સોનાનાં વૃક્ષો/મધુમાસ ચૈત્ર

૧૭. મધુમાસ ચૈત્ર
Sonanam Vruksho - Image 25.jpg

આ વખતના ચૈત્રનો તૉર થોડો નોખો છે. વૃક્ષોમાં એની ખાસ્સી આક્રમકતા પમાય છે ને વહેતા વાયરામાં સોઢાય છે એનો કૈંક નખરાંખોર મિજાજ. નવપલ્લવિત વૃક્ષોમાં આંખના બધા દોષો ધોઈ નાખે એટલી ભરચક લીલાશ છે. ખરી ગયેલી અનૂરી પાછી રોમેરોમ ફૂટી નીકળી છે. જાંબુડાનાં નવાં પાંદડાં સાથે લીલોલીલો મૉર બેઠો છે – જૂન પહેલાં જાંબુ આવવાની આગાહી વંચાય છે. આખો શિયાળો કાળો કામળો ઓઢીને જંપી ગયેલા નિર્મોહી સ્વજન જેવા મોગરા જાગી ગયા છે. પિયર ગયેલી નવોઢાને નાહોલિયો સાંભરતાં એ ઉતાવળી થઈને સાસરવાસે સસ્મિત ધસી આવે એમ મોગરવેલની ડાળેડાળે કળીઓ–ફૂલો રાતોરાત છલકાઈ આવ્યાં છે. ચૈત્ર તો મધુમાલતીનો મહિનો. એ નાજુક વેલને પારિજાતને ડાળે ઝીલીને ઓઢી લીધી છે. એના શ્વેતરક્તિમ પુષ્પોના ગુચ્છાઓ હવામાં લહેરાઈ રહ્યા છે. અહીં બારી સુધી એની ગંધના અશ્વોની હેષાઓ સંભળાય છે. ચૈત્રી તડકામાંય એની સુગંધ મ્લાન થતી નથી, પણ ચાંદની વેળાએ એની પામરી વીંટળાઈ વળે છે એ ઘડીનું ઘ્રાણસુખ ઉન્માદ પ્રેરે છે. અનુભવીઓએ ચૈત્રને મધુમાસ કહ્યો છે. મારા–તમારા ગામની સીમમાં નિષ્પર્ણ મહુડાનાં તોતિંગ ઝાડવાં આ દિવસોમાં કથ્થાઈ કળી ઝૂંડોમાંથી મહુડાં ખેરવ્યા કરે છે. એ મધુપુષ્પોની મહેકથી સીમવગડો મહેકી ઊઠે છે. દૂર દૂરની ટેકરીઓ પણ બેઠી થઈ જાય છે. છાપરે છાપરે ચૈત્રની આગનો રથ ફરી વળે છે. ભમરા અને મધમાખીઓ થાય એટલું સંચિત કરી લેવાના ઉદ્યમમાં રઘવાયાં છે. ગોરસ આમલી રાતારંગે પાકી છે. એનો ગર કોક દેવે દીધેલા વરદાન જેવો વહાલો લાગે છે. ઓછું મહોરેલા મારા આંગણાનાં આંબાની ડાળ ઝરૂખા સુધી આવી ઊભી છે. એની ડૂંખે ડૂંખે આંધરતી કેરીઓને રોજેરોજ મોટી થતી જોયા કરું છું. એને આંખથી અડું છું – હાથથી અડીએ તો ડાઘા પડી જાય. ના, આ કેરીઓને અમે ચૂંટતા નથી, હજી વાર છે! એનો સમય આવશે ત્યારે કેરી પોતે જ બોલશે. ઋતુઋતુના ફળ ખાવા તો બાળક જ બની જવું પડે. મારા વૃદ્ધ દાદા જેવો આ આંબો, જીર્ણજર્જર ઉપવસ્ત્ર ઉતારીને કોક ઘેડમલ મલમલનું અંગરખું ધારણ કરે તેમ, નવાં પાંદડાં ધારણ કરીને ઊભો છે. આસપાસની રોનક વધી ગઈ છે. કેવાં સુવાળાં ને ચમકતાં આ રંગરંગની ઝાંયમાં મલપતાં નવપલ્લવોનો નીખાર છે. ચૈત્રી તડકો એથી જરા વધુ ઊજળો લાગે છે. સોનારા એની સ્પર્ધા કરે છે પણ એ જરાક ભીનેવાન ભાસે છે. કેસિયા નવાં પાંદડાં માટે વસંતના દેવને પ્રાર્થના કરતા ઊભા છે એક પગે, આખે રસ્તે!! ફાગણમાં હજી સંક્રાન્તિની છાયાઓ હોય છે. જાણે એને દૂધ અને દહીં બેઉમાં પગ રાખવાની ટેવ છે. એનાથી શિશિરની આંગળી ઝટ છૂટતી નથી... વળી ચૈત્રનો ઉજમાળો ચહેરો જોવાની ફાગળને ઉતાવળ શું કામ હોય ભલા? એ તો હજી વૃક્ષેવૃક્ષે ખરતાં પાંદડાંને ઝીલ્યા કરતો, વનવગડા ગણ્યા કરતો હોય છે. પણ ચૈત્ર એમ રોક્યો રોકાતો નથી. જાતભાતની સુગંધોની સવારી સાથે સીમ ખેતર પાદર વીંધતો ઘરઆંગણાના લીમડે આવીને છડી પોકારે છે : ‘ભૂતને એના બાકળા આપી વિદાય કરો…’ તરસ સૂકાં પાંદડાંના ઢગલાઓમાં આગ મૂકાય છે, વાદળી ધુમાડાઓ વાતાવરણને યજ્ઞાદિની ભૂમિકા જેવું કરી દે છે. લીમડે લીમડે ચૈત્રની પગલીઓ પડે છે. પહેલાં પાંદડાં અને પછી તરત ઝીણી ઝીણી ખચિત મંજરીથી લીમડો પ્રિયજન બની જાય છે. એની કડુચી સુગંધના તાણા સાથે સદ્ય પલ્લવિત શિરીષની મધરી સુવાસનો વાણો મળીને સવારસાંજનું વસ્ત્ર વણ્યા કરે છે. ખનખન ઝાંઝર વાગ્યા કરે છે. શિરીષમાં લીલાશ–પીળાશવાળાં ગુચ્છાદાર ફૂલો આડે પાંદડાં કળાતાં નથી. પુષ્પો જાણે આંખો. હજાર હજાર વિસ્ફારિત આંખોથી આપણને આવકારતાં હારબંધ શિરીષ વૃક્ષો શાસ્ત્રી મેદાનની ધારે ધારે ઊભાં છે. એમની સંગત કરનારા લીમડા બેઉ મળીને પેશ કરે છે કોક અબોટ સિમ્ફની – સુગંધની સિમ્ફની. સાધના કેન્દ્ર પાસેનું, પેલું મારું દોસ્ત પારિજાત, ચૈત્રમાંય મને રોજ સવારે, ખોબો ભરીને ફૂલો આપવા ઊભું રહે છે... એની પાસે ક્ષણેક થંભું છું ને મારી આંખ આર્દ્ર બને છે. કેવું સ્વજન છે આ મારું! જેને સીંચ્યા એ તો અળગાં થૈને આઘે જઈ રહ્યાં... ને આ નર્યું સ્નેહરત! મેં એને કદી સીંચ્યું નથી તોય દીધા કરે મને સુગંધી સૌગાદ. વૃક્ષોમાં મારી શ્રદ્ધા દૃઢમૂલ થાય છે – આવાં કારણોથી એટલે તો હું વૃક્ષોથી ભિન્ન રહી શકતો નથી. દેવાવતારો વિશે તો મારી કશી પ્રતીતિ નથી પણ મારે મન અલખ ચેતનાનું રૂપ લઈ આવતા વૃક્ષાવતારો વિશે કશી શંકા નથી. દેવો મનુષ્યરૂપે નહીં વૃક્ષો રૂપે જ જન્મે છે એવી મારી દૃઢમતિ બનતી જાય છે. તેત્રીસ કોટિ દેવતાઓની વાત તે કલ્પના નહીં વૃક્ષો રૂપે એ વાસ્તવિકતા લાગે છે. ગરમાળાંના પાંદડાં વિદાય લઈ રહ્યા છે – આવનારી ફૂલઋતુ માટે એ જગા કરી રહ્યાં છે. કેસૂડાં હજી ઉલવામાં હતાં ત્યાં જ તાજા જન્મેલા વાછરડાના કાન જેવા કૂણાં કૂણાં પાંદડાંથી બધી ખાખરીઓ છલકાઈ ઊઠી છે. યૌવને પડખું બદલ્યું હોય એમ રાતું કેસરી કથ્થાઈ પીળું વન લીલા રંગોની આભા પ્રગટાવતું ઊભું છે. શીમળાએ હજી જોગીપણું છોડ્યું નથી. ક્યાંક તો ફુલાળા શીમળા નવાસવા જોગી જેવા લહેરાય છે. પણ કેટલાકે હળવાશના મંત્રો જેવા રૂના પોલ ઉરાડવા માંડ્યા છે. મૂળમાંથી ડાળીએ થઈને ફૂલથી