સોનાનાં વૃક્ષો/શુક્રની સાક્ષીએ
પારિજાતના દિવસો આવ્યા છે. ધવલ, સ્વચ્છ. સવાર અને સાંજની કેસરિયા ઝાંય પણ લાવ્યા છે. આષાઢ–શ્રાવણમાં નવી નવી ડાળીએ ફૂટતા અને ઉતાવળી કન્યાની જેમ વિકસતા પારિજાતના આ નાનકડા તરુને જોયા કર્યું છે મેં. એને કળીઓ ફૂટતી હતી તે વેળાનો એના ચહેરા પરનો ઉજમાળો ઉલ્લાસ મેં પાંદડે પાંદડે તરવરતો જોયો હતો. હજી તો વરસાદી વેળાઓની ફૂહારમાં આખુંય પારિજાત ભીનુંછમ ને મલકાતું ભળાતું હતું. શરદની સુગંધ દૂરની સીમમાં ક્યારે ફોરી અને ક્યારે કળીઓ ફૂલ બની બેઠી એનું એકેયને ભાન ના રહ્યું... એક સાંજે આથમતા સૂરજની સાખે કેસરી દાંડી પર ઊઘડું ઊઘડું થતી કળી પ્રફુલ્લ બની રહી હતી. હું જોતો રહ્યો, ક્યારે રાતો મઘમઘી ઊઠી એનો ખ્યાલ ન રહ્યો. એક સવારે જાગ્યો તો પારિજાતનાં ફૂલ હળુહળુ ખરતાં હતાં. એ હતાં તો પ્રસન્ન પ્રસન્ન પણ ક્ષણવાર મને એવું કેમ લાગ્યું કે કોઈક અશબ્દ રહીને અશ્રુ ખેરવે છે? કોઈ નહીં મળેલું પ્રિયજન જાણે અરવ નજરે સામે ઊભું હોય ને હું પ્રત્યુત્તરશૂન્ય હોઉં એમ હું પારિજાત પાસે નતમસ્તક થઈ રહ્યો. બીજી ક્ષણે પણ ફૂલો ખરતાં હતાં – ઉપરની ડાળેથી, નીચલી ડાળે, પાંદડેથી બીજે પાંદડે ખરી જતાં સરી જતાં એ નીરવ પુષ્પો છેક નીચે જમીન ઉપર જાજમ બની જતાં હતાં... મને એમ પણ લાગ્યું કે આ પુષ્પોમાં મારી લાગણીઓ છે; નહીં વહેલાં અશ્રુ પણ છે, સ્પંદનો છે ને વેદનાની વેળાનાં સંવેદનો પણ છે. માટીના રંગો ને માટીની માયા છે. આ ફૂલો; કદાચ અવાક્ માટીના શબ્દો છે એ.... કોઈક અલખનો અવાજ છે સુષુપ્ત ચેતનાનો નીરવ સ્વર છે – નર્યો ને નકરો મૂર્ત અને મૃદુલ સ્વર છે આ પારિજાતનાં ફૂલો! સાંજ પડે છે ને આખા નગરગામમાં પારિજાતને પાંદડે પાંદડે દીવા પ્રગટી ઊઠે છે... સુગંધ પહેરીને હવાઓ ઊભી રહી જાય છે બધે. હું આવી વેળામાં અજંપ થઈ ઊઠું છું. ચાલવા નીકળું છું ને જોઉં છું તો આંગણે આંગણે પારિજાત છે… આ નિર્જન નિવાસના પ્રાંગણે અને ખાલીખમ પ્લોટના પરિસરમાંય ખીલ્યાં છે પારિજાત... ઝાંખી ચાંદનીમાં એ વધારે ઊજળાં લાગે છે. કોઈક દેવનું હીરાજડિત વસ્ત્ર જાણે આ પારિજાત ઉપર ભુલાઈ ગયું છે – કે પરીઓની રત્નજડિત ઓઢણીઓ છે આ તરુની ડાળે ડાળે! નક્ષત્રો છે નભમાંથી નીચે ઊતરી આવેલાં! હું એમની રૂપછટા અને સુગંધ લહરોને પ્રમાણતો ચાલ્યા કરું છું, અટકું છું, આગળ વધું છું. આ મારગ માથેનું મારું નિત્યભેરુ પારિજાત મને રોકે છે – એ પણ મારા જેવું એકાકી છે, હું એના થડને અઢેલું છું, પંપાળું છું એને હાથથી, આંખોથી! થોડાંક ફૂલો ખેરવીને એ મને ઉત્તર વાળે છે! રાતભર વરસતાં રહે છે પારિજાત મારી બારીમાં, મારા વરંડામાં વાડામાં... હજી સવારમાંય રહી રહીને ખરતાં હોય – મૌન. કોઈ કિશોરીને વળી વળીને કંઈક યાદ આવતું હોય અને એકબે અશ્રુ ખેરવતી એ ઊભી હોય – એમ જ ફૂલો ખેરવતાં ઊભાં છે પારિજાત. કોઈકનું સ્મિત થઈને આવેલાં આ પારિજાત સવાર સુધીમાં તો અશ્રુ થઈ જાય છે. જીવનની રાત કેવી કઠોર છે, વેદનામય છે? ઘણીવાર પારિજાતની નીચે ઊભો રહીને, ખરતાં ફૂલોને હથેલીઓમાં ઝીલી લેવા ચાહું છું. મારે ચાખવાં છે એ વિસ્મૃત ઉપેક્ષિત પ્રિયજનનાં અશ્રુફૂલોને! મેંય કોઈને વચન આપ્યું હતું કે કોઈક સવારે આવી ચઢીશ – વાયુની લહર જેમ, રાતભર વેઠેલી તારી પીડા–યાતનાઓને પંપાળવા, બની શકે તો ઝીલી લેવા તારી આંખથી ખરી જતાં અશ્રુપુષ્પોને... આવી ચઢીશ એક દિવસ. પછી કદી જવાયું નથી. એટલે શરદ આવે છે ને પારિજાત ખીલે છે ત્યારે પેલી નહીં જવાયાની પીડા પ્રજળી ઊઠે છે – ફૂલોમાં રહેલી આગનો અનુભવ આવી પળોમાં જ થાય છે. મારે તો પ્રત્યેક ઋતુમાં ઉબળતા મારા કોઈ ને કોઈ જખમને ઠાર્યા કરવાનું થાય છે. કેટલા બધા જખમો છે? કોણે આપ્યા હતા આટલા બધા જખમો? – આનો તો કશો જવાબ નથી મળતો. ને મળે તોય એની યાદ સુખદ થોડી હોય છે? આ ફૂલોથી એ જખમો થોડા સહ્ય બને છે – એમાંની પીડાનો અહેસાસ ખરી વ્યક્તિમત્તાનો અને જીવનની સત્ત્વશીલ મધુરતાનો નવેસર પરિચય કરાવી રહે છે. જિન્દગીનો એ એક ચહેરો આમ ઋતુ ઋતુએ જોયા કરું છું. આંગણાનાં પારિજાતને છોડીને દૂર જવાનું આ ઋતુમાં ગમતું નથી. વૃક્ષોની વચાળે બેસી રહેવાનું ગમે છે – કદાચ એમની છાયામાં કોઈ અગોચર માયાનો સ્નેહાળ હાથ રહ્યો હશે – જે વસમી વેળાઓમાં સ્પર્શી સ્પર્શીને સાબદા કરી રહ્યો છે. વૃક્ષોને જોઈ જોઈને જ ધીરજ પ્રગટે છે, ધીમે ધીમે ઊભાં રહેવાનું, વાવાઝોડામાં ટકી રહેવાનું ને યુગો સુધી જીવનસાધક બની અડગ રહેવાનું બળ મળે છે – વૃક્ષો આ બધું જાણવા દેતાં નથી, ખરાં જોગી તો એ જ છે; સાચાં સ્વજન પણ એ બધાં. આપણે તો કાયમના માટીપગા! આ ઋતુમાં પોયણાં જોવાનુંય ગમે છે. રસ્તાની ધારે જમા થયેલાં વર્ષાજળમાં – સીમવગડાની વાટે જતા ભરાયેલાં પાણીમાં શરદ પોયણે પોયણે ખીલી ઊઠે છે. આ દિવસો જ પોયણા જેવા, ચોખ્ખા, ટટ્ટાર અને દલેદલે ખુલ્લા! ઝરણા ધીમા પડી જાય છે, પહાડો પાછા પલાંઠી લગાવીને બેસી જાય છે; નદીઓ માના પ્રેમ જેવી પારદર્શક થવા મથે છે. સીમમાં સોનું લણાય છે.. પાછાં વળતાં વાદળો વધુ ને વધુ ગાજે છે – એથી સાપનાં ઝેર પાતળાં પડે છે. દિવાળી નિમિત્તે ઘર–ગામ–લોક ચોખ્ખાં થાય છે. મને આવો ઉદ્યમ જોવાનું ગમે છે. સાંજનો ચન્દ્ર રાતે આથમી જાય છે – કદાચ એ જ સવારે પારિજાતનાં ફૂલોમાં શીતળતા થઈને પ્રગટતો હશે. પરોઢના પૂર્વાકાશમાં શુક્રની ઝગમગતી સાક્ષીએ હું પારિજાતમાંથી ખરતાં નીરવ ફૂલોને સાંભળતો રહું છું.
મોટા પાલ્લા, તા. ૨૧–૯–૯૬