મર્મર/ચંદ્ર ચઢતો હતો


ચંદ્ર ચઢતો હતો

ચંદ્ર ચઢતો હતો
પૂર્વની ક્ષિતિજ પર સ્વચ્છ ઋતુ શરદનો
ચંદ્ર ચઢતો હતો.

પ્રથમ અનુરાગ શો
મુગ્ધ ઉરના પ્રથમ પ્રણયતલસાટશો
ચંદ્ર ચઢતો હતો.

સૂતી વસુધા નીચે
ડાળિયે ઋજુ હીંચે;
શાંત સૂતી પ્રિયા પર ઝૂકે સ્મિતથી
પ્રથમ રજની વિષે પ્રણયી, ત્યમ પ્રીતથી
સભર ઢળતો હતો.
ચંદ્ર ચઢતો હતો.

સામે સામે તહીં દૂર નદીના તીરે
ચંચુમાં સાહી બિસતંતુ બિછડેલ બે
પંખીના કંઠથી સાદ પડતો હતો.
ચંદ્ર ચઢતો હતો.