સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/અર્થસંક્રાંન્તિનાકારણ અને પરિણામ

(૫) અર્થસંક્રાન્તિનાં કારણ અને પરિણામ

બીજા અને ત્રીજા વ્યાખ્યાનમાં અર્થસંક્રાન્તિના બે મુખ્ય પ્રકારો-અર્થસંકોચ અને અર્થવિસ્તાર-વિષે આપણે વિચાર કર્યો. અર્થસંક્રાન્તિની પ્રક્રિયાને ચિત્તના અનેક વ્યાપારો સ્પર્શ કરે છે, એટલે એનાં કારણો જુદી જુદી અપેક્ષાએ જુદાં જુદાં ગણાવી શકાય. એટલું જ નહિ પણ એ પ્રક્રિયાનું નિદાન પણ જુદી જુદી રીતે સંભવે. આ વ્યાખ્યાનમાં આપણે અર્થસંક્રાન્તિમાં નિમિત્તભૂત કેટલાંક પરિબળો અને કારણઓની તથા એનાં પરિણામોની ચર્ચા કરીશું, જે વિષે આ પૂર્વેનાં બે વ્યાખ્યાનોમાં ખાસ ચર્ચા થઈ શકી નથી. આવાં પરિબળોમાં સૌથી ધ્યાન ખેંચે એવાં બે છે-રૂપક (Metaphor) અને સાદૃશ્ય (Analogy). કોઈ પણ પ્રકારની અર્થસંક્રાન્તિ પાછળ રૂપક અથવા સાદૃશ્યનું તત્ત્વ એક અથવા બીજે સ્વરૂપે રહેલું હોય છે. એ બેની પ્રથમ ચર્ચા કર્યા પછી બીજાં કારણોને વિચાર કરીશું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૧) રૂપક

ભાષાનો ઇતિહાસ જેટલા પ્રાચીન કાળ સુધી પ્રમાણપુરઃસર જોઈ શકાય છે ત્યારથી માંડી શબ્દોના અર્થવિકાસમાં રૂપક એક અગત્યનું બળ છે. જે શબ્દોને આપણે તદ્દન સ્વાભાવિક રીતે વાતચીતમાં પ્રયોજીએ છીએ એમાંના કેટલા યે રૂપકના વ્યાપારને પરિણામે ઉદ્દભેલા હોય છે, પણ વિશેષ વપરાશને કારણે એમાંની કાવ્યમય રંગીનતા ઝાંખી પડતાં એ સામાન્ય શબ્દોની જેમ પ્રયોજાય છે, અને વળી ભાષામાં તત્કાલીન જરૂરિયાત પ્રમાણે નવાં રૂપકો ઉદ્દભવતાં હોય છે. સંસ્કૃતમાં જેમને લાક્ષણિક અથવા ગૌણ શબ્દો કહેવાય છે તે બધા એક અથવા બીજી રીતે આ રૂપક કે લક્ષણાના વ્યાપારનું પરિણામ છે. બે ક્રિયાઓ કે વસ્તુઓ વચ્ચેના સામ્યનું તત્ત્વ રૂપકમાં રહેલું છે, જેને પરિણામે એક ક્રિયા કે વસ્તુનો ગુણ બીજા ઉપર આરોપિત થાય છે. અર્થપલટાનાં કે ઉદાહરણ આપણે જોયાં એ બધામાં આવું સામ્ય મૂલગત સ્વરૂપે નજરે પડશે. અર્થવિસ્તારનાં અનેક ઉદાહરણોમાં આ વસ્તુ ખાસ ધ્યાન ખેંચે એવી છે, તે એટલે સુધી કે એમાંના કેટલાક દાખલાઓને અર્થવિસ્તારના નમૂના ગણવા કે રૂપકના, એ વિષે પણ વખતે સંશય ઉપસ્થિત થાય. પરંતુ અર્થપલટાના અન્ય પ્રકારો અને રૂપક વચ્ચેનો તાત્ત્વિક ભેદ એ છે કે અન્ય પ્રકારોમાં ધીરે ધીરે, ખાસ ધ્યાન ખેંચાય નહિ એવી રીતે અર્થપરિવર્તન થાય છે અને નવીન અર્થો પણ ક્રમશઃ પ્રયોગના બળથી વ્યવહારમાં લાંબે ગાળે સિદ્ધ થાય છે. એમાં શબ્દનો એક અર્થ સ્થાનભ્રષ્ટ થાય છે અને નવીન અર્થ કે અર્થો એનું સ્થાન લે છે. રૂપકમાં તો બે વસ્તુઓ વચ્ચેનું સામ્ય વીજળીના ઝબકારાની જેમ છતું થાય છે અને નવો અર્થ ક્ષણમાત્રમાં નિષ્પન્ન થાય છે. રૂપકનિષ્પન્ન કે લાક્ષણિક અર્થનો, તે પૂરતો સ્પષ્ટ ઉપયોગી કે ચમત્કારિક હોય તો, ભાષામાં તુરત જ સ્વીકાર થાય છે. સંસ્કૃતમાં दक्षिणનો અર્થ ‘દક્ષિણ દિશા’ છે તેમ ‘સૌજન્યશીલ’ પણ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના નાયકોના પ્રકારોમાં એક દક્ષિણ નાયક છે. दक्षिण દિશાનો પવન અનુકૂલ કિંવા સૌજન્યશીલ લાગે એના સામ્યથી दक्षिण શબ્દ આ લાક્ષણિક અર્થમાં પ્રયોજાયો. જમણો હાથ બધાં કાયો કરવામાં અનુકૂળ હોય. માટે તે दक्षिण કહેવાયો. જો કે પૂર્વાભિમુખ ઊભા રહેતાં દક્ષિણ દિશા તરફ રહેતો હાથ તે दक्षिण હસ્ત એમ પણ ગણવામાં આવે છે. વળી બ્રાહ્મણને સત્કારરૂપે આપવાની ભેટ માટે दक्षिण શબ્દ વપરાયો; જમણી બાજુથી શરૂ કરી તીર્થ કે પૂજ્ય વ્યક્તિની આસપાસ ફેરા ફરાય તેને એટલા માટે प्रदक्षिणा કહે છે. મૂળ સંસ્કૃતમાં પણ दक्षिण શબ્દ લાક્ષણિક છે એવો ખ્યાલ સામાન્યતઃ રહ્યો જણાતો નથી. જો કે ‘નૈષધીયચરિત’ના કર્તા શ્રીહર્ષે —

विरहिणो विमुखस्य विधूदये
शमनदिक्पवनः स न दक्षिणः ।
सुमनसो नमयन्नटनौ धनु -
स्तव तु बाहुरसौ यदि दक्षिणः ।।
(સર્ગ ૪, શ્લોક ૯૫)

એ શ્લિષ્ટ શ્લોકમાં ‘આ તો યમદેવની દિશાનો-દક્ષિણનો-પવન છે, એ દક્ષિણ-અનુકૂલ નથી’ એમ વર્ણવીને આ બન્ને અર્થોનો, પોતાની પાંડિત્યપ્રવણ પણ કાવ્યમય રીતે, ભેદ પાડ્યો છે. किरात શબ્દ એક જંગલી જાતિ માટે છે. પણ એમાંના દંત્ય तને સ્થાને મૂર્ધન્ય ट આવતાં બનેલો किरात શબ્દ સંસ્કૃતમાં ‘છેતરપિંડી કરનાર વણિક’ માટે વપરાયો છે.1[1] કિરાત જેવી જંગલી જાતિઓના ચૌરકર્મ અને વેપારીઓની છેતરપિંડી વચ્ચેના સામ્યને પરિણામે આ અર્થ નિષ્પન્ન થયો છે એમાં શંકા નથી. √पत् ‘પડવું’ ધાતુ ઉપરથી पत्र (‘જે પડે છે તે, પાંદડું’) શબ્દ થયો, માત્ર વૃક્ષાના પત્રને માટે જ નહિ, પણ લક્ષણાથી એ શબ્દ પુસ્તકોનાં ‘પત્ર’ને માટે પ્રયોજાયો, કેમ કે પુસ્તકો અમુક વૃક્ષોનાં પાંદડાં પર લખાતાં હતાં. पत्र ઉપરથી થયું पात्र. પ્રારંભમાં માનવ જાતે માટીનાં કે ધાતુનાં નહિ, પણ વૃક્ષનાં પત્રનાં ‘પાત્ર’ - પડિયા - બનાવ્યા હશે એમાં શંકા નથી. વળી લક્ષણા આગળ ચાલી. નાટકમાં ભૂમિકા ભજવનાર માટે ‘પાત્ર’ શબ્દ પ્રયોજાયો. જૂની ગુજરાતીમાં નર્તિકા માટે ‘પાત્ર’ શબ્દ વ્યાપક છે,2[2] જેના અપભ્રષ્ટ રૂપ ‘પાતર’માં અર્થ હલકો પડી ગયો છે. વળી ‘પાત્ર’ શબ્દ સુયોગ્યતાનો વાચક છે; દાન દેવા યોગ્ય વ્યક્તિને ‘પાત્ર’ અથવા ‘સુપાત્ર’ કહેવામાં આવે છે. આથી ઊલટું ‘કુપાત્ર’ અને એનો તદ્દભવ ‘કપાતર’ છે. वेला શબ્દ ‘સમુદ્રની ભરતી’ માટે છે, પણ ભરતી અમુક સમયે જ ચડે ઊતરે એથી वेला - ‘વેળા’ શબ્દ ‘સમય’ માટે વપરાયો. पर्व એટલે ‘ગાંઠા’ (જેમ કે શેરડીના ગાંઠા). તહેવારો અથવા ઉત્સવદિવસો વર્ષમાં ચોક્કસ કાળે આવતા હોઈ લાક્ષણિક અર્થમાં ‘ગાંઠા’ કે ‘વેઢા’ ને સ્થાને હોઈ ગણત્રીને સરળ બનાવે છે. એથી તે ‘પર્વ’ તરીકે ઓળખાયા. ગુજરાતીમાં આપણે ‘સરપમો દિવસ’ બોલીએ છીએ. સંસ્કૃતમાં સીડીનાં પગથિયાંને પર્વ કહે છે તથા મોટા ગ્રન્થોના વિભાગો (જેમ કે ‘મહાભારત’ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનાં પર્વ. સ૨. ‘પરિશિષ્ટ પર્વ’) પર્વ કહેવાય છે. ‘દ્યુત’ને दुरोदर કહે છે, કેમ કે એના ઉદરમાં દુઃખ રહેલું છે. પેશવાના કાળમાં મરાઠા શાસકોની ગુપ્ત ભાષા - ‘પારસી’ - જેમાં અગત્યના રાજકીય પત્ર-વ્યવહારો ચાલતા એમાં ‘શાહુકાર’ને માટે ‘દામોદર’ (જેની પાસે દામ રહે છે તે) શબ્દ વપરાતો; ‘નિમિષ’ એટલે આંખની ઉઘાડમીંચ, માટે ‘નિમિષ’ એટલે ‘ઘણો જ ઓછો સમય.’ રૂપિયા ભરવાની સાંકડી કોથળીને, એના નોળિયા જેવા દેખાવ ઉપરથી સંસ્કૃતમાં नकुलिका અને પ્રાકૃતમાં नउलिआ કહે છે. विदग्ध એટલે ‘સારી રીતે તપાવવામાં આવેલો.’ મૂળ એ માટીકામની પરિભાષાનો શબ્દ હશે. લક્ષણાથી विदग्ध એટલે ‘પાકો, અનુભવી, વિદ્વાન, સમજુ,’ दुर्विदग्ध એટલે ‘અણસમજુ, દાધારંગો.’ આમાંના ઘણા શબ્દોમાં લક્ષણા ઘસાઈ ગઈ છે અને જાણે કે પ્રસ્તુત શબ્દોના તે પ્રાથમિક અર્થો જ હોય એમ એમનો પ્રયોગ થાય છે. એમ બનવું સાવ સ્વાભાવિક છે. આ બધા ફેરફારો ભાષામાં નૈસર્ગિક ક્રમે, અપૃથકૃત રીતે, થાય છે. લાક્ષણિક શબ્દો નવા અર્થોમાં રૂઢ થઈ ગયા પછી, એમાંની ચમત્કૃતિ વૈચિત્ર્ય કે વિશેષતાનું નાવીન્ય કોઠે પડી જાય પછી એ જ શબ્દો ફરી પાછા નૂતન લાક્ષણિક અર્થોમાં પ્રયોજાય એવું પણ બને. અર્વાચીન ભાષાઓનું શાસ્ત્રીય, ઐતિહાસિક દૃષ્ટિએ અધ્યયન પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ કરતાં કેટલીક વાર કઠિન અને સંકુલ બને છે એનાં કારણોમાંનું આ પણ એક છે. જો કે મુખ્યત્વે અનુકરણથી ભાષા શીખનાર બાળક માટે તો શબ્દોનો સૌથી છેલ્લો અર્થ - જે એના મુળ અર્થથી દૂરતમ છે એ જ સૌથી પહેલો અર્થ છે. રૂપકના વિનિયોગથી નવીન અર્થો વ્યક્ત કરવાની બીજી રીતિઓ પણ ભાષામાં છે. ઉદાહરણ તરીકે - જે સારું હોય તે ‘સીધું’, ‘ઋજુ’ કહેવાય: પ્રતિષ્ઠિત અને આબરુવાળું ‘વજનદાર’ ગણાય; એથી ઊલટું, ‘હલકું’ કે ‘હળવું’ અપ્રતિષ્ઠાની નિશાની લેખાય; ‘વાંકું’ હોવું એ અનાડીપણા કે તોફાનનું સૂચક મનાય; જો કે એમાં સહેજ રૂપપરિવર્તનથી ‘બાંકું’ કે ‘બંકુ’ થાય તો એ પરાક્રમી અને સુન્દર ગણાય; સૂક્ષ્મ બુદ્ધિ સાથે તીક્ષ્ણતા-અણિયાળાપણાનો ભાવ સંકળાયેલો હોવાથી સંસ્કૃતમાં ‘કુશાગ્રબુદ્ધિ’ જેવો પ્રયોગ મળે છે. જેનાથી ઊલટો ભાવ વ્યક્ત કરતો ‘મોભાગ્રબુદ્ધિ’ જેવો વક્રોક્તિમૂલક પ્રયોગ કોઈએ ગુજરાતીમાં કર્યો છે! ‘તીક્ષ્ણ બુદ્ધિ’થી ઊલટો શબ્દ ‘જાડી બુદ્ધિ’ છે; પરાક્રમ, પુરુષાર્થ કે અક્કલ વિનાનો માણસ ‘પાણી વિનાનો’ કે ‘મીઠા વિનાનો’ કહેવાય છે. ‘સલૂણી’ એટલે વાચ્યાર્થથી ‘મીઠાવાળી’, પણ લક્ષ્યાર્થથી ‘સૌન્દર્ય કે લાવણ્યવાળી’ ‘લવણ’માંથી બનેલો ‘લાવણ્ય’ શબ્દ પોતે જ લક્ષણાનો એક ઉત્તમ નમૂનો છે. ‘સલૂણી’ કે ‘સંલૂણા’માં લક્ષ્યાર્થ છે તો ‘અલૂણાં’ (મીઠા વિનાની રસોઈ જમવાનું વ્રત)માં વાચ્યાર્થ છે. નડિયાદ પાસેના એક ગામનું નામ પણ ‘સલૂણ’ (સુન્દર) છે.૩[3] હવે આ કરતાં આગળની કોટિનાં રૂપક જોઈએ. ‘ગણત્રી કરવી’ એટલે વિચાર કરવો. ગણત્રીબાજ એટલે પૂરી ગણત્રીવિચાર કરીને પગલું ભરનાર. વળી ‘પગલું’ એટલે માત્ર ‘ડગલું’ નહિ, પણ યોજનાપૂર્વકનું કોઈ કાર્ય. ‘કીમત કરવી.’ ‘મૂલ્ય આંકવું’ એ વેપારની પરિભાષાનો શબ્દ છે. પણ લક્ષણાથી બધે વપરાય છે. ‘તોલન’ એટલે સાધક-બાધક બાજુઓની મીમાંસા, ‘સસ્તુ’ અથવા ‘બજારુ’ અથવા ‘ફરમાસુ’ એટલે હલકું. ‘મોંઘે’, ‘વિરલ’ ‘વિરલો’ જેવા શબ્દો બતાવે છે કે વસ્તુ કે વ્યક્તિનું મૂલ્ય એની અછત ઉપરથી અંકાય છે. ‘સોઈઝાટકીને કહી દેવું’ એટલે સાફ વાત કરવી. ઘણી ભાષાઓમાં લાક્ષણિક પ્રયોગોના ઉદ્દભવનું બીજું એક કારણ છે. કોઈ એક ઈન્દ્રિય વડે સંવેદ્ય ભાવ જાણે અન્ય કોઈ ઇન્દ્રિય અનુભવતી હોય એ રીતે એના કથનથી એક વિશિષ્ટ ચમત્કૃતિ સધાય છે. આ પ્રકારના પ્રયોગો એટલા બધા સ્વાભાવિક છે કે એના મૂળમાં રૂપક રહેલું છે એવો ખ્યાલ પણ ભાગ્યે આવે છે. ઉદાહરણ તરીકે - લુખ્ખો આવકાર, સખ્ત ઠપકો, તીખો સ્વભાવ, કડવાં વચન, મીઠા બોલ, ઠંડી નગર, મધુર સ્મૃતિ, તીણો અવાજ, ગંભીર શબ્દ, ચીકણો માણસ, ઊંચો સાદ, ચમકતી ચાલ, ઇતયાદિ. જેનું મુખઅય છોડવાઓથી ઢંકાઈ ગયેલું હોય એવા કૂવાને સંસ્કૃતમાં अन्धकूप કહે છે, નિબિડ અંધકારને अन्धं तमः, અને ઊગતા સૂર્યને बालसूर्य કહે છે, એ રૂપકનાં ઉદાહરણ છે. રૂપક અને કવિતાને અવિનાભાવી સંબંધ છે. રૂપકની સાથે ભાષામાં એક પ્રકારની કવિતાનો ઉદ્દભવ થયો એમ કહેવામાં ભાગ્યે અતિશયોક્તિ છે.

