વાર્તાવિશેષ/૫. પંચવિધ નવોન્મેશ

From Ekatra Wiki
Revision as of 12:17, 25 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. પંચવિધ નવોન્મેશ

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

(૧) ‘માયાપુર’ : નલિન રાવળ

શ્રી નલિન રાવળનો વાર્તાસંગ્રહ ‘સ્વપ્નલોક’ સ્વપ્ન અને વાત્સવને એક સાથે સ્પર્શે છે. એટલે કે માણસનું મન અને સમાજનું વ્યાપક સ્વરૂપ લેખકને વાર્તા લખવાની સામગ્રી આપે છે. અહીં સોળ વાર્તાઓમાં આઠમી છે ‘માયાપુર’. માયાપુર દરિયાકાંઠાનું ગામ છે. સંજયને ઑડિટ વિભાગમાં કામ મળ્યું છે. વતનથી પાંચસો-છસો માઈલ દૂર અહીં આવ્યો છે. વ્યવસ્થિત કામ શરૂ થતાં હજી મહિનો જાય એમ છે. સાંજનાં ઢળતાં કિરણોમાં દરિયો એને વહાલો લાગે છે. કેવો વહાલો? સ્ત્રી જેવો. જળ અહીં કામનું પ્રતીક છે : ‘સંજયને ભીંજાવું ગમ્યું. પાણીની છોળ ઊછળીને એની સાથળ સુધી આવી અને દરિયો સ્ત્રીની જેમ એને ગમવા લાગ્યો.’ વાર્તામાં જે સ્ત્રી આવવાની છે એની ભૂમિકા દરિયો અને માછલીના પ્રતીક દ્વારા તૈયાર થઈ જાય છે. એક પંખીનો નિર્દેશ પણ થયો છે. સંજય અવકાશમાં પંખીએ દોરેલાં વર્તુળો શોધવામાં રસ લે છે. એમાં અંતનો પૂર્વસંકેત આવી જાય છે. સંજયે હવે જે મકાન ભાડે રાખ્યું છે એની સામેના બંગલામાં એક સુંદર નારી એને અવારનવાર દેખાય છે. એના રૂપને લેખક ચોક્કસ પરિસ્થિતિમાં ઉપસાવે છે : ‘એના પાતળા નાકની સુંવાળી ધાર પર આછો નારંગી રંગનો પ્રકાશ પડતો હતો. કાળી પહોળી ફેલાતી સુંદર પાંપણોની નીચેની આંખોમાં અકથ્ય માર્દવ તરવરતું હતું.’ રસ્તામાં બેત્રણ વાર સામસામે આવી જવું, એક સ્ટોર્સના પ્રવેશ દ્વારે મળી જવું, સંજયનું ક્ષુબ્ધ બની જવું અને સ્ત્રીના હોઠ પર આછું સ્મિત ફરકી જવું આ બધું પાત્રોની રેખાઓ જુદી પાડવાની સાથે વાર્તાનો વિકાસ સાધે છે. સ્ત્રીની ‘આંખમાં હીરાની ચૂની જેવી ચળક ચમકી જતી અને તેની ચાલમાં સંગીતની કોઈ તોફાની તરજ ફરકી જતી.’ આ વર્ણન પછી વાચકની નજરે તો સ્ત્રી એટલી અજાણી નથી રહેતી પણ સંજય માટે તો એ વધુ અજાણી બને છે, એનામાં જાગેલા આકર્ષણે એ વધુ રહસ્યમય બને છે. હવે એનું નામ એને જાણવા મળ્યું છે : ‘શૈલજા’. જે માણસો સાથે કામ કરવાનું છે એમાંના એકને સંજય પોતાના નિવાસ અને સામેના મકાન વિશે વાત કરે છે ત્યારે સામેથી જે સ્મિત જોવા મળે છે એ ટાંકણીની જેમ વાગે છે. પાછા ફરતાં શૈલજાના મકાનમાં દરવાજા પાસે પડેલી ઇમ્પાલા કાર જોવા મળે છે. એક આધેડ પુરુષને એ બહાર ધકેલતી મોટેથી બોલી રહી છે. અહીં લેખક ચેસની રમતનો ઉલ્લેખ કરે છે. સંજય અને શૈલજા રમતાં. સંજય છેવટ સુધી જીતમાં રહેતો અને અંતે એક એવું મહોરું ખેલતો કે હારી જતો. ત્યારે શૈલજા ઘણું બધું બોલતી જે સંજયને સમજાતું, ન સમજાતું. મૅનેજર સંજયના પિતાના મિત્ર છે. એમના દ્વારા સંજયને સલાહ ને ઠપકો મળે છે : ‘તમે જ્યાં જાઓ છો તે સ્ત્રી પાસેના નગરની નામીચી વેશ્યા છે. અહીં થોડા દિવસથી આવી છે. અને તમે એની જાળમાં લપેટાયા છો.’ એક હકીકતને એ રીતે રજૂ કરવામાં આવી છે કે જેથી સંજયને વધુમાં વધુ આઘાત લાગે. એણે શૈલજાને આ રીતે જોઈ જ નથી. કદાચ એ એને એ રીતે જોઈ શકે એમ પણ નથી. એની સાથેના સંપર્કમાં એનો કોઈ સ્થૂલ સ્વાર્થ ન હતો. એક જ સહજ વિજાતીય આકર્ષણ લેખકે જળના પ્રતીક દ્વારા સૂચવ્યું એટલું જ એને પ્રેરી રહ્યું હતું, જે સૌમ્ય ઋજુ સુંદર હતું. પણ મૅનેજરને સાંભળ્યા પછી જાણે એનો એ આખો અનુભવ ખોટો પડે છે. સૌંદર્ય અળપાઈ જાય છે અને વેશ્યા બનેલી સ્ત્રીને જોતી સામાજિક નજરની નિષ્ઠુરતાની ક્ષણિક અસરમાં આવી જઈને એ મકાન છોડે છે, માયાપુર પણ છોડે છે. પણ સ્ટેશન પર એ કશુંક અપૂર્વ પામે છે. લેખકના જ શબ્દોમાં જોઈએ : ‘ગાર્ડે બીજી સીટી મારી કે સંજયના ખભા પર કોઈએ હાથ મૂક્યો. સંજયે ગરદન ફેરવી. એ ઊભો થઈ ગયો. શૈલજા આવી ઊભી હતી. એની કાળી મોહક આંખમાંનું સ્મિત ભીનું હતું. ટ્રેનમાંથી ઊતરતાં એણે એક કવર સંજયને આપ્યું. શૈલજાની પાતળી આંગળી અને પોચી ગુલાબી હથેળીના સ્પર્શે સંજયમાં સંગીતના મધુર સૂરોની ઝંઝા ઊભી કરી.’ ગાડી ઊપડે છે, સ્ટેશન પર ઊભી રહી ગયેલી શૈલજા પાછળ ને પાછળ... વરસાદ અને ધુમ્મસમાં માયાપુર ઝાંખું થતું અદૃશ્ય થઈ જાય છે. આરંભનો દરિયો અહીં વાદળ અને ધુમ્મસ બંને રૂપે જોવા મળે છે. શૈલજાએ આપેલું કવર હજી ખોલવાનું બાકી છે. સંજય એ ખોલે છે. એમાં જે કાગળ છે એ સાવ કોરો છે. કોરો, સ્વચ્છ અને સુંદર. એને શૈલજાનો એક ઉદ્‌ગાર સાંભરી આવે છે : ‘સંજય, ઘણું બધું લખાઈ ચૂક્યું છે પણ હવે કોરા કાગળમાં મારે ફરી લખવાનું શરૂ કરવું છે, ફરીથી.’ વાર્તા અહીં અટકે છે. એક કલાકારને હાથે એ અહીં જ અટકે. એના વિષયવસ્તુમાં કશું નવું નથી. વેશ્યાજીવન તરફની સહાનુભૂતિ તો આપણા સાહિત્યમાં પચાસ વર્ષ પહેલાં દયારૂપે પ્રગટ થઈ હતી, એ ક્યારેક કરુણારૂપે પણ પ્રગટ થઈ છે. અહીં કશા સામાજિક કે નૈતિક બોધના ભાગરૂપે કે સુધારાના પ્રચારરૂપે કશું આવ્યું નથી. બંને પાત્રો એક દૂરની જગ્યાએ અજાણી વ્યક્તિઓની હેસિયતથી મળે છે, ભૂતકાળે સજર્ેલા પૂર્વગ્રહથી મુક્ત રીતે એ મળે છે. છેવટે સામાજિક પૂર્વગ્રહ દાખલ થાય છે, એ પૂર્વે એમણે અનુભવેલું અસ્પષ્ટ સંબંધનું સૌંદર્ય વાર્તાને અંતે વિજયી નીવડે છે. સંજયની આંખો ભીની થાય એ જ શૈલજાની મુખ્ય પ્રાપ્તિ છે. એણે આપેલા કોરા કાગળ પરથી સંજયે જે વાંચવાનું છે એ તો આ પહેલાં એના હૃદયમાં જે લખાઈ ગયું હોય તે જ. આ પ્રયોગશીલ વાર્તા નથી, પણ કલાત્મક વાર્તા છે. નલિનભાઈએ આ સંગ્રહમાં ઘણા પ્રયોગો કર્યા છે. ક્યારેક તો ભાષા પાસેથી એમણે આત્યંતિક કામ લીધું છે. પણ એ ક્યાંય ગૂંચવાયા નથી. એ સંવેદન જગવવાની કળા જાણે છે. મનુષ્ય અને જગતનું એમની પાસે એક આગવું નિરીક્ષણ છે, જે સ્ત્રી-પુરુષ સંબંધની એમની વાર્તાઓમાં પ્રગટ થયા વિના રહેતું નથી. ‘શિકાર’ વાર્તા એમના મુખેથી કવિતાની જેમ સાંભળી છે. કેવી સ્મૃતિ! જાણે કે દૃશ્ય બોલે છે! ‘સાહિત્ય’ ત્રૈમાસિકમાં એમની એક વાર્તા પ્રગટ થઈ છે ‘સોનેરી સળી જેવું પંખી’. એમાં રૂપની રમણા તેમણે એક કવિની હેસિયતથી ગાઈ છે. એક પરિણીત સ્ત્રી અને એક યુવકનો અવૈધ પ્રેમ એમની ભરપૂર મોહિની સાથે પર્વતીય પ્રદેશની પરિસ્થિતિમાં નિરૂપીને, સમયનો મોટો વ્યાપ પસંદ કરી અંતે એની સારાસારતા વિશે પ્રશ્ન કર્યો છે. સ્ત્રી-પુરુષના દૈહિક સૌંદર્યનું નિરીક્ષણ સમયની મદદથી જીવનનું ‘દર્શન’ બને છે.

