બાળ કાવ્ય સંપદા/કોણ કરે આ કારીગરી !

કોણ કરે આ કારીગરી !

લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)

બાગ હસે છે લીલુંછમ
ફૂલ ફુવારે રંગ ઉમંગ.
પતંગિયાંની પાંખો પરે
પવન પરિમલ પીતો ફરે.

ઝલમલ ઝાકળ પરદો સરે :
ભીતર શી તૈયારી કરે !
જાગો ઝટપટ કૂકરેકૂક
સમય ખેલતો થયો અચૂક.

કલબલ હલચલ ચારેકોર
રવિ-મુખ રાતું નયન ચકોર.
હરતો, ફરતો, ભરતો ફાળ,
હસતો નીરખે જગ જંજાળ.

આથમણે સંધ્યાનાં પૂર
સાંજ પડે સૂરજ ચકચૂર
વન, ખેતર, ડુંગર કે ગામ
અંધારાના બધે મુકામ.

બાગ રડે કાં ઝાંખો શ્યામ ?
આંસુ : ગરતાં ફૂલ તમામ,
ત્યાં તો નવલાં કામણ થાય
આભ અટારી ફૂલે ભરાય !

કોણ કરે આ કારીગરી ?
બાગ હસે છે લીલું ફરી.
પતંગિયાંની પાંખો સંગ,
ફૂલ ઉડાડે રંગ ઉમંગ.