ્લેનની બારી
અને કૂદી પડું છું બહાર
ખુલ્લા, અજાણ્યા આકાશમાં.
નીચે જોઉં છું તો
પસાર થઈ રહી હોય છે એક ટ્રેન.
પૂરપાટ દોડયે જતી એ ટ્રેન
હજી પણ, આખી પૃથ્વી ફરી વળે તેટલી લાંબી લાગે છે.
કચ્છથી કેલિફોર્નિયા જઈ રહેલી
એ ટ્રેનની બારીમાંથી બહાર જોઈ રહેલા
અજાણ્યા લોકોના ચહેરા
હજી આજે પણ એટલા જ અજાણ્યા લાગે છે.
ગાંધીધામના સ્ટેશન પર
ટ્રેનને લીલી ઝંડી બતાડનાર એ ગાર્ડ
મૃત્યુ પામ્યો હશે હવે
પણ એ એક માત્ર ચહેરો
મને યાદ છે હજી પણ.
એ એ જ ચહેરો છે, જે ચેક કરે છે મારો પાસપોર્ટ
જ્યારે હું પ્રવેશું છું, કેલિફોર્નિયામાં.
અને એ જાણે છે,
હું ક્યારેય ગઈ જ નથી, કચ્છથી બહાર.

શિયાળો

મારે મન શિયાળો એટલે
કચ્છના અમારા ગામનું એ ખેતર.
ખેડૂત ખેતરમાં ચાસ પાડીને જતો રહે એ પછી
આખી રાત એ ચાસમાં પ્રસરતી ઠંડી
જાણે આજીવન ઘર કરી ગઈ છે
મારા શરીરમાં.
શિયાળામાં તદ્દન ઉપેક્ષિત રહેતું એ ખેતર
ક્યારેય મારા મનથી દૂર નથી થયું.
વૃક્ષોનાં પાંદડાં પર જમા થતી ધૂળ,
ફળોની તરડાઈ રહેલી ત્વચા,
ખેતરના વહેળામાંથી વહેતા
ઠંડા પાણીનો ત્રુટક-ત્રુટક અવાજ,
હાથ ન અડી શકાય તેવા ઠંડાગાર
લોખંડનાં ખેતીનાં ઓજાર
અને મજૂરણ બાઈના કાન સોંસરવો નીકળી જતો
સીમનો સુસવાટા મારતો પવન.
ઠંડીનું એક લખલખું ફરી વળે
બળદના શરીરમાં પણ
અને હું જોઈ રહેતી એ કંપારી.
મને સૌથી પરિચિત અને સૌથી આત્મીય
કોઈ સ્થળ હોય તો એ તે ખેતર.
એ ખેતરની જગ્યાએ હવે કદાચ
બંધાઈ ગયાં હશે અનેક હૂંફાળાં ઘર
પણ મારા મનના એક ખૂણે,
હજી આજે પણ હું ધ્રૂજી રહી છું ટાઢથી.
એ ખેતરમાં હું રોજ સળગાવું છું એક તાપણું.
તાપણું ઠરી જાય છે, મોડી રાત્રે
અને રોજ સવારે ઊઠીને
હું ભેગી કરતી હોઉં છું તેની રાખ.

યાયાવર પક્ષીઓ

કાતિલ ઠંડીથી બચવા
સાઇબીરિયાથી કચ્છ જતાં
પ્રવાસી પક્ષીઓનાં ખરી રહેલાં પીંછાં
હવામાં ઊડતાં જઈ પડે છે
અજાણ્યા પ્રદેશોમાં.
અજાણી ભૂમિઓની પૂજનીય લોકવાયકાઓ જેવાં
એ વિદેશી પીંછાં,
બદલે છે રંગ
સ્થાનિક સ્થળના સ્થાનિક આકાશ પ્રમાણે
અને એ પ્રદેશો પરથી દૂર ઊડી ગયેલાં
એ યાયાવર પક્ષીઓનાં
પીંછાં વગરનાં
હળવાફૂલ શરીર
ખાલી ખાલી ઊડ્યા કરે છે
બમણી ગતિએ.
અમસ્તા આકાશોમાં.

