ગુજરાતી નિબંધ-સંપદા/વિષ્ણુ પંડ્યા/હથેળીનું આકાશ

From Ekatra Wiki
Revision as of 12:28, 23 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''હથેળીનું આકાશ'''}} ---- {{Poem2Open}} સંબોધનનો પરિચિત શબ્દ અપરિચયની ગુફામા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> હથેળીનું આકાશ


સંબોધનનો પરિચિત શબ્દ અપરિચયની ગુફામાં ખોવાઈ ગયો હતો ત્યારે તેં હથેળીના આકાશમાં ગુપચુપ આંખો ઢાળી દીધી હતી. પણ બીજી જ ક્ષણે તારા મ્લાન ચહેરા પર ફરિયાદ હતી : ‘ક્યાં છે મારાં અધખીલેલાં ફૂલોની સુગન્ધ? જે છે તેને તો કોઈ નામ નથી…’

તારે એ નામની શોધ આદરવી છે, અવકાશમાં તું મોટેથી સાદ દે છે અને વૈયક્તિકતાનો સ્પર્શ પામવાની હોંશેહોંશે તું એનું નામાભિધાનેય કરે છેઃ ‘આ રેખાનું નામ રાતરાણીનું ફૂલ રાખીએ તો? અને આ જૂઈની કળી જેવી જ શરમાળ છે ને? પેલી…?’

…પણ તેણે તો આ પ્રદાનનો અસ્વીકાર કરી દીધો! એને તારી જિદ્દની ખબર નથી લાગતી. એક વાર બચપણમાં તુલસીપૂજાના ઉત્સવની વહેલી સવારે તેં તારી ઝાંઝરી તુલસીના કુમળા થડને બાંધી દીધી હતી. માએ કહ્યું: ‘અલી, આ શું ગાંડપણ કર્યું છે?’ કલકલતા ઝરણા જેવાં તારાં વર્તનમાં જ તેનો પ્રત્યુત્તર હતો : તુલસીનો પ્રણયઉત્સવ ઝણકાર વિનાનો અશબ્દ હોય ખરો?

એમ જ તું આ બધીને તારા મનગમતાં ફૂલોનું નામ આપવા હોઠ ફફડાવે છે : રાતરાણી, ચંપો, પારિજાત, સૂર્યમુખી, કેસૂડાં, બકુલ… કુમળું માથું હલાવતી રેખાઓ નકાર ભણે છે. તારી વિસ્મિત દૃષ્ટિ હથેળીને અનિમેષ સ્પર્શે છે : જાણે કે, હમણાં ત્યાં કોઈ આનંદમાં ડૂબેલું મહાનગર વસેલું હતું, અને હવે ખારા જળનું એક બિન્દુ સાચવી રહેલું વિરાન રણ વિસ્તરી ગયું છે…

શું એ બિન્દુ તારી આંખમાંથી તો નથી લઈ લીધું ને? મૌન અને કોલાહલનો આ ગીતસ્વર હથેલીને ક્યાંથી લાધ્યો? એની મને ખબર છે, આવ, તને કહું. હવાનો થડકાર પણ તેને સાંભળી ન જાય, ક્યાંક! ભલે, ઝાકળની ટેકરીઓની પેલી પારના ગીતના રોમાંચથી તારાં કર્ણફૂલ આંદોલિત બની જાય…

એક ભાદ્રપદી સાંજે બારી બહાર ધૂળિયા રસ્તા પર ચહેરાઓ ધીમા પગલે અદૃશ્ય થતા હતા… પશ્ચિમની પાંખમાં થોડોક ગुલાલ હતો તે વેરી દીધાનું તોફાન કરીને પંખીઓ પોતાના માળા તરફ દોડતાં હતાં… આકાશે જોયું તો અનાયાસ એક તારલો સલામ આપતો આવીને ઊભો હતો! કોઈ આલીશાન ઑફિસના દરવાજે તેને જોયો હતો કે શું? મેં તેનું નામ યાદ કરવાની કોશિશ ન કરી અને ‘ભાદ્રપદી તારા’ની સંજ્ઞા આપી દીધી. કંટાળીને પૂર્વજોએ ચીંધેલી ‘પ્રભાતે કરદર્શન’ની પરંપરા છોડીને આ અન્યમનસ્ક સાંજે હથેલી તરફ નજર માંડું છું ત્યાં –

