મર્મર/અયિ જ્યોતિ


અયિ જ્યોતિ

અયિ દિવ્ય જ્યોતિ! ઊતર ભવનેથી વિયતના
અહીં ભોમે જામ્યા તિમિરદલને મ્હાત કરવા;
વ્યથાઓના ભારે વિનત મુખને ઊર્ધ્વ ધરવા
અયિ દિવ્ય જ્યોતિ! પ્રસર કર તારા મહતના.

જગે જામેલી છે કુટિલઉર લીલા તમસની
હણાયું લાગે છે સકલ બલ, મોહજ્વર રહ્યો
ચઢી અંગે અંગે, ભર હૃદયનો જાય ન વહ્યો;
અયિ દિવ્ય જ્યોતિ! ઊતરે કરુણાકંપિત બની.

રહેશે સંચારે તવ, સકલ આ જીવનગલી
તણા ખૂણા ખાંચા ઝળહળી, ન ર્હેશે તસુ જમીં
અહીં અંધારાંને નિજ છુપવવા જાત જ હીણી;
હસી ર્હેશે સંધુ અપ્રગટ ગ્રહી જ્યોત નવલી.

અયિ દિવ્ય જ્યોતિ! પ્રકટ કર ત્વત્તેજમહિમા,
વિલોપી દે દૃષ્ટિ રૂંધતી જડ અંધારની સીમા.