(૨) ‘લીલ’ : કિરીટ દૂધાત

શ્રી કિરીટ દૂધાતની નવલિકા ‘લીલ’ અગાઉ એક વાર્તા શિબિરમાં એમના મુખે સાંભળી હતી. હમણાં વિદ્યાનગરના ‘વિ’ સામયિકના આધુનિક ગુજરાતી વાર્તાના વિશેષાંકમાં વાંચી. થયું કે ભૂંસાતા જતા રીતરિવાજોનું વાર્તાકાર કેવું લીલયા તર્પણ કરે છે! ઉત્તમ ગદ્યકારો માત્ર શબ્દકોશની મૂડીથી કલા-વ્યાપાર કરતા નથી. એ પ્રજાના ઉત્સવો, પર્વો, માન્યતાઓ, કર્મકાંડો વર્ણવતી લોકભાષાનો વિનિયોગ કરીને પોતાના ગદ્યનું કાઠું ઘડે છે. ક્યારેક વહેમ કે અંધશ્રદ્ધાના પાયા પર ઊભેલા લાગતા પ્રસંગોનો પણ એ સજર્નાત્મક ઉપયોગ કરે છે. શ્રી કિરીટ દૂધાતની નવલિકા ‘લીલ’ એક વહેમ પર આધારિત વિધિ (રિચ્યુઅલ) વર્ણવે છે અને એની સમાન્તર એક યુવતીનાં સ્મરણોમાં અસલ વાત ઊઘડે છે. ભવિષ્યમાં લીલ પરણાવવાનો વિધિ સમાજમાં ક્યાંય જોવા નહીં મળે ત્યારે આ નવલિકા એની સાહેદી પૂરશે. અનેક સામાજિક પરિવર્તનો વચ્ચે પણ સમર્થ સજર્કો પ્રજાકીય સ્મૃતિની રખેવાળી કરે છે. કોઈક વિધિનું વર્ણન કરતાં એમાં પ્રતીકનો અર્થ પેટાવી શકાય તો પેલો વિધિ પોતે જ એક કલાવિધાન બની રહે છે. આ વાર્તા ‘લીલ’માં એમ બનવા પામ્યું છે. વાર્તાના નાયકના સંદર્ભે જે અર્થ સ્ફૂટ થવાનો હતો તે નાયિકાના ચરિત્રમાં પરાવર્તન પામે છે. અહીં પ્રતિબિમ્બ દ્વારા મૂળ બિમ્બ સુધી જવાની રચનારીતિ પસંદ થઈ છે. ઘટના અને મનોઘટના સમાન્તર ચાલે છે. મનોઘટનાને કારણે જ ઘટના અર્થ પામે છે. લીલ પરણાવવાં એટલે શું એ જૂની પેઢીના વાચકોને કહેવું નહીં પડે. કોશકારોએ પણ એના અર્થો નોંધ્યા છે. કદાચ સંસ્કૃતના ‘નીલ’ પરથી આ શબ્દ આવ્યો છે. અહીં અર્થ થશે આખલો. ત્રણ પ્રકારે એ વિધિ પ્રચલિત છે. પત્ની ગુજરી ગયે વરસ દહાડો ન થયો હોય ત્યારે પહેલાં બીજી પત્ની કરવી એટલે લીલ પરણવી. વરસ પૂરું થતાં પહેલાં મરનારનું છેલ્લું માસિક શ્રાદ્ધ કરવું એટલે લીલ પરણાવવી. ક્યારેક અગિયારમાને દિવસે વાછરડો ને વાછરડી પરણાવવાં. વાર્તાનાયક કાળુ અને જેના મોંમાં વાર્તા મૂકી છે એ યુવતી વચ્ચે મુગ્ધાવસ્થાનો પરિચય હતો. કાળુ આમ તો માથાભારે લાગે એવો હતો પણ લાગણીનું તત્ત્વ એનામાં રહેલા કથીરનો કાટ દૂર કરે છે. સગાઈ થઈ જાત. પણ કાળુને હૃદયના વાલની બીમારી છે. દવા, ઓપરેશન આદિ આવી પડે છે. કન્યાની બીજે સગાઈ થાય છે. લગ્ન પહેલાં કાળુની ભાભી સંદેશો લઈ આવે છે. મળવા બોલાવે છે. નાયિકા જાય છે. શરીર નંખાઈ ગયું છે. એમાં વૃત્તિઓ સંકોરાય છે. ચુંબન-આલિંગનથી સમ્બન્ધ આગળ વધે છે. અંતે લીલ પરણાવતાં જે વાસનામોક્ષની માન્યતા છે એ ક્ષણ તો કાળુના અને નાયિકાના જીવનમાં આવી ચૂકી હતી. લગ્ન થયાં. નાયિકા સગર્ભા હોઈ એનાં સાસરિયાં સુખી છે. પહેલી સુવાવડ પ્રસંગે પિયર તેડી જવા પિતાજી આવે એમાં મોડું થાય છે. કેમ કે સામેવાળો કાળુ મૂરતની આગલી રાતે જ ગુજરી ગયેલો. સગર્ભા અવસ્થામાં નાયિકા ખુરશીમાં બેસીને સામા ઘરની ધમાલ જુએ છે. લીલ પરણાવવાનો વિધિ ચાલે છે. ‘તમારાં લગ્ન આજે વાછરડી સાથે કરી દેશે. તમે કોઈ કુટુંબીના પંડ્યમાં આવીને કહેશો કે તમને લીલ પુગ્યાં કે નહીં, તમારી બીજી કોઈ આસના-વાસના હશે તો તે પણ બોલશો. તેને પૂરી કરવાના કૉલ દેવાશે. પછી તમારું પીંડદાન દેવાશે. તમારો મોક્ષ થશે.’ પણ જાગ્રત ભાવક જોશે કે લેખક આ વિધિને એક સાહિત્યિક પ્રયુક્તિ (લિટરરી ડિવાઈસ) તરીકે જ ખપમાં લે છે. કાળુની મા વાછરડીના ડિલે હાથ ફેરવે છે. વાછરડી ભડકીને બીજી બાજુ ઊભી રહે છે. પછી ડીલની ચામડી જોરથી ધ્રુજાવી શરીર પર થયેલો સ્પર્શ ખંખેરી નાખે છે. આ જ રીતે અંતે સઘળો વિધિ સ્થિર થવાને બદલે ખરી પડવાનો છે. પણ વાર્તા ત્યાં પૂરી થવાની નથી. સ્પર્શનો કંપ ક્યાંક પહોંચવાનો છે ખરો. અંતે લોકો મન મનાવી વિખેરાવા લાગે છે. પણ નાયકની મા નથી માનતાં : ‘તો... તો કોઈના પંડમાં આવીને બોલે ને?’ પણ વાત કરવા કોઈ રોકાતું નથી. નાયિકાએ સ્વગત માંડેલી વાત આ શબ્દો સાથે પૂરી થાય છે. ‘તમારાં લીલ પરણાવાઈ ગયાં. તમારાં લગ્ન થઈ ગયાં. હું ઊભી થઈને અંદરના રૂમમાં જઈ આડી પડું છું. પેટમાં ફરકાટ થાય છે ને હું આંખો બંધ કરી દઉં છું!’ પંડમાં પહોંચીને બોલવાની આ શક્યતા બાહ્ય જગતથી અજાણી છે. વિદેહની સ્મૃતિને જ એની જાણ છે. લીલ પરણાવવાનો અર્થ કેવી અણધારી રીતે એના યોગ્ય સરનામે પહોંચે છે! લૌકિક વિધિના આ અર્થાન્તરમાં કળાનો ચમત્કાર છે. લેખકની એક સજર્ક તરીકેની તટસ્થતા એવી છે કે લગ્નેતર સમ્બન્ધની નૈતિકતાનો પ્રશ્ન ઊભો થતો નથી. એને બદલે મુગ્ધાવસ્થાના એક અરૂઢ પ્રેમને બીમારીએ કરેલી ઇજા વેદના જગવે છે. કુટુંબ અને સમાજ કાળુને હૃદયના વાલના દદર્ી તરીકે એક જ વાક્યમાં ઓળખી કાઢશે. પણ નાયિકા પાસે તો કાળુના પરિચય-સમ્બન્ધ-પ્રેમની અનેક જીવંત છબિઓ છે. તેથી તો એ વધુ નિકટતાની ક્ષણે ‘તમે’નું સંબોધન છોડી ‘તું’ કહીને ઊંડી ઊતરે છે. વર્તમાનની ક્ષણોના લૌકિક નજરે ચાલતા વિધિની સમાન્તરે નાયિકાના ચિત્તમાં ચાલતાં સંચલનો એક વીતી ગયેલા અને પૂરા થઈ ગયેલા જીવનની અધૂરપનો અનુભવ કરાવે છે. આવી વાર્તાઓ વધુ ને વધુ લખાતી જાય તો સજર્કતા લોકપ્રિય નીવડે. ‘વિ’ના પ્રસ્તુત વિશેષાંકમાં આ ઉપરાંત અજિત ઠાકોર, મણિલાલ પટેલ, અશોકપુરી ગોસ્વામી, જયેન્દ્ર શેખડીવાળા, રામચંદ્ર પટેલ, યોગેશ જોશી, હર્ષદ ત્રિવેદી, હિમાંશી શેલત, જોસેફ મેકવાન, દીપક રાવલ, પરેશ નાયક, સુમન શાહ, રવીન્દ્ર પારેખ અને ચતુર પટેલની વાર્તાઓ છે. સંપાદન અદમ ટંકારવી અને રાજેન્દ્ર જાડેજાનું છે. સંપાદકીય લખ્યું છે અજિતે.