એક વિશ્વ, સમાંતર

ટ્રેન ગતિ પકડી રહી છે.
બારી બહાર
એક વિશ્વ, સમાંતર,
સમાન ગતિએ. ધકેલાઈ રહ્યું છે,
પાછળ ને પાછળ.
ઉપર આકાશમાં
સાંજનો લાલચટાક સૂરજ
ટ્રેનની ભઠ્ઠીમાં ઠલવાતા
રાતા, ગરમ અંગારા જેવો,
દોડી રહ્યો છે
મારી સાથે ને સાથે.
કોણ જાણે ક્યાં જઈને આથમવા.

વિસ્તૃત શહેર

એ શહેર,
લોકો કહે છે કે હવે ખૂબ વિસ્તરી ચૂક્યું છે.
હું કલ્પના કરું છું,
એ બેકાબૂ શહેરની,
અને હજારો રસ્તા આમથી તેમ ફંટાતા,
મને લઈ જાય છે કશેક,
જયાં હું ગઈ હતી ક્યારેક, કે નહોતી ગઈ કદી.
જ્યાં હું જન્મી હતી ક્યારેક, કે મૃત્યુ પામી હતી કદી.
મને ગમવા માંડ્યું છે એ શહેર,
જ્યાં સ્મૃતિને કોઈ અર્થ નથી,
અર્થને કોઈ ઇતિહાસ નથી
અને ઇતિહાસનો કોઈ આલેખક નથી.
એ શહેરના દરેક રસ્તા મને પરિચિત
અને છતાં એ શહેર માટે હું આગંતુક અતિથિ.
આવો આદર્શ સંબંધ,
ક્યાં મળે કોઈ શહેર સાથે?

નિર્વસ્ત્ર શહેર

હું હવે રહેવાસી છું
એક એવા શહેરની
જ્યાં હું નિર્વસ્ત્ર ફરતી હોઉં છું
કોઈ પાગલ સ્ત્રીની જેમ,
અને ત્યાંના સંસ્કારી શહેરીજનોને
કોઈ રસ નથી,
એક અજાણી સ્ત્રીને સજા કરવામાં.
ક્યારેક ખુશ, ક્યારેક નિરાશ,
હું શોધતી રહું છું,
આ શહેરના અપરાધી રસ્તા
અને રાત પડયે
સૂઈ જઉં છું,
શહેરની મધ્યે, કોઈ સુંદર સ્થાપત્ય નીચે.
હું મથી રહી છું,
સ્થાનિક બનવા
અને આ શહેર
રોજ રાત્રે,
મારા શરીર પર
ઓઢાડી જાય છે
કોઈ નવી ચાદર.
સવારે હું ગુસ્સામાં ફાડીને ફેંકી દઉં છું એ ચાદર
અને એમ,
એક નવો દિવસ ઊગે છે,
આ નિર્વસ્ત્ર શહેરમાં.

લંડન

બિગબેન નામના ટાવર પરનું ઘડિયાળ
અને લંડન આય નામનું એક ચગડોળ.
એક શહેરની સાબિતી માટે
સમયને જકડીને ઊભાં રહી ગયેલાં
આ બે વર્તુળ,
ક્યારેક સમયથી સાવ પર થઈ ગયેલા લાગે.
વચ્ચે થેમ્સ નામની એક આભાસી નદી વહે.
એ બધાની ઉપરવટ,
અંતહીન માનસ પર
અગણિત છવાયેલો સમય.
બપોરના બે, ત્રણ કે ચાર વાગ્યા કરે.
ક્યારેક ધુમ્મસ, ક્યારેક વરસાદ
સહસા સંભળાય સમય
અને પછી કંઈ જ બને નહીં.
ઘડીભરમાં,
શાંત, ઠંડાગાર વાતાવરણમાં
વિલીન થઈ જાય સમય.
પછી આઇસક્રીમવાળો નીકળે
મ્યુઝિક વગાડતો,
અને મન દોડી જાય એ તર્જની પાછળ
શું લેવા?
કંઈ જ નહીં.
સમય પાછો આવે, ખાલી હાથે.
રાત્રે મારા સ્મૃતિપટ પર નિઃસ્તબ્ધ હિલોળા લેતાં
થેમ્સના અજાણ્યાં પાણીમાં
એક રોશનીથી ઝળાંઝળાં થતું ટાવર ઝળૂંબે.
ટાવર પર કોતરાયેલા સમયના કાંટા
મરજીવા બનીને બચાવી લાવે
મારી ડૂબી રહેલી સ્મૃતિને.
હું તોડી-ફોડીને ફેંકી દઉં એ કાંટાને
તોયે બીજા દિવસે
ટાવર પર હોય જ છે
મસમોટું એક ઘડિયાળ.
મારે ટેવાઈ જવું પડશે હવે
સમયના અસ્તિત્વથી.
સમયનાં સ્મારકો તો બંધાતાં રહેશે.
આ શાંત ચગડોળ પણ
આમ જ ફરતું રહેશે નદીના તટ પર.
કિનારે આમ જ તણાઈ આવશે મૃતદેહો
મનુષ્યોના, પ્રાણીઓનાં, પંખીઓના...
આમ જ બરફ બનતાં રહેશે આ પાણી
અને આમ જ ઓગળતી રહેશે
આ થીજેલી સ્મૃતિઓ.