कूल એટલે ‘કિનારો’ એ ઉપરથી ‘અનુકૂલ’, ‘પ્રતિકૂલ’, ‘સાનુકૂલ’ આદિ રૂપકો થયાં છે. ભાષાના અભ્યાસ ઉપર રૂપદૃષ્ટિએ જેટલું ધ્યાન અત્યાર સુધીમાં અપાયું છે એનો અંશમાત્ર અર્થદૃષ્ટિએ અધ્યયન ઉપર અપાય તો સમાજના જુદા જુદા વર્ગો, જ્ઞાતિઓ અને ધંધાદારીઓની બોલીમાં રૂપકનો પ્રયોગ શબ્દોની કરકસર સાથે અર્થોનું વૈશિષ્ટય કેવી રીતે સાધે છે એ આપણે જોઈ શકીશું. વેપારની પરિભાષાના સામાન્ય સબ્દો જેવા કે-‘તેજી’, ‘મંદી’, ‘ફુગાવો’, ‘પકડ’ વગેરેમાં કેવી લક્ષણા છે! મરાઠીમાં જેને ‘નંદભાષા’ અને ગુજરાતીમાં ‘પારસી’ કહે છે એ જુદા જુદા ધંધાદારીઓની સાંકેતિક બોલી લાક્ષણિક શબ્દોથી સભર ભરેલી છે. વસ્તુઓનાં નામ પશુપક્ષિસૃષ્ટિમાંથી રૂપકના વ્યાપાર દ્વારા ઊછીનાં લેવાયાં હોય એવું વારંવાર જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે-ઘોડી (લાકડાની), ઘોડો (બંદુકનો), બિલાડી (કૂવામાં પડેલી વસ્તુ કાઢવાનું સાધન), ચકલી (નળની), માછલી (એક ઘરેણું), વીંછિયો (એક ઘરેણું), ભમરી (નદી કે સમુદ્રમાંનો આવર્ત્ત), ભમરડો (એક રમકડું), ઊંટડો (ગાડાની ઘૂંસરી નીચેનું ટેકણ), સૂંઢ (બંબાની), ઈંડું (મન્દિરના કળશ ઉપરનું), પૂંખ કે પાંખ (મકાનની), ઇત્યાદિ, ખીંટીને સંસ્કૃતમાં नाग અથવા नागदन्त કહે છે. કેટલાક શબ્દોના અંત્યાક્ષરમાં થોડાક પરિવર્તનથી- શ્રી નરસિંહરાવ દિવેટિયા કહે છે તેમ, સ્વાર્થિક પ્રત્યય कના ઉમેરણથી-મૂળથી જુદો એવો રૂપક-નિષ્પન્ન અર્થ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે-કાન, કાનો; હાથ, હાથો; વાંસ, વાંસો; ગાભ, ગાભો; નાક, નાકું ભરણ, ભરણું; ઇત્યાદિ. કેટલીકવાર શ્લિષ્ટ શબ્દો એક સાથે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનાં ઉદાહરણ પૂરાં પાડે છે. જેમ કે- તે રાજા તેજમાં સૂર્યનો પરાજય કરે એવો, ગંભીરતામાં સમુદ્રને જીતે એવો અને સ્થિરતામાં મેરુપર્વતથી ચઢિયાતો હતો.’ આમાં ‘તેજ’, ‘ગંભીરતા’ અને ‘સ્થિરતા’ એ ત્રણ શબ્દો મૂળ તેમ જ લાક્ષણિક અર્થમાં છે. ભૂતકાલીન કે સમકાલીન ઇતિહાસના વ્યક્તિવિશેષો કે પ્રસંગો ઉપરથી રૂપકો પ્રયોજાય છે. જેમકે - રામરાજ્ય, રાસલીલા, જહાંગીરી હુકમ, મોગલાઈ (જોહુકમી રાજ્ય માટે), સવાઈ હીટલર, કેસરિયાં કરવાં, ઇત્યાદિ. આવા દાખલાઓ અલ્પ નમૂના રૂપ છે; રૂપકની ઘટના ભાષામાં એટલી મૂલભૂત. એટલી વ્યાપક અને સર્વસ્પર્શી છે કે એની સંપૂર્ણ ચર્ચા એકાદ વ્યાખ્યાનમાં કરવી મુશ્કેલ છે. ભાષામાં કોઈ પણ શબ્દ એવો ભાગ્યે જ હશે કે જેમાં કશું અર્થ પરિવર્તન થયું ન હોય, અને વ્યર્થ પરિવર્તનનો સંબંધ ક્યારેક તો રૂપક સાથે જોડાયા વિના રહેતો નથી. ભાષાના જૂનામાં જૂના ઉપલબ્ધ નમૂનાઓ પણ રૂપકથી સભર ભરેલા છે. ‘ઋગ્વેદ’નાં સૂક્તો એ કવિભાષાનાં ઉદાહરણો હોઈ એની કવિતામાં રૂપકો હોય એ સ્વાભાવિક છે, પણ એમાંના શબ્દોને કેવળ શબ્દ તરીકે અલગ લઈને તપાસીએ અને વ્યુત્પત્યર્થ સાથે એમની તુલના કરીએ તો પદે પદે રૂપકનો વ્યાપાર જણાયા સિવાય રહેશે નહિ. એ વડે ભાષા વધારે કવિત્વમય, ઊંડામવાળી અને સમર્થ બને છે. સામાન્ય શબ્દો દ્વારા હેલામાત્રમાં, એક પ્રકારની જાણએ કે છલંગ મારીને, વિચારોના દૂર દૂરના પ્રદેશો તે સર કરે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૨) સાદૃશ્ય

