મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૪. સુંદર શામળા રે

Revision as of 09:14, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. સુંદર શામળા રે |પ્રેમાનંદ}} <poem> ‘સુંદર શામળા રે! અમો હાર્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪. સુંદર શામળા રે

પ્રેમાનંદ

‘સુંદર શામળા રે! અમો હાર્યાં ને જીત્યો તું;
પછે લ્યો તે લ્યો હમણાંથી, તારે જોઈએ રે શું?

દિવાકર અસ્તાચળ પહોત્યો, પડી, પ્રભુજી! સાંઝ રે;
પરણ્યા પિયુને ઉત્તર દેવો, કેમ રહેવાયે વન માંઝ?

સાસુ સાપણ, નણદી નાગણ, જેઠ જેવો જંમ રે,
સુરભિ-સુત સરખો સ્વામી છે, તેને ઉત્તર દીજે ક્યંમ રે?

અંતે લ્યો તે લ્યો હમણાંથી, અસૂર અમને થાય રે;
ગૃહસ્થા ધરમની મોટી બેડી, ઘેર જઈ દોહવી છે ગાય.

તમો પુરુષ ને અમો નારી, દોહલો લોકાચાર રે;
તુંકારામાં પડે તે મરવું, અમો અબળાનો અવતાર.

પરથમ આવી તમ સંઘાથે કીધો જે સંવાદ રે,
અણઘટતું બોલાણું હોયે તે ક્ષમા કરો અપરાધ.

તમે અમને કૌતુક કીધું, અમે તો કીધું હાસ રે;
આજ થકી અમે તમારી (વણ) મૂલે લીધી દાસ.

અમે આવીશું મહી વેચવા, નિત્ય લેજો દાણ રે;
દહીં-દૂધનું કોણ ગજું? સોંપ્યાં શરીર ને પ્રાણ.

ન ગમે અમને કાંઈ દીઠું તમ વિના, ગોકુળનાથ રે!
પ્રેમાનંદ-પ્રભુ પરમેશ્વર! અમે વેચાણાં તમ હાથ.’