બાળ કાવ્ય સંપદા/નિશાળ

નિશાળ

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

બા મેં તો બાગમાં બાંધી નિશાળ,
ભણવાને આવે છે ચકલીઓ ચાર. બા મેં તો૦
નાની ખિસકોલી ભણવામાં પહેલી,
આવે છે છબીલી સૌથી એ વહેલી,
જરા ના બોલે એ સૌથી શરમાળ. બા મેં તો૦
વચમાં વચમાં હું પોપટ બેસાડું,
વટમાં ને વટમાં હું સીટી વગાડું,
સીટી વગાડું ને લાગે ના વાર. બા મેં તો૦
કલબલિયણ કાબરને છેલ્લી હું કાઢું,
કચ કચ કરે તો એને આંખો દેખાડું,
હું એને મારું ના માર. બા મેં તો૦