સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/બચુભાઈનો પત્ર : સ્વર્ગના આંખેદેખ્યા હાલ

From Ekatra Wiki
Revision as of 13:01, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સરગાપરથી આવ્યો કાગળ બચુભાઈનો આજે વાંચું છું, સાંભળજો સરવે દુખિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સરગાપરથી આવ્યો કાગળ બચુભાઈનો આજે
વાંચું છું, સાંભળજો સરવે દુખિયાના દિલમાં જે
લખે બચુભઈ : જે દ્હાડાથી તમને છોડી આવ્યો
તે દ્હાડાથી ઊંઘ મૂકીને ઉજાગરા છું લાવ્યો
પાંપણ ભેગી થતી નથી ને! અજવાળાં અજવાળાં
ચોગરદમ દેખી યાદા’વે પ્રથમીનાં અંધારાં
તેજ અને અંધાર તણા ભૈ ત્યાંના આટાપાટા
ક્યાં, ને ક્યાં આ રાતદિવસના તીખા તેજસપાટા!
ત્યાં તો કેવાં ભેગાં થઈને આપણ વાતો કરતાં —
આ તો માળાં મૂગાંમસ જાણે કે ના ઓળખતાં!…


એક ઝાડ છે અહીં મજાનું કલ્પતરુ સૌ ક્હે છે
ખરતું નથી, મરતું નથી, ને એ જે માગો તે દે છે!
પ્રથમીનાં મારાં વ્હાલાં, હું ગઈ કાલે ત્યાં ગ્યો’તો
ઝાડ કને વાતો કરવા તો કહે : “કેમ આવ્યો’તો?”
અક્કલ સૂઝી મને, કહ્યું મેં : “જે માગે તે આપો
એમ સાંભળી આવ્યો છું તો કષ્ટ આપણાં કાપો
કોઈ રીતે મારે આ અમરાપરીમાં તો નથી ર્હેવું
પ્રથમીમાં પાછા જવું છે, લો માગ્યું, તમારે દેવું.”
ખડખડ ખડખડ ઝાડ હસ્યું ભૈ, માણસ કેવો ભોળો
લોક બધા સુખ માગે ને આ માગે દુઃખનો ગોળો!
“ફરી વિચારી માગ મૂરખ”, ક્હે ઝાડ જરા ધૂણીને,
મેં તો કીધું : “આ જ દિયોને, માગ્યું છે સમજીને”,
હવે થાય તે ખરું, ઝાડ જો હશે વચનનું સાચું
તો તો માગ્યું દેશે દેખી આ દુખિયાનું ડાચું.
‘રામ, રામ’, કહું છું કાગળમાં, ફકર્ય ન કરજો મારી
ભલું હશે તો બેતણ દનમાં ભેળો હુંય તમારી.
[‘શૂળી ઉપર સેજ’ પુસ્તક : ૧૯૮૮]