રામચન્દ્ર પટેલની કવિતા/મળે જો

મળે જો

મળે જો મૃત્યુ તો સમયસર દેજો શરીરને
જરા હિલ્લોળી જેમ શિશુવયમાં ઘોડિયું ધર્યું–
નથી કાયા ગંદી કરી વ્યસનથી ; મોભ તરફ
દૃગો માંડી, ચોકા ઉપર શબ ઠારીય નમજો,
વળી બીજું શું? ખેતર! મુખર માટીનું દડબું
મૂકી મોઢે ; આંખે બુંદ બુંદ ધરી ઘી-નું લળજો.

મહોલ્લા નાકે તોરણ ફરકતાં, આમ્ર પરણો
સમો સ્કંધે છું ; વાદળ સમજીને ગામવચમાં
ઉપાડી ચાલો તો હળવી હળવી સ્ફૂર્તિ ગમશે.
બધી પાખોઈને ઉર ઉર અડાડી, અદબથી
વધાવીને જીવ્યો ; સુખડવતી ભાગોળ મુખડે
નથી ચોંડ્યો ડાઘો, જનપદ કર્યું કૈંક ઊજળું.

સ્મશાને પોંઢીને કહું ‘સ્વજન!’ જો ચેહ ભભૂકે
ઘડી જોજો, કોઈ સહચર જતો... સ્વર્ગ ન ચૂકે.’