(૩) ‘ભાભી’ : જિતેન્દ્ર પટેલ

ગ્રામીણ વાતાવરણનું કલાત્મક અંકન જિતેન્દ્ર પટેલ વીસમી સદીના છેલ્લા દાયકાના નોંધપાત્ર વાર્તાકાર છે. પહેલાં તો ‘નીવડેલા વાર્તાકાર’ કહેવાનું મન થયું. કેમ કે સંગ્રહ પ્રગટ થાય એ પહેલાં અન્ય સંપાદકોની જેમ મેં પણ એમની વાર્તાઓ બે સંચયોમાં લીધી છે. વાંકાનેર પાસે લુણસરમાં ૧૯૭૨માં જન્મેલા જિતેન્દ્રભાઈ ઇજનેર છે. સાહિત્યની જેમ પત્રકારત્વમાં પણ એવી ઊંડી રુચિ ધરાવે છે કે એ માટે અગવડો પણ ખુશીથી વેઠે. રાષ્ટ્રવાદી છે. ગામડાના તળજીવનનો અનુભવ હોવાથી સમાજના સહન કરતા વર્ગો પ્રત્યે એમને કુદરતી મમતા છે. ‘ગ્રામચેતનાની નવલિકાઓ’માં છેલ્લી ૩૬મી નવલિકા જિતેન્દ્ર પટેલની છે ‘ભાભી’. એને વિશેની નોંધ ડૉ. રમેશ ર. દવેની છે : કથાનાયક રામજીને પિતરાઈ ભાભી સાથે ગળામેળ છે. ભાઈના અવસાન પછી વિપત વેઠતાં ભાભીને સીધી આડક્તરી મદદ કરવા ઇચ્છતો રામજી કંજૂસ કંકાસિયણ ને માથાભારે માને કારણે મદદ કરી શકતો નથી. ભાઈની બીમારી વખતે થયેલું વાણિયાનું દેવું ફેડતાં ભાભી માથે કલંક ચડે છે ને વાતના મૂળમાં જવાને બદલે રામજી પણ એમને ન કહ્યાનું કહે છે. ભાભી દેવાની વાત કહી રામજીને ખુલાસો કરીને વાણિયા વિશેની એની ચિંતાને ‘અરે, હાથ તો અડાડી જુએ, એની માને વેચી આવું એમ છું. જેવી તેવી ન સમજતા’ કહી દૂર કરે છે. નળિયાંના કારખાનામાં મજૂરી કરીને દેવું ફેડી દીકરાનું ઘર બંધાવનારાં ભાભી સાથે આડા ચાલતા વાણિયાનું માથું ફોડનારાં ભાભીને ગામ નાત બહાર મૂકે છે. અને ભાભી પણ એમની મહેચ્છા મુજબ જડેશ્વરની જગ્યામાં સેવાભક્તિ કરવા ગામ-ઘર છોડી દે છે. ભત્રીજા મનસુખને ત્યાં ચા પીવા ગયેલા રામજીને એના મિત્રો ‘એલા, રામા, હાલ હવે હાલ, ક્યારનો એ રાંડના ઘરમાં શું ઘલાયો છે?’ એવો સાદ પાડે છે. એક માણસ સીધી લીટીએ ચાલતું રહીને જીવતું હોય તો પણ ગામ-સમાજ એની શી વલે કરે છે અને જેનું સંવેદન સાબદું છે તેવો કથાનાયક પણ તેનો માત્ર મૂક પ્રેક્ષક કેવી રીતે બની રહે છે તે વાત અહીં પર્યાપ્ત આરોહ-અવરોહ સાથે નિરૂપાઈ છે. વાર્તાકારનું કથાનાયક તેમ જ વાર્તાના વાસ્તવ સાથેનું કલાકીય તાટસ્થ્ય –એસ્થેટિક ડિસ્ટન્સ વાર્તાકાર જિતેન્દ્ર પટેલમાં રસ લેવા પ્રેરે છે. મને ‘ભાભી’ વાર્તામાં ગ્રામીણ અબળા માટે અબાધ સહાનુભૂતિનું નિરૂપણ, ગામની જૂની નવી પેઢીનું બંધિયાર માનસ, બદલાતી ભૌગોલિક આર્થિક પરિસ્થિતિ અને ત્યાં બોલાતો શબ્દ બધું જ આસ્વાદ્ય લાગ્યું છે. આવી સ્ત્રી પેટલીકરની વાર્તામાં ઝાડની ટોચે ચઢીને પડીને આપઘાત કરે, અહીં પોતાના દીકરાનું ઘર મંડાવી, ગામ છોડી જીવવાની સધિયારો શોધી લે છે. લેખક જીવવાની તરફેણ કરે એ મને ગમે છે. આ લેખકની નવલિકા ‘પાવો’ ગ્રામજીવનની પરિસ્થિતિમાં સંસ્કારાતા બાળમાનસની આંટીઘૂંટીમાં લઈ જતી રચના છે. ખેડૂત કુટુંબ છે. બે દીકરા છે. નાના દીકરાના દૃષ્ટિબિંદુથી વાર્તાની સૃષ્ટિ સર્જાઈ છે. મા વત્સલ હોય, છતાં દીકરાને પૈસા ન આપી શકે, બહાનાં કાઢે, છેવટે મેળામાંથી હકલો પાવો ચોરી લાવે. બાપ સમસમી ઊઠે. કથાનાયકે ધારેલું કંઈક જુદું : ‘મને થયું, સાચું કહી દેવા દેને : બાપુ તો ટાઢા બોર છે. ખબર પડશે એટલે ઊલટાના એ બાને વઢશે કે તું કંઈ લઈ નથી દેતી એટલે આણે હાથફેરો કર્યો છે. જવાબમાં મેં ધીમેકથી માથું હલાવ્યું. ચોરી કરી? આજ દી’ લગણ ક્યારેય સાંભળી નહોતી એવી રાડ બાપુએ પાડી, મારી તો ચડ્ડી પલળી ગઈ. બાય ફફડી ગયાં. જોઉ તો બાપુની આંખો ઊંબાડિયા જેવી લાલચોળ, ઝટિયાં વેરવિખેર. બોલ કાં ચોરી કરી? મારા વાંહે ધડાધડ ધબ્બા પડવા માંડ્યા. મારી સાત પેઢીમાં કોઈ આવું નથી થ્યું ને તું કજાત આવો ક્યાંથી પાક્યો? બાએ માંડ એમને રોક્યા. ખબરદાર એને ખાવાનું આપ્યું છે તો! મેં હીબકાં ભરવા માંડ્યાં. બા કહે : મૂંગો મર રે’ ભૂંડો લાગે છે. નથી સારું કમાણો. સાંભળું ને ઓલો ઝેરીલો ઉપર પાવો વગાડે. યાદ આયું ને મેં મોં આડે હાથ દઈ દીધો. મારો રોવાનો અવાજ એના પાવા આગળ પિપૂડી જેવો બની જાતો હતો. દરરોજનો કાં રોવે? કહેતાં છાનો રાખવા દોડી આવતાં ભાભુ ને માસી આ વખતે નહીં આવ્યાં હોય ને? આ છે વાર્તાનો અંત. બાળક પોતે વાર્તા કહે છે અને વર્તમાન કાળમાં કહે છે. લોકબોલીનો માફકસરનો ઉપયોગ થયો છે. સભાનતાથી કશી સાહિત્યિકતા અહીં ઉમેરવામાં આવી નથી. ટાઢાબોર, હાથફેરો કર્યો, આંખો ઊંબાડિયા જેવી લાલચોળ, સાત પેઢીમાં કોઈ આવું નથી થ્યું આ બધા પ્રયોગો એક જુનવાણી નૈતિકતા ધરાવતું ગ્રામીણ વાતાવરણ સજર્ે છે. આ નવલિકામાં જો વિવિધ વયના ગ્રામજનોના સ્વભાવની લાક્ષણિકતાઓ ન હોત, બાળક કેમ ચોરી કરવા પ્રેરાય છે એનો સમીકરણની રીતે સપાટ ઉત્તર હોત તો એ દૃષ્ટાંતકથા બની રહેત. પણ અહીં કલાની સૂઝ ધરાવતા વાર્તાકાર અંતને વળાંક આપી શક્યા છે એ નોંધપાત્ર છે. ચાડી ખાનાર ભાઈ ચોરીનો પાવો વગાડે છે અને એ નીતિ-અનીતિના ભયથી