અગાઉ જેને સામ્યાભાસ કે સાદૃશ્યાભાસ (False analogy) કહેતા એને હવે ભાષાના અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન મળ્યું છે તથા ભાષાની રૂપવિષયક તેમ જ અર્થવિષયક ઉત્ક્રાન્તિમાં એનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. પુખ્ત વયનાં માણસો નવી ભાષા શીખે ત્યારે કરે છે એમ, એક એક શબ્દ લઈને શીખવવાને બદલે બાલક પ્રમાણમાં ઘણા ઓછા સમયમાં ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરે છે એમાં વ્યાકરણનાં રૂપાખ્યાનોમાં રહેલું સાદૃશ્ય એને ઘણે ભાગે સહાય કરે છે. એ જ વ્યાકરણગત સાદૃશ્ય સાધવા જતાં બાળકો તથા પરભાષાભાષીઓ કથનના વેગમાં ખોટા પ્રયોગો કરે છે. જો કે સામો માણસ તો આસપાસના સંબંધ ઉપરથી એનો ખરો અર્થ સમજી શકે છે. વ્યાકરણમાન્ય રૂપાખ્યાનોની અનિમયિતતાને બાળકો પોતાની સ્વાભાવિક સૂઝથી ઘણી વાર સરળ બનાવી દે છે. જેમ કે મારો ત્રણેક વર્ષનો ભત્રીજો એક વાર ઘરની બહારથી અંદર આવતો હતો. તેણે જાળી ખખડાવી, એટલે મેં પૂછ્યું, ‘કોણ છે?’ તેણે જવાબ આપ્યો કે ‘હું છે’. ‘કોણ છે?’ માંના ‘છે’ની સહચારિતાને કારણે તેમ જ સામાન્ય બોલચાલમાં ‘છું’ રૂપ અનિયમિત લાગ્યું હશે, તેથી ‘હું છે’ એવો ઉત્તર મળ્યો. “ગયું તું,” “કર્યુંતું,” “બોલ્યુંતું” ના સાદૃશ્યથી મારી પાંચ વર્ષની પુત્રી ‘હતું’ને બદલે “હતું’તું” બોલે છે. બીજાં બાળકોને તથા કેટલીકવાર ઉમરલાયક શિક્ષિત મનુષ્યોને પણ મેં “હતું’તું” બોલતાં સાંભળ્યાં છે. સંસ્કૃતમાં इन्द्रामरुतौ, इन्द्राग्नौ અથવા धावापृथिवी જેવા સમાસોના સાદૃશ્યથી अग्नामरुतौ સમાસ થયો. ‘અરર્વવેદ’ના એક સૂક્ત (૧-૧૧-૩)માં પ્રસવના અધિષ્ઠાતા તરીકે सूषन् (સરખાવાં √सू ‘જન્મ આપવો’) દેવનો ઉલ્લખ છે. ખરી રીતે सूषन् જેવો કોઈ શબ્દ જ નથી; પણ પુષ્ટિના દેવ पूषनના ધ્વનિ-સાદૃશ્યથી સૂક્તકારે सूषन् દેવ ઘડી કાઢેલ છે.4[4] ગુજરાતી અને મરાઠીમાં ‘પાશ્ચાત્ય’ને બદલે ખોટો ‘પાશ્ચિમાત્ય’ શબ્દ વપરાય છે તે ‘દક્ષિણ’ ઉપરથી ‘દાક્ષિણાત્ય’ થાય તેમ ‘પશ્ચિમ’ ઉપરથી ‘પાશ્ચિમાત્ય’ બને એવી સમજથી થયો છે. વિયોગમાં સહચારનો વિચ્છેદ છે, તો પણ સંસ્કૃતમાં तया सह वियोगः જેવો પ્રયોગ છે, તે तया सह संयोग: જેવા પ્રયોગના સાદૃશ્યથી હશે? અર્થમાં કંઈક સામ્ય હોય એવા શબ્દોના રૂપમાં કેટલીક વાર સામ્ય જોવામાં આવે છે, જેમ કે - अङ्गष्ठ, ओष्ठ, कोष्ठ, प्रकोष्ठ, उपस्थ; वृषभ, ऋषभः गर्दभ, रासभः વળી दाडिम्ब, कदम्ब, शिम्ब, निम्बः अलाबु-लाबु, निम्बु (क), जम्बु. एकादश, द्वादश, त्रयोदश, ઇત્યાદિ સંસ્કૃત અંકવાચક શબ્દોમાં તથા એમના અર્વાચીન ભારતીય તદ્દભાવોના અંત્ય અંગમાં જે સામ્ય દેખાય છે તે સાદૃશ્યમૂલક નથી, પણ એમાં दश, विंशति (વીસ), त्रिंशति (ત્રીસ) આદિ શબ્દો રહેલા છે એ છે. ‘સત્યતા’, ‘મહત્ત્વતા’ ‘દાસ્યતા’ વગેરેમાં જરૂર ન હોય તો પણ ‘તા’ પ્રત્યય લગાડવામાં આવે છે એ સાદૃશ્યનું પરિણામ છે. એમાંની વ્યાકરણગત અશુદ્ધિ તુરત દેખાઈ આવે એવી હોવાથી એવા શબ્દો શિષ્ટ ભાષામાં પ્રચાર પામ્યા નથી. ‘સ્વાધીન’ અને ‘પરાધીન’ ના સાદૃશ્યથી ‘આધીન’ અને ‘અપરાધીન’ના સાદૃશ્યથી ‘નિરપરાધી’ (‘નિરપરાધ’ને બદલે) થાય છે. ‘વર્ચસ’નું ‘વર્ચસ્વ’ થયું તે ‘સર્વસ્વ’ જેવા શબ્દોના સાદૃશ્યથી હશે. ગુજરાતીમાં ‘તીરવા’, ‘રાશવા’ (‘વા’ સં. पात ઉપરથી) છે. ‘તીર’ અથવા ‘રાશ’ (દોરડું)નો પાત થઈ શકે, પણ ખેતરનો પાત થઈ શકે નહિ, છતાં એના સાદૃશ્યથી ‘ખેતરવા’ શબ્દ થયો. સંસ્કૃત चिनोतिનું પ્રાકૃતમાં चिणइ અને धुनातिનું धुणइ થયું એના સામ્યથી करोतिનું कुणइ અને जयतिનું जिणइ થયું. સં.अस्तमित ઉપરથી થયેલા ‘આથમવું’ ક્રિયાપદના સાદૃશ્યથી ‘ઊગમવું’ થયું. જૂની ગુજરાતીમાં ‘ઊગમતુ આથમતુ ભાણ’ (‘હરિલીલા ષોડશ કલા.’ પૃ.૪૨) એવા પ્રયોગ મળે છે. વર્તમાનપત્રોમાં જાહેર ખબરોમાં ઘણી વાર ‘જોઈએ છે’ને બદલે ‘જોઈએ છીએ’ લખ્યું હોય છે તે ‘જોઈએ’માંના ‘ઇએ’ના સાદૃશ્યથી છે. શિષ્ટ હિન્દીના વ્યાકારણસંબદ્ધ લિંગનો પરદેશીઓ તેમ જ બીજા પ્રાન્તના વતનીઓ સામાન્ય બોલચાલમાં ત્યાગ કરીને એક પ્રકારનું સાદૃશ્યમૂલક સરલીકરણ સિદ્ધ કરે છે. જેમ કે उसका लाठी, उसका बहन, नया किताब, भात अच्छा बना मगर दाल अच्छा नहीं बना. વળી हम रोटी खाया, हम भात खाया, हम एक राजा देखा, हम दो राजा देखा, हम रानी देखा. આ બધા તેમ જ આ પ્રકારના અન્ય પ્રયોગોમાં વ્યાકરણમાન્ય હિન્દીની સંકુલતાઓ જે અહિન્દીભાષા-ભાષી માટે સમજવી મુશ્કેલ છે, એમનો ત્યાગ કરી દેવામાં આવ્યો છે. સમસ્ત ઉત્તર અને પશ્ચિમ ભારતના લોકો બોલે અથવા સમજે છે તે આ સરલીકૃત હિન્દી છે. જેનો ડૉ. સુનીતિકુમાર ચેટરજી જેવા ભાષાવિદોએ ‘બઝાર હિન્દી’ નામ આપ્યું છે. સાદૃશ્યમૂલક કેટલાક પ્રયોગો કેવળ અજ્ઞાનને પરિણામે થયા હોય અથવા ભાષાની નિશ્ચિત રૂઢિથી વિરુદ્ધ હોય તો તે પ્રચારમાં આવી શકતા નથી. મારા એક પરિચિત સજ્જન અંગ્રેજી ‘પસ’ (Pus) નો ઉચ્ચાર ‘પ્રસ’ કરતા હતા, કેમ કે જોડાક્ષરને લીધે એ શબ્દ એમને વધારે શુદ્ધ લાગતો હતો. બીજા એક ભાઈ ‘સ્મૃતિ’ને બદલે ‘સમૃદ્ધિ’ અને ‘સિમેટ્રી’ (Symmetry)ને બદલે ‘સિમિલી’ (Simile) બોલતા હતા. પણ આવા પ્રયોગો ભાષામાં, દેખીતાં કારણોસર, ઊંડાં મૂળ નાખી શકતા નથી. ગુજરાતીમાં જેમાં ‘ર’નો પ્રક્ષેપ થયેલો છે એવાં - ‘શ્રાપ’ (સં. शापના शाમાં ‘ર’નો પ્રક્ષેપ થવાથી) જેવા-શબ્દોમાં સંસ્કૃતમાં બહુધા નજરે પડતા જોડક્ષરનું સાદૃશ્ય સાધવાનો પ્રયાસ હોવા સંભવ છે. ‘પસંદ’ને બદલે કેટલાક ભૂલથી ‘પ્રસન્ન’ બોલે છે એમાં સંસ્કૃત ‘પ્રસન્ન’ અને ફારસી ‘પસંદ’ એ બે શબ્દો વચ્ચેનું રૂપગત સામ્ય કારણભૂત છે. નાગરોની એક પેટાજ્ઞાતિ ‘પ્રશ્રોરા’નું નામ આ પ્રકારની વૃત્તિનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. એ જ્ઞાતિનું પ્રાચીનતર નામ તો અહિચ્છત્ર જ્ઞાતિ છે. કેટલાક જૂના લેખોમાં प्रसन्नपुरविभिर्गत वत्सगोत्रीय એવા ઉલ્લેખ આવે છે, અને પ્રશ્નોરામાં વત્સ ગોત્ર છે તે ઉપરથી એમ અનુમાન થાય છે કે પ્રસન્નપુરનું પ્રાકૃતમાં पसणोर થયું અને પસણોરમાંથી નીકળેલા તે પસણોરા થયા. પણ એ સાદા પ્રાકૃત શબ્દને સંસ્કૃત જેવો બનાવવા માટે એમાંનાં ‘પ’માં ‘ર’નો પ્રક્ષેપ કરી ‘પ્રસનોરા’ ‘પ્રશ્નોરા’ કરી દીધું હોય એમ બને. ‘પ્રશ્નોરા’ને ‘પ્રશ્ન’ સાથે કંઈ સંબંધ છે એવું ભાગ્યે જ માની શકાય. વળી નાગરોની બીજા તમામ પેટાજ્ઞાતિઓ - વડનગરા, વીસનગરા, સાઠોદરા, ચિત્રોડા-નાં નામ વિશિષ્ટ નગરો ઉપરથી છે તો ‘પ્રશ્નોરા’માં પણ પ્રાયશઃ એમ હોવું ઘટે. આ તો આપણે ભાષાશાસ્ત્રના સંકુચિત અર્થમાં રૂપગત સાદૃશ્યના વ્યાપાર વિષે કેટલીક ચર્ચા કરી. બાકી વ્યાપક રીતે જોઈએ તો, અર્થના પરિવર્તન માટે વસ્તુગત સાદૃશ્ય એક આવશ્યક ભૂમિકા પૂરી પાડે છે, અને એમાંથી લક્ષણા અથવા રૂપક નિષ્પન્ન થાય છે. ‘આકાશ’ વાચક अम्बर શભ્દ કોઈ વિશાળ વસ્ત્ર સાથેના સામ્યને કારણે ‘વસ્ત્ર’ના અર્થમાં પ્રચલિત થયો અને એ ઉપરથી, ‘શ્વેતાંબર’, ‘દિગંબર’ જેવા શબ્દો આવ્યા તથા ગુજરાતીમાં કીમતી સાડી માટે ‘અંબર’, ‘અમ્મર’ શબ્દ થયો તે તથા સંસ્કૃકત कूट (‘શિખર’) ઉપરથી વેદાન્તની પરિભાષામાં कूटस्थ શબ્દો થયો, એ પ્રકારનાં રૂપકનાં ઉદાહરણોને આ વ્યાપક અર્થમાં સાદૃશ્યમૂલક ગણી શકાય. એ અર્થમાં તો સાદૃશ્ય, ભાષાના સમગ્ર અર્થનાવીન્યના અને કવિતાની સર્વ અલંકારચમત્કૃતિના પાયામાં રહેલું છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૩) વક્રોક્તિ

ભાષામાં કેટલીક વાર અમુક ભાવોને કંઈક ચાતુરી, વિનોદ કે નર્મપૂર્વક વ્યક્ત કરવામાં આવે છે, અમુક ભાવો સામાજિક રૂઢિ કે બીજાં કારણસર ખુલ્લી રીતે વ્યક્ત કરવાના હોતા નથી એથી એમનું પટંતરે કથન કરવામાં આવે છે અથવા કોઈ વાર અમંગલ કે ઉગ્ર ભાવો કે પ્રસંગોને સાંભળનાર કે બોલનારને ઓછામાં ઓછો આઘાત લાગે એ રીતે રજૂ કરવામાં આવે છે - આ તથા આને મળતાં બીજાં અનેક માનસિક કારણોમાંથી વક્રોક્તિ, ચાટૂક્તિ અથવા કેટલાક રૂઢિપ્રયોગોનો ઉદ્દભવ થાય છે. આ બધા પ્રકારની કથનભંગિઓને અહીં ‘વક્રોક્તિ’ એવું સામાન્ય શીર્ષક આપ્યું છે એનો અર્થ ‘આડકતરી ઉક્તિ’ એટલો જ કરવા વિનંતી છે. ‘વક્રોક્તિ’નો સાહિત્યશાસ્ત્રગત અર્થ અહીં લેવાનો નથી. સંસ્કૃતના वानर શબ્દમાં वा नर- ‘આ શું મનુષ્ય હશે?’ એવો પ્રશ્નનો ભાવ છે. જેનું માથું અશ્વનું અને શરીર મનુષ્યનું એવી એક દેવકલ્પ યોનિ માટે એ રીતે किंपुरुष અથવા किन्नर શબ્દ છે. ‘શી આજ્ઞા છે? શું કરું?’ લગભગ એવા ભાવ સાથે ઉપસ્થિત થનાર સેવક માટે किंकर શબ્દ છે. જેમાં બે ‘૨’ કાર છે એવા भ्रमर માટે द्विरेफ એક પ્રકારની ચાતુરીનું ઉદાહરણ છે. मनोरथ એટલે ‘મનરૂપી રથ.’ સંસ્કૃતમાં પણ આ વ્યુપ્તતિગત અર્થ સામાન્ય રીતે ચાલુ રહ્યો નથી, તો પણ मनोरथानामगतिर्न विद्यते જેવા પ્રયોગોમાં વ્યવહારનો અર્થ તેમ જ વ્યુત્પત્તિનો અર્થ બન્ને એક સાથે જણાય છે. ‘નૈષધીયચરિત’કાર શ્રીહર્ષે પણ એક સ્થળે (સર્ગ ૩, શ્લોક ૫૯) मनोरथ ने રથ તરીકે વર્ણવ્યો છે -

मनस्तु यं नोज्झति जातु यातु
मनोरथः कण्ठपथं कथं सः ।
का नाम बाला द्विजराजपाणि ।
ग्रहणाभिलाषं कथयेदलज्जा ।।