ન્યૂઝીલૅન્ડ — પાંખ વગરનાં કીવી

નજર પડે ત્યાં સુધી પથરાયેલાં
લીલાં ઘાસનાં મેદાનમાં
ચરી રહ્યું છે એક ઘેટું,
અસહ્ય શાંતિથી.
અને મારા પગ પાસે
આમતેમ ફરી રહ્યાં છે
પાંખ વગરનાં કીવી.
અહીં કોઈને મારો જરાયે ડર નથી.
હું ઊંચે નજર કરું છું આકાશમાં
અને આ ઘેટાએ કે આ કીવીએ
ક્યારેય નથી જાણી
એવી એક ઉડાન,
ધબાક કરતી પછડાય છે જમીન પર.
અહીં કોઈને સંભળાતો નથી એ અવાજ
અને હું પણ કંઈ બોલવા નથી ઇચ્છતી.
એક નવા દેશમાં,
અજાણી ભાષાઓ વચ્ચે.
હું મૂંગીમંતર વિસ્તરી જઉં છું
ઘાસનું મેદાન બનીને.
ખાઉધરું ઘેટું ખાધા કરે છે ઘાસ.
પાંખ વગરનાં કીવી
રમતાં રહે છે
બરફના ઢગ પર.
અને હું મારો સમય પસાર કરવા
પથ્થર પર ચીતરી રહી છું,
માઓરી ભાષાના કેટલાક સ્થાનિક શબ્દો.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, ત્યાંની સ્થાનિક ભાષા છે. )

લેક ટાઉપો

સરોવરના બનેલા એ શહેરના રસ્તાઓ પર
ચાંદની એમ વીખરાયેલી પડી હતી
જાણે કાચના રજકણ.
લોહનીંગળતી પાનીએ.
હું બેઠી હતી
સરોવરના કિનારે
અને રાતના અંધકારમાં
મેં જોયાં હતાં
સરોવરનાં પાણીને રતાશ પકડતાં.
રાતાં પાણી પર સરકી રહેલાં
સફેદ યાટ,
જોતજોતામાં નજર સામેથી
ઓઝલ થઈ ગયાં હતાં.
અને પછી ધીમે ધીમે
સરોવરનાં પાણી
ફરી વળ્યાં હતાં આ શહેર પર.
એક આખું સરોવર
જિવાઈ રહ્યું હતું મારી અંદર,
અને હું, પ્રવેશી રહી હતી
એ શહેરમાં.
અહીંના લોકો કદાચ ઓળખે છે મને.
આ એ જ સ્ત્રી છે
જેની લાશ,
એકાંતરે સરોવરના કિનારે આવી જાય છે.
કોઈ જાણતું નથી
ક્યાંથી અને કેમ, આવી હતી હું અહીં.
વળી, પાણીના શરીરને
કોઈ અગ્નિદાહ પણ નથી આપી શકતું.
તેઓ સૌ ફરી ડુબાડી દે છે મને,
શરીરે પથ્થરો બાંધીને.
અને એમ ફરી એક સવાર પડે છે.
સરોવરમાં નવાં યાટ ગોઠવાય છે,
માછલીઓને પકડવા નવી જાળ ફેંકાય છે.
મને ગમે છે,
મારી ઉપર થઈને,
દૂર દૂર ચાલ્યાં જતાં સફેદ યાટ.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (લેક ટાઉપો એ ન્યૂઝીલૅન્ડનું સૌથી વિશાળ સરોવર છે.)