અરે… આ વિદાયઉત્સવના સ્વરો ક્યાંથી સળવળી ઊઠ્યા છે? સઘળાં પરિચયપર્ણોને ખંખેરીને આ રેખાઓ તો પોતાની ચોકી કરતા પર્વતો(mounts)ની પાર, સાત સમુદ્ર પારની યાત્રાએ નીકળી પડી છે. હૃદય, પ્રજ્ઞા, પુરુષાર્થ, સ્વસ્થતા, ભક્તિ અને મુક્તિ – બધી જ સોનલ કન્યાઓએ વિદાયનો શણગાર સજી લીધો! વિહ્વળ ભાગ્યરેખા આંગળી પકડીને પોતાની સહેલીઓને દોરી રહી છે. કણ્વની રાહ જોવાનું તેમને પાલવે તેમ નથી. લો, આ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો, રવીન્દ્રે એ વિદાયને થોડાક શબ્દો ક્યારના આપી દીધા છે. રેખાઓની આંખોમાં એ વિસ્મૃત થઈ ગયેલું ગીત છેઃ વિદાય. હે સખા! રથનો ચંચળ વેગ મારું પ્રાચીન નામ હવામાં વિખેરી દે છે, પાછા ફરવાનો માર્ગ નથી. દૂરથી તું જોઈશ ને, તોય મને ઓળખી શકીશ નહીં!

— કોઈ કામ વિનાની અવકાશી સાંજરે, વાસંતી હવામાં અતીતના કાંઠેથી જે રાત્રે દીર્ઘશ્વાસ વહી આવશે, ખરી પડેલાં બકુલનું ક્રંદન આકાશને વ્યથાથી ઘેરી લેશે ત્યારે મને શોધી જોજે. તારા પ્રાણની સીમાએ મારું કશું પાછળ રહી તો નથી ગયું ના? એ વિસ્મૃત સાંજે પ્રકાશ આપશે કદાચ, અને નામહીન સ્વપ્નની પ્રતિમા પણ સર્જે, કદાચ. એ કંઈ સ્વપ્ન નહીં હોય, એ જ મારું સત્ય છે, મૃત્યુંજય છે ને એ જ છે મારો પ્રણય! એને હું તારે માટેના, પરિવર્તનરહિત અર્ઘ્ય રૂપે મૂકતી આવી છું. હે સખે વિદાય!

પણ વિદાયની આટલી સહજતા મને સ્વીકાર્ય નહોતી. પ્રશ્નાર્થોથી ચિત્ત ખળભળી ઊઠ્યું હતું – કઈ માટી પર આ નૂપુરવિહોણા ચરણોનો સ્પર્શ થઈ રહ્યો છે? હજાર વર્ષના પુરુષાર્થ પછી ભગીરથે સર્જેલી આ સોનલરેખાઓને ક્યાં જવું છે? કણ્વની ચરણધૂલિ લીધા વિના જ કયા દુષ્યન્તની શોધમાં નીકળી પડી હતી આ શકુંતલાઓ? કલ્પના કરું છું : અભિશાપિત યક્ષના દૂતની રાહ જોઈ હશે. મેઘદૂત આવીને ખાલી હાથે આગળ ચાલ્યો ગયો હશે, પ્રતીક્ષાની પીડા વિરહની તપ્ત જ્વાલાઓમાં પરિણત થઈ ગઈ હશે અને આખરે આ મૃદુલ ચહેરાઓ મિલનયાત્રાએ નીકળી પડ્યા હશે…

‘થોભી જાઓ, સોનલપરીઓ!’ એમ કહેવા હાથ ઊંચો કરું ને કોઈ શબ્દ હોઠ પરથી સરી પડે એ પહેલાં તો આ અપ્સરાવૃન્દ ન જાણે, ક્યાં અદશ્ય થઈ ગયું!

ન જાણે ક્યાં –

…ભાદ્રપદની એ કંપિત રાત્રિએ તો કેવળ આકાશી તારાની ગુનગુનાહટ અને મારી ખાલી હથેળી જ ગોષ્ઠિ કરતાં રહ્યાં…ને હું ચૂપચાપ આંગણે ઊભેલા સરગવાના સર્‌સર્ અવાજમાંથી કોઈ અલિખિત ગીત શોધતો રહ્યો.

