સ્થળ : માનસિંહનો તંબૂ. સમય : મધ્યાહ્ન.
[સલીમ અને મહોબતખાં સામસામા ઊભા રહી વાતો કરે છે.]
| સલીમ :
|
મહોબતખાં! પ્રતાપસિંહનું લશ્કર કેટલું છે તે જાણો છો?
|
| મહોબત :
|
જાસૂસ અનુમાન કરે છે કે આશરે બાવીસ હજાર હશે. ઉપરાંત ભીલોની ફોજ પણ છે.
|
| સલીમ :
|
માત્ર બાવીસ હજાર! [વસ્ત્રો ઝાપટતો ઝાપટતો] બીજું તો ગમે તેમ હોય, પરંતુ પ્રતાપની હિંમતને ધન્ય છે. ભારતસમ્રાટની સામે ફક્ત બાવીસ હજારની સેના લઈ જે આદમી ખડો રહે, એને જોવાની તો મને બહુ જ ઇંતેજારી થાય!
|
| મહોબત :
|
મેદાનમાં આપને જરૂર એનાં દર્શન થવાનાં. જંગની અંદર પ્રતાપસિંહ પોતાના લશ્કરની પછવાડે નથી રહેતો, એની જગ્યા તો હરહંમેશ સેનાને મોખરે રહે છે.
|
| સલીમ :
|
મહોબત! અમે આ યુદ્ધની હારજીત માટે તમારી ચાલાકી ઉપર જ આધાર રાખ્યો છે. [વસ્ત્રો ખંખેરીને] હવે હું જોઈશ, કે તમે તમારા કાકાના ખરા લાયક ભત્રીજા છો કે નહિ!
|
| મહોબત :
|
એક વાત તો, યુદ્ધનું પરિણામ ચોક્કસ છે. મેવાડની સેના કરતાં આપણી સેના ચાર ગણી છે. ઉપરાંત આપણે તોપો છે, પ્રતાપને તોપો નથી. બાકી તો ખુદ માનસિંહજી જ આજ મોગલ સૈન્યના સેનાધિપતિ છે.
|
| સલીમ :
|
આ માનસિંહની વાતો સાંભળી સાંભળીને હું તો સળગી જાઉં છું. ખુદ પાદશાહ પણ યુદ્ધને વખતે માનસિંહના નામનો જાપ જપે? કેમ જાણે માનસિંહ એના અલ્લા હોય! કેમ જાણે માનસિંહ વિના મોગલ સલ્તનતના પાયા જ ન મંડાયા હોત!
|
| મહોબત :
|
ત્યારે શું એ જૂઠું છે, શાહજાદા? બતાવો તો ખરા. બરફથી છવાયેલા સફેદ કૉકેસસ પહાડથી માંડીને આરાકાન સુધી, હિમાલયથી માંડીને વિંધ્યાચળ સુધી, છે એવો એક મુલક કે જે માનસિંહના બાહુબળ વિના મોગલોને કબજે થયો હોય? પાદશાહ એ બરાબર સમજે છે, અને પાદશાહ પ્રતાપને પણ ઓળખે છે. એટલે જ એણે યુદ્ધમાં માનસિંહજીને મોકલ્યા છે.
|
| સલીમ :
|
બહુ સાંભળ્યું, મહોબત! માનસિંહનું નામ બહુ સાંભળી લીધું. સાંભળી સાંભળીને મારા કાન બહેરા બની ગયા. બસ કરો હવે!
|
| મહોબત :
|
શાહજાદા! એ તો કિસ્મતના લેખ!
|
[એ વખતે હાથમાં એક નકશો લઈને માનસિંહ તંબૂમાં આવે છે.]
| માનસિંહ :
|
તસલીમ, શાહજાદા! સલામ, મહોબતખાં! મેવાડની સેના મોટે ભાગે કોમલમીરના પશ્ચિમ પહાડોમાં સુરક્ષિત પડી છે. કોમલમીરમાં દાખલ થવાનો માર્ગ બહુ સાંકડો છે, બન્ને બાજુ નાના નાના પહાડ છે; એ પહાડો ઉપર રજપૂતસેના અને તીરંદાજ ભીલોની ફોજ પડેલ છે. જોયો આ નકશો?