સામાસિક શબ્દોના પૂર્વ અંગ તરીકે महा શબ્દ આવે છે ત્યાં કેટલીક વાર આખા શબ્દનો અર્થ ફરી જાય છે. ઉદાહરણ તરીકે महायात्रा એટલે ‘મોટાયાત્રા’ અર્થાત્ મરણ,5[5] महानिद्रा એટલે જેમાંથી જગવાનું નથી એવી ‘મોટી નિદ્રા’ અર્થાત મરણ. महापथः એટલે ‘રાજમાર્ગ’ તેમ જ ‘મરણ’ महाब्राह्मण એટલે ‘વિદ્વાન બ્રાહ્મણ’ તેમ જ ‘અધમ બ્રાહ્મણ’. જો કે महाब्राह्मणમાં કટાક્ષ છે, જ્યારે महायात्रा ઇત્યાદિમાં વસ્તુનું યથાર્થ કથન છે. देवानां प्रिय શબ્દપ્રયોગ સમ્રાટ અશોકે પોતાને માટે શાસનલેખોમાં કર્યો છે તેનો ‘મૂર્ખ’ એવો અર્થ પાછળના સંસ્કૃતમાં થયો એ વક્રોક્તિનો વ્યાપાર છે. નિષિદ્ધ શબ્દો (Taboo words) બોલાય નહિ એ કારણે એમનું સ્થાન વક્રોક્તિમૂલક શબ્દો કે પ્રયોગો લે છે. પત્નીથી પતિનું કે પતિથી પત્નીનું નામ ન બોલાય, એને પરિણામે આપણા પરંપરાગત સમાજમાં અનેક પ્રકારના ગોળગોળ પ્રયોગોનો આશ્રય લેવો પડે છે. કેટલીક જ્ઞાતિઓમાં સાસુનું નામ પણ સ્ત્રી ન લઈ શકે એવો રિવાજ છે. જૂના વખતમાં શિષ્ય પોતાના આધ્યાત્મિક ગુરુનું નામ ન લઈ શકે એવી એક રૂઢિ હતી. મરણ જેવા અમંગલ પ્રસંગનો આઘાત ટાળવા માટે ‘વળી જવું, ગુજરી જવું, સ્વર્ગસ્થ, કૈલાસવાસી, દેવલોક, બેહેસ્તનશીન, ગત, વિદેહ થવું, પાછા થવું, ગામતરું કરવું’ વગેરે જાતજાતના પ્રયોગો છે. સંસ્કૃતમાં पण्चत्वं प्राप्तः એ આવી વક્રોક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે. સૂગ ચડે એવી અથવા અશ્લીલ ગણાતી ક્રિયાઓ અને વસ્તુઓના વાચક અર્થો બધી ભાષાઓમાં આવી રીતે પટંતરે વ્યક્ત કરવામાં આવે છે. કેટલીક વાર અમંગલ ભાવો મંગલ શબ્દોમાં રજૂ કરાય છે એનાં થોડાંક ઉદાહરણ પહેલા વ્યાખ્યાનમાં (પૃ.૧૫-૧૬) ‘અનુયોગદ્વાર સૂત્ર’માંની શબ્દચર્ચાની વાત કરતાં આપેલાં છે, સંસ્કૃતમાં રીંછને भल्लक અથવા भल्लुक કહે છે તે भद्र >પ્રા. भल्ल સ્વાર્થિક પ્રત્યય क લાગવાથી થયેલું રૂપ છે. એમાં રીંછને ‘ભદ્ર’ કહ્યું એ એક પ્રકારની વક્રોક્તિ છે. भल्लुक ઉપરથી હિન્દીમાં ‘ભાલુ’ અને ‘ભાલુક’ તથા બંગાળીમાં ‘ભાલુ’ શબ્દ થયેલો છે. શીતળ નહિ, પણ અતિઉગ્ર એવા એક ચેપી દર્દ માટે ‘શીતળા’ શબ્દ વપરાય છે. ગામડામાં કેટલાંક દર્દોના ઉપચાર તરીકે ડામ દેવડાવામાં આવે છે, એ ડામને ‘ટાઢો’ કહે છે! ‘સાપ’ને ‘લાંબાજીવ’ કે ‘મોટા જીવ’ કહે છે અને ‘સાપ કરડ્યો’ને બદલે ‘જનાવર નડ્યુ’ એમ બોલે છે. અમુક દર્દોમાં નામ બોલાય નહિ એવો એક લૌકિક વહેમ છે. જેમ કે બાળકોને થતી વરાધ માટે ‘નઠારી’ અને ઉધરસ માટે ‘ગોઝારી’ શબ્દો કેટલીક જ્ઞાતિઓમાં વપરાય છે. ‘માકણ’ માટે ‘ખટમલ’, ‘સ્ત્રી’ માટે ‘વીસનખી’‘ગણિકા’ માટે ‘રામજણી’ અને ‘કુંભાર’ માટે ‘ઓઝો’ (સં. उपाध्याय > પ્રા. उवज्झाअ) એ શબ્દોમાં એક પ્રકારનો વિનોદ છે. પાલિમાં ગંદા પાણીના ખાબોચિયા માટે चन्दनिका શબ્દ છે તથા પ્રાકૃતમાં ‘મોરી’ માટે चंदणिआ પ્રયોગ છે,6[6] એ પણ આવાં ઉદાહરણ ગણી શકાય. અમદાવાદમાં પ્રેમ દરવાજા પાસેનો એક લત્તો ‘ચંદન તલાવડી’ કહેવાય છે. ત્યાં કારીગરો માટે મશરૂ ધોવાના કૂવા હતા, અને એનું ગંદું પાણી જે ખાબોચિયામાં ભેગું થતું એને ‘ચંદન તલાવડી’ કહેતા હશે એવું મારું અનુમાન છે. ‘બંગડી કે ચૂડી ફૂટી’ એને બદલે ‘નંદાઈ’ એમ સાધારણ રીતે કહેવાય છે. મરાઠીમાં એને મળતો પ્રયોગ ‘બાંગડી વાઢવલી’ એવો થાય છે. બંગાળીમાં ‘ચોખા ખૂટી ગયા-થઈ રહ્યા’ એમ કહેવાને બદેલ ‘ચાલ બાડંત’ (ચોખા વધે છે) એમ બોલાય છે. ‘દીવો બુઝાવ્યો’ને બદલે ‘દીવો રાજ કે રાણો કર્યો’ એમ બોલાય છે. પ્રાકૃતમાં એને માટે दीवो णंदवावितो (‘દીવો નંદાવ્યો’) એવો પ્રયોગ મળે છે?7[7] ‘નંદવાવું’ એટલે ‘આનંદ પમાડવું’ એ ઉપરથી એના કરતાં ઊલટી ક્રિયા માટે એ વપરાયો છે. હિન્દી અને ઊર્દૂમાં માણસ પોતાના ઘરને ‘ગરીબખાના’ કહે અને સામાના ઘરને ‘દૌલતખાના’ કહે એ વિવેકની વાણી છે. ‘નાસ્તા’ને હિન્દી-બંગાળીમાં ‘જલપાન’ કહે છે. માણસ પોતાને ‘બંદો’ કહે છે. ફારસીમાં ‘બંદો’નો અર્થ ‘સેવક’ છે, પણ હવે તો અભિમાન અથવા બીજાથી સરસાઈ વ્યક્ત કરવા સારુ પણ પોતાની જાત માટે ‘બંદો’ શબ્દ પ્રયોજાય છે. સેવક હોય તે કાળાન્તરે સ્વામી થઈ જાય એ ઐતિહાસિક ક્રમ આ શબ્દ પ્રયોગોના ઇતિહાસમાં વ્યક્ત થાય છે એમ ગણવું? વહેમમૂલક વક્રોક્તિનાં સારાં ઉદાહરણો કેટલાંક વિશેષનામમાં મળે છે. આવાં કેટલાંક વિશેષનામનાં ઉદાહરણ ‘અનુયોગદ્વાર’ સૂત્રના કર્તાએ આપ્યાં છે, જેનો ઉલ્લેખ પહેલા વ્યાખ્યાનમાં (પૃ.૧૮) કર્યો છે. જે કુટુંબમાં બાળકોની જરૂર હોય ત્યાં ‘જોઈતી’, ‘જોઈતો’ એવાં નામ પડે. બાળકો ન જીવતાં હોય તો ‘જીવો’ એવું શુભેચ્છાસૂચક અથવા ‘ભીખો’, ‘કચરો’, ‘પૂંજો’, ‘ઉકરડો’ એવું હલકા અર્થનું નામ પાડવામાં આવે. પુત્રો જીવતા ન હોય તો પુત્રનું નાક વીંધાવી, માથે ચોટલો રખાવી ‘નાથો’ નામ પાડવામાં આવે, જેથી કુદરત એને છોકરી ગણીને એને જીવતો રાખે! જેને ઘણી છોકરીઓ થઈ હોય તે ‘સબર,’ ‘અનારકલી’ (‘હે કાલી ! હવે વધુ નહિ!’) એવાં નામ બંગાળમાં પાડે છે. ગુજરાતમાં ઘણી પુત્રીઓના એક પિતાએ પોતાની એક નવજાત બાળકીનું નામ ‘સમાપ્તિ’ પાડ્યું હતું એમ સાંભળ્યું છે! નિષેધાર્થક અવ્યય ગણાતો ‘ના’ હિન્દી અને બંગાળીમાં કથનને ભારવાળું બનાવવા માટે પણ પણ પ્રયોજવામાં આવે છે (જેમ કે ‘જાઓ ના’ ‘ખાઓના,’ ઇત્યાદિ). ગુજરાતીમાં એ રીતે આજે આપણે ‘ને’ અને ‘ની’ વાપરીએ છીએ, જેમ કે ‘ખાઓ ને,’ ‘જાઓને, ’ ‘ખાની,’ ‘જા ની.’ ઇત્યાદિ. આ નિષેધવાચક ‘ન’ કે ‘નહિ’નાં રૂપાન્તરો છે. જૂની ગુજરાતીમાં આવે સ્થળે ‘ન’ વપરાયેલો મળે છે, જેમ કે - ‘ભમરલા છાંડિ ન પાખલિ ખાંખલ થ્યાં અમ્હ સયર’ (‘વસન્તવિલાસ’, કડી ૪૩), ‘ભમર વિચાલઈ કિસ્યા મરઇં પામર વિલસિ ન બેઉ’ (એ જ, કડી ૮૧), ઈત્યાદિ. ઉપશિષ્ટ (Slang) શબ્દપ્રયોગોમાં તથા રૂઢિપ્રયોગો અને કહેવતોમાં વક્રોક્તિ અને ચાટૂક્તિનાં, લાક્ષણિક ઉક્તિઓનાં અને ઉપચારવાક્યોનાં પુષ્કળ ઉદાહરણ મળે તેમ છે. આ વસ્તુ એટલી સર્વસામાન્ય છે કે એનાં ઉદાહરણ આપવાં બિનજરૂરી છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૪) શબ્દોની ચડતીપડતી

વ્યક્તિઓ અને સમજોની જેમ શબ્દોની પણ ચડતીપડતી થાય છે. કેટલાક શબ્દો અર્થદૃષ્ટિએ બહુ ઉન્નત હોય છે ત્યાંથી એમનું પતન થાય છે, કેટલાક નીચી પદવીએ હોય છે ત્યાંથી ઊંચે ચડે છે. સંસ્કૃત पाषण्ड શબ્દ આનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. મૂળ એ સારા અર્થમાં વપરાતો હતો. અશોકના સમયમાં એક બૌદ્ધેતર સંપ્રદાયને पासंड કહેતા. એના અનુયાયીઓને સમ્રાટ તરફથી દાનો મળેલાં એ અશોકના શાસનલેખો ઉપરથી જણાય છે. જૈન સૂત્રોમાં પણ જૈન સિવાયના બીજા સંપ્રદાયો માટે पासंडी શબ્દ વાપર્યો છે. પણ કાલક્રમે પોતાનાથી વિરોધી સંપ્રદાયવાળા માટે એ શબ્દ વપરાતો થયો અને સમય જતાં સંસ્કૃતમાં તેમ જ દેશી ભાષાઓમાં પણ पाषण्ड - ‘પાખંડી’ એનો અર્થ ‘ધર્મઢોંગ’ કરનાર, ‘લુચ્ચો’ એવો થઈ ગયો. એવી રીતે इतर એટલે ‘અન્ય’ ‘અન્ય’ એટલે પ્રાકૃત અથવા પૃથગ્જન, માટે इतरમાં પ્રાકૃતતાનો ભાવ આવ્યો.

यद् यदाचरति श्रेष्ठस्ततदेवेतरो जनः ।
स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।।
(‘ભગવદગીતા,’ અધ્યાય ૩, શ્લોક ૨૧)

એવા પ્રયોગોમાં इतरની ઉપર્યુક્ત અર્થસંક્રાન્તિનો પ્રારંભ નજરે પડે છે. એ રીતે ગુજરાતીમાં ‘લોક’ અથવા ‘લોકવરણ’ એટલે હલકી જાતના લોકો. ‘મહારાજ’ શબ્દનો મૂળ અર્થ ‘મોટો રાજા’ છે. પણ ગુજરાતમાં તથા ભારતના બીજા કેટલાક પ્રાન્તમાં રસોઈયાને ‘મહારાજ’ કહે છે.8[8] બંગાળીમાં રસોઈયાને ‘ઠાકુર’ ઊડિયામાં ‘પૂજારી’, અને બિહારીમાં ‘બાબાજી’ કહે છે તે આ સાથે સરખાવવા જેવું છે. ગુજરાતમાં પણ કેટલેક સ્થળે ઘાંયજાને ‘પારેખ’, ‘રાત’9 આદિ શબ્દોથી સંબોધવામાં આવે છે. महतर એટલે ‘વડીલ પુરુષ’


Something seems missing


[9]


પ્રયોગોમાં અર્થ ઘણો નીચે ઊતર્યો છે, પણ ‘રાત’ મૂળે સારા અર્થમાં વપરાતો હશે એની ઝાંખી તો ત્યાં પણ થાય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં ‘રાત’ માનવાચક અર્થમાં વપરાયો છે. ઉદાહરણ તરીકે

૧. માલણિ કીહિ, “સુણી માહારી વાત, ભલો અમ ઘરિ આવું રાતિ !”
-મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્ર વિવાહ’ (સં. ૧૬૧૬), પૃ.૧૦.
૨. કહિ પરદારઃ સ્વામી સૂણો વાત, લીલા નારી નઇ લખમણ રાત.
--એ જ.
૩. ખાટ તલાઈઈ બિઠો જિમ, લખમણ રાત પધારા તિમ.
-એ જ પૃ.૧૧
૪. બિહૂ જમિનિ કરિ વાત, ‘તિમ્હિ ભૂખ્યા દિન કેતા રાત !’
-એ જ, પૃ. ૩૭.
૫. નિદ્રા પરહરો, જાગો રાત! દાતણ કિજે, થયૂ પરભાત.
-એ જ, પૃ. ૫૦.
૬. પાહાલોરાત પધાર્યા તિહાં, ગંગાજમના વહિ છિ જિહાં.
- એ જ, પૃ. ૬૯.
૭. રાજા કહિ, ‘તૂં સાંભલિ રાત! તાહારી હોત તો કિહાં ન જાત.’
-એ જ.
૮. “સ્વામી ! સૂણો અમ્હારી વાત, કરવત મેલ્હાવિ આ રાત.”
-એ જ, પૃ. ૭૦.
૯. “રાજા ! સૂણિ અમ્હારી વાત, અસવાર થઈ આવ્યો એક રાત.”
-એ જ.

આમાંનાં પહેલાં પાંચ અવતરણમાં ‘રાત’ શબ્દ શુદ્ધ માનવાચક અર્થમાં છે, જ્યારે પછીનાં ચાર અવતરણોમાં એ ઔપચારિક સંબોધન છે.

‘ફોજદાર’ ‘જમાદાર’ એ ફારસીમાં લશ્કરી પરિભાષાના શબ્દો છે. એમાં પણ ‘ફોજ’ના ઉપરી સેનાપતિને ‘ફોજદાર’ કહેતા. પણ આજે ‘ફોજદાર’ શબ્દ એક સામાન્ય પોલિસ અમલદાર માટે વપરાય છે. ‘કામદાર’ શબ્દ એક સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યનો કારભારી થાય છે. પણ મહારાષ્ટ્રમાં એનો અર્થ ‘મજૂર’ છે, અને હવે તો છાપાંની અસરથી એ અર્થ ગુજરાતીમાં પણ વ્યાપક બન્યો છે. ‘તાલીમ’ એટલે કેળવણી. પણ એ ઉપરથી થયેલો ‘તાલીમબાજ’, ‘તાલમબાજ’ શબ્દ ગુજરાતીમાં કસરતી તાલીમ પામેલા માણસ માટે પણ વપરાય છે. કસરતી માણસ દાવપેચનો જાણકાર હોય છે તેથી એ જ શબ્દ ધૂર્ત કે ઠગ માણસ માટે વપરાય છે. ગુજરાતી તેમ જ મરાઠીમાં ‘તાલિમખાના’ એટલે ‘અખાડો.’ भोग શબ્દ સંસ્કૃતમાં એકંદર સારા અર્થમાં છે. જો કે ‘શરીર’ માટે भोगायतन જેવો શબ્દ વપરાયો છે ત્યાં भोगમાં સુખ અને દુઃખ બન્નેનો સમાવેશ થઈ જાય છે. પણ ગુજરાતીમાં ભોગ મળ્યા, ‘ભોગ લાગ્યા’ જેવા પ્રયોગોમાં ‘ભોગ’નો નરસો અર્થ જ છે. સં. भद्र >પ્રા. भल्ल ઉપરથી ગુજરાતીમાં ‘ભલો-ભોળો’ જેવા શબ્દો થયા, પણ એમાં ભલાઈ કરતાં મૂર્ખાઈનો અર્થ વધારે છે. ગુજરાતનાં ચૌલુક્ય વંશના રાજા ભીમદેવ બીજાને ભોળો ભીમદેવ કહેતા. સંસ્કૃત खट्वारूढ (‘ખાટલામાં ચઢેલો’) અર્થની અધોગતિનું એક ધ્યાન ખેંચે એવું ઉદાહરણ પૂરું પાડે છે. પછીના સંસ્કૃતમાં એનો અર્થ ‘વ્યભિચારી’ ‘લુચ્ચો’ એવો થાય છે, પણ મૂળે વેદાભ્યાસ કર્યા પછી ગુરુની આજ્ઞા લઈ ગૃહસ્થાશ્રયી (ખટ્વારૂઢ) થનાર માટે એ શબ્દ વપરાતો. પછી વેદાભ્યાસ કર્યા વિના ગૃહસ્થાશ્રયી થનાર માટે, અને એમ કરતાં કાલક્રમે ‘દુરાચારી’ માટે એ પ્રયોજાતો થયો. ‘મિત્ર’ના ફારસી પર્યાય ‘યાર’નો ગુજરાતી અ બંગાળીમાં ‘જાર’ એવો હલકો અર્થ થઈ ગયો છે. ‘ભવાઈ’ શબ્દની વ્યુત્પતિ આપણે હજી બરાબર નિશ્ચિત કરી શક્યા નથી. પણ એને સંસ્કૃત भाव સાથે સંબંધ હોય એવો સંભવ છે. ભવાઈમાં પ્રવેશેલી અશ્લીલતાને કારણે એના અર્થમાં ભારે અધઃપતન થયું છે અને ‘ભૂંગળ વિનાની ભવાઈ’ જેવા પ્રયોગો રૂઢ થયા છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતીમાં ‘ભવાડો’ શબ્દ ‘ફજેતો’નો પર્યાય છે, પણ જૂની ગુજરાતીમાં ‘ભવાડૂં’ એવું’ ક્રિયાપદિક રૂપ ‘ભજવી બતાવીએ - દેખાડીએ’ એવા સારા અર્થમાં વપરાયેલું છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ચૌહાણ વંશની રાજપૂતાણીઓ જૌહર કરતી વખતે કહે છે કે-

‘ચહૂઆણનૂં ગિરુઉ રાજ રુડૂં અહ્મે ભવાડૂં આજ;’
રાણી બોલ ઇસિઉ ઊચરિઉ, ‘ઇમ જાણેજો જમહર કરિઉ.’
(ખંડ ૨, કડી ૧૪૮).