પણ ક્યારેક કોઈ ઉતાવળી ક્ષણે હથેળીના આકાશની રેખાઓના સઘળા ચિત્તસંસારનો સાક્ષાત્કાર થઈ જતો અનુભવ્યો છે. હા, ત્યારે ય હાથ લંબાવીને કહું – ‘અરે, તું તો ભાગ્યરેખા!’ ત્યાં તો ફરી પેલા નિબિડ વનની પદરવવિહોણી યાત્રાનું મૌન છલકાઈ જાય છે…

એમ જ એક વાર હૃદયરેખાએ બારણે ટકોરા માર્યા હતા. સિમલાના અતિવૈભવી નિવાસોથી દૂર, એક તરાઈની વચ્ચે ચૂપચાપ ચાલી જતી પગદંડી આવીને થોભી ગયેલી મેં જોઈ હતી. એક વૃક્ષના ચરણે નાનકડી તખતી પર એ પ્રિયવૃક્ષના જન્મકાળની મુઠ્ઠીભર સ્મૃતિ વેરતી મહિલાએ પોતાના પ્રિયતમનું નામ આલેખ્યું હતું! બીજા વિશ્વયુદ્ધના સંગ્રામમાં ક્યાંક તેનો પતિ મૃત્યુ પામ્યો હતો, ને તેની યાદમાં આ ઘટાદાર વૃક્ષની લીલાંસૂકાં પર્ણોથી લચેલી ડાળીઓ! શું સંગ્રામમાં જ સ્નેહ ખીલતો હશે – તેના પૂર્ણવૈભવે? એક સંગ્રામ પૂર્ણ થયો ત્યારે તેણે પ્રિયતમ ગુમાવ્યો હશે, ને બીજો સંગ્રામ શરૂ થયો હશે – ચિત્તમાં વિરહનો સંઘર્ષ. બંને સંઘર્ષોમાં હૃદયરેખાના રંગો ભળી ગયા હશે, નહિતર દ્રૌપદીની જેમ –

હા, આપણા આ સાવ પરિચિત પાત્રની હથેળીની હૃદયરેખા કોઈ અન્ય પૌરુષભર્યા હાથ સુધી લંબાઈ નહીં હોય : અતિપરાક્રમી અર્જુન સુધી પણ નહીં. એટલે જ દ્રૌપદીના હૃદયે પડેલા પ્રચંડ પ્રણયને લોકોએ તો કેવળ જ્વાળામુખી તરીકે જ જાણ્યો પણ જ્વાલાના એ પિણ્ડના અણુઅણુમાં શું વ્યાપ્ત હતું? રૂપવતી યાજ્ઞસેનીનો કૃષ્ણ પ્રત્યેનો સખ્યભાવ આપણને વનપર્વમાં ખીલેલાં ફૂલ શો પ્રાપ્ત થાય છે : કૃષ્ણ પ્રત્યેના તેના સંખ્યની ઝાઝી વાત વ્યાસે આપણને ક્યારેય ન કરી. પણ રાજસભામાં રજસ્વલા સુંદરીના વસ્ત્રાહરણ વેળાનો ચિત્કાર કાળદેવતાએય પોતાના ગ્રંથના કોઈ પાને સાચવી રાખ્યો છે : ‘મારે પતિ નથી, પુત્ર નથી. મારાં કોઈ સગાંવહાલાંઓ નથી, ભાઈ નથી, પિતા નથી, અને કૃષ્ણ – તું પણ મારો કોઈ જ નથી!’ ‘આ તું પણ મારો કોઈ જ નથી’માં હૃદયની છલોછલ પીડાનો કેવો તીવ્ર પ્રતિઘોષ છે? પ્રણયભગ્ના અવમાનિતા દ્રૌપદીએ પૂછ્યું હતું પોતાના પતિને – જુગારના દાવમાં પહેલાં કોને મૂકેલ? મને કે તમને? પ્રત્યુત્તર કઠિન નહોતો. યુધિષ્ઠિરે પોતાને જ દાવમાં મૂકેલ. પછી દ્રૌપદીને. એટલે જ બીજો પ્રશ્ન દ્રૌપદીએ કર્યો હતો – ‘પોતાને હારી ચૂકેલો માણસ બીજાના પર કેટલોક અધિકાર રાખી શકે?’ ‘અધિકાર’ શબ્દનો આટલો પીડિત અને કરુણ ઉપયોગ ઇતિહાસે બીજે ક્યાંય કોઈ ખંડિત પાત્રના સ્વરોમાં કર્યો હોય એવું સાંભળ્યું નથી… એટલે જ ખંડિત સ્વપ્નાંઓના અવશેષને આંખમાં લઈને બેઠેલાં પાત્રોને ગમે ત્યાં, ગમે ત્યારે જોઉં છું ત્યારે પૂછવાનું મન થાય છે : ‘કેવીક છે તમારી હૃદયરેખા?’ એ હાથ જરૂર સાચવીને બેઠો હશે – ખંડિતા દ્રૌપદી જેવી જ રેખાને, ક્યારેય તેનાં પગલાં આગળ ધપશે નહીં, ક્યારેય તે ઓગળી શકશે નહીં.

