બાળ કાવ્ય સંપદા/પાંચ ભાઈબંધ
પાંચ ભાઈબંધ
લેખક : રમેશ પારેખ
(1940-2006)
પોપટ ને કાગડો ને ચકલી ને કાબર ને હોલો રે હોલો
લાવ્યાં કપાસનું કાલું કે ભાઈ ઝટ્ટ ફોલો રે ફોલો
હોલો ને કાબર ને પોપટ ને કાગડો ને ચકલી રે ચકલી
કાલું ફોલે ને રૂ કાઢે ને ફેરવે છે તકલી રે તકલી
ચકલી ને પોપટ ને કાબર ને હોલો ને કાગડો રે કાગડો
હારબંધ બેસીને કાઢે છે સૂતરનો તાગડો રે તાગડો
કાગડો ને હોલો ને પોપટ ને ચકલી ને કાબર રે કાબર
લાવ્યાં સાંઠીકડાંની સાળ ને વણે છે એક ચાદર રે ચાદર
કાબર ને ચકલી ને હોલો ને કાગડો ને પોપટ રે પોપટ
ઠંડી જો લાગે તો ચાદરને ઓઢી લે ઝટપટ રે ઝટપટ