જૂના ગુજરાતીના ‘મસાણી’ અને ‘મુડધા’ એ બે શબ્દો અર્થ-અવનતિનાં સારાં ઉદાહરણ છે. ‘મસાણી’ અત્યારે પારસીઓની એક અટક છે. કેટલાક એનો સંબંધ ‘મસાણ’ સાથે જોડે છે, એ વાસ્તવિક નથી. એવો સંબંધ જોડવા માટે કેવળ બાહ્યશ્રુતિસામ્ય સિવાય બીજું કશું કારણ નથી ‘મસાણી’ શબ્દ સં.महासाधनिक (‘મુખ્ય સેનાપતિ’) ઉપરથી પ્રાકૃત महासाहणिअ દ્વારા વ્યુત્પન્ન થયો છે, અને જૂની ગુજરાતીમાં એનું ‘મસાહણી’ એ રૂપ મળે છે.10[10] રુસ્તમ મસાણી તા.૧લી નવેમ્બર ૧૯૫૧ના અંગ્રેજી પત્રમાં લખે છે ‘મસાણી વિષેની તમારી નોંધ રસપ્રદ વાચન પૂરું પાડે છે અને ઘણો સમય થયાં જે વસ્તુ અમારા કુટુંબ માટે એક કોયડો સમાન હતી એના ઉપર નવો પ્રકાશ પાડે છે. ‘મસાણી’ શબ્દનું મૂળ ‘મસાણ’ (સ્મશાન)માં હોવાની વાતનો અમારા વડીલો સ્વીકાર કરતા નહોતા અને એવા મૂળનો તમે સ્પષ્ટ પ્રતિવાદ કર્યો છે તે એમની માન્યતાનું સમર્થન કરે છે. “અમારા એક વડવા કાવસજી એદલજી મસાણી જો એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈ નવરોજીના સહધ્યાયી હતા અને યુનિવર્સિટી નહોતી સ્થપાઈ એ જમાનામાં આ ઇન્સ્ટિટ્યૂટમાંથી પસાર થનાર સૌથી પહેલા ‘નૉર્મલ સ્કૉલર્સ’ પૈકી જેઓ એક હતા, તે કહેતા કે ‘મસાણી’માંના ‘મ’નો અર્થ ‘મહા’ થાય છે. તમે આપેલી વ્યુત્પત્તિમાં પણ એમ જ છે. જો કે એ વ્યુત્પત્તિનો એણને ખ્યાલ હોય એમ લાગતું નથી. તેઓ એમ કહેતા કે ‘સાણી’નો અર્થ ‘ચતુર’ થાય છે. તમે આપેલી વ્યુત્પત્તિમાં પણ એમ છે જો કે એ વ્યુત્પત્તિનો એમને ખ્યાલ હોય એમ લાગતું નથી. તેઓ એમ કહેતા કે ‘સાણી’નો અર્થ ‘ચતુર’ થાય છે. આથી તેઓ ‘મસાણી’નો અર્થ ‘મહાચતુર’ એવો કરતા. આ અર્થ એમણે પોતે કરેલો કે બીજા કોઈ પાસેથી સાંભાળેલો તે હું કહી શકતો નથી. અમારા વડવાઓ નવસારીમાં હિન્દુઓના સ્મશાન પાસે રહેતા તેથી એમને ‘મસાણી’ નામ મળ્યુ હતું. એમ કોઈ પારસી લેખકે સૂચવેલું, પણ એમ કહેવા માટે કોઈ પ્રામાણિક આધાર નથી.” ‘મડધો’ શબ્દના નીચે પ્રમાણે અર્થ ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશમાં આપ્યા છે – “(૧) મોટો મલ્લ, હષ્ટપુષ્ટ માણસ,11[11] (૨) કાસદોનો ઉપરી. 12 [12] આપણા સાહિત્યમાં ઘણા જૂના સમયથી ‘મઉડઉધા’, ‘મઉડાધા’, ‘મઉડુધા’ ‘મુડુધા’ વગેરે વિવિધ સ્વરૂપે આ શબ્દનો પ્રયોગ થતો આવ્યો છે. પરન્તુ ઉપર્યુક્ત અર્થો એ શબ્દોમાં પાછળથી વિકાસ પામ્યા છે અને પ્રાચીન પ્રયોગોમાં તે જોવામાં આવતા નથી.13[13] મૂળે આ શબ્દ ‘મુકુટબદ્ધ’ રાજાના અર્થમાં પ્રયોજાતો હતો (જો, ‘ભરત-બાહુબલિ રાસ,’ કડી ૪૨, ૮૧, ૧૧૬-૧૧૭, ૧૨૪, ૧૩૬) સમય જતાં તે ‘રાજ્યાધિકારી’ના અર્થમાં વપરાવા લાગ્યો (‘કાન્હડદેપ્રબન્ધ’ ખંડ ૨, કડી ૧૯, ગણપતિકૃત ‘માધવકામકંદલા પ્રબન્ધ, અંગ ૩, કડી ૧૬, અંગ ૬ કડી ૧૫૫), એ પછી વળી એનું વિશેષ અધઃપતન થયું અને ટપાલ લઈ જનારા કાસદોના ઉપરી અધિકારીના અર્થમાં તે વપરાવા લાગ્યો. રાજ્યાધિકારીનો દોર સાધારણ રીતે જનસમાજમાં ચાલે તે કારણથી અ તે ‘દાદાગીરી કરનાર હ્રષ્ટપુષ્ટ માણસ’ એ અર્થમાં તે શબ્દ સ્થિર થયો, અને અત્યારે આપણી ભાષામાં એ જ અર્થમાં પ્રચલિત છે. ‘ભરત-બાહુબલિ રાસ’ જેવા, ઠેઠ તેરમા શતકમાં રચાયેલા પ્રાચીન કાવ્યના પ્રયોગો આપણી પાસે ન હોત તો એના મૂળ અર્થની એકાએક ક્લ્પના કરવી પણ મુશ્કેલ થાત. સદ્ગત ડાહ્યાભાઈ દેરાસરીએ આ શબ્દની વ્યુત્પતિ ફારસી ‘મર્દ’ ઉપરથી કલ્પી છે (જુઓ ટિપ્પણ ૧૨) પણ ‘ભરત બાહુબલિ રાસ’ના અવતરણોમાં ‘મઉડુધ’ (‘મઉડઉધિ’), ‘મઉડાઘા’ (‘મઉડઉધા’), ‘મઉડુધા’ એવાં સ્વરૂપે આ શબ્દ મળે છે. સં.मुकुटबद्ध ઉપરથી જ એ શબ્દ આવી શકે. કડી ૧૧૬ની ‘જઉ મઉડુધા (મઉડઉધા) મઉડ ઊતારઉં’ (જો મુકુટબદ્ધ રાજાઓના મુકુટ ઉતારું) એ પંક્તિમાંનો ‘મઉડ’(સં. मुकुट) શબ્દ પણ એ.. વ્યુત્પતિનું નિઃશંકપણે સમર્થન કરે છે. ખાસ કરીને જૈન પ્રાકૃત સાહિત્યમાં बद्धमउडा रायाणो (=સં. बद्धमुकुटा राजानः) એવા પ્રયોગો વારંવાર આવે છે. बद्धमउडा શબ્દવ્યત્યયથી (કે જેઓ વ્યત્યય પ્રાકૃતમાં થાય છે) मउडबद्धा બને, એટલે ‘ભરત-બાહુબલિ રાસ’માંના ‘મઉડઉધા’ની ખૂબ નજદીક આવી જાય છે. मुकुटबद्धः> मउडबद्धो >मउडवद्धो> मउडउधउ> मुडधो> मडधो એ રીતે ગુજરાતી ‘મડધો’ (‘મરઘો’) શબ્દ વ્યુત્પન્ન થાય. ‘ભાઈશ્રી પ,’ કે ‘શ્રીયુક્ત’ જેવા માનાર્થે પ્રયોજાતા શબ્દો હલકો અર્થ પ્રાપ્ત કરે છે એના મૂળમાં કટાક્ષ રહેલો હોય છે. જ્ઞાન, કલા અને નૈપુણ્યનો અર્થ વ્યક્ત કરનારા કેટલાક સારા શબ્દો કાલક્રમે એ જ્ઞાન, કલા કે નૈપુણ્યનો અવળો ઉપયોગ સૂચવનારા બન્યા છે એના કારણમાં દુનિયામાં એવો ઉપયોગ થતો જોવામાં આવે છે તે હોવા સંભવ છે. જેમ કે – યુક્તિપ્રયુક્તિ, ચાલાકી, ઉસ્તાદી, હોંશિયારી, ખેલાડી (માણસ), ઇત્યાદિ, અંગ્રેજીમાં Cunning શબ્દનો ઇતિહાસ આ સાથે સરખાવી શકાય. અમુક શબ્દો શિષ્ટ કે અમુક અશિષ્ટ ગણાય એનું કોઈ સ્વતઃસિદ્ધ ધોરણ ભાષામાં નથી. ભાષાગત શિષ્ટતા કે અશિષ્ટતા સંબંધમાં રૂઢિ સિવાય બીજું કશું કારણ નથી. કેળવણીના પ્રચાર સાથે અમુક પ્રદેશની બોલીના શબ્દો શિષ્ટ ગણાયા અથવા અમુક શબ્દોમાં અશિષ્ટતાનો ભાવ જણાવાથી તે ત્યાજ્ય લેખાયા. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા જેવા શિષ્ટ લેખકે પોતાના લખાણમાં ‘શિક્ષિત સ્ત્રીઓ’ માટે ‘ભણેલી બાયડીઓ’ એવો પ્રયોગ કરેલો છે, પણ આ જમાનામાં એ ભાગ્યે સ્વીકાર્ય ગણાશે. એ જ પ્રમાણે ‘ધણી’ને બદલે ‘પતિ’ વધારે શિષ્ટ ગણાય છે. જો કે એ બેના અર્થમાં કશો ફરક નથી – બલકે, વ્યુત્પતિની દૃષ્ટિએ સં. धनिन् (જે ઉપરથી ‘ધણી’ શબ્દ આવ્યો છે) નો અર્થ ‘ધનવાળો’ એવો સામાન્ય છે, જ્યારે पति નો અર્થ ‘માલિક’ છે. ‘વહુ’ શબ્દમાં પણ ગ્રામ્યતાનો ખ્યાલ પ્રવેશ્યો છે, અને એનું સ્થાન ‘પત્ની’એ લીધું છે. જેમાં રીતસર ગ્રામ્યતાનો ભાવ નથી આવ્યો, તો પણ અમુક પર્યાયોની તુલાનાએ જે ઊતરતી કોટિના ગણાય છે એવા ઘણા શબ્દો ટાંકી શકાય. પોતાનાં મા, બાપ, પત્ની અને બીજાં સગાં માટે ગુજરાતીને બદલે એમના અંગ્રેજી પર્યાયો વાપરવાનું શિક્ષિતો સામાન્ય રીતે પસંદ કરે છે એ આ સન્દર્ભમાં નોંધપાત્ર છે. ઐહિક જગતની જેમ શબ્દોના જગતમાં પણ પતનની તુલનાએ ઉન્નતિનાં ઉદાહરણ ઓછાં છે. પણ એવા થોડાક શબ્દો જોઈએ. સંસ્કૃતમાં साहसનો સામાન્ય અર્થ ‘ગુન્હાહિત કૃત્ય’ છે, અને એના મૂળમાં सहस् ‘બળ’ શબ્દ રહેલો છે. આપણી પ્રાચીન પરિભાષામાં साहसदण्ड એટલે ફોજદારી ગુન્હા બદલની સજા. ગુજરાતીમાં એ સારા અને નરસા બેય અર્થમાં વપરાય છે. આ બન્ને અર્થો જૂની ગુજરાતીના સમય પૂર્વેથી વિકસેલા છે.

સાહસિઆ લચ્છી લહી, નહિ કાયર પુરિસાણ;
કાને કુંડલ રયમમઈ, કજ્જલ પુણ નયણાણ.

એ સુભાષિતમાંના ‘સાહસિઆ’ - સાહસિક - એટલે પરાક્રમી. પણ

સાહસ કર્મ કર્યા થકી હોય હર્ષનો નાશ.

