અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/છેલ્લો કટોરો (ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને)

From Ekatra Wiki
Revision as of 07:24, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''[ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને]'''}} છેલ્લો કટોરો ઝેરનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> [ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને]


છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!

         અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
         ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
         શત્રુ તણે ખોળે ઢળી સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન : રિપુ-મન માપવું, બાપુ!

         સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,
         શી છે ગતાગમ રત્નના કામી જનોને?
         તું વિણ, શંભુ! કોણ પીશે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ!

         કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટ્યા?
         દરિયા ગયા શોષાઈ? શું ઘન-નીર ખૂટ્યાં?
         શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારાં દુ :ખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ!

         ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
         જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
         થોડાઘણા છંટકાવ ગોળીબારના—
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!

         શું થયું — ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો!
         બોસા દઈશું — ભલે ખાલી હાથ આવો!
         રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!

         જગ મારશે મ્હેણાં : ન આવ્યો આત્મજ્ઞાની!
         ના'વ્યો ગુમાની — પોલ પોતાની પિછાની!
         જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!

         જા, બાપ! માતા આખલાને નાથવાને,
         જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
         જા સાત સાગર પાર સેતુ બાંધવાને—
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!

ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!

(સોના-નાવડી, પૃ. ૮૫-૮૬)