ડોડા સુધી પહોંચેલો માટીનો કશોક સંદેશો શીમળાઓ રૂ રૂપે આખો વૈશાખ ઉરાડ્યા કરશે. ભાર છોડીને હળવા થવાનો એવો કીમિયો આપણનેય જો આવડતો હોત તો?! ચૈત્ર આપણને પાછા જળ, પવન અને છાંયાની સમીપ લઈ આવે છે. કોયલ, બુલબુલ, દૈયડ ને સીટી બર્ડના સ્વરો પુનઃ હ્યદ્ય લાગે છે. હોલો ને કબૂતર, ચકલી ને કાબર – બધાં પ્રેમમાં ગળાડૂબ બની જાય છે. કોક ગ્રામકન્યા ઘર લીંપીને લગ્નની તૈયારી કરે છે. મોટા છોકરાઓ તોફાનમસ્તી ભૂલીને પરીક્ષાની ચિંતામાં દીવા બાળે છે. તરસી ગાયો પાદરના ખાલી હવાડે ટોળે વળી છે. ભેંસો તળાવનો કાદવ ઓઢે છે ને બળદ નદીનો ઢાળ ઊતરી પાણી પીવા જઈ રહ્યા છે. ઘઉંના ખેતરો તડકાની ફસલ જેવાં લણાય છે. ચણાનાં ખેતરો વઢાઈ ગયાં છે. દૂર ખળામાં ખેડૂત તડકો ઊપણે છે. ઉનાળુ ડાંગરના ખેતરોમાં પાણી ફરે છે. શેરડીના વાઢ પાછા ફૂટવા માંડ્યા છે. પાડાની ખાંધ જેવી તમાકુનાં ખેતર કપાઈને નવરાં થયાં છે. દૂર બેલ વાગે છે – નાનકડી ટોળી બરફ ગોળાની જયાફત સારુ દોડવા માંડી છે. દર ખૂલી ગયાં છે – કીડીઓ આપણા રસોડા સુધી પાછી આવી ગઈ છે. કેરી – ગૂંદાના અથાણાં ખાઈને લોક બપોરિયું ઊંઘે છે. વેળા ગોકળગાયની જેમ સંકેલાઈને ઊભી છે. ક્ષિતિજો સુધી ફરફરતા પીતાંબર જેવા તડકામાં લીલાંછમ તરુવરો દેખાયા કરે છે. ઇંગ્લૅન્ડની વસંતમાં બને છે તેમ અહીં પણ ચૈત્રી સાવ લીલી નાઘેર છે. વડ પીપળનેય માખણ જેવાં પાંદ ફૂટ્યાં છે. કણજીઓથી આખો વગડો; વહેળાનો કાંઠો અને ટેકરીઓની કરાડો લીલછાઈ ગયાં છે. અરણી – આંકલવાય ચગ્યા છે. ‘ખીજડે ખૂંપ પહેર્યો’ છે. વગદા નવા પાંદડે ચળકે છે. વાડશેઢાની ખરસોડીય જાગી ગઈ છે. નાગફણીના થડમાં હજીય પોયણા જેવડાં ફૂલો છે. અશોકવૃક્ષનાં ફૂલો ઊલી ગયાં છે પણ નૂતન પત્રોથી એય વધારે સભર થયાં છે. આસોપાલવના પાંદડાં તડકાથી બોલકાં બની ગયાં છે. થોડાં અજાણ્યાં વૃક્ષો પર પણ ફૂલ પાંદડાંની બહાર છે. વાઢી લીધેલાં ખેતરોમાં એકલદોકલ વંટોળિયા ધૂળ ઉરાડતા આળોટે છે ને દોડી જાય છે દૂર દૂર.... જવાનજોધ કેળનાં ખેતરો અડીખમ ઊભાં છે. ઘટાઓ ઓઢીને જંપી ગયેલાં ગામ પસાર થાય છે. કોક મેડીના ઝરૂખે રાતાં ફૂલવાળા પીળા ગવનમાં નવોઢા ઊભેલી ભળાય છે. ફાગણનો છાક ઓછો થયો છે; ચૈત્રમાં ચંદનલેપ કરતી નાયિકાઓ ભલે સ્વસ્થ લાગતી હોય, રાગાગ્નિને સંકોરનારો પરિસર હજી તો પાગલ કરી મૂકવા પર્યાપ્ત દીસે છે. બદામડી એનો વૈભવ દેખાડ્યા કરે છે. ટેટી તરબૂચના રસિયાઓ માટે દિવસો લાંબા થઈ ગયા છે. ખરા બપોરેય ડાળીઓ ગણ્યા કરતી ખિસકોલી જેવું મારું મન ચૈત્ર સાથે ચગ્યા કરે છે.

મધવાસ, તા. ૩૦–૩–૯૬