એમાં ‘સાહસ’ એટલે વગર વિચાર્યું કૃત્ય. ‘સાહસ કરવા વિષે’ના કાવ્યમાં કવિ નર્મદે અનેક વાર સર્વોતમ પરાક્રમના અર્થમાં ‘સાહસ’ શબ્દ પ્રયોજ્યો છે, છતાં ગુજરાતીમાં ગમે ત્યારે એ શબ્દને અવિચારી કૃત્યના અર્થમાં પ્રયોજી શકાય એવો ભાવ એમાં રહેલો છે, પણ બંગાળીમાં ‘સાહસ’ હંમેશાં ‘હિંમત’ એવા સારા અર્થમાં વપરાય છે. સંસ્કૃત कर्प्पट અને પાલિ कप्पटનો અર્થ ‘ફાટેલું વસ્ત્ર, ચીંથરું’ એવો છે. પ્રાકૃતમાં कप्पडનો અર્થ ‘જીર્ણ વસ્ત્ર’ છે તેમ ‘આખું વસ્ત્ર’ પણ છે. સમય જતાં कप्पड અને એના તદ્ભવ ‘કાપડ’માં આખા વસ્ત્રનો અર્થ જ રહ્યો. જો કે પ્રાકૃત कप्पडिअ (સં. कार्पटिक)નો તથા ગુજરાતી ‘કાપડી’નો અર્થ ‘ભીખારી’ થાય છે એમાં મૂળ અર્થ ચાલુ રહેલો છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ‘જરિયાન’ માટે ‘કપ્પડકણય’ (એટલે કે ‘કનકકર્પટ)’ શબ્દ વાપર્યો છે.14[14] કપડવણજ (સં.कर्पटवाणिज्य) જેવા ઐતિહાસિક શહેરનું નામ સૂચવે છે કે कर्पटનો ‘આખું વસ્ત્ર’ એ અર્થ ગુજરાતમાં ઘણો જૂનો છે. એને મળતો ઇતિહાસ સં चीवर-चीरનો છે. સંસ્કૃતમાં પણ चीर શબ્દ चीवरનો તદ્ભવ હશે એવી મારી કલ્પના છે. એ ગમે તેમ હોય, પણ મૂળમાં એનો અર્થ ‘છિન્ન વસ્ત્ર’ એવો છે અને ભિક્ષુકોનાં વસ્ત્રને પણ चीवर કહેવામાં આવે છે. પણ જૂના ગુજરાતીમાં સ્ત્રીઓના ઉત્તમ વસ્ત્ર માટે ‘ચીવર’નો પ્રયોગ છે.15[15] અને અર્વાચીન ગુજરાતીમાં સ્ત્રીઓનાં રેશમી વસ્ત્ર માટે ‘ચીર’ વપરાય છે. પણ ફાટેલાં કપડાં માટે વ્યંગ્યમાં ‘ચીરપટોળાં’ કે ‘હીરચીર’ શબ્દ પ્રયોજાય છે ત્યાં મૂળ અર્થનો ભાસ થાય છે. ફારસીમાં ‘દરિયા’નો અર્થ ‘નદી’ છે, જે ‘આમુદરિયા’, ‘સીરદરિયા’ વગેરે નદીઓનાં નામમાં પણ છે. ગુજરાતીમાં ‘દરિયા’નો અર્થ ‘સમુદ્ર’ છે. ઈરાની મુસલમાનોએ સિન્ધુ અને ગંગા જેવી મોટી નદીઓને ‘દરિયા’ કહી હશે એ ઉપરથી લક્ષણાથી એમાં ‘સમુદ્ર’ અર્થ આવ્યો હશે? આ માત્ર તર્ક જ છે. અર્વાચીન કાળમાં શબ્દોનાં પરિવર્તન જલદી થાય છે અર્થાત્ એમની ચડતીપડતી પણ જલદી થાય છે. જુદા જુદા વાદો અને પક્ષોનું ઘર્ષણ, એને લીધે જનતાના વિચારોમાં થતા ઝડપી ફેરફારો, યુદ્ધો વગેરેને એના કારણમાં ગણી શકાય. મૂડી, મૂડાદાર, કામદાર, શોષણ, શોષક, વર્ગ, વર્ગવિગ્રહ, સામ્યવાદ, લાલ વાવટો, પ્રગતિ, પ્રગતિવાદ ઇત્યાદિ શબ્દો વિષે જુદી જુદી વ્યક્તિઓ અને વર્ગના મનુષ્યોના અર્થો આ વાતનું ઉદાહરણ બની રહેશે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૫) જૂના શબ્દોનો લોપ અને નવીન શબ્દોનો આગમ

શબ્દોની ચડતીપડતીની સાથે જૂના શબ્દોના લોપ અને નવીન શબ્દોના આગમનો પ્રશ્ન એક રીતે સંકળાયેલો છે, કેમ કે અવગણાયેલા શબ્દો ઘણીવાર પ્રચારમાંથી લુપ્ત થાય છે અને એમનું સ્થાન નવા - એટલે કે તે તે ભાષામાં અથવા તે તે સન્દર્ભમાં નવા શબ્દો લે છે. શબ્દો બે રીતે લુપ્ત થાય છે. શબ્દ દ્વારા જે વસ્તુની અભિવ્યક્તિ થતી હોય એ વસ્તુ પ્રચારલુપ્ત કે અજાણી થવાની સાથે પેલો શબ્દ પણ પ્રચારલુપ્ત કે અજાણ્યો બને છે. અર્થાત્ વસ્તુની સાથે એનો વાચક પણ કેવળ ઐતિહાસિક અગત્યનો બની જાય છે. બીજું એ કે ભાવ કે વસ્તુની અભિવ્યક્તિ એની એ રહે છે, પણ જૂના શબ્દનું સ્થાન નવો શબ્દ લઈ લે છે. અર્થાત વસ્તુ નહિ પણ કેવળ વાચક બદલાય છે. પહેલા પ્રકારમાં શબ્દો ઐતિહાસિક કારણોસર નાશ પામે છે કે અણછતા બને છે. વૈદિક ક્રિયાકાંડ સાથે સંબંધ ધરાવતા અનેક શબ્દો સંસ્કૃતમાં પણ મુકાબલે પાછળના સમયમાં અજાણ્યા બન્યા હતા. મધ્યયુગીન ઐતિહાસિક-સામાજિક પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવતા શબ્દો પણ એ પરિસ્થિતિના અસ્તની સાથે અસ્ત પામ્યા છે. જેમ કે - ફારકી (કિલ્લા ઉપરથી પથ્થર ફેંકવાનું યંત્ર), કટકિયા (સૈન્યને પુરવઠો પહોંચાડનાર વણિકો), સઈફલું - સીફલું (મારણાન્તિક યુદ્ધ), જમહર (જૌહર), પંચાંગ પસાઉ (પાંચે અંગ પહેરવાનાં વસ્ત્રોનો સરપાવ), નફાત (યુદ્ધમાં છોડવાનું એક પ્રકારનું દારૂખાનું), કાહલ ( રણશિંગુ), આદિ શબ્દો એનાં ઉદાહરણ છે. આ યાદી જૂની કૃતિઓની બારીક તપાસને અંતે વધારે લાંબી કરી શકાય, પણ મારું કથયિતવ્ય આટલાથી પણ સ્પષ્ટ થશે. જુદા જુદા પ્રકારનાં હથિયારો, બખ્તરો, તંબુઓ, વસ્ત્રો, અલંકારો, સિક્કાઓ, તોલમાપ વગેરેનાં નામો આપણને જૂના ગ્રન્થોમાં મળે છે, પણ એટલા માત્રથી એમનો ચોક્કસ અર્થ સમજાતો નથી. કોઈ સંગ્રહસ્થાનમાં કે શિલેખાનામાં એ વસ્તુ વિગતથી જોવાય તો જ એનો અર્થ બરાબર સમજી શકાય છે. ઐતિહાસિક શોધખોળને પરિણામે આવા શબ્દોને કેટલીક વાર મર્યાદિત અર્થમાં પુનર્જીવન આપી શકાય છે. એ શબ્દોની પાછળ રહેલા જીવનનો અભ્યાસ થાય છે, ભાષાશાસ્ત્રના ગ્રન્થોમાં કે શબ્દકોશમાં એમને સ્થાન મળે છે. અને એ વિષના જાણકાર વિદ્વાનોનાં મંડળોમાં એ શબ્દો ફરી પાછા પ્રચલિત થાય છે. એક પ્રકારે એ શબ્દોનું કૃત્રિમ પુનર્જીવન થાય છે, પણ બહુજનસમાજના જીવનમાં તેઓ પ્રવેશ પામી શકતા નથી, કેમ કે એમના નૈસર્ગિંક પોષણમાં નિમિત્તભૂત સામાજિક પરિસ્થિતિ હવે રહી નથી. બીજા પ્રકારમાં ભાવ કે વસ્તુની અભિવ્યક્તિ એની એ રહે છે, છતાં જૂના શબ્દોનું સ્થાન નવા શબ્દો લે છે. આ પ્રક્રિયા બહુ પ્રાચીન કાળથી ચાલતી આવી છે. આર્યો ભારતમાં પ્રવેશ્યા તે સમયથી લગભગ, આર્ય ભાષાઓએ આર્યેતર ભાષાના સત્ત્વનો સ્વીકાર કર્યો, અને શબ્દોની બાબતમાં જોઈએ તો, જૂના વૈદિક વાચકોનો અનેક સ્થળે ત્યાગ કરવામાં આવ્યો અને તેમને સ્થાને બોલાતી ભાષાઓમાં નવા વાચકો આવ્યા. જો કે પ્રસંગની આવશ્યકતા અનુસાર જૂના શબ્દોનો ઉપયોગ પણ થતો. આ પ્રમાણે સંસ્કૃતમાં, अश्व ‘ઘોડો’, अश्मन् ‘પથ્થર’, श्वन् ‘કૂતરો’, वृष ‘આખલો,’ अवि ‘ઘેટું’ अनड्वन અથવા उक्षन् ‘બળદ’ वाह, रथ ‘ગાડી, રથ,’ राहस्, राघस् ‘સમૃદ્ધિ’, सहस् ‘બળ’ दम्, वेश ‘ઘર’ द्रु ‘વૃક્ષ’ उदन् ‘પાણી’ असृक् ‘લોહી’ √अद् ‘ખાવું’ √गृभ् ‘ગ્રહણ કરવું,’ √हन् ‘મારવું’ √वक्ष् ‘’ઊગવું √यज् ‘યજન કરવું’ √विज् ,वेज्‘કંપવું,’ √पृ-ण ‘પૂરવું’, √ पत् ‘ઉડવું’√ सू ‘જન્મ’ આપવો વગેરે શબ્દોને સ્થાને અનુક્રમે घोट-क, प्रस्तर (જેનો અર્થ મૂળે ‘યજુર્વેદ ૧૮-૬૩ પ્રમાણે,’ ‘પહોળું - પથરાયેલું ઘાસ’ એવો થતો હતો), कुक्कुर અથવા कुर्कुर (રવાનુકારી), षण्ड़ (गोण), मेष (एड-क), बलीवर्द, शकट (*गड्डिका), धन, बल, वाटिका (गृह), वृक्ष (गच्छ, पिण्ड), जल (पानीय), रक्त (रुधिर, लोहित), √खाद्, (√जम), प्र + √आप्, √मारय्, √वृध्, √पूज्य -, √कम्प्, √पूरय-, √उड्डीय-, √जनय - એ શબ્દો આવ્યા.16[16] નવ્ય ભારતીય આર્ય ભાષાઓમાં આ નવા શબ્દો વિશેષ પ્રમાણમાં ચાલુ રહ્યા છે, અને નહિ કે વૈદિક અને આદ્ય ભારતીય આર્યમાં હતા એવા જૂના શબ્દો. કેટલા યે વૈદિક શબ્દોના અર્થો પછના સમયમાં બદલાઈ ગયા હતા એટલું જ નહિ, પણ પાણિનિકાલીન શબ્દોના અર્થોમાં વાર્ત્તિકકાર કાત્યાયનના સમય સુધીમાં મોટો પલટો થઈ ગયો હતો. प्रत्यवसान ‘ખાવું’ उपसंवाद ‘સોદો’ अभ्रेष ‘ઔચિત્ય’ એ શબ્દોના પ્રસ્તુત અર્થો આર્ષ બની ચૂક્યા હતા. कुल (‘વસ્ત્ર’) જેવા શબ્દો લુપ્ત થઈ ગયો છે, પણ कौलिक (‘વણકર’), पट्टकूल (‘ઉત્તમ વસ્ત્ર,’ ગુજ. ‘પટોળું’ જેવા શબ્દોથી એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. પ્રાકૃતોની વાત કરીએ તો, આર્ષ પ્રાકૃતના ગ્રન્થોમાં પ્રયોજાયેલા કેટલા યે શબ્દો પછીના સમયમાં રચાયેલા સાહિત્યિક પ્રાકૃતના ગ્રન્થોમાં મળતા નથી. જેમ કે - चम्मदि (પ્રતારણા), √चमढ (અવમર્દન કરવું તે), मंडुक्की (થેલી. સં. मंडूक પરથી? ‘દેડકાના આકારની થેલી’ સર. સં. नकुलिका નોળિયાના આકારની અથવા નોળિયાના ચામડામાંથી બનાવેલી થેલી.’ નોળી) पडिसिरा (કનાત), गणियारी (મહાવત), डियलितो (ઘોડો પલાણ્યો), ઈત્યાદિ.17 [17] અપભ્રંશ અને જૂની ગુજરાતીની વાત કરીએ તો, આવા પ્રયોગલુપ્ત શબ્દોનું એક મોટું જૂથ નજરે પડશે, જેમની પૂરી તપસીલ તો ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર શબ્દકોશ રચાય નહિ અથવા ઓછામાં ઓછું, શબ્દસૂચિ સમેત મૂળ ગ્રન્થોનાં સંપાદનો ઠીક ઠીક મોટી સંખ્યામાં બહાર પડે નહિ ત્યાં સુધી ભાગ્યે થઈ શકે.આ પ્રકારના કેટલાક શબ્દોની ચર્ચા આપણે આ પહેલાનાં વ્યાખ્યાનોમાં કરી છે. ‘પાંડવ’ નો અર્થ જૂની ગુજરાતીમાં ‘અશ્વપાલ’ થાય છે,18[18] એ સંબંધમાં મેં એવો તર્ક કર્યો હતો કે ‘મહાભારત’ના વનપર્વમાં વિરાટનગરના અજ્ઞાતવાસમાં નકુળ અશ્વપાલના વેશે રહેતો. તે ઉપરથી લક્ષણાથી આ અર્થ વિકસ્યો હશે. જૂની ગુજરાતીમાં ‘સગર’ શબ્દ ‘માટી ખોદનાર’ માટે છે.19[19] તેથી આ અર્થનું આનુષંગિક સમર્થન થાય છે. સગર રાજાના પુત્રોએ આખી પૃથ્વી ખોદી નાખી હતી, એવી પૌરાણિક કથાનો સંબંધ એમાં જણાય છે. આ બન્ને શબ્દોમાં અથસંક્રાન્તિ એકસરખી માનસિક પ્રક્રિયામાંથી જન્મેલી હોઈ એક શબ્દ બીજાનો અર્થ સમજવામાં ઉપયોગી થાય છે. અર્વાચીન ગુજરાતીમાં જવલ્લે જ વપરાય છે એવા બીજા કેટલાક શબ્દો નીચે પ્રમાણે છે - અલવેસર (સુન્દર),20[20] પુંતાર (હાથીનો મહાવત), 21[21] સારસી (મત્ત હાથીની ચીસ),22[22] પરીઅચિ (પડદો),23[23] ઘોડાની લાસ (ઘોડાનો સમુદાય),24[24] જેડિ (વિલંબ),25[25] પડખ (રાહ જોવી), 26[26] ખડોખલી (નાનો કુંડ), અંતેઉરિ (રાણી), ઊલગ (ગુજ. ‘ઓળગ,’ સેવા), ઊસર (સં. अवसर, નૃત્યસમારંભ) કૂંચ (દાઢી), 27[27] તલાર (કોટવાલ), ઊજાઈ (દોડે), સઈર(શરીર), વંદરવાલ (સં. वन्दनमाला, લીલું તોરણ), સાંઈ (આલિંગન), ઉલોચ (ચંદરવો), વેઢિ (તકરાર), ભેડિ (તકરાર), રવણ્ણ (રમણીય), ગુડી (ધજા), ગુડવું (હાથીને પલાણવાની ક્રિયા), અરણ (અરતિ), 28[28] વાલિ (અશ્વશાલા), સાવટૂં (જરિયાન), ઓલવો (સંતાવાની જગા), ઇત્યાદિ. જે જૂનું ગુજરાતી સાહિત્ય અત્યાર પહેલાં છપાયું છે એમાંથી પણ આવા ઘણા શબ્દોની સૂચિ થઈ શકે, પરન્તુ ઉદાહરણ રૂપે આ યાદી પૂરતી થશે. પ્રાકૃત અને અપભ્રંશના વારસા રૂપે જૂની ગુજરાતીમાં પ્રાકૃત શબ્દરૂપોનું ભરણું ઘણું મોટું છે. પણ આપણે અર્વાચીન કાળ તરફ આવતા જઈએ છીએ એમ એ પ્રાકૃત શબ્દરૂપો કાં તો લોપ પામે છે અને એમનું સ્થાન એમના પર્યાયો (મોટે ભાગે સંસ્કૃત) લે છે અથવા પ્રાકૃત શબ્દોને સ્થાને એમનાં સંસ્કૃત મૂલ રૂપો ફરી પાછાં આવે છે. યુનિવર્સિટી-શિક્ષણના આરંભ પછી દેશી ભાષાઓની જે ખિલવણી થઈ એનાં પ્રેરક બળોમાંનું એક સંસ્કૃત સાહિત્યનો નવી દૃષ્ટિએ થયેલો અભ્યાસ છે, અને અર્વાચીન સાહિત્યમાં સંસ્કૃત શબ્દભંડોળ ઉત્તરોત્તર વધતું આવ્યુ છે એનું એ મુખ્ય કારણ છે. શ્રી કેશવલાલ ધ્રુવે પોતાની રચનાઓમાં જૂના ગુજરાતી કેટલાક શબ્દોનો જીર્ણોદ્વાર કરી નવેસરથી પ્રયોજવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ પ્રયોગ તરીકે રમમીય હોવા છતાં વ્યાપક બની શક્યો નથી. તળપદા દેશ્ય શબ્દો સાહિત્યમાં ચાલુ કરવાનો મોટો પ્રયત્ન શ્રી હરગોવિન્દદાસ કાંટાવાળાનો હતો, પણ ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’માં દેખાય ચે એવા એના અતિરેકને કારણે એ પ્રયત્ન શિષ્ટમાન્ય બની શક્યો નથી. તળપદી શબ્દસમૃદ્ધિનો પ્રમાણપુરઃસર સચોટ વિનિયોગ આપણને ગાંધીજીની ભાષામાં મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે છેલ્લાં પચીસેક વર્ષમાં તળપદા તેમ જ જૂના ગણાતા શબ્દોનો ઉપયોગ સૌથી વધારે કર્યો છે એમ કહી શકાય. ઇતિહાસના અભ્યાસમાં જાગેલો રસ અને ઐતિહાસિક બુદ્ધિનો વિકાસ તથા લોકસાહિત્ય અને લોકજીવન પ્રત્યે સાહિત્યકારોની સવિશેષ અભિમુખતા એ એનાં મુખ્ય કારણો છે. જૂના શબ્દોને એમના આગંતુક પર્યાયો કેવી રીતે સ્થાનભ્રષ્ટ કરી દે છે એનાં એકબે ઉદાહરણ જોઈએ. સંસ્કૃતમાં ‘જમણો’ અર્થનો વાચક दक्षिण શબ્દ છે, એનું પ્રાકૃત રૂપ दक्खिण-दाहिण છે. એ વિષે આપણે થોડીક ચર્ચા આ વ્યાખ્યાનના પ્રારંભમાં કરી છે. પણ પ્રાકૃતકાળમાં જ એક जमजिम-जेम ‘જમવું’ ધાતુ ક્યાંકથી આવ્યો, જે ઉપરથી जिमणउ-जमणउ શબ્દ થયો, જે ગુજરાતી ‘જમણો’નું મૂળ છે. ‘જમણો’ એટલે ‘જમવાનો’ સામાન્ય વ્યવહારમાં એણે ‘દક્ષિણ’નું સ્થાન પૂરેપૂરું લઈ લીધું છે. સંસ્કૃત वाम પ્રાકૃતમાં તત્સમ રૂપે ચાલુ રહ્યો, પણ કોઈ અજ્ઞાત મૂળનો डब्ब શબ્દ આવ્યો, જેમાંથી અર્વાચીન શબ્દ ‘ડાબો’ વ્યુત્પન્ન થયો. डब्ब નો ‘ડબ્બા જેવો, અદક્ષિણ’ એવો કંઈક અર્થ છે. ‘નગર’ જેવા સંસ્કૃત શબ્દને ‘શહેર’ જેવા ફારસી શબ્દે સ્થાનભ્રષ્ટ કર્યો છે, તે એટલે સુધી કે સામાન્ય વાતચીતમાં ‘અમે નગરમાં જઈએ છીએ’ એમ ભાગ્યે જ કોઈ બોલશે. ભાષામાં તદ્દન ચલણી બની ગયેલા બીજા કેટલાક ફારસી-અરબી શબ્દો અથવા એમના તદ્દભાવો જેવા કે - નજીક, જલદી, ફલાણું, ખૂબ, હમેશ, માયા (ધન), અક્કલ, જમા, હિસાબ, હુકમ વગેરે પણ આવાં ઉદાહરણો રજૂ કરે છે. ભાષામાંથી સામાન્યતઃ પ્રયોગલુપ્ત થયેલા શબ્દો જ્યારે કોઈ અપવાદરૂપ સંજોગોમાં બચે છે ત્યારે અભ્યાસ માટે કુતૂહલજનક સામગ્રી પૂરી પાડે છે. ‘મરઘો’, ‘મસાણી’, ‘પારઘી’ જેવા શબ્દો માટે આપણે અગાઉ ચર્ચા કરી છે. બીજાં બેત્રણ લાક્ષણિક ઉદાહરણો જોઈએ. ‘અલવેસર’ શબ્દ સામાન્ય રીતે હવે વપરાતો નથી. પણ ભાવનગર બાજૂના બ્રાહ્મણોમાં એ વિશેષ નામ તરીકે જૂની પેઢીમાં હતો એમ ત્યાંના વતની એક વિદ્વાન અધ્યાપકે મને કહ્યું હતું. ‘પ્રેસર’ શબ્દ ફારસી ‘પિસર’ (છોકરો, પુત્ર) માંથી આવ્યો છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં એ વપરાયો છે.29[29] અર્વાચીન ગુજરાતીમાં એ વાંચવા-સાંભળવા મળતો નથી. પણ એક વાર ઉત્તર ગુજરાતમાં ચમારોની બોલીમાં આ જ અર્થમાં ‘પેહરો’ શબ્દ મેં સાંભળ્યો હતો, જે જૂની ગુજરાતી ‘પેસર’નું અપભ્રષ્ટતરરૂપ છે. ‘પરોણોપઈ’ કે ‘પહેલે દહાડે પરોણો ને બીજે દહાડે પઈ’ જેવા પ્રયોગમાંના ‘પઈ’ અંગને ‘પાઇ’ સાથે કશો સંબંધ નથી, પણ તે સંસ્કૃત पथिकનું પ્રાકૃત पहिअ> पइअ દ્વારા વ્યુત્પન્ન થયેલું રૂપ છે. ‘પઈ’ શબ્દ બીજી રીતે વપરાતો નથી, પણ આ રૂઢિપ્રયોગનો આધાર મળી જવાથી એમાં એ ટકી રહ્યો છે - જેમ જરાજીર્ણ વસ્તુઓને પણ કંઈક આધાર મળવાથી ટકી રહે છે તેમ. જૂના શબ્દોના અવસાન અને નવાના આગમનું બીજું એક કારણ પણ છે, અને તે જૂની અને નવી પેઢી વચ્ચેનો ઉછેરભેદ, સામાજિક સ્થિતિમાં થયેલું પરિવર્તન અને એને પરિણામે વિચારોમાં થયેલો પલટો. વૃદ્ધો જે શબ્દો પ્રયોજે છે અથવા જેમના અર્થો તેઓ સમજે છે એમાંના ઘણા યુવાનોને અવગત હોતા નથી. આ પ્રમાણે ક્ષીણ થતા શબ્દો એકબે પેઢીમાં અવસાન પામી થાય છે. અથવા પહેલાં અશિષ્ટ કે ઓછા સંસ્કારી ગણાવા લાગે છે અને એમ થતાં ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે. નવી અને જૂની પેઢી વચ્ચેની આ સોરાબરુસ્તમી ભાષામાં પણ સતત ચાલ્યાં કરે છે. જૂના શબ્દો નવા અર્થો વ્યક્ત કરવાને જ્યાં અસમર્થ હોય ત્યાં નવા શબ્દોનો આગમ સવિશેષ થાય છે, જો કે આવું ન હોય ત્યાં યે કેવળ રાજકીય કારણોસર જૂના શબ્દોને નવા શબ્દો કેટલીક વાર દૂર કરી દે છે. જેમ કે મુસ્લિમ અમલ દરમ્યાન આપણી ભાષામાં ઘણા ફારસી-અરબી શબ્દો સામાન્ય વ્યવહારમાં પ્રવેશ પામ્યા હતા. પણ મુસ્લિમ અમલનો અંત આવતાં અને અંગ્રેજોનો અમલ શરૂ થતાં કેટલા યે ફારસી-અરબી શબ્દોનું સ્થાન કાં તો અંગ્રેજી શબ્દોએ લીધું છે અથવા એ શબ્દો સમૂળગા વ્યવહારમાંથી નીકળી ગયા છે. દાખલા તરીકે ‘જામ’ને સ્થાને ‘કપ’ અને ‘ખૂમચા’ કે ‘તાસક’ને બદલે ‘ટ્રે’ આવી. ‘જ્યાફત’નું સ્થાન ‘પાર્ટી’ એ લીધું, ‘મોરી’ને બદલે ‘ગટર’ થઈ અને ‘આબખોરો’ (લોટો) તો બિચારો ચાલ્યો જ ગયો છે ! આવી રીતે પરભાષાના શબ્દોને સ્વીકારીને એમને આત્મસાત્ કરવા-અપનાવવા તથા સમયના પરિવર્તન સાથે જૂના શબ્દો છોડીને નવા લેવા એ કોઈ પણ જીવતી, ચેતનભરી, વિકાસશીલ ભાષાનું એક પ્રધાન લક્ષણ છે.