|
| મહોબત :
|
[નકશો જોઈને] ત્યારે તો કોમલમીરમાં દાખલ થવું મુશ્કિલ!
|
| માનસિંહ :
|
ફક્ત મુશ્કિલ જ નહિ, પણ અશક્ય! રજપૂતો પર એકદમ હુમલો કરવો એમાં ડહાપણ નથી. આપણે શત્રુઓના જ હુમલાની ચુપચાપ રાહ જોવી રહી.
|
| સલીમ :
|
એ શું, માનસિંહ! આપણે આમ ચુપચાપ ક્યાં સુધી બેઠા રહીશું?
|
| માનસિંહ :
|
રહેવાય ત્યાં સુધી! અનાજપાણીનો બંદોબસ્ત મેં કરી નાખ્યો છે.
|
| સલીમ :
|
એ કદી ન બને. આપણે જ હલ્લો કરીએ.
|
| માનસિંહ :
|
ના, શાહજાદા, આપણે દુશ્મનોના હલ્લાની રાહ જોવાની છે. જાઓ, મહોબત! એ ફરમાનનો અમલ કરો, જાઓ.
|
| સલીમ :
|
એ નહિ બને, મહોબત! આવતી કાલે સવારે સેનાને શત્રુની સામે કૂચ કરવા તૈયાર રાખો.
|
| માનસિંહ :
|
શાહજાદા, સેનાપતિ હું છું.
|
| સલીમ :
|
અને હું શું આંહીં તમાશો જોવા આવ્યો છું?
|
| માનસિંહ :
|
આપ આવ્યા છો તે તો પાદશાહના પ્રતિનિધિ તરીકે.
|
| માનસિંહ :
|
એનો અર્થ એ કે આપ ફક્ત પાદશાહના નામસ્વરૂપે, ફરમાનસ્વરૂપે, નિશાનસ્વરૂપે પધાર્યા છો! આપને બદલે અમે પાદશાહ સલામતની એક મોજડી લાવ્યા હોત, તોપણ એકનું એક જ હતું.
|
| સલીમ :
|
આટલી હદે હિંમત? માનસિંહ!
|
[સલીમ તરવાર ખેંચે છે.]
| માનસિંહ :
|
તરવાર મ્યાન કરો, શાહજાદા! નકામો ગુસ્સો બતાવવાથી ફળ શું? આપ જાણો છો કે દ્વંદ્વ યુદ્ધમાં આપ મારા બરોબરીઆ ન ગણાઓ. આપ જાણો છો કે ફોજ મારા કબજામાં છે, આપના કબજામાં નહિ,
|
| સલીમ :
|
અને તમે મારા કબજામાં નહિ કે?
|
| માનસિંહ :
|
હું આપના પિતાનો તાબેદાર છું, આપનો નહિ. આ યુદ્ધમાં હું એમની આજ્ઞા લઈને આવ્યો છું. અલબત્ત, આપના કામકાજમાં હું બનતાં સુધી દખલ નહિ કરું. પરંતુ જો વધુ પડતું તોફાન જોઈશ, તો કોઈ દીવાનાની માફક આપને પણ હાથકડી પહેરાવી દઈશ, ખબર છે? એને ખાતર જો ખુલાસો કરવો પડશે તો પાદશાહની સમક્ષ કરીશ. જાઓ મહોબત! હુકમનો અમલ કરો.
|
[મહોબતખાં ચુપચાપ કુર્નશ કરીને જાય છે.]
[માનસિંહ જાય છે.]
| સલીમ :
|
ફિકર નહિ! એક વાર આ લડાઈ ખતમ થઈ જાય, પછી એનું વેર લઈશ! એક ચાકરની હિંમત આટલી હદે!
|
[સલીમ ઝડપથી તંબૂ બહાર ચાલ્યો જાય છે.]