મુક્ત રહી શકે છે. માબાપનું રૂઢિગ્રસ્ત માનસ કેવું એકપાર્શ્વી છે એનો પણ અહીં અણસાર આવી જાય છે. આપણી પાસે લોકસંસ્કૃતિનો નૈતિક વારસો છે પણ અભાવગ્રસ્ત શ્રમજીવી સર્વાંગી વિકાસ સાધી નથી શકતા અને જેને પ્રેમભરી માવજતની જરૂર છે એને નિર્મમ બની જઈને દંડે છે. ‘ખાડ’ વાર્તા ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા-૨’માં સમાવેશ પામી છે. ખાડ અનુગામી પેઢીને પણ વારસારૂપે મળે? ગામના સંયુક્ત કુટુંબમાં, અભાવગ્રસ્ત અને અકળાવી મૂકે એવી કઈ ખાડ છે? ગુસ્સે થઈ ગાડાનું આડું ફેંકે એ ઘોડિયામાં રહેલા બાળકને વાગે, લોહીનાં ટીપાં પડવા લાગે છતાં બચવાની એક આશા. આ વાર્તા પણ પાત્રો સાથે સમગ્ર ગ્રામીણ પરિસ્થિતિને ઊંચકે છે અને વીસમી સદીના અંતિમ વર્ષના શહેરી ભભકાની સમાન્તરે ઘણી સદીઓ પાછળ જીવતા મધ્યયુગીન માનસનો સંકેત કરે છે. વાસ્તવની આ સમજણ જિતેન્દ્રની વાર્તાઓની મૂડી છે. કશી પ્રતિજ્ઞા વિના નૈસર્ગિક માનવીય પ્રતિબદ્ધતા જિતેન્દ્રની નવલિકાઓની ખૂબી છે.

(૪) રેલવે સ્ટેશનનું જીવન : જનક ત્રિવેદી

જેમના લેખનમાં પોતીકા અનુભવોનો અવાજ સંભળાય છે એમાંના એક છે જનક ત્રિવેદી. (૧૯૪૪) એમની વાર્તાઓની હસ્તપ્રત મને શ્રી કિરીટ દૂધાતે પહોંચાડી હતી. કિરીટ વિવેચન ભાગ્યે જ લખે છે પણ એનો અભિપ્રાય ઉથાપવા જેવો હોય જ નહીં. કલાનિષ્ઠા અને જીવનનિષ્ઠાને ઉગ્ર સ્પર્ધામાં મૂકી શકનાર વાર્તાકારે પસંદ કરેલી વાર્તાઓ મારે વાંચવાની હતી. એમાંથી થોડીક વળી જનકભાઈએ રદ કરી. કેટલીકમાં ફેરફાર કર્યા. આમ તો બે સંગ્રહ થતાં બચે એટલી વાર્તાઓ સામયિકોમાં પ્રગટ થઈ હશે. પણ પહેલા સંગ્રહમાં રેલવે સ્ટેશનના જીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ આપવાનો વિચાર આવકાર્ય હતો. કદ થાય કે નહીં એની એમને ચિંતા ન હતી. મેં કહ્યું કે ‘ખ્વાહિશેં’માં જે થોડુંક રંગદર્શીપણું છે અતિરંજન છે એ બાધક બનતું નથી. એક ધૂની એકાકી માણસનું મધ્યમવર્ગીય ગૃહિણીના પરિપ્રેક્ષમાં થયેલું અંકન કલાત્મક છે. આ ગૃહિણીનું પાત્રનિરૂપણ વિરલ છે. નિમિત્ત એમાં નિમિત્ત બને છે. વળી ફૂલછોડ, અળવીનાં પાન, માટીની કહોવાતી ફળદ્રુપતા, માની ઉપેક્ષા, પતિની સંવેદના એ બધાનું યથોચિત સંયોજન થયું છે. ‘ક્યાં જાય છે કાનજી?’ પ્રથમ વાચને જ સ્મૃતિમાં જડાઈ જાય એવી નવલિકા છે. ‘કાળી રાત કાળી ઓઢણી કાળી ચીસ’ નામની ચુનીલાલ મડિયાની નવલિકામાં રેલવેની દુનિયા સાથે સંકળાયેલા નરકની ઝાંખી થાય છે. બળાત્કારનો ભોગ બનતી યુવતીનું બાળક ઠંડીમાં ઠુઠવાઈને મરી જાય છે. અહીં વિષય એથી ઊલટો છે. રેલવે સ્ટેશન પર કામ કરનારાઓની માનવતા સંકોરાય છે. કાનજી નામે દુબળો પાતળો છોકરો એની માને શોધવા નીકળ્યો છે. ખબર નથી મા ક્યાં છે. બાપે બીજું બૈરું કર્યું છે. કાનજી વરસનો હતો ત્યારે જ એની માને પતિએ તગેડી મૂકી હતી. દીકરાને સાથે લઈ જવા મા ખૂબ રડી હતી પણ આંસુ એળે ગયાં હતાં. પછી માર ખાવાનો વારો આવ્યો કાનજીનો. એ કાકા ભેગો રહેતો હતો. મજૂરીનાં કાવડિયાં કાકા-કાકીને દઈ દેતો. તોય માર તો રોજ ખાવાનો. ત્રણ દિવસથી ભાગ્યો છે. ખાધું નથી. સ્ટેશન માસ્તરની અંદર બેઠેલો સંવેદનશીલ માણસ અને એવો જ એક પ્રેમાળ કર્મચારી અમુ આ છોકરાનો પ્રશ્ન ઉકેલવા ફાંફાં મારે છે. કાનજીએ કોઈની પાસેથી માગીને ખાવું નથી. મા પાસે પહોંચવું છે, જેના નામઠામની ખબર નથી. સ્ટેશન માસ્તર આ છોકરાના ભૂતકાળમાં તો રસ લઈ શકે છે પણ એના ભાવિનો ઉકેલ એમની પાસે નથી. એણે વેઠેલી યાતનાઓની વાતો સાંભળ્યા પછી પણ એ એને સલાહ આપે છે : ‘માને ગોતવા તું ક્યાં ક્યાં ફાંફાં મારતો રહીશ? એ કરતાં તો તું તારા ઘેર પાછો જા ’ સ્ટેશન માસ્તરે છોકરાની શ્રદ્ધા અને મનોબળ ચકાસવા પ્રયત્ન કર્યો. ‘છોકરાના હાડપિંજર સરખા દેહમાં સંચાર થયો. એ આસ્તે આસ્તે ટટ્ટાર બેઠો. એની નાનકડી આંગળીઓ બાંકડાના હાથ ઉપર કસાણી. એણે આંખો સીધી સ્ટેશન માસ્તર સામે નોંધી. એની આંખોમાં ક્ષણભર ત્રાસજનક સ્મૃતિઓનો ઘટાટોપ ઊમટ્યો. પછી આક્રોશ અને બળવાનો રંગ ઊપસ્યો. પછી વીરડીમાં પાણીની ડહોળાશ આછરતી હોય તેમ આવેશ ઓછર્યો. પછી એણે દૃષ્ટિ ફેરવી આકાશ જ્યાં ક્ષિતિજને મળતું હતું ત્યાં ગોઠવી. પછી એ શાંત, ધીમા મક્કમ સ્વરે બબડ્યો; ના... ના... એને હું ગોતવાનો.’ આ છોકરો સહૃદય વાચકને ભારતના એવા અસંખ્ય છોકરાઓની યાદ આપશે જેમણે ભીખ નથી માગવી અને માને ગોતવી છે... ‘સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ’ વિશે હરિકૃષ્ણ પાઠક વાત કરતા હતા. ‘નાનાની મોટાઈ જોઈ જીવું છું’ ઉ. જો. નું આ આશ્વાસન જનક ત્રિવેદીનો સ્વાનુભાવ છે. એક સામાન્ય નોકરિયાત કેવું સંનિષ્ઠ જીવન જીવી જાય છે, કેવા સંતોષ સાથે નોકરીનો છેલ્લો દિવસ વિતાવે છે એ બે વસ્તુનું આ વાર્તામાં સંયોજન થાય છે. સ્મૃતિઓ વર્તમાન ક્ષણોને વજનદાર બનાવી રહે છે. ચોથા વર્ગના કર્મચારી એમના ઉપરીઓની વિદાય વખતે ફાળો આપે પણ એમની વિદાય જેવું કશું યોજાય જ નહીં? આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર જનક ત્રિવેદીને આ વસ્તુ કઠે છે. યુનિયનની પ્રવૃત્તિઓને ટેકો ન હોય છતાં ભોગ બનવાનું આવે તો એ બચાવ ન કરે. બલ્કે ‘આ બૈલ, મુઝે માર!’ કહેતાં બીજું કોઈક બળદના મારથી બચી જશે એવો રોમાંચ અનુભવે. યુનિયન સાથે રહીને નુકસાન વેઠ્યું તો યુનિયનવાળાઓની અસંગતિઓ ખુલ્લી પાડીને એકલતા વહોરી. ‘ઝોલું’ વાર્તામાં એનો નિર્દેશ મળે છે. જીવનની વિલક્ષણતાઓનો અનુભવ કરાવતી એ વાર્તા જીવનના ઉધાર પાસાનો અણસાર પણ આપી જાય છે. કદી ન નહાતો અને એક દિવસે ઘડેલા રોટલા પાંચ દિવસ ખાતો ટીડો ઝીણામાં ઝીણી રેખાઓ સાથે ઊપસે છે. ‘સફાઈ કામદાર હકા ટીડાની દિનચર્યા’ પણ એક ઘૂંટાયેલું ચિત્ર છે. અહીં દલિતો પ્રત્યે સહાનુભૂતિ છે, પક્ષપાત નથી, નિરીક્ષણ અને મૂલ્યાંકન છે. પગાર આખો વ્યાજખાઉ વેપારી પડાવી જાય પછી હકા ટીડા અને એમનું કુટુંબ કેવી રીતે દિવસો વિતાવે છે એનું પ્રતીતિજનક ચિત્ર અહીં મળી રહે છે. ‘રોજિંદા ક્રમ પ્રમાણે ગઈ કાલે અને આજે સવારે પાટામાંથી વીણેલી બળેલી કોલસીનો ડબ્બો શ્રી હકા ટીડાની ઘરવાળી ત્રણ કિલોમીટર છેટે ગામમાં વેચી આવી છે. તેમાંથી મળેલા પૈસામાંથી દાણા ખરીદી-દળાવી અને તેલમસાલા લઈ ઘરે આવી ગઈ છે અને રોટલા ઘડી રહી છે.’ હકા ટીડાના ભાઈનો સંદર્ભ પણ અહીં પ્રસ્તુત છે : ‘સામંતના આંટા લૂસ છે. ત્રણ છોકરાં છે. પી. ડબલ્યુ. ડી.માં ચોકીદાર હતો. કોન્ટ્રાક્ટર સાથે મળી કરેલી સરકારી માલની ચોરીનું આળ ઇજનેરે સામંત માથે નાખ્યું હતું. જણ મૂંઝાણો અને ખાબક્યો કૂવામાં માથામાં ઇજા થઈ પણ કમનસીબે બચી ગયો. ત્યારથી એની કમાન છટકી. બોલે તો એકાદ વેણ, બાકી મલક્યા કરે. પોતાને સામંતસિંહ કહેતો સામંત રખડી-રઝળી ખાય છે. સામંતની વહુ મજૂરી કરી ત્રણ છોકરાંઓનું પેટ પાળે છે. મજૂરી ન મળે તો દેહ વેચીનેય ચલાવે છે. શ્રી હકા ટીડા કોઈ શરમ-સંકોચ, છોછ કે હીણપત ભાવ વગર સહજતાથી પોતાના માજણ્યા નાના ભાઈની કરમ કઠણાઈની વાત કરે છે.’

વાસ્તવના આ અંશ સાથે, સાંધાવાળા જેઠાલાલ ગોરધનને નોકરીના છેલ્લા દિવસે કેવું લાગે છે એ પ્રશ્નનો ઉત્તર જોઈએ : ‘સાહેબ, એકેય એકસિડન્ટ વગર, એકેય ચારજશીટ વગર, એકેય લાલ લીટા વગર ઉપરવાળાની દયાથી નોકરી હેમખેમ પૂરી થઈ. ભોળિયાનાથનો મોટો પા’ડ, બીજું શું!!’

જનકભાઈની કેફિયત જણાવે છે કે એમનાં પાત્રોએ એમને મિત્રોની હૂંફ આપી છે. અને તેથી જ એમની એકલતા તેમના માટે કંટાળાજનક બની નથી. એમની વાર્તાઓમાં પણ કુત્રિમતા કે અતિરંજન નથી. ભાષા શ્વાસોચ્છવાસની સહજતાથી ચાલે છે. પાત્રોચિત વૈવિધ્ય એ લીલયા લાવી શકે છે. ‘ફરેબ’ વાર્તામાં એનો પ્રયોગ છે. કદાચ પહેલી વાર લેખક અહીં જીવનરીતિને બદલે સાહિત્યિક યુક્તિ ખપમાં લે છે. ફરેબી લાગતો માણસ એનાં આશ્રયદાતા કરતાંય વધુ સાચુકલો નીકળ્યો! ‘બાવળ વાવનાર’ સંબોધન-શૈલીનો, વ્યંગ અને વ્યાજસ્તુતિનો અનન્ય નમૂનો છે. નોકરી દરમિયાન નાનામાં નાની બાબતે સચ્ચાઈથી વર્તવું, એ ખાતર સહન કરવું, બીજાઓના ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન ન કરવા, તક મળે ત્યાં લડી લેવું અને નિરંતર વેઠ્યા કરવું આ નિયતિ છે બાવળ વાવનારની. સ્વાર્થને જ પરમાર્થ માનતાં તંત્રોમાં સત્ય ખાતર સ્વાર્થ જતો કરવો એ જ બાવળ વાવવાનું કામ કહેવાય છે. અહીં આદર્શપરાયણતાની આ સાદ્યંત નિષ્ફળતામાં આશાનું કિરણ છે વ્યાજસ્તુતિ રૂપે ઠપકો આપનાર પ્રવક્તા ‘એક સાંધાવાળો રિટાયર્ડ થતાં પહેલાં એના છોકરાને નોકરીએ વળગાડી દેવા તમારે ગળે પડેલો, અને તમે તમારા અધિકાર બહારની તાકાત અજમાવી હતી. તમારી નોકરી જોખમમાં મૂકી દીધી હતી. તમારાં બાળબચ્ચાંઓને ઘંટી ચાટતાં કરી તમે એના છોકરાને સાંધાવાળા તરીકે દાખલ કરી દીધેલો. હું એ જ છોકરો છું, સાહેબ, એ જ ગરીબ સાંધાવાળાનો છોકરો...! તમારો આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર!!’ (બાવળ વાવનાર) રેલવે ટી સ્ટોલવાળા ભીખા ભગત ભાડું ચૂકવી શકે એટલુંય કમાતા નથી. લવોભાભો એમને ટેકો કરે છે. આ સંબંધને ‘કૃષ્ણ કહે ઉદ્ધવને’ કથામાં નિરૂપ્યો છે તો ‘શિવો’ કથામાં પ્રેમ ગુમાવી શ્રમજીવી બનેલો એક જીવંત ચહેરો આલેખાયો છે. વાર્તાકથક મિત્ર શિવાને એના પ્રથમ પ્રેમ વિશે પૂછે છે; શિવો કહે છે : ‘ભાઈ, તેં તો બહુ છેટેનું પૂછી નાખ્યું. પણ મારે થાય છે ખોટીપો. શેઠિયા મારી વાટ જોઈને બેઠા હશે. પણ સાંભળ, એક વાત મારેય જવાબમાં તને પૂછવી છે. એનો જવાબ તને જે મળે ઇ મારો જવાબ સમજી લેજે. ક્ષણભર એ રોકાયો. પછી બિલકુલ નજીક આવી મારી સામે વેધક નજર નોંધી રાખતાં ધીમેથી પૂછ્યું; હેં મોટા, પેટ પહેલું કે પ્રેમ?’ ભારતના સત્તાણું ટકા માણસો વતી જનકભાઈ આ પ્રશ્ન પૂછતા લાગે છે : ‘હે મોટા, પેટ પહેલું કે પ્રેમ?’