– પણ મૃત્યુદેવતા તો ભારે પ્રવૃત્ત છે : ક્યાંય વિસામો નહીં. આવે ને હાથ પકડીને દોરી જાય. પરિવારનું રુદન શેષ રહે. એની કોઈ રેખા હથેળીના આકાશે ક્યાંક ગોપાયેલી બેઠી હશે? કોણ જાણે! પણ, તેનો પરિચય મેળવવાની તૃષ્ણા ન જાગે તેવું બિહામણું સ્વરૂપ ઘણી વાર લૅમ્પપોસ્ટના ઓથારે ઊભા રહીને રાહ જોતું મેં ભાળ્યું છે. એનું સખ્ય કોઈનેય નહીં ગમતું હોય પણ એકાકી જીવનની તેને તો મઝા છે. વીતેલી ક્ષણ સુધી રોજિંદા જીવનની ગતિનો ધબકાર જેની આંગળીઓમાં અનુભવાતો હોય તેને, આવીને આલિંગન આપી દે છે; એક ચુંબન : અને પેલી આંગળીઓ થીજી જાય છે – તુલસીપત્ર, ઘીનો દીવો, લાલ કપડું અને ગીતાપાઠ : અંગૂઠે અગ્નિસ્પર્શ થયો અને ધૂ…ધૂ અગ્નિજ્વાળાઓ વિસ્તરી ચૂકી. ભય, લજ્જા, કીર્તિ, જ્ઞાન, પ્રણય, વ્યવહાર, વિચાર – બધાં વસ્ત્રોને મૃત્યુ પોતાના હાથે ઉડાડી મૂકે છે. નિરાવરણ રૂપમાં જ તેને રસ છે : પછી તે ભલે કુરૂપ, બીભત્સ, કે કરુણમાં પરિણત હોય. બાંગ્લાદેશના તરુણ કવિ નિર્મલેન્દુ ગુણે મુક્તિસંઘર્ષના સ્વરો વચ્ચે વિલુપ્ત થઈ ગયેલી બહેનના નિરાવરણ મૃત્યુ વિશે એક કાવ્ય લખ્યું છે. યાદ આવે છે? –

જાણું છું –  ક્યારેય તેણે પોતાની પ્રતિકૃતિ, જોઈ નથી ફોટામાં કે આયનામાં (સન્દ્વીપમાં બેસીને જેમ સર્વનાશી સમુદ્ર તેના જ જળમાં જોઈ શકાય!)

 – અનાયાસ મોં જોઈ લજ્જાથી એ મ્લાન બની જતી. જાણું છું – પીઠ પરથી સુતરાઉ સાડી સરોવરના જળમાં હઠાવી નથી. લજ્જા, બધી વાતમાં લજ્જા –  સ્વરમાં, ગજરામાં, પાંપણોમાં આસન્નપ્રસવા હોવાના અપરાધને અનુભવતી કેવી લજ્જાળુ બની જતી આ સ્ફીતોદરા નારી! તોયે આજે –  પરદેશીઓની આંખો સામે કેવી નગ્ન-નિર્લજ્જ, ખામોશ પડી છે!

