બરફનાં પંખી/જીવ ચાળતી માયા

જીવ ચાળતી માયા

વરસાદ રહ્યા પછી
ઑવેલ મેદાનની લીલીછમ લોનમાં
કેટલાંક છોકરાઓ લંગડી રમે છે.
એક ભાંગેલા બાંકડા પાસે
લાકડાની ઘોડી સાથે
ઊભેલી મા
પોતાના બાળકને
લંગડી રમતો જોઈને
લાકડાના પગથી જમીન ખોતરે છે.
ને ત્યાંથી પસાર થતો
કાનામાતર વગરનો હું
બોલી ઊઠું છું.
“એય અઢી અક્ષરિયા!
ઉઘાડ તારું મોઢું!
મારે તારા દાંત ગણવા છે.”
*
જવના દાણા જેવડા નાના
છોકરા ઉપર ઝાડના જેવી ઘાત?
કે પછી
આગ-ભરેલી થાંભલી લીધી બાથમાં
અને ઓગળી ગઈ જાત?
ઓગળી જતો પ્હાડ ને વળી ઓગળી જતું હિમ
ઓગળી જતી કાયનું નથી ઝરણું થતું કિમ?
*
એમ તો હજી જીવવાનું છે.
એમ તો હજી મરવાનું છે.
કેટલું બધું
એમ તો હજી કરવાનું છે, ભાઈ!
આપણે નથી પ્હાડ કે નદી દરિયો પવન
આપણે નથી વાડ કે સદી ગરિયો ગગન
આપણે હતા
આપણે છતાં
આપણામાંથી ઉતરી પત્તાં
આપણે હાર્યા
આપણે વહ્યાં
આપણે કહ્યાં
આપણે રહ્યાં
ઉત્સવ-ઢાંક્યું ગામડું ને પાલવ-ઢાંક્યું છોકરું
વૈશાખી આકાશમાં ઊડે પવનનું ફોતરું
*
ઢુમ્મક ઢુમ્મક ઢોલ ઢબૂકતા
અત્તર છાંટી ખમીસ ઊભાં
સાફા ઊભા
માફા ઊભા
ઢોલભળેલું ગીત ધબકતું
શ્વાસભળેલો જીવ ધબકતો
જાનડીઓના કંઠે વળગ્યું
ભૂત ગીતનું તરે પવનમાં.
મારા જીવને વળગી મૂંઝારી રે કોઈ ભૂવા ધુણાવો
જીવતરનું નામ ધ્રુજારી રે કોઈ ભૂવા ધુણાવો
મને મસાણ લૈ ગ્યા સગલા રે કોઈ ભૂવા ધુણાવો
મારા પાણી ઉપર પગલાં રે કોઈ ભૂવા ધુણાવો
ગામ ગામથી ઉમટી પડતું
લોક નિરખતું
કીડી ઉપર અંબાડી મૂકી ચાલ્યા માણારાજ!
સીડી ઉપર લંગોટી મૂકી ચાલ્યા માણારાજ!
ભરચક્ક ભરચક્ક શેરી
ભરચક્ક ભરચક્ક મેડી
કોઈ ડેલીએ
નવા જન્મતા
બાળકને જોઈ
હરખપદુડાં મંગળ ગીત ગવાય
કોઈ ડેલીએ
વાંઝણીના પાલવમાં વાયરો ભરાય
પેટ મોટું થયાનો ભાસ થાય
*
ચક્કર ચક્કર ફરતો મારો જીવ
અદ્ધર પદ્ધર લટકે મારો જીવ
લાંબા લાંબા
રસ્તાઓનું થઈ ફિંડલું
પૈડું દોડે એમ
દોડતો જાઉં રખડતો
પડું
આખડું
સીસું—ભરેલી કોડી થઈ ને
કોઈના કોમળ કાંડે બેસું.
બરફ બનતાં બચી ગયેલું
કોઈની આંખ્યુંનું પાણી
મારી આંખ્યુંમાં લઈ ભટકું.
હું નિઃશબ્દવાદી કવિ
હું કવિતાવાદી કવિ
વાદીનો ખેલ ચાલે ચોકમાં રે
ખાદીનો ખેલ ચાલે લોકમાં રે
હરિવર!
તમે ગગનની ભીંતચીતર્યા અર્થભરેલી લીટા
અમે સફરની થાકી પાકી આંખ્યુંનાં બે ટીપાં
તમે વ્હાલની છોળ
અમે તો છાંટો
તમે સફર વિરાટ
અમે તો આંટો.
આ અમે તમેનો ભેદ હજીયે કેમ રહે છે?
કેમ રહે છે
જવના દાણા જેટલી નાની ચકલી ઉપર
આભના જેવડી ઘાત?
બોલે ચતુર-સુજાણ!
પંખીએ પીડાને ચૂંથી કે રાજ
પછી પીડાએ પંખીને ચૂંથ્યું?
*
આમ
સવાલની શૂળી ઉપર
લટકે મારા પ્રાણ
મારો મેઈકપવાળો ચહેરો
આમ જુઓ કે તેમ જુઓ
બસ દૃશ્યો ભરતાં પહેરો.
મારો મેઈકપવાળો ચહેરો.
કોણ મને ઓળખશે?
કોણ રહ્યું છે મારું?
અંતે
મારી જૂની છાપરી નીચે
જઈને પડ્યો ખાટલે.
ચૌદ વરસનો થયો ખાટલો મારે.
હવે તો
દવા ભરેલી સોયું ખૈ ખૈ થઈ ચાળણી કાયા
સાગ ઢોલિયે ઉભડક બેસી જીવ ચાળતી માયા
જૂન ૧૭, ૧૯૭૩

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***