રોટોરુઆ

એક ઊંચાઈ પર ઊભી હતી હું
અને મારી આસપાસ ઊછળી રહ્યા હતા
ઊકળતા પાણીના ઝરા.
એક મુલાકાતીની જેમ,
નિઃસ્પૃહ ચહેરે હું જોઈ રહી હતી
રોટોરુઆની વલોવાઈ રહેલી જમીન.
પણ અંદરથી જાણે ખૂબ પોતીકી લાગતી હતી
એ અશાંત જમીન.
ઊકળતી માટીની તીવ્ર ગંધ
સ્મૃતિ સોંસરવી જઈને
ઓગાળી દે છે તમામ આવરણ -
એ શરીર, એ સ્પર્શ, એ સમય.
જ્વાળામુખીની જમીન પર ઊભેલી હું
કલ્પના કરી શકતી હતી
માત્ર કંઈક તૂટવાની, કંઈક ઓગળવાની.
ધગધગી રહી હતી એ જમીન
ને હું ત્યાં સમાઈ જવા આતુર,
ફરી વળી હતી ચારેકોર, વરાળ બનીને.
                  * * *
રોટોરુઆ પાછળ છોડી દીધા પછી
હું હજીયે યાદ કરું છું,
મારા વગર પણ
ત્યાં હજી
એમ જ ઊછળતા હશે
ગરમ પાણીના ઝરા.
ને એમ જ ધગધગતી હશે માટી,
વર્ષોથી, અવિરત.
હું અહીં મૃત્યુ પામીશ
એક આભાસી શાંતિ વચ્ચે
પણ ત્યાં,
સક્રિય જ્વાળામુખીની એ જમીન પર
ખદબદી રહેલી માટીની ગંધમાં
ભળી ગયેલો મારો ઉચ્છવાસ,
પોતાના શ્વાસમાં લઈને,
એ માટી શરીરે ચોપડીને,
પરત જઈ રહ્યા હશે
કંઈ કેટલાય પ્રવાસીઓ.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (રોટોરુઆ, ન્યૂઝીલેન્ડની એક્ટિવ વોલ્કેનો સાઇટ છે જયાં જ્વાળામુખીની સતત ધગધગતી જમીન પર સહેલાણીઓ મડ થેરપી (માટીચિકિત્સા) માટે આવે છે.)

ઓક્લેન્ડ

પાછળ છૂટી ગયેલું એ શહેર
હજી પણ જીવી રહ્યું છે
મારી સાથે,
એક નવા દેશમાં, આ નવા શહેરમાં.
મને યાદ આવે છે,
ત્યાં મેં ઓળંગ્યા હતા એ ચાર રસ્તા.
એ ચાર રસ્તા પર સિગ્નલ પાસે એક ટાવર હતું.
એ ઘડિયાળના મોટા કાંટા
અહીં હું મારી કાંડાઘડિયાળમાં
આ દેશનો સમય સેટ કરતી હોઉં છું ત્યારે
નજર સામે એવા તરવરે છે જાણે
એકએક ક્ષણનો હિસાબ માંગતા હોય.
અહીંની બજારમાંથી ફળો ખરીદતી વખતે
મારા મોંમાં હોય છે
ત્યાં ઘરની પાછળ ઊગતાં હતાં તે
બહારથી સોનેરી અને અંદરથી લીલાં,
ખરબચડાં, ખાટાં ફળોનો સ્વાદ.
અહીંની સવાર પર
ઝળબૂંબતી રહે છે ત્યાંની બપોર.
અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો.
અને પછી તો,
ત્યાંના પાર્કમાં અહીંનો તડકો...
અહીના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ...
ત્યાંના બત્તીના બિલમાં અહીંનો ચેક...
અહીંના સિનેમાહૉલમાં ત્યાંની ટિકિટ...
બે શહેર
સેળભેળ થતાં, છૂટાં પડતાં, ફરી એક થતાં,
અંતે સાવ ખોવાઈ જતાં,
ટકી રહે છે મારી ભીતર.
આ શહેરના રસ્તાઓ પર
પેલા શહેરની નંબરપ્લેટવાળાં વાહનો દોડતાં રહે છે.
સ્પીડ કૅમેરામાં પકડાઈ જઉં ત્યારે
દંડ ભરતી વખતે.
મનમાં સવાલ ઊઠે,
આ પૈસા કયા દેશના?
ક્યાં જઈ રહી હતી હું આટલી ઝડપે?
આ ઘડીએ,
કયા સમયને સાચો માની રહી હતી હું?
એ ટાવર ક્લૉકના કે આ કાંડાઘડિયાળના?

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (ઓકલેન્ડ એ ન્યૂઝીલેન્ડનું એક મહાનગર.)

માઓરી પુરુષ

ચહેરાની રૂપરેખા તદ્દન ભિન્ન
અને તેના ૫૨ સાવ અજાણ્યું ચિતરામણ.
હું આંગળીઓ ફેરવું છું
કે પુરુષના ચહેરા પર,
તેના વાળમાં, તેના વાંસા પર
અને મારા હાથ બોલવા માંડે છે
માઓરી ભાષા.
તેના શરીર પર દોરેલાં પક્ષીઓની પીઠ પર બેસીને
હું ઊડી જઉં છું,
અડાબીડ અરણ્યો પરથી.
એક માઓરી પુરુષ
હજી પણ રાહ જોઈ રહ્યો છે
મારા પાછા ફરવાની.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (માઓરી, એ ન્યૂઝીલેન્ડની સ્થાનિક પ્રજા.)

કમાટીબાગના સિંહ

યાદ છે, ક્યારેક, બપોરની વેળાએ,
વડોદરાના એ ઘરની નજીક આવેલા
કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાંથી
સિંહોની ત્રાડ સંભળાતી
અને હું પૂછતી,
આ સિંહ, આપણાથી કેટલે દૂર છે?
આપણે ક્યારેય ન લખેલી
કેટલીક કવિતાઓની જેમ
ક્ષીણ થઈ રહી છે સિંહોની ત્રાડો પણ હવે.
અને એમ શમી જશે
આપણી સ્મૃતિ પણ.
અને એમ વધતું જશે અંતર
અંગત અને આગંતુક વચ્ચેનું.
સમયનો એક ટુકડો
ઘર અને બાગ વચ્ચેના રસ્તા જેવો
પહોળો થઈને ધોરીમાર્ગ બનશે કદાચ.
અંતર જ્યારે સીમા અતિક્રમી જાય ત્યારે
નજીક આવી જાય,
કમાટીબાગના સિંહોની જેમ.
આજે, વડોદરાની એક વૈશાખી બપોરે
હું ફરી રહી છું કમાટીબાગમાં.
જોઈ રહી છું,
પાંજરામાં પુરાયેલા
આપણા પ્રિય સિંહ,
હવે નિઃશક્ત, તરસ્યા,
સૂતા પડ્યા છે, મડદાની જેમ.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (અર્પણઃ તાળું વાસી દીધેલા કોઈ ઘરમાં રહેતા સાવજથીયે સશક્ત એક કવિને.)

બરસાતી

ચાલ, ભાગી જઈએ.
ક્યાં?
દિલ્હી. કોઈ બરસાતી ભાડે લઈને રહેશું.
બરસાતી એટલે?
નાનકડી અગાશીવાળું ઘર. દિલ્હીમાં તેને બરસાતી કહે.
વરસાદમાં બહુ સુંદર લાગે.
                  * * *
અગાશી પર સવાર-સાંજ
ઊગતા-આથમતા તડકા વચ્ચે લહેરાતાં,
અમર થઈ ગયેલાં બારમાસીનાં ફૂલો,
ઊંચાં થઈ થઈને ડોકિયું કરે છે અંદર,
આપણી બરસાતીમાં ગોઠવાવેલાં રાચરચીલાં સામે.
                  * * *
ને વરસાદ?
વરસાદ તો આપણે જોયો જ નહીં.
પણ વરસાદમાં ભીંજાયેલા અશ્વો
ઊતરે છે મારી અગાશીએ હવે,
અને હું તેમની ભીની કેશવાળી કોરી કરું છું.
અમરત્વને વરેલાં બારમાસીનાં ફૂલો
જોઈ રહે છે મને.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (અર્પણઃ બરસાતી ૫૨ અમર થઈ ગયેલા એક કવિને.)

