બાળ કાવ્ય સંપદા/ચાંદામામા (૨)
ચાંદામામા
લેખક : મધુકાન્ત જોશી
(1955)
ચાંદામામા ચાંદામામા,
એક મજાના ચાંદામામા.
રાતે ઊગતા ચાંદામામા,
કેવા રૂપાળા ચાંદામામા !
વાદળ સાથે વાતો કરતા,
રૂમઝૂમ થાતા ચાંદામામા.
હસતાં રમતાં છાનામાના,
તારા સાથે ચાંદામામા.
બોલો દાદી, બોલો દાદા,
ક્યારેક સાજા ક્યારેક માંદા,
કેમ રહે છે ચાંદામામા ?
બોલો મમ્મી બોલો પપ્પા,
ક્યારેક અડધા ક્યારેક આખા,
કેમ રહે છે ચાંદામામા ?
બોલો વ્હાલી બોલો બેની,
દિવસે સંતાઈ ક્યાં છુપાતા,
આભે વસતા ચાંદામામા ?
મારા મામા ચાંદામામા,
સૌના પ્યારા ચાંદામામા !