રામચન્દ્ર પટેલની કવિતા/કે ગાલ્લું (સ્વર્ગે જતા જીવની સ્વગતોક્તિ)

કે ગાલ્લું

(સ્વર્ગે જતા જીવની સ્વગતોક્તિ)

મને તડકો લાગ્યો રે સમીસાંજનો
ઢળતી રાતનો વાગ્યો રે અંધાર,
કે ગાલ્લું હળવે હાંકો માણારાજ...

ઘરની આંખ્યુંમાં બળે કપૂરદીવડો
વાટ્યુંમાં ઊતરે એના શ્વાસ;
સુખડની કાયામાં હવે રાખનાં બેસણાં
ધૂળમાં ઊડે રે અજવાસ,

મને તડકો લાગ્યો રે સમીસાંજનો
ઢળતી રાતનો વાગ્યો રે અંધાર,
કે ગાલ્લું હળવે હાંકો માણારાજ...

આખુંય રણ ચડ્યું આભના માથે વીરા
વાદળ છાયાં આથમણાં દેશ;
એક સોનાનું સોનગીર લ્હેર્યું જાય આંખોમાં
અમે પહેર્યાં ઝાંઝવાના વેશ,

મને તડકો લાગ્યો રે સમીસાંજનો
ઢળતી રાતનો વાગ્યો રે અંધાર,
કે ગાલ્લું હળવે હાંકો માણારાજ...