સૂરજ પર દોરેલો કાગળ

‘Shine'
બી. એ.ના પ્રથમ વર્ષની પરીક્ષા વખતે
કાગળ પર તેં દોરેલો નાનકડો એ સૂરજ
આકાશમાં ધગધગતા અગણિત સૂરજ વચ્ચે
શાતા આપી રહ્યો છે મને.
                  * * *
‘Reclaim કરાયેલી ભૂમિ પરથી તને રિક્લેઇમ કરવાની પણ એક મજા
છે.'
તેં લખ્યું હતું,
મુંબઈમાં બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ પરથી મને લખેલા એક પત્રમાં.
                  * * *
સમુદ્ર પર પથરાયેલા શહેરમાંથી કે શહેર પર પથરાયેલા સમુદ્રમાંથી,
કાગળ પર દોરાયેલા સૂરજમાંથી કે સૂરજ પર દોરાયેલા કાગળમાંથી,
હું રિક્લેઈમ કરી લઈશ તને, ક્યારેક.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> (અર્પણઃ પોતાની કવિતાને ક્યારેય રિક્લેઇમ ન કરી શકેલા એક કવિને.)

બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ

નાખ,
હજી થોડી વધુ રેતી
આ દરિયાના પટમાં.
પાછી લઈ લે આ જમીન
સ્વાર્થી દરિયા પાસેથી.
ચણ,
આ પોલી જમીન પર
એક દીવાલ ને બે બારી.
ડૂબકી માર,
હજી ઊંડે
ને પાછાં લઈ લે આ દરિયા પાસેથી
મારા ભીજાયેલાં વસ્ત્રો
ને કોરી કાંસકી.
ખંખેર,
મારા વાળમાંથી
દરિયાની રેતી
ને બાંધ અહીં,
મારા અને દરિયા વચ્ચેની
આ વિખવાદિત જમીન પર,
એક ઘર.
દરિયો નક્કી આવશે એક દિવસ પાછો
આપણું આ ઘર લઈ જવા.
પણ ત્યાં સુધી
વધેર,
એક નારિયેળ
ને કર અહીં ભૂમિપૂજન.
લટકાવ,
મારા આંગણે પાણીનાં તોરણ
ને સજાવ,
મારી પથારી પર
તૂટેલા શંખ.
ભલે જગાડે મને ભરઊંઘમાંથી,
જળચરોના ડંખ
હું નહીં ખસું અહીંથી,
આ રિક્લેઇમ કરેલી ભૂમિ પરથી.

કંદમૂળ

હું
ઉપવાસી પતિવ્રતા
ક્ષુધાથી વ્યાકુળ.
આ કંદમૂળ દેખાય છે હાથવેંતમાં
પણ તોડવા જઉં તો
જાણે ઊંડે ને ઊંડે ઊતરી રહ્યાં છે જમીનમાં
હું ખોતરી રહી છું જમીન
હું ખેંચાઈ રહી છું જમીન તળે
હું સરકી રહી છું
કંદમૂળના સ્વર્ગ ભણી.
         * * *
પાતાળમાંથી
મૂળસોતા ઉખેડીને
ફંગોળ્યા, કંદમૂળ
મેં ઊંચે આકાશ તરફ
હવે જોઉં છું તો
કંદમૂળ લટકી રહ્યાં છે
અધ્ધર હવામાં
મારા હાથ લંબાય છે, સાત ગણા
અને કંદમૂળ ઊડે છે હવામાં, ચૌદ ગણા
         * * *
મારા મોંમાં,
મારી યોનિમાં ખૂંપી રહ્યાં છે કંદમૂળ
છેક તળ સુધી
અને મારી જીભ તળે
ઓગળી રહ્યો છે,
શક્કરિયાં બટાટાનો શીરો.
— કંદ વિનાનાં મૂળ,
અને મૂળ વિનાનાં કંદ —
ઊગી રહ્યાં છે મારી યોનિમાં
બીજ બનીને.
         * * *
શરીરના ક્ષાર શોષી લઈને
હૃષ્ટપુષ્ટ થયેલાં આ કંદમૂળ
નક્કી જીવ લઈ લેશે મારો.
— કંદ વિનાનાં મૂળ,
અને મૂળ વિનાનાં કંદ —
મૂળ અને કંદને લાખ ભેગાં કરું હું
પણ જમીન નથી આપતી જગ્યા તસુભર.
અને હવા,
લઈ જઈ રહી છે મારા બે હાથને
એકમેકથી દૂર, અતિ દૂર.
એક બટકું ભરું કંદને
ત્યાં મૂળિયાં,
જકડી લે છે મારા શરીરને.
હું અશક્ત,
ઊડી રહી છું આકાશમાં
અને પૃથ્વીલોકનાં મૂળ
દેખાઈ રહ્યાં છે ઉપરથી
જમીનથી સાવ વિખૂટાં.

Kandmool Manisha Joshi Back Cover.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

'

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>