બાળ કાવ્ય સંપદા/સૌને ગમે (૨)

સૌને ગમે

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

મારા બારણાને ટોડલે ચકલી રમે,
એની ઝીણી ઝીણી આંખ,
એની નાની નાની પાંખ,
એ તો રમતી ને ઊડતી સૌને ગમે.

મારા ફળિયાને લીમડે પોપટ રમે,
એની ગોળ ગોળ આંખ,
એની લીલી લીલી પાંખ,
એ તો બોલતો ને ઊડતો સૌને ગમે.

મારા ઘરને તે આંગણે વાછરું રમે,
એના સુંવાળા વાળ,
એની થનગનતી ચાલ,
એ તો નાચતું ને કૂદતું સૌને ગમે.

મારી નાનકડી બહેન મારા ઘરમાં રમે,
એની કાલી કાલી બોલી,
એની આંખ ભોળી ભોળી,
એ તો રમતી ને હસતી સૌને ગમે.

સૌને ગમે, સૌને ગમે,
ઘર મારું નાનું સૌને ગમે !