પાણી ભરેલા ખાબોચિયામાં, પશુઓ અને પુરુષોની નજદીક. માંસલ ભુજાઓ નગ્ન છે. કોમળ પાની, વક્ષનો ઉભાર નગ્ન ગ્રીવાની લજ્જાળુ ભંગિમા નગ્ન –કોણ ઉન્મત્ત શું તેની આ નિ:શબ્દ નગ્નતામાં આવીને બેઠું છે? તેના સારાયે દેહની સાથે પ્રકૃતિનો નગ્ન પરિહાસ –  કેવળ ગોપનમાં અંગલજ્જા ઢંકાયેલી છે, તાજા જન્મેલા મૃત સંતાનની લાશથી. તેની પ્રતિકારવિહોણી, સ્વાધીન નગ્નતાને બન્દી બનાવીને પત્રકાર, ઝૂલતા કૅમેરાધારી ફોટોગ્રાફર પાછા વળે છે પત્રિકાઓનાં પાનાંઓ પર.

અસહાય, સૂરજના કફનથી ઢંકાયેલી મારી બહેનની લાશ –  પહેલાંની જેમ હવે કહેશે નહીં : ‘આમિ કિછુતેઇ છવિ તુલબ ના!’ જાણે તેની સઘળી લજ્જાનો બોજ હવે મારો છે – કેવળ મારો જ. શું એ માતા અને બાળકની મૃત્યુરેખા એકબીજીનો હાથ પકડીને દૂરસુદૂર પર્વતોની પેલી પાર દોડી હશે ત્યારે અવશેષ રૂપે આ કાવ્યને શબ્દ આપતી ગઈ હશે?

હા, કદાચ એમ જ.

કોલાહલભર્યા આ માનવબજારમાં આપણે સૌ બહાવરા બનીને ભટકીએ છીએ. પ્રવૃત્તિહીન દિવસે મન ઉદાસ બનીને સ્મૃતિના રંગીન આકાશને પામવા મથે છે. ક્યાંક કોઈ ક્ષણે મળેલા સ્નેહનો અપ્રતિમ અભિષેક, હૃદયના ખૂણે સંઘરાયેલી મીઠી તરજ, આયુષ્યની કેડી પર પાછળ રહી ગયેલા પ્રેમાળ ચહેરાઓ…. શોધયાત્રાનાં આ જ છે ઝાકળબિન્દુઓ.

…અને એ બિન્દુઓ ક્યારેક શબ્દ બનીને આંગણે આવીને ઝૂમી ઊઠે છે. ચૈત્રી ઉત્સવથી મન પ્રફુલ્લિત બની જાય છે – બસ, આનંદ, આનંદ જ! હૃદયમાં, હોઠ પર, આંખોમાં, આંગળીઓનાં ટેરવે ધબકાર અનુભવતી છાતી પર શબ્દફૂલ વિરાજિત થાય છે –

…અને ક્ષણવારમાં તેની વિદાય પણ…

તું કહીશ : વિદાય? ના, કદાચ એની પરાગરજ હથેળીના આકાશે છવાયેલી છે ને? એમ કહેતાં તારા મોં પર સુરખી છવાઈ જાય છે.

અને તું બોલી ઊઠે છે : મળી ગયું! મળી ગયું!

મેં પૂછ્યું : શું?

‘સંબોધન…’

હા, એ અશબ્દ સંબોધનથી સમગ્ર આકાશે આનંદસમુદ્ર પર પોતાની નાવ મુક્તપણે વહેતી કરી મૂકી છે! એમ કહેતાં તારા મોં પર સુરખી છવાઈ જાય છે એ આકાશી ગીત પણ કેવું છે?

શૂન્ય ઝુલિ આજિકે આમાર, દિયેછિ ઉજાડ કરિ યાહા કિછુ આછિલ દિબાર, પ્રતિદાને યદિ કિછુ પાઈ –  કિછુ સ્નેહ, કિછુ ક્ષમા તબ તાહા સંગે નિયે યાઈ પારેર ખેયાય યાબો યબે ભાષાહીન શેષેર ઉત્સવે. ‘હથેળીનું આકાશ’