હયાતી/૯૮. ફાવ્યું નહીં ભલે


૯૮. ફાવ્યું નહીં ભલે


ઉત્તર તમારો શું હશે એયે નહીં કહો?
અમને સવાલ પૂછતાં ફાવ્યું નહીં ભલે.

છેલ્લી ક્ષણોનો ઘાટ અચાનક બની ગયો
મેં જિંદગીનું શિલ્પ બનાવ્યું નહીં ભલે.

હરપળ આ આંખમાં રહી ‘આવો’ની એક ચમક,
આ બારણામાં કોઈયે આવ્યું નહીં ભલે.

કોઈ કદીય એને નથી રણ કહી શક્યું,
ઘરને મેં ઘરની જેમ સજાવ્યું નહીં ભલે.

૧૯૭૬