બાબુ સુથારની કવિતા/બાપા દાણા જોઈ રહ્યા છે
૨૧. બાપા દાણા જોઈ રહ્યા છે
બાપા દાણા જોઈ[1] રહ્યા છે
માગે છે ત્રણ ને
પડે છે બે
કેમ આવું થતું હશે?
પાછા નાખે છે.
પણ, આ વખતે ય
માગ્યા ત્રણ
ને પડ્યા બે.
સવાલ બદલ્યો તોય
જવાબ એકનો એક.
શું થયું હશે અન્નદાતાને?
“આ વખતે હે અન્નદેવ,
મૂંગા ન રહેજો.”
કહી પાછા નાખ્યા દાણા
ભોંય પર.
પણ જવાબ નહીં.
“અન્નદેવની જીભ કોઈકે બાંધી દીધી હશે કે?”
“પણ, હું હારું તો કોયો ઠાર શાનો?”
મનોમન બબડી બાપા
હાથ લાંબો કરી
પાવાગઢની ટોચે બેઠલાં મહાકાળીને
ટચલી આંગળી વાઢી
લોહી ધરીને કહે :
“સતનાં વણોવણાંએ
મૂંગા કર્યાં છે અન્નને, હોક્યાઠાર
અન્ન પણ શું કરે?”
બાપા કહે છે, “તો ચેતતાં રહેજો, માડી
હવે પછી તમારો વારો.”
મેં એ રાતે મારા બાપાને સપનામાં
મહાકાળીનાં આંસુ લૂછતાં જોયા હતા.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)
- ↑ દાણા જોવાઃ દરદીના દેહમાં ભૂતપ્રેત છેકે નહીં એ જોવાની એક વિધિ
Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files