કાવ્યાસ્વાદ/૪૧

Revision as of 10:23, 11 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૧

પવન આવે છે, મારી પાસે પડેલી કવિતાની ચોપડી ફરફરવા લાગે છે. ડેવિડ રોકિઆહ નામના યહૂદી કવિની એક કવિતા યાદ આવે છે : ‘બજારની દુકાનમાં ઉઘાડી પડેલી ચોપડીના જેવો હું છું. અક્ષરો મારાથી દૂર ઊડી જાય છે, પવન અક્ષરોને ભેદીને છૂટા પાડી દે છે. છેલ્લા કેટલાય દિવસથી મેં કોઈનાય નિમન્ત્રણનો સ્વીકાર કર્યો નથી. મારા મિત્રો એવા નિર્ણય પર આવ્યા છે કે બેવફાઈ માટે ઉનાળો સારામાં સારો સમય છે. જો આપમેળે સ્પષ્ટ થઈ જાય એવું છે તે પોતાની સમજૂતી મારી કવિતામાં આપતું નથી. સૂર્યના પ્રકાશમાં પ્રજ્વલિત સમડી પાછળ દોડવું તેના કરતાં આંગણામાંની વેલીને પાણી પાવું સહેલું છે. સમુદ્ર તો નિયમનું પાલન કરવામાં ચુસ્ત છે – સમય પણ, ભલે ને એમ કરવા જતાં એ ભાંગી પડતો હોય.’