બાળ કાવ્ય સંપદા/ભીંત વિનાની શાળા
ભીંત વિનાની શાળા
લેખક : ધર્મેન્દ્ર પટેલ
(1969)
ભીંત વિનાની શાળા મમ્મી, કોઈ તો બનાવે,
પેન, પાટી, દફ્તર વિના, કોઈ તો ભણાવે,
નથી વાગતાં ઢોલક, તબલાં, મંજીરાં કે વાજાં,
તું તોયે કેવો મીઠો હાલો, રોજ મને સંભળાવે.
ભીંત વિનાની...
નથી આપતા લેસન, ના અંગૂઠા પકડાવે,
ના વાતે વાતે આંખો કાઢી બાળકને ધમકાવે,
મીઠું મલકી ઝાઝા હેતે, પાસ પછી બોલાવી,
માથે મૂકી હાથ વહાલથી, દાદી બધું સમજાવે.
ભીંત વિનાની...
નથી નિશાળે ભણી છતાંયે કોયલ મીઠું ગાતી,
ના લખ્યું, ભણ્યું કૈં તોયે કીડી હારબંધ જાતી,
રોજ સવારે ખીલી ઊઠતું સૂરજ સામે જોઈ,
ના નિશાળે ગયું ફૂલડું, તોય સુગંધ પ્રસરાવે.
ભીંત વિનાની...
ભણવું એટલે લખી લખીને કાગળિયાં ચીતરવાં ?
કે પરીક્ષાનો હાઉ દઈને, પરસેવે નીતરવા ?
નાની શાળા મમ્મી, ઘણું ઘણું સમજાવે,
નજર સામે આટઆટલું, તોય નજર ન આવે !
ભીંત વિનાની...