(૫) ‘નકલંક’ : મોહન પરમાર

‘નકલંક’ એક સુદીર્ઘ નવલિકા હોવા છતાં આંતરસમ્બન્ધોની ચુસ્તી ધરાવે છે. જુનવાણી થયા વિના એ સામાજિક હેતુ સૂચવે છે. વર્ગીય પૂર્વગ્રહ દાખવ્યા વિના પણ એ દલિત વાર્તા બને છે. મિલ બંધ પડતાં પત્ની રાધા અને પુત્રી રમા સાથે ગામ પાછા આવેલા કાંતિને હાથસાળ પર કામ કરતાં અણધારી અગવડો પડે છે. એ અટકીને પાછો કામ શરૂ કરે છે : ‘એણે ફળુ ભર્યું ને પછી વણવાનું શરૂ કર્યું. વણતાં વણતાં રાચમાં એક તાર ભરાયો ને કાંઠલો ઊછળ્યો. સીધો જ દીવાલે ભટકાયો. માટીની દીવાલમાં ખાસ્સો એવો ગોબો પડ્યો. ‘હત્‌ તારી...’ બબડીને ટુવાલ કમર પર લપેટીને એ ઊભો થયો.’ શ્રી મોહન પરમાર ઉત્તર ગુજરાતના એક ગામડાના વણકર કુટુંબમાંથી આવે છે. એમના ગામનું હાથવણાટનું કાપડ વખણાય છે. વણકરોની આર્થિક સ્થિતિ સુધરી છે. એમનો સામાજિક મોભો વધ્યો છે. કદાચ તેથી તો મંગળદા મુખી કાંતિને કામે બોલાવે છે ત્યારે એ ભોંય પર બેસવાને બદલે ખાટલી પર બેસી શકે છે. પાત્રો વચ્ચે અંગત પરિચય પણ છે. મંગળદા અને કાન્તિ સાથે ભણતા. મંગળ ઊઠી ગયો પછી પણ કાંતિ માધ્યમિક અભ્યાસ ચાલુ રાખવા બીજે ગામ જાય છે જ્યાં એની સાથે ભણતી દીવાને એક સહાધ્યાયિની બળજબરીથી બચાવે છે. એ દીવા મંગળ સાથે પરણી છે. દીવા સુંદર છે, સુખી ઘરની પટલાણી છે. નિઃસંતાન છે. જુદો રહેતો મંગળ મુખીનો ભાઈ સેંધો દીવા સાથે છૂટ લેવા ફાંફાં મારે છે. પણ એમાં સફળ થતો નથી. ગામને અડીને આવેલા ખેતરમાં સુખસગવડ ધરાવતા ઘરમાં દીવા રહે છે. મુખી ખેતી સાથે રસ્તાના બાંધકામના કંટરાટ પણ રાખે છે અને એ કારણે એમણે કોઈકવાર બહારગામ પણ જવાનું થાય છે. આ પરિસ્થિતિ રચીને લેખકે કાંતિ અને દીવાને નજીક લઈ જવાનાં બીજાં નિમિત પણ મૂક્યાં છે. ‘ભેખડ’ લઘુનવલમાં શ્રી મોહન પરમાર સુરેશ જોષીની રીતે કલ્પનોને અવલંબીને ચાલતા લાગે છે. અહીં એમણે મુખર થવાનું જોખમ ખેડ્યું છે. એથી ધૂંધળાપણું નાબૂદ થયું છે અને પોતાનાં આગવાં નિરીક્ષણો ખપમાં લેવાની તક મળી છે. સંપન્ન ખેડૂતસમાજના પ્રતિનિધિ તરીકે દીવા અને શ્રમજીવી વણકર સમાજના પ્રતિનિધિ તરીકે કાંતિને ઘટાવીએ તો કોઈક ડાબેરી અભ્યાસી પ્રશ્ન કરશે : એ બે પ્રતિનિધિ પાત્રો દ્વારા વર્ગભેદ ઊપસે છે ખરો? હકીકત એ છે કે ગામેગામ આવો વર્ગભેદ છે જ નહીં. તો શું દીવા-કાંતિ વચ્ચે વિકસતા જતા સખ્યનું આલેખન સહજ છે? ના, અપવાદરૂપ છે, અશક્ય નથી. વાર્તામાંથી પ્રતીત થતા વાસ્તવ સાથે એ અસંગત નથી. બધા સંકેતો એમ સૂચવતા જાય છે કે મંગળદા મુખીની ગેરહાજરીમાં વહેલી પરોઢે દીવા અને કાંતિનું મિલન થશે. બેમાંથી એકેય પાત્રે આ પૂર્વે પોતપોતાના જીવનસાથીને છેહ દીધો નથી પણ તાજેતરમાં વધેલા આકર્ષણને કારણે પૂર્વેની વફાદારી સાથે છૂટ લેતાં એમને સંકોચ નહીં થાય. દીવાનું સ્પષ્ટ નિમંત્રણ છે અને કાંતિ પત્નીને કહી રાખે છે કે પોતે વહેલા જવાનું છે. પણ ત્યાં બેઉ પક્ષે આકસ્મિક ઘટનાઓ બને છે જે માત્ર આકસ્મિક નથી, સ્વયંભૂ પણ છે. પહેલાં દીવાના પક્ષે રહેલી માનસિક ભૂમિકા અને પરિસ્થિતિ જોઈએ. કિશોરાવસ્થામાં થયેલા મનમેળનો આધાર લઈને આગળ વધવાની કાંતિની ઇચ્છા બિલકુલ નહોતી પણ દીવા પ્રત્યેક પરિસ્થિતિમાં કાંતિની રાહ જોતી થઈ જાય છે. મુખીનો સાથી ચતુરજી ક્યારેક એ રીતે પૂછે છે કે એમાં વાચકને ટકોર પણ વરતાય. બીજી બાજુ સેંધો તો મંગળદા મુખીની પણ અનેકવાર કાનભંભેરણી કરી ચૂક્યો છે. જે સ્થાન અને સમ્બન્ધ માટે સેંધો ગમે તે કરવા તૈયાર છે એ એને મળતું નથી કેમ કે મંગળદાને કાંતિ પર વિશ્વાસ છે, એના કામથી સંતોષ છે. લેખકે બોલકી રીતે એવું ચીતર્યું નથી કે મંગળદાથી દીવાને જાતીય અસંતોષ હોય. પણ એ નિઃસંતાન છે, એ હકીકત વગર કહ્યે પામી જવાય છે અને સેંધો જે છૂટછાટ લેવાના પેંતરા કરતો રહે છે એની સામે એને મુખીની ભીતિ હોય એવું લાગતું નથી. મુખીનું પાત્ર ગૌણ રહીને પણ સંકુલતા સાથે ઊપસી આવે છે. સેંધો પણ ઠંડે કલેજે દીવાને ઘાટમાં લેવાની ગોઠવણ વિચારતો રહે છે. દીવાનું દુર્ભાગ્ય એ છે કે એ સેંધાની મનોદશાને પામી ગઈ હોવા છતાં એનાથી નિર્ભય રહે છે. અથવા કહો કે અસાવધ રહે છે. આ બાજુ એક દિવસ કાંતિ વહેલો આવીને પૂળા પર બેઠો છે. એની પાછળ ફરતા સાપને જોઈને કપડાંની ડોલ પડતી મૂકીને કાંતિના બંને હાથ પકડી લઈને એને પૂળા પરથી ખેંચી લે છે. આવેશમાં આવી જઈને કાંતિને જાણે સાડલામાં સંતાડવા મથતી હોય એમ કરે છે. સાપ અહીં યૌનવૃત્તિના પ્રતીક હોવાની સાથે સેંધાના પ્રતીક તરીકે પણ કામ આપે છે. દીવા કાંતિને સેંધાથી બચાવવા સભાન છે તેમ કાંતિ પોતાની અને મુખી વચ્ચેના વિશ્વાસને બચાવવા મથતો રહ્યો છે. આ તંતુ પણ લેખકે ટકાવી રાખ્યો છે. પણ છેવટે બંનેય વ્યાકુળ બની જાય છે. મુખી સરપંચ સાથે બહારગામ ગયા છે, સાથી ચતુર પણ મરચાં લઈને જવાનો છે તે બીજા દિવસે બપોરે આવશે. દીવા કહે છે : ‘હવારે વે’લા તો આંય ચકલુંય ફરકતું નથી. શું જોઈ રહ્યા છો? આવશો નઅ?’ લેખક નોંધે છે : ‘કાંતિ મૌન રહ્યો. એ સાંઠીકડા વડે જમીન ખોતરવા લાગ્યો. દીવા પાસે આવી, ને ગરદન પર આંગળી દબાવતાં બોલી : ‘કાલ આવશો નં?’ જમીન ખોતરતાં કાંતિથી બોલી પડાયું, ‘હા.’ હવે આ સંયોગને-શક્યતાને સામી બાજુથી જોઈએ. વણકરવાસનાં ઘરેઘર એક સમૂહ છબિના અવિભાજ્ય અંશ જેવાં છે. મંગળદા મુખી ખેતરમાં અલાયદું ઘર કરીને રહી શકે એવી ભૌતિક સુવિધા પણ આ વણકરવાસના સભ્યો પાસે નથી. પરંતુ જે આર્થિક વિષમતા છે એ અમુક સંયોગોમાં વરદાનરૂપ નીવડે છે. મિલ ચાલુ હતી ત્યારે સ્વચ્છ સુઘડ કાંતિ ગામ આવતો. ત્યારે ઘણાને ‘ફૂલફટાક’ લાગતો. વાસમાં એનું અને એની પત્ની રાધાનું અહીં એક સ્થાન છે. પતિપત્ની વચ્ચે જે અતૂટ નાતો છે એ આવતી કાલે સવારે ટકી રહ્યો હશે ખરો? આ ન પુછાયેલો પ્રશ્ન કાંતિ માટે મહત્ત્વનો છે. વાસમાં રાતે ખોડાને ત્યાં ભજન છે. જાણવા છતાં કાંતિ ખાટલો ઢાળે છે. રાધા કહે છે કે તમે ભજનમાં નહીં જાઓ તો વાંક મારો જ ગણાશે. કાંતિ વિમાસણમાં છે ત્યાં રાધા એની પાસે આવીને બેસે છે, બે-ત્રણ મહિનામાં રોડનું કામ પૂરું થશે ને એવામાં જ મિલ ચાલુ થશે વગેરે વાતો થાય છે એ સાથે રાધા પોતે વણતાં શીખી ગઈ છે એમ જણાવી કાંતિના હૃદયમાં હકપૂર્વક સ્થાન જમાવે છે. ભજન અને રાધા પ્રત્યે જાગેલી હેતભરી નજર મળીને એક પરિબળ બને છે. દલો એને ભજનમાં ખેંચી જાય છે. અહીં અનામત આંદોલનનો સંદર્ભ પણ વ્યર્થ નથી જતો. ગામની શાંતિ હણાય તેમાં પોતે નિમિત્ત તો નહીં બને એવો કાંતિને પ્રશ્ન થાય છે. ગામડા ગામમાં કશું અછતું રહે જ નહીં. સેંધો તો કાળઝાળ છે જ. એ વાત વહેતી કરે અને અશાંત પરિસ્થિતિ સર્જાય. ભજનની ઘટના વૃત્તિવશ કાંતિને વિચારતો કરે છે અને એ ભજનરસમાં બરાબરનો ડૂબે છે. સવારના છ વાગ્યા સુધી ભક્તિ અને સત્સંગ ચાલે છે. કાંતિ ઘેર પહોંચે છે ત્યારે રાધા એને મુખીના ખેતરે વહેલા જવાવાળી વાતની યાદ આપે છે. પણ કાંતિ તો એની સાળ પાસે જાય છે, વણવાનું શરૂ કરે છે. વાર્તાના આરંભે અટકી ગયેલા વણાટનું અહીં સ્મરણ થયા વિના રહેશે નહીં : ‘ઊંચાનીચા થતા રાચ અને કાપડ પર ઠોકાતી ફણી કાંતિને અત્યારે અળખામણાં લાગી રહ્યાં હતાં. એનો એક પગ જોરદાર રીતે પાવડી પર ઠોકાયો. ફટાક કરતી રાચને બાંધેલી દોરી તૂટી ગઈ. રાચ વેજા પર લબડી પડ્યાં. એક હાથ હાથા પરથી છટકી ગયો. બીજા હાથે પકડેલી ગિલોલી પર હાથનાં આંગળાની છાપ ઊપસી આવી.’ વાર્તાને અંતે દોરી ફરી એકવાર તૂટી જાય છે. પણ એ કંઈ શ્રમિકની જીવાદોરી નથી, એ તો ભ્રાન્તિની દોરી છે. બેની દોડતી આવીને રાધાને કહે છે : ‘ભરભાંખરે સેંધાભૈએ મુખીની વહુની લાજ લીધી.’ આ સાંભળતાં જ કાંતિનો પગ જોરથી પાવડી પર પછડાય અને રાચની દોરી તૂટી જાય, એની સાથે વાર્તા પૂરી થાય એમાં ઔચિત્ય છે. એક આશ્વાસન પણ છે. કાંતિ દીવાનો બોલાવ્યો ગયો હોત તો બંનેનું પતન થાત. સેંધાના બળાત્કારે માત્ર એનું એકલાનું જ પતન થયું. આ વાર્તા સામાજિક નૈતિકતા વિશે પણ મોંઘમ રીતે કશુંક કહી જાય છે. વણકરવાસનું સહજીવન કાંતિને અઘટિત વર્તનમાંથી બચાવી લેવામાં નિમિત્ત બને છે, જ્યારે મુખી અને એના ભાઈ વચ્ચે સમ્બન્ધનું એવું કોઈ પરિબળ બચ્યું નથી જે એમને ‘નૈતિક’ રાખી શકે. સીધો વર્ગભેદ કે વર્ગવિગ્રહ આલેખવાને બદલે વાચકને જ સરખામણી કરવાની તક આપતી આ નવલિકા વર્ગીય પક્ષપાત અને પૂર્વગ્રહથી મુક્ત હોઈ એક વિશિષ્ટ અર્થમાં ‘નકલંક’ છે. કાંતિની દમિત વાસનાને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો વિષય બનાવ્યા પછી પણ વણકરવાસના ખાતે સચ્ચાઈની મૂડી સારી એવી જમા રહેશે. રાધાએ અગાઉ કાંતિની બેચેની જોઈને કહેલું : ‘રુદિયું ખોલો તો કાંક ખબર પડે.’ વાર્તાને અંતે મૌન અર્થવાચક બની રહે છે એની સાથે કાંતિ માટે નિજબોધની દિશા ઊઘડવાની શક્યતા ઊભી થાય છે, અજાણતાં જ. ‘મારા માટે મોટામાં મોટું સુખ એ છે કે હું નાનામાં નાના અને મોટામાં મોટા માણસો વચ્ચે જીવી શકું છું. મન થાય તો મેળામાં જઈ ચકડોળમાં બેસું, મોજમાં હોઉં તો સત્સંગીઓ જોડે બેસું, કોઈ બે વ્યક્તિઓ વચ્ચેના રગડા-ઝઘડા દિલ દઈને સાંભળું, ચાની લારી પર ચાય પીઉં, મજૂરોની વસ્તીમાં હરવાફરવાનું બહુ ગમે, બધું સાવ નજીકથી-ઝીણવટથી જોયું છે.’ (કેફિયત, ‘અંચળો’ પૃ. ૨૮૨) શ્રી મોહન પરમારનો પાંચમો વાર્તાસંગ્રહ ‘અંચળો’ સત્તર સામાજિક નવલિકાઓ ધરાવતો રસપ્રદ વાર્તાસંગ્રહ છે. શ્રી મોહન પરમાર ગુજરાતી નવલિકાના અભ્યાસી છે. પીએચ. ડી. થયેલા છે. સરકારી અમલદાર તરીકે મુદત પૂરી કરીને નિવૃત્ત થયા છે. વતનની ધૂળને ભૂલ્યા નથી તો પોતાના વાચનના અને વિનયવિવેકના બળે અભિજાત ગણાતા વર્ગો અને ઉન્નતભ્રૂ વિવેચકો સુધી સ્વાભાવિક સંપર્ક ધરાવે છે. આ વિગત એમણે પોતાની કેફિયતમાં કહીને નવા વાર્તાકારો માટે એક સૂચન પણ કર્યું છે. સફળ વાર્તાકાર થવું હોય તો અનુભવ અને નિરીક્ષણની મૂડી વધારવી પડશે. ડૉ. ભરત મહેતા લેખકોની પ્રશંસા કરવા માટે જાણીતા નથી પણ એમણે ‘અંચળો’ની સત્તર વાર્તાઓમાં જોવા મળેલી મોહન પરમારની સામાજિક નિસ્બત અને શબ્દસાધનાની નિષ્ઠાની પ્રશંસા કરી છે. આ મૂલ્યાંકન સંગ્રહનો મહિમા કરવા માટે પૂરતું હતું તેમ છતાં લેખકે પુસ્તકને અંતે ‘હેડકી’, ‘પડળ’, ‘સમથળ’, ‘ઘોડાર’, ‘ભ્રમણા’ અને ‘ઉચાટ’ વિશે શ્રી વીનેશ અંતાણી, સુમન શાહ, રાધેશ્યામ શર્મા, કલ્પેશ પટેલ, હરીશ વટાવવાળા, રાજેન્દ્ર મહેતા, સતીશ ડણાક અને જયંત ઉમરેઠિયાના ટૂંકા આસ્વાદ મૂક્યા છે. ‘નાથટેકરી’નું વસ્તુ ‘પાતળી પરમાર’ લોકગીતની યાદ આપે એવી લાંબી નવલિકા છે. પત્ની પ્રત્યેનો પ્રેમ એને ન જોતાં વિકરાળરૂપ ધારણ કરે છે. બાળકોને મામાને ત્યાં મૂકી પત્ની માણસખાઉ નાથટેકરી બાજુ ગઈ છે આટલું વસ્તુ આધારરૂપ છે. બાકીનું કામ લેખકની વર્ણનશક્તિ કરે છે. માણસનું ઉધાર પાસું અહીં કંઈક વધુ દેખાય છે. નહીંતર મોહન પરમાર શુભમાં શ્રદ્ધા ધરાવતા, માણસ માણસ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે લખતા લેખક અને પત્રકાર છે. સુરેશ જોષી જેવા લલિત ગદ્યના સ્વામીને આત્મસાત કર્યા પછી દલિત તરીકેનું દાયિત્વ મોહન પરમારની વાર્તાઓનો પડાવ દલિત અને લલિત સાહિત્ય વચ્ચે છે. જોકે વિકાસક્રમમાં એમણે પોતાનો લાલિત્યશોખ ઘટાડીને માપસર કર્યો છે. અહીંની મોટા ભાગની વાર્તાઓ કુટુંબ અને સમાજના પ્રશ્નોનું નિરૂપણ કરવાની સાથે એકબે મુખ્ય પાત્રોના મનની વિમાસણનો વધઘટ થતો આલેખ પણ આપે છે. આ દૃષ્ટિએ એ પન્નાલાલના વારસદાર ગણાય. ‘મળેલા જીવ’ પર ઊતરેલા હિન્દી ચલચિત્રનું નામ ‘ઉલઝન’ હતું. મોહન પરમાર એ ઉલઝન-વિમાસણમાંથી મુખ્ય પાત્રને બહાર લાવવાની કળા જાણે છે. આ એમની સફળતાનું રહસ્ય છે. બીજું નોંધપાત્ર લક્ષણ છે એમણે પસંદ કરેલી ઘટનાઓ કાલ્પનિક લાગતી નથી. કલ્પનાશક્તિ સજર્કનો ગુણ ગણાય, પણ કલ્પના એવી ન હોય કે એ બનાવટ લાગે. આ બે દૃષ્ટિએ થોડીક વાર્તાઓ જોઈએ : જેના પરથી સંગ્રહનું નામ અપાયું છે એ વાર્તા ‘અંચળો’ એક ગુણદર્શી યુવકની મિત્ર પ્રત્યેની નિષ્ઠા અને અંગત કારકિદર્ી વચ્ચે સમતુલા શોધે છે. જેને બઢતીનો હક હતો એ મિત્રને – સુધીર અગ્રવાલને અન્યાય થાય અને અંતે હૃદયરોગના હુમલામાં એનું અવસાન થાય એ ઘટનાનો સાક્ષી થનાર મિત્રનું સ્થાન કેવી રીતે પચાવી શકે? આ વ્યાપક માન્યતા છે પણ એનું આચરણ બહુ ઓછા લોકો કરી શકે છે. ‘અંચળો’નો નાયક કરી શકે છે. જાગૃતિ-સ્વપ્ન બેઉ સ્તરે એ સભાન છે. વાર્તાનો આરંભ સૂચક છે : ‘પહાડની ટોચ જાણે મારા માટે વેરણ બની બેઠી. દૂર દૂર નજર નાખી થાક્યો. કશું હાથવગું જણાયું નહિ. અભય ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટની કોલોની જડવત્‌ હતી.’ આ બાહ્ય પરિસ્થિતિ નાયકની દ્વિધાગ્રસ્ત મનઃસ્થિતિનો સંકેત કરે છે. લેખક આવા સંકેતોનો ખપપૂરતો ઉપયોગ કરીને તુરત સામાન્ય વાચકની જિજ્ઞાસાને સંકોરે છે. તેથી એમને વાચકોની ખોટ પડતી નથી. ‘સમથળ’ વાર્તામાં કુટુંબના કંકાસ સાથે બધો ભાર વેંઢારતી પ્રૌઢતા પામી રહેલી યુવતીનું આત્મનિવેદન છે. બીમાર સાસુ બેકદર અને ચણભણ કરનારી હોય, બાળકો તરફથી પણ હૂંફ કરતાં ફરિયાદ વધુ હોય ત્યારે આધુનિક નારીવાદ બળવો સૂચવે અને જુનવાણી માણસ આપઘાત. પણ આ વાર્તાની નાયિકા પોતાને સાસુના સ્થાને કલ્પીને, કલ્પના દ્વારા સ્વરૂપાન્તર સાધીને દુઃખજન્ય કંટાળાથી મુક્ત થઈ શકે છે. અંત જુઓ : ‘રૂપાન્તર થતું થતું મારું અસ્તિત્વ બામાં ભળ્યું. બા એકાએક બેઠાં થઈ ગયાં. એના ચહેરાની ઊઘડતી રેખાઓમાં મમ્મીનું મમતાળું સ્મિત ફરક્યું. ને હું પળનોય વિલંબ કર્યા વિના દોડીને બાની બાજુમાં બેસી પડી. મેં દીવાલ પર ટીંગાડેલા બાના ફોટા સામે જોયું. પછી બા સામે જોયું. બંને ચહેરા મને મારા જેવા જ દેખાયા...’ (પૃ. ૨૭, ‘અંચળો’) સંગ્રહની તેરમી વાર્તા ‘વરસાદ’ ગામ સાથે ધરોબો સૂચવે છે. વીતેલા સમયની અને વર્તમાનની લેખકને રજેરજ ખબર છે. સામાન્ય ઘરનો છોકરો જે કોઈ જ્ઞાતિનો હોય, મોટો અમલદાર થયા પછી પણ એ છોકરો જ રહે છે. આ કારણે નાયક અપમાનિત થતો લાગે પણ અંતે એને એનું બાળપણ પાછું મળી જાય. વાર્તા ચોક્કસ ક્રમ સાથે ચાલે છે. એનું વ્યાકરણ ખૂલી જાય છે તેમ છતાં એના જીવંત અંતને કારણે વાર્તા આનંદદાયી બને છે અને આત્મજ્ઞાન ભૂલીને મોટો અમલદાર-કલેક્ટર થઈ ગયેલો માણસ નિજબોધ પામે છે. આ દર્શન વરસાદી પાણીના તોફાન દ્વારા વ્યક્ત કરીને લેખકે સજર્કતા દાખવી છે. જેમણે કાંતિને માન નહોતું આપ્યું, જૂની મમતાથી એની નબળાઈઓની યાદ આપી હતી એ બધાં હવે સાચાં સ્વજન લાગે છે. ‘અલ્યા ભૈ, હું તમારો કાંતિ, મારા પર શીદને રીસે ભરાયાં છો?’ હું પાણીમાં બેઠો થયો. ખળખળ વહેતા પાણીને હાથવચાળે ઝીલ્યું. ઊભો થયો, પાણીમાં પગ પછાડ્યા પછી દોડ્યો. ઝાંપા સોંસરવો ગામમાં પેઠો. ખળખળ વહેતા પાણીની નીકમાં આળોટતો ને હું કાંતિ, તમારો કાંતિડો પેલો લીંબડો ખસેડવા ભેગા થયેલા ટોળા ભેળો ભળી ગયો...’ (પૃ. ૧૯૮, ‘અંચળો’) ડૉ. ભરત મહેતાના તારણ સાથે સંમત થવું ઘટે : ‘અંચળો’ સંગ્રહમાંથી પસાર થતાં એક આનંદનો અનુભવ થાય જે ગુજરાતી વાર્તામાંથી સામાજિક નાયક-નાયિકા ખોવાઈ ગયાં હતાં તે અહીં મળે છે. કહેવાતી વૈયક્તિકતા પર લેખક ઝળુંબતો વરતાતો હતો એ અહીં નથી. બીજી તરફ વાર્તા સાથે જોડાયેલી વિભાવના ‘ધ લોનલી વોઈસ’ કે ‘લિરિકલ ક્રાય’ને આ વાર્તાઓ તળે ઉપર કરી નાખે છે... વાર્તાઓમાંથી પ્રગતિશીલ સંદેશ ફોરે છે.