શબ્દ અને અર્થ
(ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર વિશે પાંચ વ્યાખ્યાનોમાનું ચોથું વ્યાખ્યાન )
પ્રકા. એન.એન. ત્રિપાઠી લિ. મુંબઈ-૨


  1. 1. અંગ્રેજી ‘ભારતીય વિદ્યા’ માર્ચ-એપ્રિલ ૧૯૪૭માં મારો લેખ “એ નોટ ઓન ધી વર્ડ ‘કિરાટ’- એ ડિસીટફુલ મરચન્ટ” તથા ‘પંચતંત્ર’ (અનુવાદ), પૃ.૧૧-૧૨- ટિપ્પણ.
  2. 2. ઉદાહરણ તરીકે -
    જીણિ સભા પાત્ર નાચઇ, વિદ્વાંસ બઈઠા પુસ્તક વાંચઇ.
    -‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ’, પૃ.૧૧૮)
    મિલયા લોક જિમ જોવા યાત્ર, પંચ શબ્દ નતુ વાજિ પાત્ર.
    (પાઠાન્તર) (નીત નીત ઉછવ નાચિ પાત્ર.)
    -અસાઈતકૃત ‘હંસાઉલિ’ ખંડ૧, કડી ૯૮.
    નાચઇં પાત્ર તિ ભાવન બાર, અવિક્ત ગુણ ગાઇં ઉદાર,
    છઇ દર્શન તસુ સેવઇં બાર, તેહની હોફ ન લાભઇં પારુ.
    -‘ત્રિભુવનદીપક પ્રબન્ધ,’ કડી ૧૭૫.
    ગઢ ઉપરિ નિતુ હુઈ પેખણા, સુણીઇ વેણિ, મૃદંગ.
    નિતુ ઉચ્છવ નિતુ પાત્ર જ નાચઇ, નિતુ નવનવા રંગ.
    -‘કાન્હડદેપ્રબન્ધ,’ ખંડ૨, કડી ૧૧૬.
    નાચઇ પાત્ર, કથારસ કહિ, દાંન માંન તે વંછિત લહઇ.
    -‘વિમલપ્રબન્ધ,’ ખંડ ૫, કડી ૯૨.
    ચુહટઈ મંડાઈ જોણાં જાત્ર, ચુહટિ નાચિ નવલાં પાત્ર.
    - એ જ, ખંડ ૮, કડી ૧૦૪
  3. ૩. આચાર્ય હેમચન્દ્રે ઉદ્દત કરેલા નીચેના બે દૂહાઓમાં लोण (સં. लावण्य, ગુજ. ‘લૂણ’) શબ્દ એક સાથે વાચ્યાર્થ તેમ જ લક્ષ્યાર્થમાં સુભગ રીતે પ્રયોજાયેલો મળે છે-
    लोणु विलिज्जइ पाणिएण अरि खल मेह म गज्जु ।
    बालिउ गलइ सु झुम्पडा गोरी तिम्मइ अज्जु ।।
    (૯-૪-૪૧૮).
    “પાણીથી લવણ (લાવણ્યવતી નાયિકા ઓગળી જાય છે. હે ખલ મેઘ ! ગર્જના કરીશ નહિ. બળેલું એ ઝૂંપડું ગળે-ચૂવે છે, અને ગોરી અત્યારે ભીંજાય છે.”
    पेक्खेविणु मुहु जिण-वरहो दीहर-नयण सलोणु ।
    नावइ गुरु-मच्छर-भरिउ जलणि पवीसइ लोणु ।।
    (૮-૪-૪૪૪) “દીર્ધ નયનવાળું, સલૂણું જિનવરનું મુખ જોઈને ખૂબ મત્સરથી ભરાયેલું લોણ-મીઠું જાણે અગ્નિમાં પ્રવેશે છે.” (સુન્દરતા નજરાય નહિ માટે રાઈ-મીઠું અગ્નિમાં નાખવાના લૌકિક રિવાજનો અહીં નિર્દેશ છે.)
  4. 4. શ્રી હરિવલ્લભ ભાયાણી, ‘ભારતીય વિદ્યા’ (હીન્દી-ગુજારતી), ભાગ-૩, સિંધીસ્મૃતિગ્રન્થમાં ‘સાદૃશ્ય’નું સ્વરૂપ એ લેખ. ડો. તારાપોરવાળાએ (Elements of the Science of Language, રજી આવૃત્તિ, પૃ.૫૭) બે અંગ્રેજ છોકરાઓની એક રમૂજી વાર્તા નોંધી છે : એક છોકરાએ ચર્ચામાં પોતાની વાત ઉપર ભાર મૂકતાં કહ્યું કે ‘No, it is not.’ બીજાએ એટલા જ જોરથી ઉત્તર વાળ્યો કે. ‘It is sot’ અહીં ચર્ચાના જોરમાં soને કહ્યું તે Notના tના સાદૃશ્યથી. ‘રાત્રિ’ ઉપરથી ‘રાતરે’ થાય, પરન્તુ ‘સાંઝે’નું વૈકલ્પિક રૂપ ‘સાંઝરે’ થયું તે ‘રાતરે’ના સાદૃશ્યથી.
  5. 5. महायात्रा શબ્દનો ‘મહાનયાત્રા’ ‘મહાન તીર્થોની યાત્રા’ એવો અર્થ પણ છે. બલકે એ મૂળ અર્થ હોવો સંભવ છે. ‘પ્રબન્ધચિન્તામણિ’ (સં. ૧૩૬૧)માં સિદ્ધરાજની મહત્તા બનાવતો એક શ્લોક વાર્તાએ ટાંક્યો છે, એમાં महायात्रा એ મૂળ અર્થમાં છે-
    महालयो महायात्रा महास्थानं महासरः ।
    यत्कृतं सिद्धराजेन धरिण्यां तत्करोतु कः ।।
    (ફાર્બસ સભાની વાચના, પૃ.૧૦૨)
  6. 6. ર્હાઈસ ડેવીડ્ઝની ‘પાલિ ડિકશનેરી’માં चंदनिका શબ્દ આ અર્થમાં છે. પં. હરગોવિન્દદાસના ‘પ્રાકૃત શબ્દમહાર્ણવ’માં એ નથી. પણ જૈન આગમસાહિત્યના અધ્યયન પ્રસંગે કોઈ આગમની ટીકામાં સ્થૂલભદ્રના કથા-પ્રસંગમાં चंदणिआ શબ્દ વાંચ્યો હોવાનું ચોક્કસ સ્મરણ છે. પણ આ લખતી વખતે એ શબ્દપ્રયોગ હું ખોળી કાઢી શક્યો નથી. સ્થૂલભદ્રની કથામાં કોશા વેશ્યા એક સાધુને નેપાલમાં રત્નકંબલ લેવા મોકલે છે, અને પેલો જ્યારે મહામુશ્કેલીએ રત્નકંબલ લઈ આવે છે ત્યારે એને મોરીમાં નાખી દે છે- સાધુને એમ બતાવવા માટે કે રત્નકંબલ કરતાં પણ ચારિત્ર્યનું મૂલ્ય વધારે છે - એને માટે ત્યાં चंदणिआए छूढा (‘ચંદનિકામાં નાખી’ )એવો પ્રયોગ છે.
  7. 7. तेहि वत्थाभरणेहिं अप्पा णेवत्थितो,अतिगता, दीवओ णंदवावितो, ‘આવશ્યકસૂત્ર’ ચૂર્ણિ, પૂર્વભાગ, પત્ર,૧૧૧.
  8. 8. સને ૧૯૧૯ના બંધારણ નીચેની વડી ધારાસભામાં એક વાર મૌલાના શૌકતઅલીએ ઉર્દૂ ભાષાના લોકશાહી વલણ વિષે અભિમાનપૂર્વક કહ્યું હતું કે ઉર્દૂમાં બાદશાહને તેમ જ ફકીરને બન્નેને ‘શાહ’ કહેવામાં આવે છે! એ સમયે એક મરાઠી વર્તમાનપત્રે ટોળમાં લખ્યું હતું કે શ્રી ભૂલાભાઈ દેસાઈ (વડી ધારાસભામાં કોંગ્રેસ પક્ષના નેતા) એમ કહી શકે કે અમારી ગુજરાતી ભાષા પણ એટલી જ લોકશાહી છે, કેમ કે એમાં રાજાને તેમજ રસોઈયાને બેયને ‘મહારાજ’ કહેવામાં આવે છે!
  9. 9. સંસ્કૃતમાં देवरात, वसुरात આદિ વિશેષનામોને અંતે માનાર્થે रात છે. પણ આ रात મૂળ સંસ્ક઼ૃત હોવા વિષે શંકા છે એ પ્રાકૃતની અસરથી સંસ્કૃતમાં પ્રવેશ પામ્યો જણાય છે. સં. राजનું પ્રાકૃતમાં રાત થઈ (જુઓ નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય,’ ભાગ૧માં ज નો त થવાનું વિધાન કરતો ૩૬મો ઉત્સર્ગ) પાછો સંસ્કૃતમાં સ્વીકારાયો હોય અથવા સં. राजનું પ્રાકૃતમાં रात થઈ राअ तકારબહુલ પ્રાકૃતમાં બને છે એમ (જુઓ ‘વસુદેવ-હિંડી’, અનુવાદ, પ્રસ્તાવના, પૃ.૨૬-૨૮) तનો પ્રક્ષેપ થઈ रात થયું હોય. દૃશ્ય પ્રાકૃતમાં ‘વાળંદ’ માટે रतिअ શબ્દ મળે છે અને નિવ્યુત્પત્તિક દૃશ્ય ગણવા કરતાં ઉપરના ક્રમે સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન કરી, અર્થની દૃષ્ટિએ નીચો ઊતરતાં કંઈક વક્રોક્તિપૂર્વક ‘વાળંદ’ માટે એ પ્રયોજાયો એમ ગણવું એ વધારે યોગ્ય છે. અર્વાચીન ગુજરાતીમાં ‘બલારાત’ (જેમ કે ‘મારી બલારાત જાણે’) જેવા महत्तरिका એટલે ‘વડીલ સ્ત્રી’ પ્રાકૃતમાં આ અર્થો ચાલુ રહ્યા છે. આજે પણ વાયવ્ય સરહદ ઉપરના ચિત્રાલના રાજ્યકર્તાને ‘મહેતર’ કહે છે. પરન્તુ હિન્દીમાં અને ગુજરાતીમાં ‘મહેતર’નો અર્થ ‘ભંગી’ થાય છે! હલકાં ગણતાં કામ કરનાર માટે ઊંચો શબ્દ વાપરવાની મનોવૃત્તિ આવા શબ્દોની પ્રવૃત્તિમાં કાર્ય કરતી હશે? ‘મહાજન’ એટલે ‘મોટો માણસ’ પણ ગુજરાતીમાં તથા બીજી
  10. 10. જૂના ગુજરાતી સાહિત્યનાં અવતરણોના પ્રકાશમાં ‘મસાણી’ શબ્દની ચર્ચા માટે જુઓ ‘બુદ્ધિપ્રકાશ’ ઑગસ્ટ ૧૯૫૧માં ‘કાન્હડદેપ્રબન્ધ’ના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો’ એ મારા લેખમાં ‘મસાણી’ વિષે. એમાંની ચર્ચા પરત્વે શ્રી. જૂની ગુજરાતીમાં ‘મસાહણી’ એ આખી સેનાનો નહિ પણ તેના એક ભાગનો – માત્ર અશ્વસૈન્યનો ઉપરી ગણાવા લાગ્યો. સંસ્કૃતમાં साधनનો અર્થ ‘સૈન્ય’ પણ છે. એમાંથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણ’ શબ્દ ‘કાન્હડદેપ્રબન્ધ’માં અનેક વાર (૧-૧૯૧, ૨-૨૬, ૨-૨૮, ૨-૩૪, ૨-૧0૬, ૨-૧૩0, ઇત્યાદિ) ‘સૈન્ય’ અર્થમાં વપરાયો છે. साधनिकનું પ્રાકૃત રૂપ साहणिअ થાય; એમાથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણી’ શબ્દ પણ જૂની ગુજરાતીમાં (દા. તા. ‘હંસાઉલિ,’ ખંડ ૩, કડી ૯૧) ‘અશ્વપાલ’ના અર્થમાં વપરાયેલો છે એનો નિર્દેશ ‘મસાહણી’ સાથેની તુલના માટે અહીં કરવો જોઈએ. જૂની ગુજરાતીનાં કેટલાંક અવતરણોમાં (દા. ત. ‘કાન્હડદેપ્રબન્ધ,’ ૨જી આવૃત્તિ, પૃ.૧૧૭, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ ‘પ્રાચીન’ ગુર્જર કાવ્યસંગ્રહમાં મુદ્રિત, પૃ.૯૭, ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલાપ્રબન્ધ.’ રચ્યા સં. ૧૫૭૨, અંગ ૪, કડી ૨૧૭) ‘મસાહણી’ એ રાજપુરુષ તરીકેનું કંઈક માનાસ્પદ સ્થાન જણાય છે. પણ અન્ય પ્રયોગોમાં (દા. ત. ‘કાન્હડદેવપ્રબન્ધ’ રચ્યા સં. ૧૫૨૬, કડી ૩૫, ખંડ૪, કડી ૪૧ કર્મણકૃત ‘સીતાહરણ’ રચ્ચા સં. ૧૫૨૬, કડી ૨૬૫)માં ‘મસાહણી’ની પદવી ઠીક ઠીક નીચે ઊતરેલી જણાય છે, કેમ કે એને વેગથી ઘોડાં છોડતો તેમ જ ઘોડાં ઉપર પલાણ માંડતો વર્ણવ્યો છે. ‘મસાહણી’ની આ બન્ને અર્થચ્છાયાઓ એક સાથે પ્રચલિત હતી એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આ શબ્દ જતે દિવસે એ ધંધામાં પડેલાં અમુક કુટુંબોની અટક તરીકે રૂઢ થયો, અને સામાન્ય પ્રચારમાંથી લુપ્ત થયો.
  11. 11. નીચેના પ્રચલિત લગ્નગીતમાં આ અર્થ સુવ્યક્ત છે – “એના ઘરમાં... વહુ મડઘો (મરઘો) મહાલે, પેલી ...... બિચારીનું કંઈ ના ચાલે.”
  12. 12. સદગત ડાહ્યાભાઈ દેરાસરી સંપાદિત ‘કાન્હડદેવપ્રબન્ધ’ના ટિપ્પણ (રજી આવૃત્તિ, પૃ.૧૩૯) માંનું નીચેનું અવતરણ જુઓ – “मुडुधा – મડધા – જોરાવર, મલ્લ જેવા જબરા, જવાંમર્દ, નડીઆદમાં જ્યાં પૂર્વે હોળીની લડાઈ વગેરે થતું હતું તે જગા હાલ મડઘાબારી-મડદાબારી કહેવાય છે. મર્દ ઉપરથી... ટપાલના બંદોબસ્તને અભાવે ખેપીઆ-કાસદો કાગળો વગેરે લઈ જતા તે કાસદોના ઉપરીને પણ મડધા કહેતા.” વડોદરામાં પ્રતાપમડઘાની પોળ છે, એમાં ‘મડધા’નો અર્થ કાસદોનો ઉપરી હોય એમ જણાય છે.
  13. ૧૩. જૂના ગુજરાતી સાહિત્યમાંથી પ્રસ્તુત શબ્દનાં અવતરણો માટે જુઓ ‘બુદ્ધિપ્રકાશ’ જુલાઈ-સપ્ટેમ્બર-૧૯૪૬માં मुडुधो-मडधो એ મારો લેખ.
  14. ૧૪. નવ કોટિ નામિ ભણું મારૂઆડિ ધણદેસ; ધણ કણ ધરિ સવિકહિ તણે કપ્પડકણય સુવેસ. - ખંડ ૧, કડી ૬
  15. ૧૫. નાભિ ગંભીર સરોવર, ર વરિ ત્રિવલિ તરંગ; જઘન સમેખલ પીવર, ચીવર પરિહણિ ચંગ. - ‘વસંતવિલાસ’ કડી ૬૭
  16. 16. ‘ભારતીય આર્યભાષા અને હિન્દી’ પૃ.૮૭
  17. 17. ‘વસુદેવ-હિંડી’ (અનુવાદ), ઉપોદઘાત, પૃ.૨૯
  18. 18. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા,’ જુલાઈ ૧૯૪૪માં पांडव એ લેખ.
  19. 19. સગરિહિં ખણીય સુરંગ વિદુરિ દિવારીય દૂર લગઈ.
    ‘હું ઊગારઉં અંગ ઇણિ ઊપાઇં પંડવહ.’
    - શાલિભદ્રસૂરિકૃત ‘પંચપંડવરાસુ’ (સં. ૧૪૧0), પંક્તિ ૪૫૯-૬0. ‘સગર’ નામની એક જાતિ હાલ પણ સૌરાષ્ટ્રમાં છે એ અહીં નોંધવું જોઈએ.
  20. 20. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા’ ડિસેમ્બર ૧૯૪૩માં अलवेसर એ લેખ.
  21. 21. ‘બુદ્ધિપ્રકાશ’ સપ્ટેમ્બર ૧૯૪૮માં ‘पउंतार-पुंतार’ એ લેખ.
  22. 22. એ જ, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૪૪માં सारसी એ લેખ.
  23. 23. એ જ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૫માં ‘परीअचि’ એ લેખ.
  24. 24. એ જ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૮માં ‘घोडानी लास’ એ લેખ.
  25. 25. એ જ, ઑગસ્ટ ૧૯૫૧માં ‘કાન્હડદેપ્રબન્ધના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો’ એ લેખમાં जेडि વિષે
  26. 26. જુઓ - ‘આકર્ણાંત મૂંછ, નાભિપ્રમાણ કૂંચ’ (‘કાન્હડદેપ્રબન્ધ,’ ભટાઉલી, ૨જી આવૃત્તિ, પૃ.૧૧૬), ‘કૂંચ’ શબ્દ સંસ્કૃત कुर्च ઉપરથી આવ્યો છે. ‘દાઢીના વાળ’ એવો એનો અર્થ હોવાથી એને સ્થાનભ્રષ્ટ કરીને ‘દાઢી’ શબ્દ જ એને સ્થાને આવી ગયો ! જો કે ‘કૂચો’, ‘કૂચડો’ જેવા શબ્દોમાં મૂળનો તદ્ભવ આર્થાન્તરે ચાલુ છે.
  27. 27. એ જ, ઉપર્યુક્ત લેખમાં पड़ख વિષે.
  28. ૨૮. ‘બુદ્ધિપ્રકાશ, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૪૫માં’ ‘अरण-अरणइ’ એ લેખ.
  29. ૨૯. જુઓ અલાઉદ્દીન ખિલજીના સૈન્યના વર્ણનમાં-
    રાંધ્યા ધ્યાન ચાલતે ખાઈ ભઠિઆરા તબ્બાક;
    ચાલ્યાં કટક, પેસરા પૂઢા માંહિ મેછના લાખ.
    (ખંડ ૧, કડી ૪૩)

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ****